ફિલ્મ-રિવ્યુ : સિટીલાઇટ્સ, દુખી થવાની ગૅરન્ટી

હંસલ મહેતાની સિટીલાઇટ્સ માત્ર મનોરંજન માટે કે ફ્રેશ થવા માટે ફિલ્મો જોવા જતા લોકો માટે નથી

(યશ મહેતા)

ગરીબી આપણી ફિલ્મોનું ગિલ્ટી પ્લેઝર છે. ગરીબો કેવી હાલાકી ભોગવીને જીવે છે એનો ત્રાસ થઈ જાય એટલી હદે ચિત્રણ કરતી કૃતિઓ ઇન્ટરનૅશનલ ફિલ્મ સર્કિટમાં રાતોરાત હિટ થઈ જાય છે. એનાં ‘દો બીઘા ઝમીન’થી લઈને ‘સલામ બૉમ્બે’ અને ‘સ્લમડૉગ મિલ્યનેર’ સુધીનાં ઉદાહરણોનો ઢગલો આપણી પાસે પડ્યો છે. હંસલ મહેતાની ‘સિટીલાઇટ્સ’ એ જ માળાનો વધુ એક મણકો છે. આપણને માત્ર દુ:ખી કરવા માટે જ જાણે આ ફિલ્મ બનાવી હોય એમ એમાં સમ ખાવા પૂરતી હળવાશ સુધ્ધાં ડિરેક્ટરે મૂકી નથી.

રોટલા અને ઓટલાનું વિષચક્ર

દીપક સિંહ (રાજકુમાર યાદવ) પત્ની રાખી (પત્રલેખા) અને ચારેક વર્ષની દીકરી સાથે રાજસ્થાનના એક નાનકડા ગામડામાં રહે છે. દીપક અગાઉ લશ્કરમાં ડ્રાઇવરની નોકરી કરતો, પણ હવે ગામડામાં સાડીઓની નાનકડી દુકાન ચલાવે છે. આમદની ચવન્ની અને ખર્ચા દસ રુપય્યા જેવા ઘાટને કારણે શાહુકારો તેની દુકાન પચાવી પાડે છે એટલે રોટલાની તલાશમાં દીપકનો પરિવાર મુંબઈની વાટ પકડે છે. પગ મૂકતાંવેંત મુંબઈ પોતાનો પરચો બતાવે છે. હવે આ પરિવાર પાસે નથી રોટલો, નથી ઓટલો કે નથી પૈસા. મજૂરી કરીને પણ કેટલા દિવસ કામ ચાલે?

રાખી નાછૂટકે બિયરબારમાં ડાન્સર બને છે. બીજી બાજુ દીપકને પણ એક સિક્યૉરિટી કંપનીમાં નોકરી મળી જાય છે. દીપકની હાલત પર દયા ખાઈને વિષ્ણુ (માનવ કૌલ) તેને નોકરીએ રખાવી દે છે. એ સિક્યૉરિટી એજન્સીનું કામ એવું છે કે એક પાર્ટી પાસેથી બૉક્સ લઈને બીજી પાર્ટીને પહોંચતું કરવાનું. તોડવાની કોશિશ કરો તો બ્લાસ્ટ થાય એ રીતે સીલપૅક એવા એ બૉક્સમાં પૈસા હોય કે ડ્રગ્સ એની સાથે આ લોકોને કશી લેવાદેવા નહીં; પણ હા, જીવનું જોખમ સતત લટકતું રહે.

ધીમે-ધીમે દીપક અને તેના બૉસ વિષ્ણુ વચ્ચે દોસ્તી જામે છે. વિષ્ણુ પોતાનું ભાડે લીધેલું ઘર પણ વિષ્ણુને આપી દે છે. ત્યાં જ વિષ્ણુ દીપક સામે એવી ઑફર મૂકે છે જે બધાની જિંદગી કાયમ માટે બદલી નાખે છે. દીપક સામે તો ઈધર કુઆં ઉધર ખાઈ જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.

પીડાનો ઓવરડોઝ

હંસલ મહેતાની ‘સિટીલાઇટ્સ’ ગયા વર્ષે આવેલી બ્રિટિશ ફિલ્મ ‘મેટ્રો મનીલા’ની રીમેક છે. ‘મેટ્રો મનીલા’ને દુનિયાભરના વિવેચકોએ વખાણેલી, પરંતુ અહીં આખી ફિલ્મમાંથી સતત પીડા ટપકતી રહે એનું હંસલ મહેતાએ ખાસ ધ્યાન રાખ્યું છે. ગરીબ હોવા છતાં આ નાનકડો પરિવાર સુખી છે એવું અલપઝલપ બતાવ્યા પછી સતત તેમને માથે દુ:ખના ડુંગર તૂટતા રહે છે. વળી ફિલ્મની ટ્રીટમેન્ટ પણ રિયલિસ્ટિક કહેવાય એ પ્રકારની રખાઈ છે એટલે બે ટંક ભોજન માટે પણ ટળવળતો પરિવાર ઉકરડે પડી રહે, બિયરબારમાં કામ માગવા જાય ત્યારે યુવતીના આખા શરીરને છેક સુધી ચકાસવામાં આવે, ફરિયાદ નોંધવાને બદલે વિડિયોગેમ રમ્યે રાખતા પોલીસવાળા... આ બધું એટલી સહજતાથી બતાવાય છે કે આપણા મગજની નસ તણાઈ જાય. ઉપરથી ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર્સના ફેવરિટ એવા સતત હલહલ થતા કૅમેરા-ઍન્ગલ્સ અને ખાસ્સી વાર સુધી સહેજ પણ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વિના ચાલતા સીન આપણી ધીરજની કસોટી કરી લે.

ધીમી ગતિએ લગભગ અનુમાન લગાવી શકાય એવા પાટા પર જતી આ ફિલ્મની સ્ટોરીનું પોત અત્યંત પાતળું છે. ૧૨૬ મિનિટની ‘સિટીલાઇટ્સ’માં ઉદાસીને ખંખેરે એવા હળવા સીન પણ નાખ્યા નથી. મતલબ સાફ છે કે આ ફિલ્મ મનોરંજન માટે નહીં, બલકે હચમચાવવા માટે જ બનાવાઈ છે. વાર્તામાં એક પછી એક બનતા બનાવો આપણને સતત એ બીકમાં રાખે કે હમણાં કંઈક માઠા સમાચાર આવશે અને મોટે ભાગે આપણે સાચા પડીએ.

કડવી દવાની જેમ ઘૂંટડે-ઘૂંટડે હતાશામાં ગરકાવ કરતી જતી ‘સિટીલાઇટ્સ’ એક સીનમાં ‘દો બીઘા ઝમીન’ની તો અમુક સીનમાં ‘ધ લંચબૉક્સ’ની યાદ અપાવે છે. રાજકુમાર રાવ આ ફિલ્મનો ઑક્સિજન છે. સહેલાઈથી તેણે ગરીબ મજબૂર રાજસ્થાનીના પાત્રને આત્મસાત્ કર્યું છે. એ જોતાં આવતા વર્ષે પણ તે નૅશનલ અવૉર્ડ ખૂંચવી જાય તો નવાઈ નહીં. રાજકુમારની રિયલ લાઇફ ગર્લફ્રેન્ડ પત્રલેખાનો અભિનય પણ સારો છે. ફિલ્મનું સરપ્રાઇઝ પૅકેજ છે વિષ્ણુ બનતા અભિનેતા માનવ કૌલ (જેમને આપણે ‘કાય પો છે’માં બિટ્ટમામાના રોલમાં જોયેલા). તેમની સતત કડક અને સાથોસાથ ઇમોશનલ ઍક્ટિંગ તેમના પાત્રની આસપાસ રહસ્યનું વતુર્‍ળ સતત ફરતું રાખે છે.

પાવરફુલ પફોર્ર્મન્સ ઉપરાંત બીજું સશક્ત પાસું છે જિત ગાંગુલીનું આહ્લાદક મ્યુઝિક. ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો શાંત રાત્રિએ સાંભળવાં ગમે એવાં સોલફુલ બન્યાં છે. ખાસ કરીને ‘એક ચિરૈયા’ તથા ‘મુસ્કુરાને કી વજહ’. બન્નેમાં અરિજિત સિંહનો અવાજ કમાલ કરે છે. આટલું સારું સંગીત હોવા છતાં એ જ ફિલ્મનું દુશ્મન બન્યું છે. ગીતોની સંખ્યામાં પ્રમાણભાન જળવાયું નથી અને દર થોડી વારે ટપકી પડતાં ગીતો (સારાં હોવા છતાં) ઑલરેડી સ્લો ફિલ્મને ઑર ધીમી પાડી દે છે.

‘સિટીલાઇટ્સ’ ઑન કે ઑફ?

ખુશ થવાને બદલે દુ:ખી-દુ:ખી કરી મૂકતી આ ફિલ્મ દરેક જણ માટે નથી. જો તમને આર્ટ ફિલ્મો જોવી ગમતી હોય, કારમી ગરીબીમાં જીવતા રહેવાનો સંઘર્ષ કરતા પરિવારની પીડા અનુભવવી હોય, મુંબઈની ચમકદમક પાછળનો કદરૂપો ચહેરો જોવો હોય અથવા તો તમે રાજકુમાર રાવની ઍક્ટિંગના ફૅન હો તો આ ફિલ્મની ટિકિટ ખરીદજો. આટલી વૈધાનિક ચેતાવની વાંચ્યા પછી જ ફિલ્મ જોવાની હિંમત કરશો જેથી બહાર નીકળીને ‘સાલો, મૂડ ઑફ થઈ ગયો’ એવી ફરિયાદ ન રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK