ફિલ્મ-રિવ્યુ : ઇક્કીસ તોપોં કી સલામી

વી ધ (કૉમન) પીપલ ઑફ ઇન્ડિયા:અતિશય લાંબી અને નક્કામી ચરબીથી ભરેલી હોવા છતાં આ ફિલ્મ ભારતની વર્તમાન સ્થિતિ પર મીઠાના પાણીમાં બોળેલા ચાબખા મારે છેયશ મહેતા

રાજકારણીઓ પગથી માથા સુધી ભ્રષ્ટાચારના ખાબોચિયામાં ગરકાવ હોય અને મીડિયા ન્યુઝને નામે કદરૂપું મનોરંજન પીરસતું હોય ત્યારે એક સામાન્ય માણસ ગરીબ રહેવા છતાં પ્રામાણિક રહી શકે? અને ધારો કે તે પ્રામાણિક રહે પણ ખરો, તો તેને તેની પ્રામાણિકતાનો શિરપાવ મળે ખરો? આવા કડવી દવા જેવા સાત્વિક સવાલો પૂછે છે રવીન્દ્ર ગૌતમે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ઇક્કીસ તોપોં કી સલામી’, પરંતુ માર્કેટમાં ફિલ્મનો માલ વેચવા માટે તેમણે અંદર જે તામસિક મસાલા ઠાલવ્યા છે એમાં આખી ફિલ્મનો સ્વાદ કંઈક વિચિત્ર થઈ ગયો છે. ઉપરથી ફિલ્મ એટલી લાંબી થઈ ગઈ છે કે માલગાડીની જેમ પૂરી જ નથી થતી!

પ્રામાણિકતાની કિંમત


પુરુષોત્તમ નારાયણ જોશી (અનુપમ ખેર) મુંબઈ મહાનગરપાલિકાના નખશિખ પ્રામાણિક કર્મચારી છે. સાડાત્રણ દાયકાથી તેમનું એક જ કામ રહ્યું છે. ખભે ફૉગિંગ મશીન ઊંચકીને આ મોહમયી નગરીની ગલીઓમાં-ગટરોમાં મચ્છર ભગાડતો ધુમાડો મારવાનું; પરંતુ તેમના બે દીકરા શેખર (મનુષિ ચઢ્ઢા) અને સુભાષ (દિવ્યેન્દુ શર્મા) દીવા તળે અંધારા જેવા છે. તે બન્ને દૃઢપણે માને છે કે અત્યારે તો ભ્રષ્ટાચારની ચમચીથી જ ઘી નીકળે.

હવે આખી જિંદગી પ્રામાણિકતાનો ધુમાડો ફેંકતા રહેલા જોશીભાઉ એટલે કે અનુપમ ખેરને બરાબર નોકરીના છેલ્લા દિવસે ભ્રષ્ટાચારનો મચ્છર કરડી જાય છે. તેમના પર ફૉગિંગ મશીન વેચી મારવાનો આરોપ આવે છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. આઘાતના માર્યા જોશીભાઉ શ્રીજીચરણ પામે છે. લેકિન મરતાં-મરતાં દીકરાઓને કહી જાય છે કે મને મારું આત્મસન્માન પાછું અપાવો અને એક-બે નહીં, પૂરી એકવીસ તોપોની સલામી અપાવો. હવે અત્યારના સમયમાં કદાચ બંદૂકડી મળી જાય, પણ તોપ ક્યાંથી કાઢવી? પરંતુ બન્ને દીકરા ગાંઠ વાળે છે કે બાપુજીને સન્માનભેર આ દુનિયામાંથી વિદાય આપવી. ત્યાં જ રાજકીય ઘટનાક્રમ એવો બને છે કે બાપુજીને તોપોની સલામી આપવાનો એક ચાન્સ મળે છે.

સીધી બાત, બહોત સારા બકવાસ


આ ફિલ્મ એક પૉલિટિકલ સટાયર છે. એટલે કે આપણા દેશની તદ્દન ખાડે ગયેલી રાજકીય વ્યવસ્થા પર કરવામાં આવેલાં વ્યંગબાણોનો પ્રહાર છે, પરંતુ પહેલી પંદરેક મિનિટમાં બધાં જ પાત્રોની ઓળખપરેડ પૂરી થઈ ગયા પછી છેક ઇન્ટરવલ સુધી નક્કામાં ગીતો અને લાંબા સીન ચાલ્યા જ કરે છે. હીરો દિવ્યેન્દુની લવ-સ્ટોરી, ભ્રક્ટ નેતા દયાશંકર પાંડે (બ્રિલિયન્ટ રાજેશ શર્મા)નું તેમની પ્રેમિકા જયા પ્રભા (નેહા ધુપિયા) સાથે અફેર અને તે બધાંનાં ગીતો પરાણે ઘુસાડ્યાં છે. ઈવન બાપુજીને એકવીસ તોપોની સલામી અપાવવાની પ્રક્રિયા પણ ઇન્ટરવલ પછી ઍનાકૉન્ડાની જેમ લંબાઈ ગઈ છે. પરિણામે આખી ફિલ્મ અધધધ લાગે એવી ૧૪૦ મિનિટની લાંબી થઈ ગઈ છે. આ ફિલ્મને ઍટ લીસ્ટ અડધા કલાક જેટલી કાપકૂપ કરીને રિલીઝ કરવામાં આવી હોત તો એક મસ્ત એન્ટરટેઇનિંગ સટાયરિકલ ફિલ્મ બની શકે એવો દારૂગોળો ફિલ્મમાં છે.

કલ્ટ બ્લૅક કૉમેડી ફિલ્મ ‘જાને ભી દો યારોં’માં સતીશ શાહના મૃતદેહને લઈને ચાલતી ધમાચકડી બતાવવામાં આવી હતી. અદ્દલ આવું જ કામ અનુપમ ખેર આ અગાઉ પણ એકાદ-બે ફિલ્મમાં કરી ચૂક્યા છે. અહીં પણ તેમણે એ જ કર્યું છે. એટલે જ કદાચ આંખો ખુલ્લી રાખીને મૃતદેહનો અભિનય કરવામાં તેમને હવે માસ્ટરી આવી ગઈ છે. ઍક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં અનુપમ ખેર ઉપરાંત બીજા ત્રણ કલાકારો આપણું ધ્યાન ખેંચે છે. એક તો દિવ્યેન્દુ શર્મા, ભ્રક્ટ નેતા બનેલા રાજેશ શર્મા અને તેનાં રાજકીય સ્વાર્થ ધરાવતાં મમ્મી બનેલાં સિનિયર અદાકારા ઉત્તરા બાવકર.અગાઉ ‘દો દૂની ચાર’માં મસ્ત રાઇટિંગ કરનારા રાહિલ કાઝીએ આ ફિલ્મનો આખો રાઇટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો છે. એમાં અમુક-અમુક સીન્સ તો ખરેખર સુપર્બ બન્યા છે. જેમ કે એક રાજકારણી તેની ગંદીગોબરી ભાષામાં સ્પીચ લખાવે અને તેના રાઇટર તેને ડાહીડમરી ભાષામાં મઠારીને પેશ કરે. ન્યુઝના નામે ઍબ્સર્ડ મનોરંજન પીરસનારા મીડિયા પર પણ રાહિલ કાઝીએ દાઢી કરવાની બ્લેડ જેવા ધારદાર સંવાદો આપ્યા છે. એક ઉલ્લેખ એ પણ કરવો પડે કે ફિલ્મમાં ખરેખરું મુંબઈ પણ મસ્ત રીતે ઝિલાયું છે. અને હા, ફિલ્મમાં એક ન્યુઝ-ઍન્કર અર્ણવ ગોસ્વામી (ઍક્ટર આસિફ શેખ) પણ છે!

લેકિન ઑલરેડી લાંબી ફિલ્મમાં એટલોબધો મેલોડ્રામા ઠપકાર્યો છે કે મૂળ વાત હાંસિયામાં ધકેલાઈ જાય છે. એ જ રીતે બાપના મૃતદેહ પર ઝઘડતા દીકરાઓ અને દીકરાના મૃતદેહ પર સ્વાર્થી રાજકારણ ખેલતી માતાનાં દૃશ્યો સીધાં ઍબ્સર્ડિટીના ખાનામાં ગોઠવાય છે.
આમ તો ફિલ્મમાં રામ સંપતે અમસ્તા જ સંગીત આપ્યું હોય એવું OK-OK મ્યુઝિક છે, પરંતુ રાજેશ શર્મા અને નેહા ધુપિયા પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘યૂં ના દેખો સાંવરિયા ઘૂર ઘૂર કે’નું પિક્ચરાઇઝેશન ઇન્ટરેસ્ટિંગ છે. એમાં હિન્દી ફિલ્મોનાં સુપરહિટ ગીતોની સિચુએશન્સ લીધી છે, પરંતુ ફિલ્મમાં તો આ ગીતની જરૂર જ નહોતી.

આડી ફાટેલી તોપ


આગળ કહ્યું એમ આ ફિલ્મમાં એક અફલાતૂન પૉલિટિકલ સટાયર બનવાનો પૂરેપૂરો દારૂગોળો હતો, પરંતુ પૉપ્યુલર બનાવવાની લાલચમાં આ તોપનું સુરસુરિયું થઈ ગયું છે. ફિલ્મનો મેસેજ સારો હોવા છતાં એ પૈસા ખર્ચીને જોવા જવા જેવી નથી બની શકી. હા, ટીવી પર અવશ્ય જોવી જોઈએ.

* ફાલતુ
** ઠીક-ઠીક
*** ટાઇમપાસ
**** પૈસા વસૂલ
***** બહુ જ ફાઇન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK