ફિલ્મ-રિવ્યુ : હમશકલ્સ - ત્રાસનો ટ્રિપલ રોલ

Rating : * (1 star) આ ફિલ્મ નથી, પોણાત્રણ કલાકનું સાજિદ ખાનના પુઅર જોક્સનું કલેક્શન છેઆમ તો ‘હિંમતવાલા’ની રીમેક બનાવીને સાજિદ ખાને સાબિત કરી જ દીધેલું કે તે કઈ કક્ષાની હથોડાછાપ ફિલ્મો બનાવી શકે છે. પરંતુ ના, ઑડિયન્સના દિમાગની ભેજાફ્રાય કરવાની તેની અતૃપ્ત ઇચ્છા હજી પૂરેપૂરી સંતોષાઈ નથી અને એટલે જ તે ‘હમશકલ્સ’ લઈને આવ્યો છે. સૈફ, રિતેશ અને રામ કપૂરના ટ્રિપલ રોલવાળી આ ફિલ્મના દરેક પાત્રમાંથી સાજિદ ખાન જ પોતાના વાહિયાત ભ્.થ્. (પુઅર જોક્સ) કહેતો હોય એવું લાગે છે.

કમઅક્કલ્સ

અશોક સિંઘાનિયા (સૈફ અલી ખાન) લંડનનો એવો અબજોપતિ છે જે પાન ખાવા જાય તો પણ હેલિકૉપ્ટર લઈને નીકળે છે. જાણે ભારતને ગુલામ બનાવવાનો બદલો લેતો હોય એ રીતે તે નર્દિોષ અંગ્રેજોને પોતાના ગંદા જોક્સ સંભળાવીને બોર કરે છે. તેનો એક દોસ્તાર પણ છે, કુમાર (રિતેશ દેશમુખ). તે ખાલી-ખાલી ટાઇમપાસ કરવા જ તેની સાથે ફર્યા કરે છે. સૈફના પપ્પા (આકાશ ખુરાના) ૬ વર્ષથી કોમામાં છે. વધુમાં તેના કંસમામા (રામ કપૂર) સૈફને ગાંડો સાબિત કરીને તેની અબજોની સંપત્તિ હડપ કરી જવા માગે છે. આ મામો લિટરલી કંસ છે, કેમ કે તેનું નામ જ કુંવર અમર નાથ સિંહ એટલે કે કંસ છે.

એક સાયન્ટિફિક આઇડિયા લડાવીને આ મામો સૈફ અને રિતેશને પાગલખાને પહોંચાડી દે છે. ત્યાં પહોંચીને ખબર પડે છે કે ત્યાં તો ઑલરેડી સૈફ અને રિતેશના હમશકલ્સ મોજૂદ છે. ગામને કોકેનનાં પરાંઠાં ખવડાવી દેવા બદલ તેમને એટલા ઇલેક્ટિÿક શૉક્સ અપાયેલા કે હવે બન્નેની ડાગળી ચસકી ગઈ છે અને તેઓ પોતાને પાંચેક વર્ષના નાના બાળક સમજવા લાગ્યા છે. કહાનીમાં એવો ટ્વિસ્ટ આવે છે કે આ ગાંડા સૈફ-રિતેશ ઓરિજિનલ સૈફ-રિતેશની જગ્યાએ બંગલામાં ગોઠવાઈ જાય છે. બીજી બાજુ ઓરિજિનલ સૈફ-રિતેશને મામાની આખી ગેમની ખબર પડે છે ત્યારે તેમની પાસે હુકમનો એક્કો આવી જાય છે. પાગલખાનાના ભોંયતળિયે ખૂનખાર પાગલ જૉની (અગેઇન રામ કપૂર)ને પૂરી રખાયો છે, જે કોઈ વ્યક્તિ છીંક ખાય તો તેને મારવા દોડે છે અને લૉલીપૉપ ચૂસે તો જ શાંત થાય છે.

હવે હમશકલ્સની આ બીજી ત્રિપુટી પણ પાગલખાનાની બહાર નીકળે છે અને છોકરીઓ બનીને આપણો ટાઇમ વેસ્ટ કરે છે. એટલું ઓછું ન હોય એમ એક નવા સાયન્ટિફિક આઇડિયાથી ત્રીજા સૈફ-રિતેશ એન્ટર થાય છે. હમશકલ્સની ત્રિપુટી પૂરી કરવા માટે ત્રીજો રામ કપૂર પણ આવે છે. આ બધા વચ્ચે એટલી ધમાચકડી થાય છે કે આપણા દિમાગની હાલત વૉશિંગ મશીનમાં ફરતાં કપડાં જેવી થઈ જાય છે.

અ સાજિદ ખાન ફિલ્મ એ ક્રેડિટ નથી, વૉર્નિંગ છે

કૉમેડી ઑફ એરર્સ એ હાસ્યનો એવો પ્રકાર છે જેમાં એક પછી એક ગરબડોની હારમાળા સર્જા‍તી રહે અને એમાંથી આપણે પેટ પકડીને હસી પડીએ એવું હાસ્ય નિષ્પન્ન થતું રહે, પરંતુ પોતાના નબળા જોક્સ પર સાજિદ ખાનને એટલોબધો પ્રેમ છે કે એ સ્ટોરીમાંથી નહીં, બલકે એ સડેલા વનલાઇનર્સમાંથી જ હાસ્ય પેદા કરવાનો પ્રયાસ કરતો રહે છે. જોકે મોટા ભાગે તેની એવી કૉમેન્ટ્સમાંથી હાસ્ય પેદા થતું જ નથી. પડદા પર એટલું વાહિયાત ફારસ ભજવાય છે કે આખરે એ વાહિયાતપણા પર આપણને હસવું આવવા માંડે.

સાજિદ આ વિશ્વમાં કંઈ પણ સિરિયસ્લી લેતો હોય એવું લાગતું નથી, કેમ કે ફિલ્મની શરૂઆતમાં જ તે મોટા અક્ષરોમાં કહે છે: એક શાણા માણસે મને શીખવ્યું છે કે.... સૉરી ભૂલી ગયો. પછી તે એવું કહે છે કે પોતે પીટર સેલર્સ, કિશોરકુમાર અને જિમ કૅરી જેવા ધરખમ હાસ્યકલાકારોથી પ્રેરિત થયો છે. સાચી વાત છે, ‘હમશકલ્સ’માં ઘણી સિચુએશન્સ આ કલાકારોની ફિલ્મોમાંથી ઉઠાવી લેવામાં આવી છે. જોકે સાજિદ એ લોકોમાંથી કશું શીખ્યો હોય એવું લાગતું નથી, કેમ કે ફારસ હાસ્યપ્રદને બદલે કદાચ હાસ્યાસ્પદ લાગી શકે, પણ વાહિયાત તો ન જ લાગવું જોઈએ.

પોણાત્રણ કલાક ઉપરની આ ભયંકર ધીમી ફિલ્મમાં એક પછી એક એવી સિચુએશન્સ આવતી રહે છે કે તમને તમારા પોતાના માનસિક સંતુલન પર શંકા થઈ આવે. ફૉર એક્ઝામ્પલ્સ: શરીર ઇન્સાન કા લેકિન દિમાગ કુત્તે કા, કોકેન કે પરાઠે, વોડકા કે પરાઠે, પોતાની ચેમ્બરમાં વિશ્વના સરમુખત્યારોનાં પોસ્ટર્સ રાખતો અને ખૂનખાર પાગલોને ર્બોડ પર લોખંડ ઘસીને એના અવાજથી ઇરિટેટ કરતો પાગલખાનાનો વૉર્ડન (સતીશ શાહ), શુદ્ધ હિન્દી અને મરાઠી ગાળ બોલતા પ્રિન્સ ચાલ્ર્સ વગેરે વગેરે.

હજી સાજિદગાથા ચાલુ જ છે. એ ઉપરાંત તેણે વલ્ગૅરિટી, ગે જોક્સ અને પોટ્ટી હ્યુમરનું પણ છૂટથી મેળવણ નાખ્યું છે (એક સૅમ્પલ: મૈં તુમ્હારી રાતેં રંગીન કર દૂંગા... આઇ મીન મૈં તુમ્હેં રંગીન લૅમ્પ્સ ગિફ્ટ મેં દૂંગા). તેની ટેવ મુજબ તેણે હિન્દી ફિલ્મસ્ટાર્સની પટ્ટી ઉતારવાનું પણ બાકી નથી રાખ્યું. તેણે દિલીપકુમાર અને રણજિતથી લઈને રાજેન્દ્રનાથની એવી ભંગાર મિમિક્રી કરાવી છે કે અત્યારની જનરેશનને કદાચ હસવું આવે, પણ જૂની ફિલ્મોના ચાહકોની આંખો ક્રોધથી લાલ થઈ જાય. જોકે સાજિદને એક વાતે માર્ક આપવા પડે કે તેણે પોતાના પર પણ જોક કરી છે. તેનું એક પાત્ર ટૉર્ચર કરવા માટે પોતાની જ ‘હિમ્મતવાલા’ બતાવે છે. 

પાર્ટનર્સ ઇન ક્રાઇમ... સૉરી, કૉમેડી

સૈફ અને રિતેશ આપણને હસાવવા માટે એટલીબધી મહેનત કરે છે કે અમુક સીનમાં આપણે તેમના પર દયા ખાઈને હસી પણ પડીએ, પરંતુ ખરેખર જે માણસ બધા પર લિટરલી ભારે પડ્યો છે તે છે રામ કપૂર. આ માણસ ત્રણેય રોલમાં અલગ, રિયલ અને એકદમ સુપર્બ લાગે છે. તેની એન્ટ્રીમાત્રથી ઑડિયન્સના મોંમાંથી ખીખીખી, હીહીહી કે (લેડીઝ હોય તો)

કું કું કું જેવા અવાજો નીકળવા માંડે.

ખૂનખાર હિટલરપ્રેમી વૉર્ડન ળ્. પ્. રાજ (બોલે તો, યમરાજ) તરીકે સતીશ શાહે ઘણા સમયે મોટા પડદે એન્ટ્રી મારી છે અને એ પણ સુપર્બ. કરન્ટી બિજલાની જેવા વિચિત્ર નામ સાથે ચંકી પાંડે પણ એક નાનકડા રોલમાં છે, પણ તે પોતાના ટિપિકલ ગાંડાવેડા સિવાય ખાસ કશું ઑફર નથી કરતો. આપણા દર્શન જરીવાલા પણ ફિલ્મમાં છે, પણ તેમના ભાગે સમ ખાવા પૂરતો એક પણ સારો સીન નથી આવ્યો.

અરે હા, ફિલ્મમાં બ્યુટિફુલ તમન્ના ભાટિયા, બિપાશા બાસુ અને ઈશા ગુપ્તા જેવી સુંદરીઓ છે, પરંતુ તેમનું કામ ટૂંકાં કપડાં પહેરીને ગીતો ગાવા સિવાય ખાસ કશું છે જ નહીં. ગીતની વાત પરથી યાદ આવ્યું કે ફિલ્મનું ‘કૉલર ટuુન’ સૉન્ગ ખરેખર ઝક્કાસ બન્યું છે, પરંતુ બાકીનાં ગીતોમાં હિમેશ રેશમિયાએ દાટ વાળ્યો છે (કૉમેડીનો ત્રાસ ઓછો હતો કે હિમેશભાઈએ ગળું પણ ખંખેર્યું છે).

તમે ખરેખરા હિંમતવાલા છો?

જેમ એક જ લાઇનમાં પાનની પાંચ દુકાનો હોય તોય દરેકને પોતપોતાના ઘરાકો મળી રહે એ ન્યાયે સાજિદના ભ્.થ્.ના હથોડાછાપ કલેક્શન જેવી આ ફિલ્મને પણ એના ફૉલોઅર્સ મળી જ રહેવાના. જો તમને સાજિદ ખાનના ટેસ્ટની હ્યુમર ગમતી હોય તો તમારા હિસાબે ને જોખમે ફિલ્મ જોવાનું જોખમ ખેડી શકો. ઍટલીસ્ટ ત્રણ કલાક, થોડા રૂપિયા અને એકાદ મેટાસિનની ગોળી સિવાય ખાસ કશું ગુમાવવાનું નહીં આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK