ફિલ્મ-રિવ્યુ : દાવત-એ-ઇશ્ક

ઝાયકા-એ-લઝીઝ,પાકવામાં વાર લગાડતી મુગલાઈ વાનગી જેવી હબીબ ફૈઝલની આ ફિલ્મ હળવો પરંતુ દાઢે વળગે એવો સ્વાદ આપી જાય છે


ડિરેક્ટર હબીબ ફૈઝલ અત્યારના યુગના હૃષીકેશ મુખરજી છે એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં લેખાય, કેમ કે તેઓ જ્યારે ફિલ્મ બનાવે ત્યારે એની ટ્રીટમેન્ટ કબૂતરની પાંખ જેવી એકદમ હળવી હોય. આપણી જ આસપાસના લોકોની, બલ્કે આપણી જ વાર્તા હોય અને ઉપરથી ગાંઠે બાંધી રાખવા જેવો મેસેજ પણ હોય. એ મેસેજ પણ એટલો હળવાશથી આપવામાં આવ્યો હોય કે આપણને સહેજે ઉપદેશાત્મક ન લાગે. હૈદરાબાદી અને લખનવી ઝાયકામાં ઝબોળીને પેશ કરવામાં આવેલી તેમની લેટેસ્ટ ફિલ્મ ‘દાવત-એ-ઇશ્ક’ પણ એવી જ છે.

ભારતના કાળજે દહેજનો દાગ

અબ્દુલ કાદિર (અનુપમ ખેર) હૈદરાબાદ ખાતે હાઈ ર્કોટમાં ક્લર્ક છે. પ્રૉબ્લેમ એ છે કે તેમની દીકરી ગુલરેઝ ઉર્ફે‍ ગુલ્લુ (પરિણીતી ચોપડા) પરણવાલાયક થઈ ગઈ છે, પરંતુ બધા જ સારા મુરતિયા ટ્રક ભરીને દહેજ માગે છે. હવે આઝાદ ખયાલોવાળી ગુલ્લુ કહે છે કે દહેજ માગે એવો મુરતિયો તો મારે જોઈએ જ નહીં. એક શૂઝના શોરૂમમાં કામ કરીને સ્વમાનભેર જીવતી ગુલ્લુનાં અરમાન છે કે આગળ ઉપર ભણવા માટે અમેરિકા જવું.

આખરે કંટાળીને તે નક્કી કરે છે કે દહેજના કાંટાને દહેજના કાયદાના જ કાંટાથી કાઢવો. એટલે તે પોતાના પિતાને મનાવીને પ્લાન કરે છે કે આપણે નામ-ઠામ બદલીને બીજા ગામે જવાનું. ત્યાં મુરતિયા જોવાના અને દહેજ માગતી વખતે તેમનું સ્ટિન્ગ ઑપરેશન કરીને કેસ ઠોકવાનો. પછી આઉટ ઑફ ર્કોટ સેટલમેન્ટ કરીને પૈસા ભેગા કરી લેવાના. આ પ્લાન હેઠળ લખનઉમાં કબાબનો પુશ્તૈની બિઝનેસ સંભાળતો તારિક હૈદર ઉર્ફે‍ તારુ (આદિત્ય રૉય કપૂર) ફસાઈ જાય છે. ગુલ્લુ એટલે કે પરિણીતીને પ્રૉબ્લેમ એ થાય છે કે તે તારિકને સો ટચનો સાચો પ્રેમ કરી બેસે છે. ઉપરથી તારિક પણ શુદ્ધ ઘીમાંથી બનાવેલો હોય એવો સાચા દિલનો છે. તો મૂળ પ્લાન પ્રમાણે તારિકને લૂંટી લેવો કે પછી આખા પ્લાનનું તપેલું ઊંધું વાળી દેવું? આખિર કરેં તો ક્યા કરેં?

ધીમે ખાઓ, ચાવીને ખાઓ

આપણે જમવા બેસીએ તો પહેલાં દાળમાંથી લીમડો-કોકમ વગેરે કાઢી લઈએ એ રીતે પહેલાં ફિલ્મનાં નેગેટિવ પાસાંની વાત કરી લઈએ. એક તો ફિલ્મ ખાસ્સી ધીમી છે. આપણી ફિલ્મોમાં સ્ટાર્ટિંગની પાંચ-દસ મિનિટમાં હીરોની ધમાકેદાર એન્ટ્રી ન થાય તો ઑડિયન્સ અકળાઈ જાય. જ્યારે અહીં તો ફિલ્મ શરૂ થયા પછી લગભગ પોણો કલાક વીતી ગયા પછી છેક હીરોજાન આદિત્ય રૉય કપૂરનો પ્રવેશ થાય છે. ત્યાં સુધીમાં તો હિરોઇનજાન પરિણીતી ઑલરેડી એક મુરતિયા જોડે પ્રેમમાં પડીને એક લવ-સૉન્ગ ગાઈ લે છે. ગુજરાતી થાળીમાં જેમ રોટલી-શાક પછી દાળ-ભાત અને છેલ્લે મુખવાસ આવે એ બધું નક્કી જ હોય એ રીતે આ ફિલ્મમાં પણ આપણને ખબર પડી જાય કે હવે સ્ટોરીમાં કંઈક આમનું આમ થશે. અને હા, લૉજિકની રેસિપી કામે લગાડીએ તો જરાય વિશ્વાસ ન બેસે કે કોઈ મિડલ-ક્લાસના ભીરુ માણસો આટલી મોટી છેતરપિંડી કરવા તૈયાર થાય.પરંતુ બૉસ, આ ‘દાવત-એ-ઇશ્ક’ના માસ્ટર શેફ હબીબ ફૈઝલ છે. આપણા સમાજને કૅન્સરની જેમ વળગેલું દહેજનું દૂષણ અને સાથોસાથ એને રોકવાની કાયદાકીય કલમ ૪૯૮-એનો દુરુપયોગ એ બન્નેનું ફૈઝલમિયાંએ પર્ફે‍ક્ટ ફ્યુઝન કર્યું છે. હસતાં-હસાવતાં તેમણે આપણને લવિંગ કેરી લાકડીથી ફટકારીને એ પણ સમજાવી દીધું છે કે દીકરાને બેરર ચેકની જેમ ટ્રીટ કરવાની અને કચકચાવીને દહેજ લેવાની માનસિકતા કોઈ ચોક્કસ વર્ગ કે સમુદાય પૂરતી મર્યાદિત નથી અને આપણું અત્યારનું કહેવાતું ઉચ્ચ શિક્ષણ એ માનસિકતા દૂર પણ કરી શકતું નથી. બલ્કે ડૉક્ટર, એન્જિનિયર, IAS, IPS, MBA થયેલા મુરતિયાનો તો દહેજના માર્કેટમાં ઊંચો ભાવ બોલાય છે! તો સામે એવું જરાય નથી કે ઓછું ભણેલી વ્યક્તિ માનસિક રીતે પણ પછાત જ હોય. સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણવાની પરિપક્વતા કમનસીબે આપણું અત્યારનું એજ્યુકેશન આપી નથી શકતું એ વાત ફિલ્મના લેખક-દિગ્દર્શક હબીબ ફૈઝલે ગરમાગરમ શીરાની જેમ આપણા ગળે ઉતારી દીધી છે.

આ ફિલ્મમાં હૈદરાબાદી અને લખનવી મિજાજ જે ખૂબીથી ઝિલાયાં છે, સુભાન-અલ્લાહ! માત્ર જે-તે શહેરનાં જાણીતાં સ્થળોએ શૂટિંગ કરી લેવાથી એની ઑથેન્ટિક ફ્લેવર ન આવે. એ માટે ત્યાંના કલ્ચરને પણ ઝીણવટપૂવર્‍ક આત્મસાત કરવું પડે. હબીબ ફૈઝલે હૈદરાબાદમાં રહેતાં મુસ્લિમ બાપ-બેટીની લાઇફને બખૂબી ઝીલી છે તો એટલી જ સલૂકાઈથી તેમણે લખનવી મિજાજ પણ ઝીલ્યો છે. જે નજાકતથી પરિણીતી અને અનુપમ ખેર હૈદરાબાદી ઝબાનમાં બાતાં કરે છે એ જરાય કૃત્રિમ લાગતું નથી. હૈદરાબાદ બાજુના લોકો દહેજને ઝહેઝ બોલે છે એનું પણ હબીબ ફૈઝલે ધ્યાન રાખ્યું છે. અરે, દહેજના ભાવ નક્કી કરવાના એક સીનમાં બૅકગ્રાઉન્ડમાં સેલ લખેલું બૅનર ડિસ્પ્લે થાય છે એ પણ એક દિગ્દર્શકનું જ નકશીકામ બતાવે છે.

જો ડિરેક્ટરે ધાર્યું હોત તો તે સહેલાઈથી ફિલ્મને રોનાધોનાવાળી મેલોડ્રામાની ફ્લેવર આપી શક્યા હોત, પરંતુ છેક છેલ્લે સુધી ફિલ્મ પોતાનો હળવો ટોન જાળવી રાખે છે. બલ્કે જે હળવાશથી ફિલ્મમાં પંદરથી એંસી લાખ જેટલી મોટી રકમ દહેજ માટે માગવામાં આવતી હોય અને દહેજનાં રેટ-કાર્ડ નક્કી થતાં હોય એ સંવેદનશીલ હૃદયના લોકોને અકળાવી મૂકે એવું છે.એક પર્ફે‍ક્ટ કૉકટેલની જેમ ફિલ્મનાં ત્રણેય મુખ્ય પાત્રો એકબીજામાં ભળી જાય એવી અદાકારી પેશ કરે છે. કમનસીબે સંગીતનું એવું નથી, ફિલ્મના ટાઇટલ-સૉન્ગને બાદ કરતાં સાજિદ-વાજિદનાં બીજાં બધાં જ ગીતો ભાતમાં કાંકરી આવે એ રીતે ખૂંચે છે.

આ દાવતમાં જવા જેવું છે

બૉલીવુડની ટિપિકલ ફિલ્મોથી હટકે ટ્રીટમેન્ટ ધરાવતી અને સાથોસાથ એક નક્કર વિચાર આપી જતી આ ફિલ્મ ‘દાવત-એ-ઇશ્ક’ જરાપણ ચૂકવા જેવી નથી. હા, ફિલ્મ ખાસ્સી સ્લો છે, પરંતુ એક પૌષ્ટિક સાત્વિક વાનગીની જેમ એ (માનસિક) સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. એટલે દવા તરીકે પણ આ ફિલ્મ પૂરા પરિવાર સાથે જોવી જોઈએ.

* ફાલતુ
** ઠીક-ઠીક
*** ટાઇમપાસ
**** પૈસા વસૂલ
***** બહુ જ ફાઇન


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK