જાણો કેવી છે ફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'

યમલા પગલા દીવાના સિરીઝની બીજી ફિલ્મ નબળી હતી. નબળાઈમાં આ એનાથીયે ચડિયાતી છે! પંજાબી પૃષ્ઠભૂમિવાળી ટિપિકલ ફિલ્મો જેમને જોવી ગમતી હોય તેમને કદાચ ગમશે. સનીનો ચાર્મ, બૉબીની બૉડી અને ધર્મેન્દ્રની રમૂજ; બધું જ ડલ છે

yamla pagla

ફિલ્મ-રિવ્યુ - યમલા પગલા દિવાના ફિર સે

પાર્થ દવે

૨૦૦૭માં દેઓલપરિવારના ફૅમિલી ડિરેક્ટર અનિલ શર્માએ ત્રણેને સાથે લઈને ‘અપને’ ફિલ્મ બનાવી હતી. સ્પોર્ટ્સ ડ્રામા જોનરની આ લાગણીસભર ફિલ્મ પ્રમાણમાં લોકોને ગમી હતી. આના પછી દેઓલ્સે નક્કી કરી લીધું કે બીજે ક્યાંય મેળ નહીં પડે તો અમે ત્રણેય સાથે તો આવશું જ! અને ૨૦૧૧માં ડિરેક્ટર સમીર કર્ણિકે ‘યમલા પગલા દીવાના’ નામથી કૉમેડી ફિલ્મ બનાવી. ફિલ્મનું નામ ધર્મેન્દ્રની ૧૯૭૫માં આવેલી ફિલ્મ ‘પ્રતિજ્ઞા’ના હિટ સૉન્ગ મૈં જટ યમલા પગલા દીવાના...માંથી લીધેલું. ફિલ્મ એના ટાર્ગેટેડ સ્ટેટ પંજાબ સહિત આખા ભારતમાં ચાલી. લોકોને ગમી. બે વર્ષ પછી સંગીત સિવન નામના ડિરેક્ટરે ‘યમલા પગલા દીવાના ૨’ બનાવી જે વાહિયાત હતી અને ફ્લૉપ પણ ગઈ હતી. બે ભાઈઓએ વચ્ચે ‘પોસ્ટર બૉય્ઝ’ કરી. ભાઈઓનાં નસીબ ખરાબ હોવાથી એકદંરે સારી હોવા છતાં ફિલ્મ ન ચાલી. બૉબીએ કચરો ‘રેસ ૩’ કરી. (સલમાન ખાન હોય તો શું થયું? કચરો કચરો હોય!) ફરી પાછું કંઈ કામ ન હોઈ ત્રણેએ ભેગા મળી પાંચ વર્ષ પછી ફરી એક નવા ડિરેક્ટર નવનિયત સિંહને પકડી એનો ત્રીજો ભાગ બનાવ્યો. નામ રાખ્યું : ‘યમલા પગલા દીવાના ફિર સે’. 

આ ત્રીજો ભાગ વાહિયાતના મામલામાં બીજા ભાગ કરતાં પણ ચડિયાતો છે. પિક્ચર એટલું જાદુઈ છે કે અનિદ્રાના દરદીને પણ ઘસઘસાટ ઊંઘ આવી જાય! આવો ડીટેલમાં પોસ્ટમૉર્ટમ કરીએ.

જાદુઈ વારતા!

સલમાન, સોનાક્ષી, રેખા સહિત બહુબધાને અપાયેલી સ્પેશ્યલ થૅન્ક્સ સાથે પડદો ઊઘડે છે. (ધર્મેન્દ્રે કહ્યું હતું, મારા એક આગ્રહ પર આખી ઇન્ડસ્ટ્રી હાજર થઈ જાય. લોકો મને પ્રેમ કરે છે!) અનુ કપૂરનો વૉઇસ-ઓવર સ્ટાર્ટ થાય છે, જે છેવટ સુધી વચ્ચે-વચ્ચે આવતો રહે છે. કપૂરજીના કહેવા મુજબ વર્ષો પહેલાં એક આર્યુવેદિક જડીબુટ્ટી હતી. એનો ઉપયોગ અકબરે કર્યો અને શાહજહાં થયો. (ભૂલચૂક લેવીદેવી. આ YPD છે! પાછા પંજાબીઓ કોઈ વાતમાં સિરિયસ ન હોય!) પછી કપૂરજી થોડા નજીક આવે છે. અંગ્રેજોના જમાનાની વાત કરે છે. એમાં પણ આ વ્રજ કવચ નામક જડીબુટ્ટીએ લોકોની ખાસ્સી મદદ કરી હતી. આજે આ વ્રજ કવચ બનાવનાર દુનિયામાં એકમાત્ર વૈદ્ય છે, નામ : પૂરણ (સની દેઓલ. બીજું કોણ?) તેનો મૂર્ખતાને અડીને આવેલો ભોળોભટ્ટ ભાઈ કાલા (બૉબી દેઓલ) છે. વર્ષો જૂની પરંપરાગત ઉપચાર પદ્ધતિથી ગામના લોકોને સાજા કરે છે પૂરણ. પણ તે સની દેઓલ છે અને એથી તેનો ફરજિયાતપણે સાથે આવતો ઢાઈ કિલોનો હાથ છે એટલે તે હાથ વડે બળદગાડાં; બળદગાડાં તો કંઈ ન કહેવાય; ટ્રૅક્ટર, ટ્રક વગેરે બધું રોકી-ખેંચી શકે છે. જમીન પર તે મુક્કો મારે તો ધþુજાવી નાખે, દીવાલ પર ગુસ્તો મારે તો દીવાલ તોડી નાખે. એવું બધું. જાદુઈ! ‘કોઈ... મિલ ગયા’નો જાદુ તો અમૃતસર આંટો નહીં મારી આવ્યો હોયને? આમેય રોશનપરિવાર બીજાબધા મસલામાં બહુ વ્યસ્ત રહે છે આજકાલ!

હવે આ વ્રજ કવચ પર એક જાયન્ટ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક મારફતિયા (મોહન કપૂર)ની નજર પડે છે. તે એને હડપવા ચીકુને મોકલે છે. ચીકુ એટલે ફ્રૂટ નહીં, વાર્તા એટલી પણ જાદુઈ નથી. ચીકુ એટલે ફિલ્મની એકમાત્ર બ્યુટિફુલ રિલીફ કીર્તિ ખરબંદા. ચીકુ સુરતમાં MBBS થયેલી છે અને કોઈ હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરે છે. તે આર્યુવેદનું શીખવા ત્યાંથી વૈદ્યાચાર્ય પૂરણ પાસે આવે છે. (બોલો!) નિયમ પ્રમાણે ચીકુ અને કાલા પ્રેમમાં પડે છે. ચીકુ વ્રજ કવચની રીત ચોરીને પાછી આવી જાય છે. કાલાનું હૃદય તૂટી જાય છે.

આ વખતે ધર્મેન્દ્રજી સની-બૉબીના પિતાજી નથી બન્યા, પણ તેમના વિચિત્ર લાગે તેવા મોજીલા ભાડૂત બન્યા છે જે વકીલ છે અને જેમને ગમે ત્યારે પોતાની આસપાસ અપ્સરાઓ દેખાવા લાગે છે. વકીલ છે એટલે તમે સમજી શકો છો કે પૂરણ સિંહ વતી કેસ પણ તે જ લડે છે. વાર્તા એટલી પ્રિડિક્ટેબલ અને ચવાઈ ગયેલી અને કંટાળાજનક છે કે ૧૪૭ મિનિટમાંથી કાપકૂપ કરીને માત્ર ૯૦ મિનિટ રાખી હોત તો પણ લાંબી લાગત!         

PhD ઇન સ્ટિરિયોટાઇપવેડા

સ્ટોરી તથા સ્ક્રીનપ્લે રાઇટર ધીરજ રતને આ અગાઉ ‘જટ ઍન્ડ જુલિયટ ૨’ અને ‘રોમિયો રાંઝા’ સહિતની ઘણી પંજાબી ફિલ્મો કરી છે. અહીં તેમણે ફર્સ્ટ હાફમાં અમૃતસરમાં પંજાબી કલ્ચર ઊભું કર્યું છે, જેમાં તેમની ફાવટ છે એ દેખાઈ આવે છે. પણ જ્યારે ફિલ્મ શિફ્ટ થઈને બીજા હાફમાં ગુજરાતના સુરતમાં આવે છે ત્યારે લોલમલોલ શરૂ થઈ જાય છે. પ્રોડક્શન લેવલની બધી નબળાઈઓ આંખો સામે તરવા લાગે છે. ખ્યાલ જ આવી જાય છે કે આ ઊભો કરેલો એક સેટ છે જેમાં પરેશ, જિજ્ઞેશ, સેજલ નામનાં ગુજરાતી કૅરિકેચરિશ પાત્ર રહે છે. જે ગુજરાતી હોવાની સાબિતી આપતા હોય એમ થોડી-થોડી વારે કેમ છો? મજામાં, બરાબર છે બોલ્યા કરે છે.

ઍક્ચ્યુઅલી આ ફિલ્મે સ્ટિરિયોટાઇપમાં PhD કર્યું છે. પંજાબી છે એટલે દારૂ પીવાનો અને ભાંગડા કરવાના જ અને વાતે-વાતે ઉત્સાહમાં આવી જઈને મજાક કરવાની. સામે ગુજરાતીઓ છે એટલે પંજાબીઓને શંકાસ્પદ નજરે જોવાનું, પ્યૉર વેજિટેરિયન હોવાનું અને દારૂ જોઈને ભડકવાનું. સિરીઝના ત્રીજા ભાગનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એના હવા કાઢી નાખ્યા હોય એવા ડાયલૉગ્સ છે. અગાઉના બેઉ ભાગમાં પણ નબળાઈ ઘણી હતી (બીજો તો ખરાબ જ હતો) છતાંય અમુક ડાયલૉગ્સ અને સિચુએશન્સે લોકોને મજા કરાવી હતી. તો જ ત્રીજો ભાગ બનેને! પણ અહીં ફ્લૅટ ડાયલોગ્સ તથા વિખેરાયેલા અને ખેંચેલા સ્ક્રીનપ્લેના કારણે એક પણ જોકમાં મજા નથી આવતી. બૉબી દેઓલને અહીં બેઉ કરતાં વધુ ફોકસ કરાયો છે, પરંતુ તે કૉમેડી કરે છે એ દેખાઈ આવે છે. સની દેઓલ અવાસ્તવિક લાગે તેટલો પવિત્ર છે! તે બધી વાતો શાંતિથી કરે અને કોઈ ન સમજે તો એક મુક્કા ભેગો ઉડાડી દે! ધર્મેન્દ્ર મજાકિયા વકીલના રોલમાં છે. તેમની હાલ ઉંમર ૮૨ વર્ષ છે અને સૅલ્યુટ છે તેમની પ્રતિભાને, સ્ક્રીન-પ્રેઝન્સને; પરંતુ ડાયલૉગ બોલવામાં તેમને તકલીફ પડતી હોય એવું એકાધિક વખત લાગે છે. કીર્તિ ખરબંદા ડૉક્ટર બની છે, પણ તે કાપા પર બૅન્ડેજ લગાવી શકે તેટલી પણ સક્ષમ એકેય સીનમાં લાગતી નથી! તે એવી ગુજરાતી ડૉક્ટર છે જેને ઢીંચવાની આદત છે, એ માટે સુરતથી દમણ જાય છે! રાજેશ શર્મા, સતીશ કૌશિક, પરેશ ગણાત્રા વગેરે તમામ પાત્રો વેડફાયાં છે. ગુજરાતી બૅકડ્રૉપ દર્શાવવા મોટા ભાગનાં પાત્રો મૂળ ગુજરાતી લેવાયાં છે છતાંય નૅચરલ ફીલ મિસિંગ છે.

ડ્રીમગર્લ બેઅસર

ધર્મેન્દ્ર અને સનીપાજીની ભૂતકાળની સફળતા એનકૅશ કરવાના હેતુથી ‘શોલે’ના મોહલ્લેવાલોં મોનોલૉગનું બૉબી દ્વારા વારંવાર ઉચ્ચારણ, સનીની ઢાઈ કિલો કા હાથવાળી સીક્વન્સ, ડ્રીમગર્લ ટ્યુન સહિત ધર્મેન્દ્રની હિટ ફિલ્મોનાં ગીતો બૅકગ્રાઉન્ડમાં વાગવાં, પોતાના પાત્ર પરમારને ધર્મેન્દ્ર સાથે સરખાવવું, શત્રુધ્ન સિંહા-રેખા-અસરાની વગેરેના કૅમિયો વગેરેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓ મેરી મેહબૂબા, ગાડી બુલા રહી હૈ, પ્યાર કે ઇસ ખેલ મેં... આટલાં સૉન્ગ વાગે છે, પરંતુ એક પણ સૉન્ગ રિયલ વૅલ્યુ ઍડ નથી કરી શકતું. હા, એન્ડ-ક્રેડિટ સાથે આવતા રફતા રફતાની મેડ્લી પર રેખા, સલમાન, ત્રણેય દેઓલ્સ, સોનાક્ષી અને શત્રુધ્ન સિંહાને નાચતાં જોવાની મજા પડે છે. બાકીનાં તમામ ગીતો ફિલ્મને અવરોધે છે.

જોવી કે નહીં?     

આ ફિલ્મ પ્યૉરલી ચોક્કસ વિસ્તાર અને ટાર્ગેટેડ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બની છે. અગાઉની બેઉ પણ એવી જ હતી. એટલે પંજાબી પૃષ્ઠભૂમિવાળી ફિલ્મો જોવી ગમતી હોય (ગુજરાતીની તો પત્તર રગડી છે), દેઓલ્સના ફૅન હો, YPDના અગાઉના બે પાર્ટ્સ જોયા હોય અને ખાસ તો બીજો ભાગ ગમ્યો હોય તો આ ફિલ્મ તમને ગમશે. બાકી રાહ જુઓ, આ જટ્સ ઝટ ટીવી પર દેખાશે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK