ફિલ્મ-રિવ્યુ : વેલકમ બૅક

પ્લીઝ, ગો બૅક, છૂટાંછવાયાં વનલાઇનર્સને બાદ કરતાં આ ચ્યુઇંગ-ગમછાપ ફિલ્મ અઢી કલાકના ભવાડાથી વિશેષ બીજું કશું જ નથી

welcome back

જયેશ અધ્યારુ


આ વર્ષે ‘MSG’, ‘મિસ્ટર એક્સ’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મો આવી ત્યારે થયેલું કે હવે આ વર્ષનો ક્વોટા પૂરો. આનાથી વધારે બાલિશ અને રેઢિયાળ ફિલ્મ થોડી આવવાની? પણ ના. આપણા બૉલીવુડે જાયન્ટ સાઇઝનો હથોડો ઝીંકવા માટે ‘વેલકમ બૅક’ને બચાવી રાખેલી. જો ટીવી-ઇન્ટરનેટ પર બાબા રામરહીમની MSG-2નાં ટ્રેલર શરૂ ન થઈ ગયાં હોત તો ‘વેલકમ બૅક’ને આ વર્ષની સૌથી હાસ્યાસ્પદ ફિલ્મનો અવૉર્ડ આપી શકાત.

ભવાડાની સીક્વલ

દુબઈમાં રહેતા ડૉ. ઘૂંઘરૂ (પરેશ રાવલ)ને તેમની બૉયકટ પત્ની (સુપ્રિયા કર્ણિક) અચાનક બ્રેકિંગ ન્યુઝ આપે છે કે લગ્ન પહેલાંની ઇતર પ્રવૃત્તિથી તેમને એક જુવાન દીકરો છે, જે મુંબઈમાં ડૉન અજ્જુભાઈ (જૉન એબ્રાહમ) તરીકે સેટ છે. બીજી બાજુ ડૉનમાંથી શરીફ થઈ ગયેલા મજનૂભાઈ (અનિલ કપૂર) અને ઉદય શેટ્ટી (નાના પાટેકર)ને તેમના પપ્પા (સિનિયર નાના પાટેકર) સાઉથ ઇન્ડિયન લૅન્ગ્વેજમાં શૉક આપે છે કે તારી ત્રીજી મમ્મીથી તને એક જુવાન બહેન રંજના (શ્રુતિ હાસન) છે, જેનાં તારે લગ્ન કરાવવાનાં છે.

આ ઉદય અને મજનૂ બન્ને હજી વાંઢા છે. ગઈ ફિલ્મની મલ્લિકાની જેમ આ ફિલ્મમાં ચોટ્ટી મા-દીકરી (ડિમ્પલ કાપડિયા-નવોદિત અંકિતા શ્રીવાસ્તવ) આ બેય ભાઈઓને પ્રેમ કા ગેમમાં ફસાવીને બાટલીમાં ઉતારવાની ફિરાકમાં છે. ત્રીજી બાજુ ખૂનખાર અને સિલેક્ટિવ દૃષ્ટિહીન ડૉન વૉન્ટેડ ભાઈ (નસીરુદ્દીન શાહ)નો જુવાન દીકરો હની (શાઇની આહુજા) ઘરમાં બેઠો ગાંડા કાઢે છે કે પરણું તો ઓલી શ્રુતિ હાસનને જ પરણું વર્ના આપઘાત કરી લઉં.

ત્રિરંગી ઢોકળા નાખેલી આ ચાઇનીઝ ભેળમાં હજી કેટલાય નમૂનાઓ આવ-જા કરે છે, ગરબડ-ગોટાળા થાય છે, ગીતો આવે છે. એક માત્ર પિક્ચર જ પૂરું થવાનું નામ નથી લેતું.

બાલિશોત્સવ

ડિરેક્ટર અનીસ બઝ્મી ફિલ્મોના નામે સુરતી ગોટાળા પીરસવા માટે કુખ્યાત છે. અગાઉ તેઓ ‘નો એન્ટ્રી’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘નો પ્રૉબ્લેમ’, ‘રેડી’, ‘થૅન્ક યુ’ જેવી ફિલ્મો બનાવવાની જુર્રત કરી ચૂક્યા છે (જેવાં એમની ફિલ્મોનાં ટાઇટલ હોય છે એ જોતાં આગળ જતાં તેઓ ‘હૉર્ન ઑકે પ્લીઝ’, ‘ઓકે ટા-ટા બાય-બાય’, ‘બૂરી નઝરવાલે તેરા મુંહ કાલા’, ‘કીપ સેફ ડિસ્ટન્સ’, ‘હમ દો હમારે દો’ જેવી ફિલ્મો પણ બનાવે તો નવાઈ નહીં).  પરંતુ હવે તેઓ સીક્વલના રવાડે ચડ્યા છે.

‘વેલકમ બૅક’ જેવી ફિલ્મમાં તમને મજા આવશે કે નહીં એનો આધાર તમે કઈ અપેક્ષા લઈને ફિલ્મ જોવા જાઓ છો એના પર છે. જો તમને પાંચ-પચીસ ચબરાકિયાં સાંભળીને ખિખિયાટા છૂટી જતા હોય, ડબલ મીનિંગ ડાયલૉગથી રોમ-રોમમાં ગલગલિયાં થવા માંડતાં હોય, ઢેકા ઉલાળતી બાઈઓના શરીરના વળાંકો જોઈને સીટીઓ મારવાનું મન થઈ જતું હોય અને બહાર નીકળીને કોઈ પૂછે તો જવાબમાં ‘આપણને તો બે ઘડી મોજ કરાવીને ફ્રેશ કરી દ્યે એવી ફિલ્મો બવ ગમે’ એવી વાયડાઈ કરવી ગમતી હોય તો કસમ મજનૂભૈયા કી, આ ફિલ્મ તમને હસાવી-હસાવીને તમારા ગાભા કાઢી નાખશે.

‘વેલકમ બૅક’ને સીક્વલ તરીકે પ્રમોટ કરાઈ છે, પરંતુ હકીકતમાં એની પ્રીક્વલ એવી અક્ષયકુમાર સ્ટારર ‘વેલકમ’ની રીમેક જ છે. અહીં એ જ રીતે ઉદય-મજનૂ એક લેભાગુ લલનાના ઝાંસામાં આવે છે, એ જ રીતે ભાઈ વર્સસ ઘૂંઘરૂ અને ભાઈ વર્સસ બડે ભાઈની તડાફડી બોલે છે અને એવા જ ઘોંઘાટિયા ગરબડ-ગોટાળા સાથે ફિલ્મ (માંડ) પૂરી થાય છે. ફિલ્મના એક સીનમાં એક પાત્ર નાના પાટેકર-અનિલ કપૂર માટે કહે છે, ઓ ગુંડો કે લૉરેલ-હાર્ડી. ડિટ્ટો જો તમે એવી જ સિલી, સ્લૅપ્સ્ટિક ફિલ્મ તરીકે આ ફિલ્મને લો તો એ તમને છૂટક-છૂટક હસાવવામાં સફળ થાય છે ખરી. થૅન્ક્સ ટુ એના ત્રણ ડિપેન્ડેબલ કલાકારો નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલ. આ ત્રણેય કલાકારોનું કૉમિક ટાઇમિંગ ગજબનાક છે. ગમે તેવા ફાલતુ સીનમાં પણ તેઓ પોતાની ઍક્ટિંગથી તમને હસાવી દે. જેમ કે એક સીનમાં નાના-અનિલ કબ્રસ્તાનમાં ભૂતો સાથે અંતાક્ષરી રમે છે. માત્ર ઍક્ટિંગના જોરે જ એ સીન કૉમેડીની પંગતમાં ગોઠવાયો છે. પરેશભાઈના ચહેરા પર હવે થોડી ઉંમર દેખાય છે, પરંતુ નાના પાટેકર અને અનિલ કપૂરને તો સત્વરે સંતૂર સાબુના બ્રૅન્ડ-એમ્બેસેડર બનાવી દેવા જોઈએ. એ બન્નેને જોઈને તેમની ઉમþ કા પતા હી નહીં ચલતા.

આ ફિલ્મનું ચોથું સરપ્રાઇઝ એલિમેન્ટ છે એનાં ઘણે ઠેકાણે દ્વિઅર્થી અને ક્યાંક સ્માર્ટ એવાં વનલાઇનર્સ. વો ઇતને શરીફ હૈ કિ ઉનકે ઘર કી મખ્ખિયાં ભી દુપટ્ટા ઓઢકે ઊડતી હૈ જેવાં સિલી વનલાઇનર્સથી લઈને ખાડો ખોદતો અનિલ બોલે છે, યે તો દુબઈ હૈ ઇસલિયે ખોદના પડ રહા હૈ, ઇન્ડિયા હોતા તો વહાં ઇતને ખડ્ડે હૈ કિ... પહેલી ફિલ્મના ફિરોઝ ખાન પાછા થયા એટલે તેમને ઠેકાણે અહીં નસીરુદ્દીન આવ્યા છે. તેમણે પોતાની જૂની મૂડી ધોઈ નાખવાનો નિર્ધાર કર્યો હોય એમ તેઓ એકથી એક વાહિયાત રોલ કરી રહ્યા છે. અહીં તેઓ બ્લાઇન્ડ ડૉન બન્યા છે. તેમને બ્લાઇન્ડ માત્ર એટલા માટે જ બનાવાયા છે જેથી તેઓ ક્લાઇમૅક્સમાં એક સ્માર્ટ લાઇન બોલી શકે કે યહાં કાનૂન ભી હમ હૈ ઔર અંધે ભી હમ હૈ.

આ એક અનપેક્ષિત ફિલ્મ છે. અહીં ગમે ત્યારે ગમે તે આવતું રહે છે, ધ એન્ડ સિવાય. બદ સે બદતર ગીતો, કાગડા, ઊંટ, જથ્થાબંધ હેલિકૉપ્ટર, ટૂંકાં કપડાંવાળી છોકરીઓ, ‘ક્ટk’ની મિમિક્રી કંઈ પણ. અને કલાકારો તો જાણે ચૂરમાના લાડુ પર ખસખસ ભભરાવી હોય એટલાબધા છે. ખાલી નામ જ વાંચી લો : ડિમ્પલ કાપડિયા, રણજિત, રાજપાલ યાદવ, નીરજ વોરા, શાઇની આહુજા, અદી ઈરાની, સ્નેહલ ડાભી, લૉરેન ગૉટલીબ, સુરવીન ચાવલા, વિજયરાજનો વૉઇસઓવર ઉફ્ફ.

જૉન એબ્રાહમ માટે અનિલ કપૂર એક સીનમાં કહે છે, યે સાલા જિમ મેં પૈદા હુઆ લગતા હૈ. ખરેખર, બાવડાં બનાવવાની ફિરાકમાં જૉન બિચારો ભૂલી જ ગયો છે કે ઢીકાપાટુ ઉલાળવા સિવાય ઍક્ટિંગમાં બીજું ઘણુંય કરવાનું હોય છે. અને એક સવાલ : શ્રુતિ હાસન ખરેખર કમલ-સારિકાની જ દીકરી હશે? તો તેને ગળથૂથી કોણે પાઈ હશે?

મમ્મી-પપ્પાની ઍક્ટિંગની એક ટકોય ટૅલન્ટ તેનામાં ઊતરી નથી.

ઇન્ટરવલ પછી આ ફિલ્મમાં ખરેખર કોઈ નક્કર ટ્રૅક જ નથી. પરાણે ફિલ્મને અઢી કલાક ઉપર ખેંચી છે અને પછી અચાનક પૂરી થયેલી જાહેર કરી દેવાઈ છે. ખરેખર તો આ ફિલ્મમાં બફૂનરીનો માસ્ટર એવો અક્ષયકુમાર હોત, ફિલ્મને કાપીકૂપીને બે કલાકમાં સમેટી લેવાઈ હોત, ગીતો કંઈક ઠેકાણાંસરનાં હોત (આવાં તે કંઈ ગીત હોતાં હશે: તૂ બન્ટી હુઆ, મૈં બબલી હુઈ, ફિર બંદ કમરે મેં ટ્વેન્ટી ટ્વેન્ટી હુઈ), સસ્તા દ્વિઅર્થી જોક્સનું પ્રમાણ ઓછું હોત તો આ ‘વેલકમ બૅક’ પ્લેઝર રાઇડ બની શકી હોત. આના મેકર્સને ખબર છે કે તેઓ બાલિશ ફિલ્મ બનાવે છે એટલે જ ફિલ્મમાં શક્ય એટલી હાસ્યાસ્પદ સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ ઠપકારાઈ છે.

નો એન્ટ્રી

આમ તો અનીસ બઝમીની ફિલ્મો થિયેટર સુધી લાંબા થવા જેવી હોતી જ નથી. આ ‘વેલકમ બૅક’નું પણ એવું જ છે. ગિલ્ટી પ્લેઝર તરીકે ટાઇમપાસમાં ટીવી પર આવતી હોય ત્યારે જોવાય, થિયેટરમાં પૈસા ન બગાડાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK