ફિલ્મ-રિવ્યુ : હીરોપંતી

Rating : * * (2 Star) ઍક્ટિંગવાલે પાપા કા ઍક્શનવાલા બેટા. પ્રોજેક્ટ-ટાઇગર (શ્રોફ) જેવી આ ફિલ્મમાં બોરિંગ લવ-સ્ટોરીએ અદ્ભુત ઍક્શનનો શિકાર કર્યો છે
(યશ મહેતા)

આજથી ૩૧ વર્ષ પહેલાં વાંસળીની જે ટ્યુન પર પાપા જૅકી શ્રોફે સ્ટારડમ મેળવેલું એ જ ટ્યુન પર આજે તેનો દીકરો ટાઇગર ડાન્સ કરી રહ્યો છે. જૅકીપુત્ર ટાઇગર અને નવોદિત ક્રિતી સૅનનને ચમકાવતી ફિલ્મ ‘હીરોપંતી’ તેલુગુ ફિલ્મ ‘પરુગુ’ની રીમેક છે, જે હીરો-હિરોઇન અને થોડી અદ્ભુત ફાઇટ્સને બાદ કરતાં કશું જ નવું ઑફર નથી કરતી.

વહી પુરાના પ્યાર કા દુશ્મન ઝમાના

‘હીરોપંતી’ હરિયાણા નામના ભારતના એવા પ્રદેશની વાર્તા છે જ્યાં કાંઈ પણ કરો તો ચાલે, પણ પ્રેમ કરો તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે. તોય ત્યાંના એક માથાભારે ચૌધરી સૂરજ સિંહ (પ્રકાશરાજ)ની દીકરી રશ્મિ પ્રેમમાં પડે છે અને બરાબર લગ્નના દિવસે પોતાના પ્રેમી સાથે ભાગી છૂટે છે. ચૌધરીના મોભાદાર પરિવારમાં એક એન્કાઉન્ટર-સ્પેશ્યલિસ્ટ, એક બાઉન્સર-સપ્લાયર, પોતાની જ પૅરૅલલ આર્મી ચલાવતો ફાટેલ મગજનો ગગો વગેરે બાવડેબાજ માથાભારે લોકોનો કાફલો ભર્યો છે. અરે, ખુદ ચૌધરીસાહેબનો બાયોડેટા કહે છે કે એક વાર તેમણે એક રાતમાં ૧૮ લોકોને ઠાર મારેલા. આ કાફલો ભાગેલી દીકરી અને તેના પ્રેમીને શોધવા નીકળે છે. તેઓ ક્યાં હશે એની તેના પ્રેમીના દોસ્તારોને જરૂર ખબર હશે એમ માનીને તાઉની સેના દોસ્તારોને કિડનૅપ કરીને પોતાના ગાંવમાં પૂરી રાખે છે. એ સેનામાં એક છે બબલુ (ટાઇગર શ્રોફ) જે વાઘની જેમ તરાપ મારે છે, સિક્સ-પૅક ઍબ્સ ધરાવે છે અને (ઍક્ટિંગની જેમ) તેને કોઈનાથી ડરતાં આવડતું નથી.

જીભ અને મગજનું કામ હાથથી લેતા ચૌધરીના ભાઈલોગ ટાઇગરને વૉશિંગ મશીનમાં કપડાં ધોવાતાં હોય એ રીતે ધોઈ નાખે છે, પણ એ ભાગેલાં પ્રેમી પંખીડાંનું લોકેશન જણાવતો નથી. આ ભાંજગડમાં ટાઇગરબાબાને ખબર પડે છે કે જેને જોઈને તેને પહેલી નજર મેં પહલા પ્યાર થઈ ગયેલો તે છોકરી ડિમ્પી (ક્રિતી સૅનન) તો આ ચૌધરી સૂરજ સિંહની જ નાની દીકરી છે.

આખરે દોસ્તારોને મારી નાખવાની ધમકીને વશ થઈને ટાઇગર કહે છે કે પ્રેમી પંખીડાં દિલ્હીમાં છે. તાઉનો આખો કાફલો જાન જોડીને દિલ્હી જાય છે અને સાથે ડિમ્પીબહેનને પણ લે છે. આ દિલ્હીદર્શન દરમ્યાન ટાઇગર-ક્રિતી વચ્ચે પણ લાગણીના વાવેતરથી પ્રેમના અંકુર ફૂટી નીકળે છે. ફરી પાછો ગ્લોબલ વૉર્મિંગ જેવો પાપા પ્રકાશરાજનો ગુસ્સો ફાટે છે અને ડિમ્પીનાં લગ્ન બીજે ઠેકાણે ગોઠવાઈ જાય છે. હવે આ બન્નેને માત્ર એક જ ચીજ ભેગાં કરી શકે છે, ધ ગ્રેટ ઇન્ડિયન ઇમોશનલ ડ્રામા!

ઓછી ઍક્શન, ઝાઝાં ઇમોશન

અગાઉ અક્ષયકુમાર અને કરીના કપૂર સ્ટારર ‘કમ્બખ્ત ઇશ્ક’ બનાવી ચૂકેલા ડિરેક્ટર શબ્બીર ખાનની આ ફિલ્મ ‘હીરોપંતી’ જૅકી શ્રોફના દીકરા ટાઇગરને લૉન્ચ કરવા માટે જ બનાવાઈ હોય એવું સ્પક્ટ દેખાઈ આવે છે. ફિલ્મનું નામ પણ પાપા જૅકીને જેનાથી સ્ટારડમ મળેલું એ હીરો પરથી જ રખાયું છે એટલું જ નહીં, દીકરો ‘હીરો’ ફિલ્મની સિગ્નેચર ટ્યુન પર જ આખી ફિલ્મમાં જાતભાતનાં કરતબ કરે છે. છેલ્લા થોડા દિવસથી ટાઇગરના નામ અને તેના સફાચટ ચહેરા વિશે ટ્વિટર પર જોક્સનું ઘોડાપૂર વહી રહ્યું છે, પણ એટલું તો માનવું પડે કે તેણે બૉડી-બિલ્ડિંગ માટે જિમ્નેશ્યમમાં સારોએવો પરસેવો પાડ્યો છે. જે સ્ફૂર્તિથી તે કૂદાકૂદ કરે છે એટલી જ સરળતાથી હૃતિક રોશનછાપ ડાન્સ પણ કરી શકે છે, પરંતુ હીરો બનવા માટે આટલાથી જ જો કામ ચાલતું હોત તો અત્યારે હર્મન બાવેજાએ હૃતિકને રિટાયર કરી દીધો હોત. ટાઇગર ઍક્ટિંગમાં અત્યંત કાચો પડે છે. ઈવન તેની સિગ્નેચર લાઇન સબ કો આતી નહીં, મેરી જાતી નહીં બોલવામાં પણ તે જાણે કબજિયાત મટાડવાની દવા વેચતો હોય એવું લાગે.

ટાઇગરબાબાને ઍક્ટિંગમાં એટીકેટી આવે છે, તો હિરોઇન બનતી ક્રિતીબેબી દેખાવમાં સરસ ફેર ઍન્ડ લવલી છે, પરંતુ ઍક્ટિંગમાં તો તે પણ કંઈ યાદ રહી જાય એવું ઑફર નથી કરતી. અહીં વિલનગીરી કરવા માટે પ્રકાશરાજ છે, જે હવે એકસરખા રોલ કરવા માટે કદાચ ગિનેસ બુકમાં પોતાનું નામ નોંધાવશે. અહીં ફરી પાછા એના એ જ જયકાંત શિક્રે ટાઇપના પાત્રમાં આવ્યા છે, પણ હા, એટલું માનવું પડે કે એવી કડક ઍક્ટિંગ તેમને પર્ફેક્ટ આવડે છે. એ સિવાય આખી ફિલ્મમાં એક પણ પાત્રનો ઉલ્લેખ કરી શકાય એવું વેઇટેજ કોઈને મળ્યું નથી. માત્ર એક સીનમાં (કૉમેડી નાઇટ્સની ગુત્થી ફેમ) સુનીલ ગ્રોવર આવે છે અને ખરેખર યાદ રહી જાય છે.

પ્રેમીઓને પકડીને ધોકાવવા સિવાય બીજો કોઈ કામધંધો ન હોય એવી સ્ટોરીવાળી ફિલ્મોની આપણે ત્યાં નવાઈ નથી. જ્યારે એ જ લાઇન પર ફિલ્મ બનાવવી હોય ત્યારે ફિલ્મમાં કંઈક તો નવું જોઈએને. અરે, હીરો-હિરોઇનને ગુંડાઓથી બચાવે અને એ જોઈને હિરોઇન હીરોના પ્રેમમાં પડી જાય એ ટ્રૅક તો કદાચ ડાયનોસૉરના જમાનામાં પણ આઉટડેટેડ ગણાતો હશે. આટલી હદે ઍસેમ્બલી લાઇન પ્રોડક્શન જેવી બીબાઢાળ ફિલ્મ હોવા છતાં એ લગભગ અઢી કલાક જેટલી તોતિંગ લાંબી છે. જો વિપશ્યના કે મેડિટેશન કરવાનો અનુભવ હોય તો જ આટલો સમય ધીરજ રાખીને બેસી શકીએ.

એમ છતાં

ઍક્શન ક્રેઝી યંગસ્ટર્સને મજા પડે એવી ઍક્શન અને ચેઝ સીક્વન્સિસમાં ટાઇગરબાબા ફુલ માર્કે પાસ થાય છે, પરંતુ તેની આ ખૂબીનો ઝાઝો ઉપયોગ કર્યો હોત તો આ ટાઇગરની ઍક્ટિંગની ઊણપ ઢંકાઈ જાત. હા, ફિલ્મમાં સાજિદ-વાજિદે સારું મ્યુઝિક આપ્યું છે. ખાસ કરીને ‘જિયા લાગે ના’ તથા ‘હો જાઉંગા તબાહ’ તો મોબાઇલમાં ફરી-ફરીને સાંભળવાની ઇચ્છા થાય એવાં સરસ બન્યાં છે.

આ પ્રોજેક્ટ-ટાઇગરમાં જોડાવું કે નહીં?

બ્રુસ લી અને જૅકી ચેનની યાદ અપાવી દે એવી ફાઇટ્સ કરતા ટાઇગર શ્રોફને જોવો હોય તો આ ફિલ્મ જોવા જઈ શકાય, પરંતુ તેની થોડી ફાઇટ્સ જોવા માટે બાકીની લાંબી કંટાળાજનક ફિલ્મ સહન કરવાની તૈયારી રાખવી પડે. બાકી સારાં સૉન્ગ્સ માટે સ્માર્ટફોન તો છે જને. હવે ચૉઇસ ઇઝ યૉર્સ!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK