ફિલ્મ-રિવ્યુ : વઝીર

થોડાં ગાબડાં છતાં સરસ પર્ફોર્મન્સ અને મ્યુઝિકને લીધે આ ફિલ્મ એક ટાઇમપાસ ક્વિક થ્રિલર બની રહી છે

wazirજયેશ અધ્યારુ


સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવવી એ પાકિસ્તાન સાથે દોસ્તી કરવા જેવું જોખમી કામ છે. એક તો છેક છેલ્લા સીન સુધી સસ્પેન્સનું તત્વ અને લોકોની ઉત્કંઠા બરકરાર રાખવાં અઘરાં છે. બીજું, સોડાવૉટરની જેમ સસ્પેન્સ ફિલ્મોની મજા એનું સીક્રેટ ખબર ન હોય ત્યાં સુધી જ રહે છે. એક નાનકડા ઢાંકણ નીચે ધરબાયેલું સસ્પેન્સ જો ખૂલી ગયું એટલે ફિલ્મમાંથી ઝિંગ ઊડી ગઈ સમજો. ત્રીજું શાશ્વત જોખમ એ છે કે સસ્પેન્સ ફિલ્મની રિપીટ વૅલ્યુ લગભગ ઝીરો થઈ જાય છે. એટલે જ કમસે કમ આપણે ત્યાં તો નિર્માતાઓ ભાગ્યે જ સસ્પેન્સ-મિસ્ટ્રીના પ્રકારવાળી ફિલ્મો બનાવે છે. ગયા વર્ષે આવેલી સુપર્બ ‘દૃશ્યમ’ અને કંગાળ ‘જઝ્બા’ પછી આ વર્ષની પહેલી હિન્દી રિલીઝ ‘વઝીર’ એવી જ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે, પરંતુ સ્ટોરીમાં ગાબડાંને કારણે એ માત્ર ડિસન્ટ વન ટાઇમ વૉચ બનીને રહી જાય છે.

વાત બે પ્યાદાંની


દાનિશ અલી (ફરહાન અખ્તર) ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડનો જાંબાઝ ઑફિસર છે, પરંતુ એક આતંકવાદીનો પીછો કરતાં તેની લાઇફમાં એવો કરુણ ટ્વિસ્ટ આવે છે જેમાં તેની પત્ની રૂહાના (અદિતિ રાવ હૈદરી) પણ તેનાથી દૂર થઈ જાય છે. ત્યાં જ દાનિશની મુલાકાત થાય છે પંડિત ઓમકારનાથ ધર (અમિતાભ બચ્ચન) સાથે. પંડિતજી એક અકસ્માતમાં પત્ની અને પોતાના બન્ને પગ ગુમાવી બેઠા છે. ઉપરથી એક વર્ષ પહેલાં જુવાન દીકરી પણ એક અપમૃત્યુને વરી છે. હવે તેઓ બાળકોને ચેસ શીખવીને પોતાનો સમય પસાર કરે છે. આ બન્ને જણ પોતાનું દુખ ચેસર્બોડનાં મહોરાંમાં ભૂલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જૂના ઘા અને જૂના હિસાબ એમ થોડા વીસરાય?

એક ચાલ તારી, એક ચાલ મારી

કહે છે કે વિધુ વિનોદ ચોપડાને આ ફિલ્મનો આઇડિયા લગભગ અઢી દાયકા પહેલાં આવેલો. ખાસ્સા પ્રયત્નો પછીયે તેઓ આ આઇડિયા પર ફિલ્મ બનાવી ન શક્યા. હવે તેમણે ટૅલન્ટેડ ગુજરાતી રાઇટર અભિજાત જોશી અને તેજસ્વી ડિરેક્ટર બિજૉય નામ્બિયારને ડિરેક્શન સોંપ્યું છે, પરંતુ એ પછી ટાઉટ થ્રિલર કહેવાતા આ ફિલ્મપ્રકારની ગંગામાં ખાસ્સું પાણી વહી ગયું છે એટલે જો ફિલ્મનું સસ્પેન્સ એકદમ ઍરટાઇટ ન હોય તો ગમે ત્યાંથી લોકોની શંકાઓ અંદર ઘૂસી જાય છે.

સીધી જ એક સૉફ્ટ રોમૅન્ટિક ગીત સાથે શરૂ થતી ‘વઝીર’ તરત જ ચોથા ગિયરમાં પહોંચીને જબરદસ્ત ટ્વિસ્ટ આપી દે છે (સો, શરૂઆત ચૂકશો નહીં અને અંત કોઈને કહેશો નહીં). આ તબક્કે ફિલ્મમાં ટિપિકલ બૉલીવુડિયન મેલોડ્રામા નાખવાનો પુષ્કળ સ્કોપ હતો, પરંતુ બિજૉય નામ્બિયારે ફિલ્મને એ ઘિસીપિટી ગલીમાં ઘૂસતાં ફિલ્મને બચાવી લીધી છે. સરસ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્ટરનો ઉપયોગ, સ્લો મોશન વગેરેને લીધે આપણે ફિલ્મની પહેલી ૧૫ મિનિટમાં જ એનાં મુખ્ય પાત્રો સાથે ઇમોશનલી કનેક્ટ થઈ જઈએ છીએ. જેટલી કાબેલિયતથી બિજૉય નામ્બિયારે ઇમોશનલ સીન શૂટ કર્યા છે, એ જ હથોટીથી આખી શૂટઆઉટ-સીક્વન્સ હૅન્ડલ કરી છે. એ સીક્વન્સનું કૅમેરાવર્ક પણ ખાસ્સું ઇન્ટરેસ્ટિંગ છે.

ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી વાર્તામાં બીજો ટ્રૅક ઉમેરે છે. અમિતાભ શું કામ દાદુ ઍક્ટર છે એ તમને આ ફિલ્મ જોઈને સમજાય. અહીં તેમના બે પગ કપાયેલા છે (જે જોઈને આપણું કાળજું કપાઈ જાય). અહીં તેમણે વ્હીલચૅર પર બેસીને માત્ર ચહેરાથી જ અભિનય કરવાનો છે છતાં તેઓ એક મિલીમીટર પણ ઊણા ઊતરતા નથી. સામે જો ફરહાન જેવો દમદાર ઍક્ટર ન હોત તો બચ્ચનમોશાય ફિલ્મમાં તેને ખાઈ જ ગયા હોત. બિગ બીને આમ માનવભક્ષી થતાં રોકનાર ફરહાન ઉપરાંત બીજો ઍક્ટર છે માનવ કૌલ. અગાઉ ‘સિટીલાઇટ્સ’ અને ‘કાઈ પો છે’માં ગ્રે શેડની ભૂમિકા ભજવીને છવાઈ ગયેલો માનવ કૌલ થિયેટરનો મંજાયેલો મહારથી છે. અહીં મિનિસ્ટર બનતો માનવ એક સીનમાં પલાંઠી વાળીને બેસે છે અને શર્ટની બાંયો ચડાવવા માત્રથી ખોફ ઊભો કરી દે છે. આ બધી જ સ્ટ્રૉન્ગ બાબતોના પાયા પર ઊભેલો ફિલ્મનો ફસ્ર્ટ હાફ એકદમ ક્રિસ્પ થ્રિલરના ટ્રૅક પર ચાલે છે. ઈવન આ ફિલ્મમાં કોઈ સસ્પેન્સ એલિમેન્ટ છુપાયેલું હશે એનો આ તબક્કે ખ્યાલ પણ આવતો નથી.

પરંતુ ઇન્ટરવલ બાદ ફિલ્મના પાયા એક પછી એક હચમચવા શરૂ થાય છે. પહેલાં તો નીલ નીતિન મુકેશના પાત્રની એન્ટ્રી થાય છે અને તેની લાઉડ ઍક્ટિંગ જોઈને એવી શંકા થાય છે જાણે તે સીધો સંજય ગુપ્તાની ફિલ્મમાંથી ભાગીને આવ્યો હશે. બાકીના તમામ કલાકારોની કન્ટ્રોલ્ડ ઍક્ટિંગનો એ એકલાહાથે ભુક્કો બોલાવી દે છે. એવું જ એક નાનકડું દુખ એ થાય કે અહીં પ્રકાશ બેલાવાડી જેવા મસ્ત ઍક્ટરના ભાગે માત્ર ગણીને એક જ લાઇન બોલવાની આવી છે, સેમ વિથ અવતાર ગિલ.

બીજો પ્રૉબ્લેમ છે લૉજિકના લોચાનો. કમનસીબી એ છે કે ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સાથે અનુક્રમે વિધુ વિનોદ ચોપડા તથા અભિજાત જોશી જેવાં તેજસ્વી નામ જોડાયેલાં હોવા છતાં વાર્તામાં જે બાકોરાં રહી ગયાં છે એ અક્ષમ્ય છે. ફિલ્મ પૂરી થયા પછીયે આમ કેમ થયું? ફલાણાનું શું થયું? તો પછી આવું કઈ રીતે ન થયું? જેવા કેટલાય સવાલ આપણા દિમાગમાં દિલ્હીના પ્રદૂષણની જેમ ફર્યા કરે છે અને ફિલ્મના સર્જકોએ એનો જવાબ આપવાની તસ્દી સુધ્ધાં લીધી નથી. કદાચ તમારું દિમાગ ચાચા ચૌધરીની જેમ કમ્પ્યુટરથી પણ તેજ ચાલતું હોય તો તમે સીક્રેટ કળી જાઓ એવુંય બને. એક પર્ફેક્ટ સસ્પેન્સ ફિલ્મની જેમ આ તમામ વસ્તુઓ મરણતોલ સાબિત થાય છે. ઈવન અભિજાત જોશી માટે વાર્તાને વધુ વળ ચડાવીને બદલો, વેરઝેર, મૈત્રી, ક્ષમા, ગિલ્ટ, દગો વગેરે મનોભાવોને બહુ સારી રીતે એક્સપ્લોર કરવાની અહીં તક હતી જે વેડફાઈ ગઈ છે. જોકે સારી વાત એ છે કે ડિરેક્ટરને નબળા અને કંઈક અંશે પ્રિડિક્ટેબલ સેકન્ડ હાફનો અંદાજ આવી ગયો હોય કે કેમ, પણ તેમણે ફિલ્મની લંબાઈ અત્યંત ટૂંકી રાખી છે, જે તેને ડ્રેગ થવામાંથી બચાવી લે છે. ઍક્ચ્યુઅલી, આ ફિલ્મ એક પર્ફેક્ટ શૉર્ટફિલ્મનો મામલો છે.

ફિલ્મના મ્યુઝિક-ડિપાર્ટમેન્ટમાં સંદેશ શાંડિલ્ય, અંકિત તિવારી સહિત ઘણાં નામો છે, પણ એ વાત માનવી પડે કે આખું આલબમ મસ્ત સોલફુલ બન્યું છે. ગાયકોમાં પણ સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, અંકિત તિવારી, જાવેદ અલીથી લઈને અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તર સુધીની વરાયટી છે એટલે ફિલ્મથી અલગ કરીને પણ ગીતો સાંભળવાની મજા પડે એવાં બન્યાં છે. ઉપરથી ફિલ્મમાં આશા ભોસલેનું ‘આઓ હુઝૂર તુમકો’ ગીત પણ બહુ સરસ રીતે વપરાયું છે.

ગેમ ઇઝ અપ

સીધી ને સટ વાત એ છે કે ‘વઝીર’ સારા પર્ફોર્મન્સ, સરસ મ્યુઝિક, ઘણાંબધાં ગ્રિપિંગ સીન અને સસ્પેન્સ એલિમેન્ટને કારણે ડબ્બો થઈ જવામાંથી સાંગોપાંગ ઊગરી ગઈ છે. બચ્ચન કે ફરહાનના ફૅન કે સસ્પેન્સ વાર્તાઓના ચાહકોએ આ ફિલ્મ થિયેટરમાં કે ટીવી પર ઍટ લીસ્ટ એક વાર તો અવશ્ય જોવા જેવી બની છે. મજા પડે તો બાજી તમારી, નહીંતર ચેકમૅટ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK