ફિલ્મ-રિવ્યુ : વેલકમ ટુ કરાચી

આ ફિલ્મ તમને એક જ રીતે ખડખડાટ હસાવી શકે, જો થિયેટરમાં લાફિંગ ગૅસ છોડવામાં આવ્યો હોય તો

welcom2karachiજયેશ અધ્યારુ

પ્રોમો કે ટ્રેલર કહેતાં ફિલ્મની જાહેરખબર જોઈને એ ફિલ્મ વિશે મનમાં આશાનાં તોરણિયાં બંધાય અને આપણે જોવા માટે હડી કાઢીએ. આ પ્રક્રિયામાં આંખે પાટા બાંધીને કાર ચલાવવા જેટલું જોખમ છે. પ્રોમો જોઈને લાગતું હોય કે આ ફિલ્મ તો હસાવી-હસાવીને આપણા ગાભા કાઢી નાખશે, પણ થિયેટરમાં ઘૂસ્યા પછી ખબર પડે કે ખરેખર તો ટ્રેલરમાં હતું એટલું જ હસવાનું હતું. બાકી આખી ફિલ્મમાં બગાસાં સિવાય કશું જ નથી. બસ, એવી જ મહાબોરિંગ દાસ્તાન છે આ ‘વેલકમ ટુ કરાચી’ની.

મૂર્ખ મીટ્સ મહામૂર્ખ

ઉપરવાળાએ જેમને બનાવીને બીબું તોડી નાખ્યું હોય એવા બે નમૂના શમ્મી ઠાકુર (અર્શદ વારસી) અને કેદાર પટેલ (જૅકી ભગનાણી) બન્ને દોસ્તાર છે. ભારતીય નૌકાદળમાં પોતાની અક્કલનું પ્રદર્શન કરવા બદલ શમ્મીને ર્કોટમાર્શલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે અક્કલનો ઓથમીર કેદાર એક રેગ્યુલર ગુજરાતીની જેમ અમેરિકા જવાનાં સપનાં જુએ છે અને તેના પપ્પા મિતેશ પટેલ (દલીપ તાહિલ)નો ઇવેન્ટ-મૅનેજમેન્ટનો બિઝનેસ ડુબાડવાના પૂરા પ્રયાસ કરે છે. જામનગરના દરિયામાં બોટ-પાર્ટી કરવાના આવા જ એક પ્રયાસમાં બન્ને નમૂના ભૂલથી કરાચી પહોંચી જાય છે. ઘરે પાછા ફરવાના પ્રયાસમાં બન્ને નમૂના કરાચીના ગુંડાઓથી લઈને વઝિરિસ્તાનના તાલિબાનીઓ વાયા અમેરિકન સૈન્ય સુધીના લોકોની અડફેટે ચડી જાય છે. પોતાની સિરિયલ મૂર્ખામીઓને લીધે આ બન્ને એવું કમઠાણ ઊભું કરે છે કે ઠેઠ પાકિસ્તાની સંસદભવન સુધી પહોંચી જાય છે.

વેલકમ ટુ બોરડમપુર

કોઈ પણ સ્ટૅન્ડઅપ કૉમેડિયન કે હાસ્યકારનું સૌથી મોટું દુ:સ્વપ્ન શું હોય છે ખબર છે? એ સ્ટેજ પરથી એક પછી એક જોક્સ ફેંકતો જાય અને લોકો હસવાને બદલે જાણે બેસણામાં આવ્યા હોય એમ મોં વકાસીને બેઠા રહે. અમુક સીનને બાદ કરતાં ‘વેલકમ ટુ કરાચી’ની હાલત એવી જ છે. ૧૩૧ મિનિટની આ ફિલ્મમાં પહેલા અડધા કલાક સુધી જેને ખરેખર કૉમિક કહી શકાય એવો કોઈ સીન નથી. એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય અને હસવાને બદલે આપણે મનમાં બોલતા રહીએ, ઓકે, નેક્સ્ટ.

જેને આઇક્યુની ટેસ્ટમાં પણ પાસિંગ માર્ક આવતા હોય એવાં ડફોળ પાત્રોની ફિલ્મો આપણે ‘લૉરેલ ઍન્ડ હાર્ડી’થી લઈને હૉલીવુડની જિમ કૅરી સ્ટારર ‘ડમ્બ ઍન્ડ ડમ્બર’ વાયા ‘પિન્ક પૅન્થર’માં જોઈ ચૂક્યા છીએ, પરંતુ જો એ પેંગડામાં પગ ઘાલવો હોય તો એકદમ શાર્પ ãસ્ક્રપ્ટ અથવા તો સુપર્બ કૉમિક ટાઇમિંગ સાથેની સ્લૅપસ્ટિક એટલે કે સ્થૂળ કૉમેડી જોઈએ. અહીં એવું કૉમિક-ટાઇમિંગ માત્ર અર્શદ વારસી પાસે જ છે, પરંતુ એ કાંઈ ક્રિસ ગેલ નથી કે આખી ફિલ્મ પોતાના ખભે ઊંચકી લે. આ ફિલ્મનો રાઇટિંગ-ડિપાર્ટમેન્ટ આપણા ગુજરાતી હાસ્યઅભિનેતા વ્રજેશ હીરજીએ સંભાળ્યો છે, પરંતુ તેઓ જો સદેહે ફિલ્મમાં અવતર્યા હોત તો ફિલ્મને કંઈક ફાયદો થાત. 

જેના નામે ડફોળનું સર્ટિફિકેટ ફાડી શકાય એવો એક નમૂનો પાકિસ્તાનમાં સલવાઈ જાય એવી સ્ટોરી ધરાવતી ફિલ્મ ગયા વર્ષે આપણે ‘ફિલ્મિસ્તાન’માં જોઈ ચૂક્યા છીએ. અહીં બે નમૂના છે એટલું જ, પરંતુ ‘ફિલ્મિસ્તાન’માં બે મુખ્ય ઍક્ટર્સ શારીબ હાશમી અને ઇનામુલ હકની સુપર્બ કેમિસ્ટ્રી અને દમદાર ઍક્ટિંગે ફિલ્મમાં એન્ટરટેઇનમેન્ટના રંગ ભર્યા હતા. અહીં બિચારો અર્શદ વારસી એકલો હવામાં ઍક્ટિંગના પીંછડા ફેરવ્યા કરે છે. જૅકી ભગનાણીને તો ઠીક છે કે તેના પપ્પા ફિલ્મના પ્રોડ્યુસર છે એટલે તેને ફિલ્મની મુખ્ય ભૂમિકામાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી જાય, પરંતુ ઍક્ટિંગનું શું? એ જેવું ગુજરાતી છાંટવાળું હિન્દી બોલવાનો પ્રયત્ન કરે છે એ તો કોઈ ગુજ્જુ ચાર પેગ પેટમાં પધરાવીને બોલતો હોય એવું જ સંભળાય.

પ્રયત્નપૂવર્‍ક હોય કે જોગાનુજોગ, પણ આ ફિલ્મમાં બીજી કેટલીયે ફિલ્મોની અસર દેખાયા કરે છે. હૉલીવુડની ‘ડમ્બ ઍન્ડ ડમ્બર’ અને આપણી ‘ફિલ્મિસ્તાન’ તો ગણાવી. પાકિસ્તાનમાં બેસીને ભારતની જીતનું જશ્ન મનાવવાની સીક્વન્સ પણ ડિટ્ટો ‘ફિલ્મિસ્તાન’વાળી છે, પરંતુ જૅકી ભગનાણીનો વીઝા-ઇન્ટરવ્યુવાળો સીન સીધો જ ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ની યાદ અપાવે છે. પાકિસ્તાની રાજકારણી એક દૃશ્યમાં હૉલીવુડની સુપર સટાયરિકલ ફિલ્મ ‘ડિક્ટેટર’ના હીરો સાચા બેરન કોહેનની જેમ વર્તે છે. દુશ્મનદેશમાં ભરાઈ ગયેલા બે નવાણિયાને કાઢવાની મથામણ ગયા વષાર઼્તે આવેલી વિવાદાસ્પદ અંગ્રેજી કૉમેડી ફિલ્મ ‘ધ ઇન્ટરવ્યુ’ને ખો આપે છે, જ્યારે ખોટા પાસર્પોટથી છૂપા વેશે પ્લેનમાં બેસીને બહાર નીકળવાનો આખો ટ્રૅક આપણે હમણાં જ અક્ષયકુમારની ‘બેબી’માં જોયેલો. એ મૂળે હૉલીવુડ ફિલ્મ ‘આર્ગો’ પરથી પ્રેરિત હતો, પરંતુ આ જેટલી ફિલ્મોનાં નામ ગણાવ્યાં એ બધી જ એટલી અફલાતૂન છે કે આ વીક-એન્ડમાં જોઈ પાડશો તો ઘરમાં મસ્ત ફિલ્મ-ફેસ્ટિવલ જેવો માહોલ થઈ જશે.

વિષમ પરિસ્થિતિઓમાં સમય ધીમો પડી જાય છે એના અનુભવમાં આ ‘વેલકમ ટુ કરાચી’ના સેકન્ડ હાફમાં પાકિસ્તાની ઘૂસણખોરોની જેમ ઘૂસી આવતાં ગીતો ઑર ઉમેરો કરે છે. ત્યાં કોઈ કારણ વગર અચાનક ટૅલન્ટેડ ઍક્ટર પવન મલ્હોત્રા ફૂટી નીકળે છે અને એટલી જ ઝડપથી પાછો ગાયબ થઈ જાય છે. કદાચ હીરોલોગની હસાવવાની કાબેલિયત પર શંકા હોય કે કેમ, પણ પત્રકાર દીપક ચૌરસિયા પણ ન્યુઝ-ઍન્કર તરીકે યથાશક્તિ કૉમેડી કરવાનો (નિષ્ફળ) પ્રયાસ કરે છે.

હા, એટલું કહી શકાય કે ફિલ્મમાં અમુક સીક્વન્સિસ ખરેખર સારી છે; જેમ કે ઇન્ડિયન એમ્બેસી પાસેનો એક ગોળીબાર ભારત, પાકિસ્તાન, નેપાલ, ચીન, રશિયા, યુક્રેન, ઇઝરાયલ, પૅલેસ્ટીન વચ્ચે જંગ છેડી દે છે. કોક સ્ટુડિયો કી પૈદાઈશ અને તાલિબાન સે ખાલિબાન હો ગયા જેવાં છૂટક વનલાઇનર્સ પણ ક્રીએટિવ છે, પરંતુ આ ક્રીએટિવિટી મ્યુનિસિપાલિટીના નળની જેમ જરાસરખી આવીને જતી રહે છે.

બીજી એક નાનકડી પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફિલ્મમાં સેન્સર ર્બોડે ઍર ઇન્ડિયાનાં વિમાનોનાં ગંદા ટૉઇલેટ્સ અને બુઢ્ઢી ઍરહૉસ્ટેસો પરની એક જોકમાં ઍર ઇન્ડિયાનું નામ મ્યુટ કરી દીધું છે. સર્વિસ સુધારવાને બદલે સરકાર હર્ટ થઈ જાય, બોલો.

ડોન્ટ ક્રૉસ ધિસ બૉર્ડર

‘વેલકમ ટુ કરાચી’ના  ડિરેક્ટર આશિષ આર. મોહન અગાઉ ‘ખિલાડી ૭૮૬’ જેવી મહા હથોડાછાપ ફિલ્મ બનાવી ચૂક્યા છે. જ્યારે પ્રોડ્યુસર વાશુ ભગનાણી દીકરા જૅકીને લાઇન પર લગાડવા માટે આ ફિલ્મની સીક્વલ પણ બનાવશે, પરંતુ આપણા પપ્પાની અટક ભગનાણી નથી એટલે આપણે આ ફિલ્મ પાછળ રૂપિયાનું આંધણ કરવાની જરૂર નથી.

* ફાલતુ

* *  ઠીક-ઠીક

* * *  ટાઇમપાસ

* * * *  પૈસા વસૂલ

* * * * *  બહુ જ ફાઇન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK