ફિલ્મ-રિવ્યુ : ક્રીચર ૩D

ક્રીચરની સ્ટોરીમાં વેઠનું પંક્ચર,ડરામણી હિન્દી ફિલ્મોની યાદીમાં એક નવા દૈત્યની એન્ટ્રી થઈ છે બ્રહ્મરાક્ષસની, પરંતુ આ નવો કન્સેપ્ટ ભંગાર ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે

યશ મહેતા


ડરામણી ભૂતિયા અને થ્રિલર ફિલ્મોનો આપણે ત્યાં એક આગવો દર્શકવર્ગ રહ્યો છે અને એટલે જ તો જે ફિલ્મ થિયેટરમાં ચાલે કે ન ચાલે, પરંતુ 3D લાઇબ્રેરીઓમાંથી લોકો નિયમિત એને જોવા લઈ જાય છે. આપણને ડરાવવા માટે ડિરેક્ટર વિક્રમ ભટ્ટ એક નવું પ્રાણી લઈ આવ્યા છે, બ્રહ્મરાક્ષસ. એ પણ ૩Dમાં! નો ડાઉટ, પડદા પર આ દૈત્ય ભારે ડરામણો લાગે છે, પરંતુ આખી ફિલ્મમાં પહેલો ભોગ લૉજિકનો લેવાઈ જાય છે. પછી બાકી જે બચે છે એમાં પણ વિક્રમ ભટ્ટે એટલી વેઠ ઉતારી છે કે એક ચીલો ચાતરવાની ક્ષમતા ધરાવતી ફિલ્મ હાસ્યાસ્પદ બનીને રહી ગઈ છે.

માણસ વર્સસ બ્રહ્મરાક્ષસ

આહના દત્ત (બિપાશા બસુ) હિમાચલ પ્રદેશના જંગલમાં એક ફૉરેસ્ટ હોટલ શરૂ કરે છે, પરંતુ એક રહસ્યમય પ્રાણી એક પછી એક તેની હોટેલના મહેમાનો અને કર્મચારીઓનો કોળિયો કરવા માંડે છે. પહેલાં તો તેને દીપડો કે વાઘ જેવું કોઈ રાની પશુ માનીને કોઈ ગંભીરતાથી લેતું નથી, પણ પછી એક દિવસ એ દૈત્ય બધાને સાક્ષાત્ દર્શન આપે છે. ગૉડ્ઝિલા જેવું વિકરાળ શરીર, ઉપર અત્યંત ખોફનાક ચહેરો અને પ્રચંડ શક્તિશાળી. મુંબઈથી એક ઝૂઓલૉજિસ્ટ પ્રોફેસર (મુકુલ દેવ) આવીને પ્રકાશ પાડે છે કે આ તો બ્રહ્મરાક્ષસ છે, જેને બ્રહ્માનો શાપ મળ્યો છે. આવી અતિગંભીર ઘટનાઓને કારણે બિપાશાને હોટેલ બંધ કરવાની નોબત આવે છે. જોકે બિપાશા કહે છે કે કાં તો હું નહીં, કાં આ બ્રહ્મરાક્ષસ નહીં. પછી શરૂ થાય છે બિપાશા બાસુ વર્સસ બ્રહ્મરાક્ષસ વચ્ચે જીવસટોસટની જેવો રોમાંચક મુકાબલો.

લવ-સ્ટોરીએ દાટ વાળ્યો

એક દૈત્ય કે ભૂત આવીને માણસોને રંજાડે અને એનાથી છુટકારો મેળવવા માટે અમુક લોકો ભેગા થઈને કોઈ ઉપાય કરે એ આવી ફૉમ્યુર્‍લા ફિલ્મોની ટિપિકલ રેસિપી છે. આ જ રેસિપી પર આ ફિલ્મ બનાવાઈ છે એટલે સ્વાભાવિક છે કે મગજનો તો જાણે ઉપયોગ કરવાનો રહેતો જ નથી, કેમ કે મગજને તસ્દી આપીએ તો પછી દર બીજી મિનિટે આપણને જે સવાલો ઊભા થાય એનો કોઈ જવાબ જડે નહીં અને માથામાં નકામો દુખાવો શરૂ થઈ જાય.પરંતુ આપણા બૉલીવુડિયા ફિલ્મમેકરો બધા જ વર્ગના પ્રેક્ષકોને મજા કરાવવા માટે ફિલ્મમાં જરૂર હોય કે ન હોય, પરાણે એક લવ-સ્ટોરી ઘુસાડે. એ લવ-સ્ટોરી જાણે ગીતડાં ગાયા વિના પૂરી ન થવાની હોય એમ દર થોડી વારે કુકરની સીટીની જેમ ગીતો વાગ્યા જ કરે. પરિણામે માંડ ફિલ્મમાં આપણે નખ ચાવવા માંડીએ એવી થ્રિલ ક્રીએટ થઈ હોય ત્યાં ગીતડું આવે અને થ્રિલમાં પંક્ચર પાડી દે. માત્ર એક ગીત અરિજિત સિંહે ગાયેલું ‘સાવન આયા હૈ’ કંઈક સાંભળવું ગમે એવું છે, બાકી બધાં ગીતો ઇલ્લે.બાકી એટલું તો માનવું પડે કે ગૉડ્ઝિલા-કમ-ડાયનોસૉર જેવો આ બ્રહ્મરાક્ષસનો કન્સેપ્ટ છે તો ઇન્ટરેસ્ટિંગ. વળી ૩Dમાં અને જાણે કોઈ ગાડીનું એક્સલરેટર દબાવતું હોય એવો અવાજ કરે છે ત્યારે તે રૂંવાડાં ઊભાં કરી દે છે.

બૉલીવુડમાં ‘રાઝ’થી (ભલે ઉઠાઉ) હૉરરમાં નવો ચીલો ચાતરનાર ભટ્ટ-કૅમ્પના વિક્રમ ભટ્ટે હવે ફિલ્મની ટ્રીટમેન્ટમાં રીતસર વેઠ ઉતારવાની શરૂઆત કરી દીધી હોય એવું લાગે છે. જેમ કે આ ફિલ્મમાં કલાકારોની આસપાસની પ્રૉપર્ટીઝ, જંગલની ગુફા વગેરે એટલું નકલી લાગે છે જાણે રામસે બ્રધર્સની કોઈ સસ્તી હૉરર ફિલ્મ જોતા હોઈએ એવું લાગે. ઉપરથી બ્રહ્મરાક્ષસ સામે બાથ ભીડવા માટે જે નુસખા અપનાવાય છે એ તો સાવ પેલા નર્મિલબાબા પોતાના દરબારમાં ઉપાયો સૂચવતા હોય એવા છે. જેમ કે પીપળાનાં પાનની રાખ ચોપડેલાં અને પુષ્કર સરોવરમાં ડુબાડેલાં હથિયાર હોય તો જ બ્રહ્મરાક્ષસ મરે.
વિક્રમ ભટ્ટને બિપાશા બાસુ પર વધુપડતો વિશ્વાસ હોય કે કેમ, પણ આખી ફિલ્મ બિચારીના નાજુક ખભા પર નાખી દીધી છે. બિપાશા બાસુ ક્યારેય પોતાની ઍક્ટિંગ માટે વખણાઈ નથી એ હકીકત છે. હીરોના નામે પાકિસ્તાની ઍક્ટર ઇમરાન અબ્બાસને લીધો છે, જે બિચારાના ભાગે ગીતો ગાવા અને દોડાદોડી કરીને દુખી થવા સિવાય કશું આવ્યું નથી. આ ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટમાં પણ જબ્બર ખાલીપો વર્તાય છે. મુકુલ દેવ અને મોહન કપૂર જેવા કલાકારો વચ્ચે આંટાફેરા કરી જાય છે, પરંતુ ફિલ્મને જકડી રાખે એવું કોઈ ચુંબકીય તત્વ તેમનામાં નથી.

એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો પડે કે ફિલ્મમાં એક તબક્કે કોઈ કારણ વિના દીપડાનો શિકાર થતો બતાવાય છે એટલું જ નહીં, લોકો એ શિકાર પર ખુશ પણ થાય છે. દેશમાં જ્યારે પ્રાણીઓનો બેફામ શિકાર થતો હોય ત્યારે આવું બતાવવું બિલકુલ વખોડવાલાયક છે. વળી આ દૃશ્ય ફિલ્મની સ્ટોરીમાં પણ તદ્દન બિનજરૂરી છે. આ ફિલ્મને ત્રાસદાયક બનાવવામાં એની લંબાઈ પણ છે. ૧૩૫ મિનિટ એટલે કે સવાબે કલાકની આ ફિલ્મને આરામથી કાપીને ૯૦-૧૦૦ મિનિટમાં પૂરી કરી શકાઈ હોત. અફસોસ. હવે કોઈએ વિક્રમ ભટ્ટને કાતર ગિફ્ટ આપવી જોઈએ.

‘ક્રીચર’ના પિક્ચરમાં જવાય?


એટલું ખરું કે વિક્રમ ભટ્ટે આ ફિલ્મમાં તેની ટેવ પ્રમાણે કોઈ ગરમાગરમ બેડરૂમ-દૃશ્યો બતાવ્યાં નથી એટલે એ પરિવાર સાથે જોઈ શકાય એવી સાફસૂથરી તો છે જ. જો આવી થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય અને વચ્ચે આવતી નકામી લવ-સ્ટોરી, ગીતો અને ધડમાથા વિનાની સીક્વન્સિસમાં કશો વાંધો ન હોય તો આ ફિલ્મ જોવાનું જોખમ લઈ શકાય ખરું.

* ફાલતુ
** ઠીક-ઠીક
*** ટાઇમપાસ
**** પૈસા વસૂલ
***** બહુ જ ફાઇનComments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK