ફિલ્મ-રિવ્યુ : તેરે બિન લાદેન - ડેડ ઑર અલાઇવ

લાદેન હણાયો : કટાક્ષો વા કંટાળો વા, કેટલાક અફલાતૂન કટાક્ષ અને બ્લૅક કૉમેડી ધરાવતી આ ફિલ્મ નવીન સ્ટોરીના અભાવે સુસાઇડ-બૉમ્બર બની ગઈ છે

tere bin laden


જયેશ અધ્યારુ


વિશ્વમાં ઘટતી કેટલીક વાતો એટલીબધી ઘૃણાસ્પદ હોય કે એને કટાક્ષના ચાબખા મારીને હસી કાઢવી જ બહેતર હોય છે. ફૉર એક્ઝામ્પલ, ત્રાસવાદ અને કહેવાતી મહાસત્તાઓનો એના પ્રત્યેનો સ્વાર્થી અપ્રોચ. દાયકાઓ પહેલાં ચાર્લી ચૅપ્લિને પોતાની ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં હિટલરની ઠેકડી ઉડાડેલી. ચાર વર્ષ પહેલાં સાશા બૅરન કોએન નામના ઍક્ટરની ‘ધ ડિક્ટેટર’માં કદ્દાફી જેવા સરમુખત્યારોને અડફેટે લીધેલા. બે વર્ષ પહેલાં આવેલી ‘ધ ઇન્ટરવ્યુ’ નામની હૉલીવુડની ફિલ્મે તો નૉર્થ કોરિયાના ચક્રમ સરમુખત્યાર કિમ જોંગ ઉનની ખોપડી હટાવી દીધેલી. જ્યારે આપણે ત્યાં છ વર્ષ પહેલાં આવેલી ‘તેરે બિન લાદેન’એ અમેરિકાની કથિત વૉર ઑન ટેરરનાં છોતરાં ફાડ્યાં હતાં. સરપ્રાઇઝ હિટ થઈ ગયેલી એ ફિલ્મની હવે રહી-રહીને સીક્વલ બનાવાઈ છે. જોકે સીક્વલ કરતાં અંગ્રેજીમાં વપરાતો સ્પિન-ઑફ શબ્દ આ ફિલ્મ માટે વધારે યોગ્ય છે. આ ફિલ્મમાં સટાયર તો ચટાકેદાર છે, પણ સ્ટોરી સાવ ફીકીફસ છે.

ઓસામા હાઝિર હો

દિલ્હીના ચાંદની ચોકમાં શર્માસાહેબની મીઠાઈની દુકાન છે. જોકે તેમના દીકરા (મનીષ પૉલ)ને જલેબીઓ નહીં પણ ફિલ્મો બનાવવી છે. આ છોટે શર્મા મુંબઈમાં પ્રોડ્યુસરોનાં પગથિયાં ઘસી કાઢે છે, પણ એમ ફિલ્મ કોણ બનાવવા દે? અચાનક તેને એક નમૂનો ભટકાય છે જે દેખાવે ડિટ્ટો ઓસામા બિન લાદેન જ દેખાય છે. પદ્દી સિંહ (પ્રદ્યુમન સિંહ) નામના એ નમૂનાને લઈને તે ‘તેરે બિન લાદેન ફિલ્મ બનાવી કાઢે છે, જેની સુગંધ છેક અમેરિકાથી લઈને અફઘાનિસ્તાન સુધી પહોંચી જાય છે. ફિલ્મની સીક્વલ પ્લાન થાય છે, પણ એ જ અરસામાં ઓરિજિનલ લાદેનની ગેમ ઓવર કરી નખાય છે. હવે ત્રાસવાદી આલમમાં ગ્રેટ ડિપ્રેશનનો માહોલ છે. બીજી બાજુ ઓબામાને પણ આપણા મુન્નાભાઈની જેમ ચારેકોર લાદેન દેખાવા લાગે છે અને ખુરસી બચાવવા મરેલા લાદેનનો ચહેરો બતાવવો ફરજિયાત બની જાય છે. મીન્સ કે અમેરિકા અને આતંકવાદીઓ બન્નેને લાદેનનું થોબડું દુનિયાને બતાવવામાં રસ છે. એ સાથે જ પદ્દીનું કાળ ચોઘડિયું શરૂ થાય છે.

લારાલપ્પા હો ગયા

એટલું તો માનવું પડે કે આ ફિલ્મમાં ડુપ્લિકેટ લાદેન બનતા ફિલ્મના ઓરિજિનલ લેખક પ્રદ્યુમન સિંહ અને ડિરેક્ટર અભિષેક શર્માનાં ઑબ્ઝર્વેશન્સ સુપર્બ છે. ફિલ્મની શરૂઆતથી જ એકેક સીનમાં ખૂણેખાંચરે તેમણે કટાક્ષ અને બ્લૅક હ્યુમર કૂટી-કૂટીને ભર્યા છે. જેમ કે હીરો મનીષ પૉલ ‘કાગઝ કે ફૂલ’ના ગુરુ દત્તના પોઝમાં રૂમમાં એન્ટ્રી મારે અને એ જ રૂમમાં ડિરેક્ટરની આઇકૉનિક ખુરસી પડેલી હોય. ફ્લિન્ટસ્ટોન્સ જેવા કાર્ટૂનની જેમ રહેતા બબૂચક ત્રાસવાદીઓ જન્નતની હૂરોની લાલચે અને ટ્રેઇનિંગના ભાગરૂપે આતંકની ઑલિમ્પિક્સ રમતા હોય જેમાં લૅન્ડમાઇન જમ્પિંગ, બૉમ્બ રિલે, ગ્રેનેડ થ્રો જેવી ગેમ્સ હોય. આતંકવાદીઓ આરામથી ભારતમાં ઘૂસી જાય અને તેમની ખખડધજ ગાડીનો નંબર હોય POK ૧૯૭૧. ઓસામાના દુ:ખમાં એ લોકો દારૂ અને કૅન્ડિફ્લોસ સાથે લાદેનની જ વિડિયો-ક્લિપિંગ્સનો શો માણતા હોય. અમેરિકન એજન્ટ ડેવિડ ચઢ્ઢા (સિકંદર ખેર) ત્રાસવાદીઓને હણવાની ગેમ ઑફ ડ્રોન્સ રમતો હોય. પોતાના સૈનિક મરી જાય તો પણ અમેરિકાને ઝાઝો ફરક પડતો નથી એ વાત પણ અહીં સુપર્બલી બતાવાઈ છે. અરે, બરાક ઓબામા તરીકે અહીં ઇમાન ક્રૉસન નામના અભિનેતાને લઈ આવ્યા છે જેણે ઓબામાની બોલવાની સ્ટાઇલ અદ્દલ પકડી છે. આપણા ડિરેક્ટરે ઓબામાના ચહેરા પરના નાનકડા મસાનું પણ ધ્યાન રાખ્યું છે. ઓબામાના યસ વી કૅન સ્લોગન જેવી અમુક મજાકો માણવા માટે તમારું જનરલ નૉલેજ પણ અમુક લેવલથી વધારે હોવું જરૂરી છે બાય ધ વે.

માત્ર અમેરિકા કે ત્રાસવાદીઓ જ નહીં, આ ફિલ્મે આપણા બૉલીવુડને પણ અડફેટે લીધું છે. એકાદી હિટથી ચગી જતા આપણા સ્ટારલોગ, ભાવ ખાતા પ્રોડ્યુસરોથી લઈને હૉલીવુડમાં રોલ મેળવવા ગાંડા કાઢતા અભિનેતાઓને પણ અહીં સળી કરાઈ છે. ઍક્ટર મનીષ પૉલના મોઢે એક સુપર્બ લાઇન છે : યે બૉલીવુડવાલે હૈં, હૉલીવુડ મેં એક મિનિટ કે રોલ કે લિએ ભી એક સાલ તક ઢોલ બજાએંગે. બ્રિલિયન્ટ.

તો પછી આ ફિલ્મ સીધી ‘જાને ભી દો યારો’ જેવી કલ્ટ બ્લૅક કૉમેડીની લાઇનમાં જઈને પડવી જોઈએ, રાઇટ? રૉન્ગ. ઑબ્ઝર્વેશન્સ અને ડીટેલિંગને બાદ કરતાં આ ફિલ્મમાં સ્ટોરીના નામે કશું જ નવીન નથી. બલકે અડધી ફિલ્મ પત્યા પછી તો બ્લૅક કૉમેડીનું રૂપાંતર સીધું ફારસમાં થઈ જાય છે. અગાઉ ‘વૉર છોડ ના યાર’ અને ‘બૅન્ગિસ્તાન’ જેવી કટાક્ષિકાઓમાં પણ આવું જ થયેલું. અડધે રસ્તે પહોંચ્યા પછી શું કરવું એ સૂઝે નહીં એટલે જે સૂઝે એ પીરસી દઈને ફિલ્મને પૂરી થયેલી જાહેર કરી દેવામાં આવે. ૧૧૦ મિનિટની આ ફિલ્મમાં ઇન્ટરવલ પછી તો આપણે જાણે કહી ઊઠીએ કે તમારે જે કરવું હોય એ કરો, હું તો એક ઝોકું ખેંચી લઉં છું, છેલ્લે રિઝલ્ટ શું આવ્યું એ કહી દેજો.

બીજો એક પ્રૉબ્લેમ એ છે કે લાદેન હણાયો એ પછી ત્રાસવાદની ગટરમાં ઘણું લોહી વહી ચૂક્યું છે. હવે તો એનાથીયે ખતરનાક એવા ISIS જેવા કાળી બુકાનીધારી આતંકવાદીઓ ખોફ વર્તાવી રહ્યા છે. એટલે આ ફિલ્મમાં ત્રાસવાદીઓની ક્લિશે ઇમેજ પેશ કરવાને બદલે એના લેટેસ્ટ ચહેરાની મજાક ઉડાવાઈ હોત તો ફિલ્મ વધુ રેલવન્ટ બની હોત.

ક્યુટ મનીષ પૉલનું કૉમિક ટાઇમિંગ સરસ છે અને તેને જોકરવેડા કરતો જોવો ગમે છે. પીયૂષ મિશ્રા પોતાની દર બીજી ફિલ્મમાં અસ્થમાના દરદીની જેમ હાંફતાં-હાંફતાં બોલીને હવે બોર કરે છે. આ ફિલ્મની અજબ જેવી વાત એ છે કે એમાં સિકંદર ખેરની ઍક્ટિંગ જોવા જેવી છે. નવા જ લુકમાં પેશ થયેલા સિકંદરે અમેરિકન અને પંજાબી બોલી વચ્ચે સરસ વૉઇસ-મૉડ્યુલેશન કર્યું છે. બાય ધ વે, આ સિકંદરની હવે ખેર નથી, કારણ કે આ ફિલ્મમાં તેણે પોતાના નામમાંથી ખેર હટાવી લીધું છે. ખેર, હશે હવે. લાદેન બનતો પ્રદ્યુમન સિંહ તો ઍક્ટિંગ અને રાઇટિંગ બન્નેમાં પાવરધો છે (ખાલી સ્ટોરીમાં જ અહીં લોચો માર્યો). બીજી હળવી મજાઓ એ છે કે ફિલ્મમાં ઘણા કલાકારો પોતાનાં ઓરિજિનલ નામ સાથે જ પેશ થયા છે. જેમ કે અલી ઝફર, આપણા ગુજરાતી ચિરાગ વોરા, સુગંધા ગર્ગ, રાહુલ સિંહ વગેરે. ઈવન ફિલ્મની પ્રોડ્યુસર બહેનો પૂજા અને આરતી શેટ્ટી પણ અહીં સદેહે પેશ થાય છે. મતલબ કે ફિલ્મમાં બધાને એક જ પાણીએ સાબુ-સોડા વગર ધોવામાં આવ્યા છે.

જાને ભી દો યારો


એક બાજુ હરખ થાય કે આપણે ત્યાં સાવ ફૂવડને બદલે દારૂ અને કૅન્ડિફ્લોસ સાથે સટલ્ટી, સટાયર અને બ્લૅક કૉમેડી ધરાવતી ફિલ્મો પણ બને છે. લેકિન દુ:ખ એ છે કે એક તો આમેય એને ઑડિયન્સ ઓછું મળતું હોય, ઉપરથી ફારસ થઈ જતી સ્ટોરીને કારણે ફિલ્મ સાવ ઢબી જાય. થિયેટરમાં લાંબા થવા જેવી આ ફિલ્મ હરગિજ નથી (હા, અડધી ફિલ્મ અડધા પૈસે જોવા મળતી હોય તો વાત અલગ છે). DVD આવે ત્યારે વાત.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK