જાણો કેવી છે ફિલ્મ 'જબ હૅરી મેટ સેજલ'

પોતાની જ જૂની ફિલ્મોની એકની એક થીમ પર વધુ એક ફિલ્મ આપણા માથે મારનારા ટૅલન્ટેડ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીને ખુલ્લો પત્ર

review

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

માનનીય ઇમ્તિયાઝભાઈ,

આમ તો અહીં માનનીયને બદલે પ્રિય લખવું હતું, પરંતુ તમારી લેટેસ્ટ રિલીઝ ‘જબ હૅરી મેટ સેજલ’ જોઈને હાલપૂરતું એ સંબોધન પાછું ખેંચી લીધું છે. જ્યાં સુધી તમે કશું નવું નહીં પીરસો ત્યાં સુધી આ સંબોધન (તમારા માટે) હાઇબરનેશનમાં રહેશે. આમ તો અમારે આ ફિલ્મ જોઈને એનો સીધોસાદો રિવ્યુ જ કરવાનો હતો, પણ થિયેટરની બહાર નીકળ્યા પછી જે આઘાત અને અફસોસની લાગણી થઈ છે એ પછી આ ઓપન લેટર લખી રહ્યા છીએ. આશા છે કે તમે તમારી વાર્તાની નાયિકાને ગુજરાતી બતાવી છે તો રિસર્ચ માટે પણ થોડુંઘણું ગુજરાતી શીખી ગયા હશો.

પહેલો ધોખો એ વાતનો કે તમારી ફિલ્મનું નામ આટલું ક્લિશે? કદાચ તમારે હૉલીવુડની ક્લાસિક રૉમ-કૉમ ‘વેન હૅરી મેટ સૅલી’ને ટ્રિબ્યુટ આપવું હોય કે તમારી જ ‘જબ વી મેટ’ને યાદ કરીને તમારી અદૃશ્ય મૂછોને તાવ દેવો હોય, પણ આ ટાઇટલ કોઈએ અમસ્તા જ સૂચવ્યું હોય ને સ્વીકારાઈ ગયું હોય એવું લાગે છે. જૂનાં કપડાંમાંથી આવતી હોય એવી ભેજ-ફૂગની વાસ આવે છે એમાંથી.

આ ફિલ્મનાં ટાઇટલ, ટ્રેલર, પોસ્ટર બિગેસ્ટ સ્પૉઇલર હતાં. ગ્રુપ ટૂરમાં આવેલી ગુજરાતણ સેજલ (અનુષ્કા શર્મા) પોતાની સગાઈની વીંટી ઍમ્સ્ટરડૅમમાં ક્યાંક ખોઈ નાખે ને એની સાથે વીંટી શોધવાની જવાબદારી ટૂર-ગાઇડ હરિન્દર સિંહ નેહરા ઉર્ફ હૅરી પર આવી પડે છે. બન્ને કોઈ જ દેખીતા લૉજિક વિના ઍમસ્ટરડૅમથી પ્રાગ, બુડાપેસ્ટ, લિસ્બન, ફ્રૅન્કફર્ટમાં રખડ-રખડ કરે છે. અગાઉનું જૂનું માનસિક બૅગેજ લઈને ફરતાં તમારાં પાત્રો એકબીજાના પ્રેમમાં ન પડે એવું તો અમે માનીએ જ નહીંને! અરે, અમને તો ફિલ્મ જોયા પહેલાં જ ગળા સુધીની ખાતરી હતી કે છેક છેલ્લે સુધી બન્નેને એકબીજાના પ્રેમમાં પડ્યાં છે એવું ભાન જ નહીં થાય અને છેલ્લે જ્યારે થશે ત્યારે બે-પાંચ સમુંદર પાર કરીને એનો એકરાર કરવા દોડ્યાં આવશે. એવુંય વિચારી રાખેલું કે એન્ગેજમેન્ટ રિંગની શોધ એ વાસ્તવમાં એક મેટાફર છે, રૂપક-પ્રતીક છે પોતાની લાઇફમાંથી કશુંક ખોવાયેલું-ખૂટતું શોધવાનું. એટલું કહીએ કે અમે ઠીક-ઠીક સાચા પડ્યા છીએ.

પરંતુ અમારી વાંધાઅરજીનો સૌથી મોટો વાંધો એ છે કે ન્યુ મિલેનિયમ બૉલીવુડમાં લવ-સ્ટોરીઝના બેતાજ બાદશાહ એવા ઇમ્તિયાઝ અલી પાસે કહેવા માટે ગણીને એક જ સ્ટોરી છે? છેક ‘સોચા ના થા’થી લઈને ‘જબ વી મેટ’, ‘લવ આજ કલ’, ‘રૉકસ્ટાર’, ‘કૉકટેલ (લેખક તરીકે), હાઇવે, ‘તમાશા’ બધામાં એકની એક જ સ્ટોરી રિપીટ થયા કરે? માત્ર કલાકારો અને કલેવર બદલાય, બાકી મૂળ તત્વ તો એ જ રહે. પાત્રોને જોઈએ છે કંઈક ને શોધે છે કંઈક. પ્રેમમાં છે, પણ પ્રેમનું ભાન નથી. આખી દુનિયામાં રખડે છે, પણ પોતાની અંદર ડોકિયું કરતાં નથી. સવાલ એ છે કે શા માટે આવાં એકસરખાં સ્કિઝોફ્રેનિક પાત્રો જ તમારી તમામ ફિલ્મોમાં હોય છે? અરીસામાં જુએ ત્યારે તેમને ખરેખર કોણ દેખાય છે? પોતાની જાત કેમ દેખાતી નથી? ક્યાંક એવું તો નથીને કે તમારું પોતાનું વ્યક્તિત્વ તમારાં પાત્રોમાં ઢોળાયા કરે છે? અને શા માટે તમારી નાયિકાઓ રૂટીન લાઇફથી ભાગીને કંઈક નવા અનુભવો લેવા માટે વલખાં મારતી રહે છે?

જુઓ, સારી રીતે બની હોય તો અમને એકની એક વાર્તાઓ જોવામાંય વાંધો નથી. વર્ષોથી એકસરખી ફિલ્મો જોતા જ આવ્યા છીએને? પરંતુ તમે સાવ કશું જ નવું કર્યા વિના એકસરખી ફિલ્મ જ પધરાવી દો, પરંતુ અમારે તો દર વખતે નવેસરથી પૈસા ખર્ચીને ફિલ્મો જોવા જવું પડે છે. એમાંય હવે તો તમે મોટા સ્ટાર્સને લઈને મોટી ફિલ્મ બનાવનારા મોટા ડિરેક્ટર બની ગયા છો. એટલે તમારી ફિલ્મ આવે એટલે ટિકિટોના દર પણ દોઢ-બેગણા થઈ જાય છે. એ પછીયે જો અમને જૂનો માલ જ પધરાવવામાં આવે તો ચીટિંગ જેવું ફીલ થાય કે નહીં? અને પછી તમે ફિલ્મ- ઇન્ડસ્ટ્રીના લોકો જ દર્શકોને પાઇરસી ન કરવા સમજાવો છો. આ ડબલ સ્ટાન્ડર્ડ નથી?

અમે તો અમારાં બાળકોને પણ ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવાનો આગ્રહ રાખીએ છીએ એટલે અમને આમ અમારા ગુજરાતીપણાનું કટ્ટર અભિમાન નહીં. છતાંય તમને પૂછવાનું મન થાય કે તમારે ગુજરાતી સ્ટિરિયોટાઇપ પેશ કરવાની જરૂર શું કામ પડી? ગુજરાતીઓ કાયમ થેપલાં, ઢોકળાં, ખાખરા જ ખાય, આખો દિવસ પૈહા-પૈહા જ કરે, એમને રાઇટ-લેફ્ટમાં પણ સમજ ન પડે અને કંઇક ઍબ્સર્ડ ગુજરાતી છાંટવાળું હિન્દી-ઇંગ્લિશ બોલે, રાઇટ? રૉન્ગ. (ના, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ગુજરાતીઓની લિટમસ ટેસ્ટ નથી જ.) ગુજરાતીઓ શું ખાય છે, ક્યાં ફરે છે, કેવું અંગ્રેજી-હિન્દી બોલે છે અને કેટલા રૂપિયા વાપરે છે એ આઇ થિન્ક તમે જાણો જ છો. તમારી હિરોઇન મુંબઈમાં ઊછરેલી અને વકીલાત ભણેલી છે તો તેની ભાષા મંદિરની ઘંટડી જેવી ક્લિયર હોવી જોઈએ. મફતિયું ફેસટાઇમ માત્ર ગુજરાતીઓ જ નહીં, આખી દુનિયા વાપરે છે. જો તમારી ફિલ્મના ગુજરાતીઓ એટલા જ મની માઇન્ડેડ હોત તો એક વીંટી માટે પાંચ દેશ ફરવાનો ખર્ચો ન કરત. થ્લ્ધ્ માત્ર વૉટ્સઍપમાં લખાય છે અને એંસીના દાયકાથી ગુજરાતી દીકરીઓનાં નામ સેજલ રાખવાનો ટ્રેન્ડ ઓસરી ગયો છે. જ્યારે તમારી હિરોઇન તો માશાઅલ્લાહ નેવુંના દાયકાનું ફરજંદ લાગે છે. શા માટે કોઈ મોબાઇલ વૉલેટ જેવું નામ ધરાવતો સેજલનો મંગેતર રૂપેન તેને પારકા દેશમાં એકલી છોડીને જતો રહે છે? (આપણે તેના માટે નેગેટિવ ઇમ્પþેશન ધરાવતા થઈ જઈએ એટલે?) ઇન શૉર્ટ, તમે ગુજરાતીઓ પ્રત્યે આટલા જજમેન્ટલ કેમ છો?

SRK

તમારી આ સો-કૉલ્ડ નવી ફિલ્મ, જે હકીકતમાં કોઈ ટ્રાવેલ કંપનીની અઢી કલાકની જાહેરખબર જેવી લાગે છે એ દેખાવમાં એકદમ ખૂબસૂરત છે; પણ છે પ્લાસ્ટિકનાં ફૂલો જેવી નકલી. વીંટી માટે વિવિધ દેશોનો પ્રવાસ અને ઇન્ડિયાના જૉન્સ સ્ટાઇલમાં નકશામાં એનું ચિત્રણ માત્ર ટૂરિઝમ કૅટલોગ લાગે છે (એમાંય પાત્રો તરીકે શહેર તો ઊપસતાં જ નથી). ફિલ્મનાં બન્ને પાત્રો પોતાની અંદર કંઈક ભાર લઈને ફરે છે, પરંતુ એ પૂરેપૂરો બહાર આવતો નથી ને આપણી સાથે કનેક્ટ થતો નથી. શા માટે એક એજ્યુકેટેડ યુવતીને પોતાના દેખાવ માટે એક અજાણ્યા ટૂર-ગાઇડના સર્ટિફિકેટની જરૂર છે? શા માટે સેજલના પરિવારજનોને એમાં કોઈ વાંધો કે ચિંતા સતાવતાં નથી? હૅરી ઘર, પ્રેમ, દેશ છોડીને સિંગર બનવા ગયેલો. તો તે હવે કોને શોધે છે? અગાઉ ‘રૉકસ્ટાર’માં આવા જ અભાવથી પીડાતા નાયકને તમે સિંગર બનાવેલો. અહીં કેમ તેણે ગાવાનું છોડી દઈને રાજુ ગાઇડવેડા ચાલુ કર્યા છે? હૅરી ભલે કહે, પણ એકેય ઍન્ગલથી તે વુમનાઇઝર લાગતો નથી. હજીયે તે DDLJનો રાજ જ છે, જે પોતાની હિરોઇન સાથે લગ્ન પહેલાં સેક્સ નથી કરી શકતો. શાહરુખે કદાચ પહેલી જ વાર ઑનસ્ક્રીન લિપ ટુ લિપ કિસ કરી છે. એ કિસ પણ ઑક્વર્ડ અને મ્યુઝિયમમાં ફિલ્માવાયેલા એક સીનમાં લાગતી શાહરુખની દાઢી જેટલી જ નકલી લાગે છે. સેજલના ગુજરાતી જેવું જ નકલી હૅરીનું પંજાબી છે, જેમાં ભાગ્યે જ કંઈ સમજાય છે. તમને કદાચ અમારા અંગ્રેજી પર વિશ્વાસ નહીં હોય એટલે અંગ્રેજી ડાયલૉગ્સના રોમનાઇઝ્ડ હિન્દીમાં સબટાઇટલ્સ આપ્યાં છે.

ઠીક છે, પણ તમારી આ ફિલ્મ ‘જબ વી મેટ’ અને ‘તમાશા’ની વચ્ચે ઝૂલતી રહે છે, જેમાં વચ્ચે-વચ્ચે ‘હાઇવે’ના પણ શેડ્સ આવી જાય છે. તમે ફિલ્મમાં ‘અપ ઇન ધ ઍર’નું નામ લીધું છે, પરંતુ એ હૉલીવુડ ફિલ્મ જેવી ઘરને ભૂલીને સતત ઊડ્યા કરતા નાયકની ફીલ પણ હૅરીમાં આવતી નથી. તમારી નાયિકા પણ ગીત અને તારા વચ્ચે ઝૂલ્યા કરે છે, પરંતુ તે ગીત જેટલી ફુલ ઑફ લાઇફ નથી અને એટલી મિસ્ટિરિયસ છે કે તારા પણ બની શકતી નથી.

જોકે સાવ એવુંય નથી કે અમે હૅરી-સેજલની લવ-સ્ટોરીમાંથી સાવ કોરાધાકોર બહાર આવ્યા છીએ. શાહરુખ અને અનુષ્કાની મહેનત અમને દેખાય છે. બન્નેનું કૉમિક ટાઇમિંગ કે ઇમોશનલ અપીલ અમારા સુધી પહોંચે છે પણ ખરી. પરંતુ કોઈ પંચ, કોઈ સ્માર્ટનેસ વિનાના સિટકૉમ બનવાના વ્યર્થ પ્રયત્ન કરતા લાંબા-લાંબા સીનમાં કોઈ આર્ટિસ્ટ ક્યાં સુધી ખેંચી શકે? આ ફિલ્મ મ્યુઝિકલ છે એવો દાવો તમે ક્યાંય કર્યો નથી, પણ પ્રીતમ પાસે બનાવીને ડઝનેક ગીતો તો નાખ્યાં જ છે. એટલે અમને એ કન્ફ્યુઝન થઈ જાય છે કે અમે ગીતોના પ્રમાણથી કંટાળી રહ્યા છીએ કે બાકીની સ્લો, ટૉકી ફિલ્મથી? હા, એટલું તો અમારે કાનની બૂટ પકડીને માનવું પડે કે બીચ બીચ મેં, સફર, હવાએં, ઘર જેવાં ગીતો ખરેખર સરસ બન્યાં છે. એમાંય ઇર્શાદ કામિલના શબ્દો: સફર કા હી થા મૈં, સફર કા હી રહા... ઇતના કડવા હો ગયા કિ ઝહર હુઆ, ખાલી હૈ જો તેરે બિના, મૈં વો ઘર હૂં તેરા... વલ્લાહ, ક્યા બાત હૈ.

ઇમ્તિયાઝભાઈ, તમે ભલે ‘તમાશા’માં કહેલું કે વહી કહાની ફિર એક બાર, પરંતુ એને સાવ આમ લિટરલી લઈ લો એ તો કેમ ચાલે? ભારત તો વાર્તાઓનો દેશ છે અને એટલે જ તમે ‘તમાશા’ના વેદને સ્ટોરીટેલર બનાવેલો. તો એ વેદને બનાવનારા તમારી પાસે વાર્તાઓનો દુકાળ હોય અને તમે સાવ આવું આત્મા વિનાનું ખોળિયું પધરાવી દો એ પણ કેમ ચાલે?

બસ, તમારી પાસેથી નવી ફ્રેશ વાર્તાની અપેક્ષા રાખતો,તમારો એક સમયનો ચાહક અને ગુજરાતી દર્શક.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK