જાણો કેવી છે ફિલ્મ 'મુબારકાં'

તાજેતરના વરસાદમાં પાણીથી ફાટ-ફાટ થતા ધરોઈ ડૅમ પર ઊંધે માથે લટકાવ્યા પછી માણસની જે હાલત થાય એ કદાચ આ ફિલ્મ જોઈને નીકળેલા દર્શક કરતાં તો સારી જ હશે

reviw

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ


ડિરેક્ટર અનીસ બઝમીની ફિલ્મો પાસેથી આમ તો ગાદી પર બેસતા રાજકારણીઓ જેટલી જ અપેક્ષા હોય કે ભઈ, આ ખાસ કશું ઉકાળવાના છે નહીં. પરંતુ પ્રથા છે એટલે પાલન કરવું પડે છે. પરંતુ આ લેટેસ્ટ ‘મુબારકાં’ સહનશક્તિની લિટમસ ટેસ્ટ તરીકે વાપરી શકાય એ હદે ત્રાસદાયક છે. ઉપરથી પ્રેક્ષક તરીકે તમે એકલા છો અને સામે પડદા પર હુમલો બોલાવવા માટે આખી કપૂર આર્મી છે.

કમઠાણનો કરામત વિનાનો કસબ

આમ તો આ ફિલ્મની સ્ટોરી સમજાવવી એ વ્યાપમ કેસની આંટીઘૂંટીઓ સમજવા કરતાં પણ અઘરું કામ છે. છતાં વાત એટલી છે કે બે અલગ-અલગ સગાં પાસે લંડન અને ચંડીગઢમાં મોટા થયેલા બે ભાઈઓ કરન અને ચરન (બન્ને અર્જુન કપૂર)ને પૈણ ઊપડ્યું છે. આમ બન્ને લંબચોરસ થઈ જાય એ હદે પઠ્ઠા જેવા છે, પણ પોતપોતાના વડીલોને કહેવામાં તેમની જીભને કાંટા વાગે છે. એટલે તેમના ચાચા-કમ-મામા કરતાર સિંહ (અનિલ કપૂર)ની મદદથી જાતભાતની ચક્રમ જેવી સ્કીમો વિચારતા રહે છે અને કન્ફ્યુઝનનો કાટમાળ ખડકતા રહે છે.

mubarakan

હાનિકારક હાસ્ય

‘મુબારકાં’નાં એન્ડ ક્રેડિટ્સમાં પડદા પાછળનાં દૃશ્યો જોઈને આપણને ખ્યાલ આવે છે કે ફિલ્મના કલાકારોને પણ એકબીજાનાં નામો યાદ રાખવામાં ફેં ફાટતી હતી. ત્રણ અલગ-અલગ દિશામાં ફેલાયેલા એટલાબધા લોકો આ ફિલ્મમાં છે કે કોણ કોનું શું થાય અને કોનું લશ્કર ક્યાં શા માટે લડે છે એ સમજવા માટે ફિલ્મની ટિકિટની સાથે એક ફ્લોચાર્ટ આપવા જેવો હતો. અહીં અર્જુન કપૂર છે, અનિલ કપૂર છે, છોટે ભૈયા સંજય કપૂર પણ હું રહી ગયો એમ કહીને આંટો મારી જાય છે. તો પછી લગે હાથ શ્રીદેવીભાભી અને તેમની કુડીનાં પણ કંકુ પગલાં કરાવી નાખ્યાં હોત તો? આ ફિલ્મને સરસ ફૅમિલી આલ્બમની જેમ જોઈ શકાતને?

પહેલી વાત તો એ કે અહીં અર્જુન કપૂરના ડબલ રોલની શી જરૂર હતી? તેમના ડબલ રોલને છાજે એવી એક પણ સીક્વન્સ નથી. હશે ચાલો, અપના બચ્ચા હૈ. થોડા હંસખેલ લિયા. કોઈ ગલ નહીં. પરંતુ અનીસ બઝમીની ફિલ્મ પાસે ‘વેલકમ’ જેવી બાય ફ્લુક સારી બની ગયેલી કૉમેડીની અપેક્ષા હોય. પરંતુ અહીં કૉમેડીનો બાલિશ સ્તર કેવો છે એનાં સૅમ્પલ જુઓ : એક અત્યંત ગંભીર સીનમાં પવન મલ્હોત્રા જેવો દમદાર ઍક્ટર કહે છે, તેં મને કૂતરો કહ્યો? જા તું કૂતરો. આ જ પવન મલ્હોત્રા અન્ય પાત્રો વાત ન કરી શકે એ માટે મોટા અવાજે કોગળા કરીને કૉમેડી પેદા કરે છે. બે જોડિયાં બાળકોના છૂટા પડવા વિશે (વિજય રાઝ દ્વારા બોલાયેલો) વૉઇસ ઓવર કહે છે, ટ્વિન્સ કો ટ્વિન ટાવર કી તરહ અલગ કર દિયા. (રિયલી? એકવીસમી સદીની સૌથી ટ્રૅજિક ઘટનાનો જસ્ટ પ્રાસ મેળવવા માટે કૉમેડીમાં ઉપયોગ?) યે મૂલી હૈ પર મામૂલી નહીં. જજમેન્ટલ થવા બદલ સૉરી, પરંતુ આ સ્તરની કૉમેડીમાં ખડખડાટ હસનારા લોકોને શૂન્યથી ત્રણ વર્ષનાં બાળકો માટે બનેલાં રમકડાંથી રમવામાં પણ એટલી જ મજા પડતી હશે.

પંજાબી ક્લિશેનું તો આ ફિલ્મ શેડકાર્ડ છે. એટલે જ કોઈ જ કારણ વિના ફિલ્મમાં દર પાંચ મિનિટે ગુરુદ્વારા આવ્યા કરે, પંજાબીઓ હાથમાં વ્હિસ્કીના ગ્લાસ કે એ ન હોય તો લસ્સીના ગ્લાસ વગર વાત ન કરી શકે, પંજાબીઓને કાં તો કારની ડીલરશિપ હોય અથવા તો પાંચ-પચીસ ડઝન ટ્રૅક્ટરોના માલિક હોય, એ લોકો વિરામચિહ્નોની જગ્યાએ પૈરી પૌના, જિઉંદા રેહ વાપરતા હોય, પંજાબમાં દરેક ગલી-દરેક ખેતરમાં લોકો ભાંગડા અને જાતભાતનાં કરતબો જ કરતા હોય વગેરે- વગેરે. સ્ટોરી પંજાબમાં ચાલી રહી છે કે લંડનમાં એ જણાવવા માટે બન્નેના એટલાબધા એરિયલ શૉટ્સ મુકાયા છે કે જો એ કાઢી નખાય તો ફિલ્મની લંબાઈ કદાચ અડધો કલાક ઘટી જાય.

પરંતુ ખરો પ્રૉબ્લેમ છે આ ફિલ્મનો અન્ડરટોન. એક તો એના પઠ્ઠા જેવા ગભરુ જવાન હીરોલોગમાં એટલી ત્રેવડ નથી કે તે પોતે જેને પ્રેમ કરે છે તેને માતાપિતા સાથે મળાવી શકે. ઉપરથી કૉમેડીના નામે ત્રણ યુવતીઓ રીતસર ચલક ચલાણું, ઓલે ઘેર ભાણુંની જેમ અહીંથી તહીં ફંગોળાતી રહે છે. સૌથી ખરાબ સ્થિતિ થઈ છે નેહા શર્માની. ટ્રેલરમાં ક્યાંય ન દેખાયેલી આ ક્યુટ હિરોઇન ફિલ્મનું એકમાત્ર વર્કિંગ વુમન કૅરૅક્ટર છે. પરંતુ તેને આપણો મહાન હીરો માત્ર એટલા માટે રિજેક્ટ કરે છે, કેમ કે તે મુસ્લિમ છે. યુ નો, પાપાજી કો બહૂ કે તૌર પર એક સિખની હી ચાહિએ. એટલે સચ્ચા પ્યારના કોટિંગ હેઠળ તેના પાત્રને બીજા કોઈ સાથે લિટરલી વળગાડીને ફિલ્મમાંથી રવાના કરી દેવાય છે. જસ્ટ લાઇક ધૅટ. કન્યાના પિતા પાસેથી લગ્નના દરેક ખર્ચા બદલ દર થોડી વારે બૅન્ક કાર્ડ માગવામાં આવે એ પણ જસ્ટ કૉમેડી સારુ.

આ ફિલ્મની લંબાઈ પૂરા બે કલાક ને ૩૬ મિનિટ છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે મન પડે ત્યાં સુધી સૌ કન્ફ્યુઝન-કન્ફ્યુઝન રમે અને પછી થાય કે ચાલો હવે પૅકઅપ હોં. એટલે ફિલ્મ સંકેલી લેવામાં આવે. થિયેટરમાં નાસ્તાનો કારોબાર ચાલતો રહે એ જ એકમાત્ર હેતુથી અહીં દર થોડી વારે ઘોંઘાટિયાં ગીતો આવે છે. ગીતો અને ફિલ્મની સ્ટોરીને રીતસર કોઈ જ લેવાદેવા નહીં. એટલે સુધી કે હવા હવા સૉન્ગની પહેલાં હિરોઇન ઇલિયાના ડિક્રુઝ કોઈ વાતે રિસાયેલી છે. વચ્ચે તે કમર હલાવીને ગીત ગાઈ લે છે. ગીત પછી ફરી પાછાં રિસામણાં ચાલુ.

ફિલ્મમાં અડધાં પાત્રો તો શા માટે ધક્કામુક્કી કરવા મુકાયાં છે એ જ સમજાય એવું નથી. પરંતુ આર્ય એ વાતનું થાય કે પવન મલ્હોત્રા કે રત્ના પાઠક શાહ સરીખા કલાકારો શું માત્ર ગિલ્ટી પ્લેઝર માટે જ આવી ફિલ્મો કરતા હશે? સારાભાઈ વર્સસ સારાભાઈમાં ટૉપ ક્લાસ કૉમેડી કરનારાં રત્ના પાઠકે અહીં લિટરલી પડી-આખડીને અને કૃત્રિમ પંજાબી બોલીને કૉમેડી કરવી પડે? એકમાત્ર અનિલ કપૂરે પોતાની ઍક્ટિંગની ટચલી આંગળી પર આ ઘોંઘાટિયા ફિલ્મનો ગોવર્ધન ઊંચક્યો છે. પરંતુ તેમના કૅલિબરના ઍક્ટર આના કરતાં હજાર દરજ્જે સારી ફિલ્મો ડિઝર્વ કરે છે. અથિયા શેટ્ટી પણ ફિલ્મમાં માત્ર નેપોટિઝમ રૉક્સ બોલવા માટે જ આવી હોય એવું લાગે છે.

હાસ્યનો આઇડિયા


આખું અઠવાડિયું નોકરી-ધંધાની મગજમારીઓ કરીને કંટાળ્યા છીએ, ગમે તેમ કરીને હસવું છે પછી ભલે ગમે તે સ્તરની કૉમેડી હોય અને ફેંકી દેવા માટે ત્રણ કલાક ને બહુ બધા પૈસા ફાજલ પડ્યા હોય તો આ ફિલ્મ તમારા વીક-એન્ડનો એક વિકલ્પ બની શકે. બાકી આ નાયગરા ધોધ કરતાં પણ લાઉડ અને મગજ વિનાની ફિલ્મ જોવા કરતાં બૉક્સ-ઑફિસ પર બીજા ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK