ફિલ્મ રિવ્યુ : વીરપન્ન

આહ-આહ રામજી : આ ફિલ્મમાં ખૂંખાર વિલન છે, ભયંકર ક્રૂરતા છે, અવળચંડા કૅમેરા-ઍન્ગલ છે; બસ એક અસલી રામ ગોપાલ વર્મા જ નથીજયેશ અધ્યારુ


છેલ્લા એક દાયકાથી ઑડિયન્સે રામ ગોપાલ વર્માના નામનું નાહી નાખેલું. પોતાની જ સ્ટાઇલની મિમિક્રી જેવી એકથી એક ભંગાર ફિલ્મોને ગંભીરતાથી લેવાનું પણ બંધ થઈ ગયેલું. પરંતુ જ્યારથી તેની કન્નડ ફિલ્મ ‘કિલિંગ વીરપ્પન’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ એમના હાર્ડકોર ફૅન દેખો વો આ ગયા ટાઇપની ગર્જનાઓ કરવા માંડેલા. કન્નડમાં એ ફિલ્મ હિટ ગઈ અને એના હિન્દી વર્ઝનની પણ જાહેરાત થઈ એટલે ગર્જનાઓનું વૉલ્યુમ વધ્યું. હવે આ ફિલ્મ જોયા પછી એના પર એકદમ ચિલ્ડ વૉટર રેડાઈ ગયું છે. કેમ કે અમુક ચમકારાને બાદ કરતાં આ તો રામુની એ જ ઘિસીપિટી સ્ટાઇલમાં બનેલી જસ્ટ અનધર ક્રાઇમ થિþલરથી વિશેષ કશું જ નથી. ચાહકો જેનું સામૈયું કરવા કંકાવટી લઈને ઊભા છે અતમને હજી રાહ જોવી પડશે.

લાદેનથીયે ખોફનાક

સૌ જાણે છે તેમ વીરપ્પન (અમેઝિંગ સંદીપ ભારદ્વાજ) ભારતીય ઇતિહાસનો સૌથી ખૂંખાર અપરાધી છે. પોલીસ ચોપડે નોંધાયેલા રેકૉર્ડ પ્રમાણે તેણે ૯૭ પોલીસ તથા વન્ય અધિકારીઓ સહિત ૧૮૪ લોકોની હત્યા કરી હતી, ૯૦૦ હાથીઓને મારીને કરોડોની કિંમતનાં દંતૂશળ વેચી મારેલાં અને લગભગ ૧૦ હજાર કિલોગ્રામ ચંદનનાં લાકડાંની પણ તસ્કરી કરેલી. ફિલ્મમાં વીરપ્પનનો ભોગ બનેલા એક પોલીસ-અધિકારીની પત્ની શ્રેયા (લીઝા રે)ની મદદથી વીરપ્પન સુધી પહોંચવા તેની પત્ની મુથુલક્ષ્મી (ઉષા જાધવ)ની જાસૂસી કરાવાય છે. આખરે વીરપ્પનનો ફેંસલો આણી દેવા માટે સ્પેશ્યલ ટાસ્ક ર્ફોસના ઑફિસર (સચિન જોશી)એ ઑપરેશન કકૂન ઘડી કાઢ્યું અને એક રાતે...

વીરપ્પનનું રામુફિકેશન

ફિલ્મ સ્ટાર્ટ થયાની પાંચેક મિનિટની અંદર જ જંગલની વચ્ચેથી રસ્તો કરીને આવતો વીરપ્પન પોતાની ટ્રેડમાર્ક મૂછો સાથે સ્ક્રીન પર એન્ટ્રી મારે છે. જાણે શાકભાજી સમારતો હોય એ રીતે કુહાડીથી પોલીસ-અધિકારીઓના હાથ-પગ કાપી નાખે છે, પથ્થર વડે માથાં છૂંદી નાખે છે, ઠંડા કલેજે હાથીઓને ઠાર કરે છે. પોલીસ-અધિકારીના હાથ-પગ કાપ્યા પછી વધુ ક્રૂરતા આચરવા માટે જે રીતે તે આજુબાજુ કંઈક શોધે છે અને પછી હડિમદસ્તા જેવો પથ્થર ઊંચકી લે છે એ ભલભલાને થથરાવી મૂકે એવું દૃશ્ય છે. શરૂઆતની એ પાંચ મિનિટમાં જ વીરપ્પન તમારા લમણે બેજોટાળી તાકીને ઊભો રહે છે. એનાં બે કારણ છે, એક તો વીરપ્પન બનતો કલાકાર સંદીપ ભારદ્વાજ. બીજું કારણ છે ખુદ ગબ્બર જેવો રામ ગોપાલ વર્મા. પહેલાં વાત આ ફિલ્મી વીરપ્પનની.

પોલીસે જેટલું જોર વીરપ્પનની શોધમાં લગાવ્યું હશે એટલું જ કદાચ રામુએ એના પાત્ર માટે પર્ફેક્ટ કલાકાર શોધવામાં લગાવ્યું હોવું જોઈએ. ઓરિજિનલ વીરપ્પન કરતાંય આ પડદા પરનો વીરપ્પન વધુ ખોફનાક લાગે છે. તેની આઇકૉનિક મૂછોથી લઈને તગતગતી મોટી આંખો, કર્લી વાળ, લાંબું નાક, સ્કિનટોન, સોટી જેવાં કદ-કાઠી અને સૌથી વધુ તેની હદ બહારની ક્રૂરતા. આ બધું એ હદે રિયલ છે કે આપણને બીક લાગી જાય કે હમણાં પડદાની બહાર નાળચું ફેરવીને આપણનેય ભડાકે દેશે. એ કાસ્ટિંગ અને સંદીપ ભારદ્વાજની ઍક્ટિંગ માટે ફુલ માક્ર્સ.

લેકિન વાત જ્યારે રામુભૈયાની આવે ત્યારે પિરિયડ લાંબો ચાલે. શરૂઆતની એ અનહદ ક્રૂરતાનાં દૃશ્યો ઉપરાંત જંગલોમાંથી પસાર થતી વખતની ચેઝ પ્લસ ઍક્શન સીક્વન્સ અને ફિલ્મનો ક્લાઇમૅક્સ, એ જોઈને નાનું બચ્ચુંય કહી આપે કે યસ્સ, ધૅટ્સ રામુ. ક્યાંક અચાનક ફાયરિંગ કે બ્લાસ્ટ તમને ચોંકાવી દે તો ક્યાંક એક પણ કટ વગર ચાલતો ગોળીબાર કે પછી ડ્રોન કૅમેરા વડે જંગલની વિશાળતા અને ગીચતાનો ખ્યાલ આપતા એરિયલ શૉટ્સ બધું લાજવાબ છે. પરંતુ આ બધાનો ટોટલ મારો તો ગણીને વીસેક મિનિટ થાય, બાકીના પોણાબે કલાકનું શું?

એક તો વીરપ્પન સિવાયનું ફિલ્મનું બાકીનું કાસ્ટિંગ રામસે બ્રધર્સની ફિલ્મ જેવું હોરિબલ છે. વીરપ્પનને પતાવી દેવા માટે નીકળેલી ટીમનો લીડર છે સચિન જોશી, જેના ચહેરા પર વીરપ્પનની મૂછના એક વાળ જેટલા પણ હાવભાવ દેખાતા નથી. આ લખતાં હાથ ધþૂજે છે, પણ નર્ગિસ ફખરી જેવા ઊપસેલા હોઠ અને વિચિત્ર પ્રકારની બ્યુટી-ટ્રીટમેન્ટ કરાવીને આવેલી લીઝા રે અત્યંત કદરૂપી લાગે છે. તેનો દેખાવ વધારે કદરૂપો છે કે તેના હાવભાવ વધુ ભૂંડા છે કે પછી તેનું હિન્દી ડબિંગ વધુ થર્ડ ક્લાસ છે એ શોધવા માટે અલગ ટાસ્ક ર્ફોસ બેસાડવી પડે. એકમાત્ર વીરપ્પનની પત્ની બનતી મરાઠી અભિનેત્રી ઉષા જાધવ કંઈક નૅચરલ લાગે છે, પણ એય તે ઘરની અંદર પણ શું કામ ગૉગલ્સ પહેરીને ફર્યા કરે છે એ તો રામુ જાણે. આ ઉપરાંત વિકૃત રીતે હસતા, કપાળ પર તાવીજ પહેરતા, ઝૂકેલી પાંપણવાળા કદરૂપા સાઇડ-કલાકારો તો હવે રામુની ફિલ્મની આઇડેન્ટિટી બની ગયા છે.

રામુની એવી જ બીજી આઇડેન્ટિટી એટલે એના ગમે ત્યાંથી ફૂટી નીકળતા કૅમેરા ઍન્ગલ્સ. સ્ટોરીને વધુ અસરકારક રીતે કહેવા માટે નહીં; પણ માત્ર સ્ટાઇલ મારવા માટે જ અહીં એણે પંખાની ઉપર, લાશની પાછળ, માણસના માથાની-કાનની પાછળ, સીલિંગ ફૅનની ઉપર, જીપના સ્ટિયરિંગની અંદર, ખુરસી-સ્ટ્રેચરની નીચે, ઝાડની ડાળીમાં... ટૂંકમાં જ્યાં જગ્યા મળી ત્યાં કૅમેરા ગોઠવી દીધા છે. વળી એ કૅમેરા એવા શટલકૉકની જેમ જમ્પ મારે કે વર્ટિગોના પેશન્ટને તો ચક્કર આવવા માંડે.

વીરપ્પન શું કામ ખૂંખાર ગુંડો બન્યો, તેની સાઇકોલૉજી કેવી હતી, તેને કેવા-કેવા રાજકીય નેતાઓનો સર્પોટ હતો, જંગલની બહાર તેનું નેટવર્ક કેવું હતું, રાજ કુમાર જેવા સુપરસ્ટારનું અપહરણ તેણે કેવી રીતે કર્યું, શ્રીલંકન ત્રાસવાદીઓની તેને કેવીક મદદ મળતી હતી વગેરે એકેય વાતનું અહીં નામોનિશાન નથી. જાણે માત્ર બે જ ઑફિસરે મળીને વીરપ્પનની ગેમઓવર કરી નાખી હોય એવું ચિત્ર ઊપસે છે. અરે, જેના પર આખી ફિલ્મ બની છે એ ઑપરેશન કકૂનનો કે ઈવન ચંદનનાં લાકડાંના નામનો ફિલ્મમાં ઉલ્લેખ સુધ્ધાં નથી. વીરપ્પનના એન્કાઉન્ટરનું કારણ પણ અહીં બદલી નાખવામાં આવ્યું છે.

થિયેટરમાં ફિલ્મ જોયા પછી તમે પેરાસિટામોલની ગોળી શોધવા માંડો તો વાંક આ ફિલ્મના ઘોંઘાટિયા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકને આપજો. વીર વીર વીરપ્પન જેવા ભંગાર શબ્દોવાળા ટાઇટલ-સૉન્ગમાં લલ્લા લલ્લા લોરી જેવા શબ્દો મૂકવાનો બાલિશ આઇડિયા કોનો હશે? આખી ફિલ્મમાં શૉકિંગલી એક પણ કૅચી ડાયલૉગ નથી. ઊલટું કેટલેય ઠેકાણે શિખાઉ રીતે વાર્તા કહેવાતી જોઈને લાગે કે રામુ પોતાના અસિસ્ટન્ટોને શૂટિંગ સોંપીને ઘરે જતા રહ્યા હશે. એક બાજુ હત્યાઓ થતી હોય અને એ જ ઠેકાણે ફિલ્મનાં પાત્રો શાંતિથી ચા-કૉફી પીતાં હોય એ દૃશ્યો રામુએ પોતે જ કેટલીયે વાર વાપયાર઼્ છે. ફિલ્મની શરૂઆતમાં રામુએ એક ક્વોટ મૂક્યો છે, સમાજ જેને લાયક હોય છે એવા ક્રિમિનલ જ એને મળે છે. રામુએ આ ક્વોટ ફ્રેન્ચ ચિંતક વૉલ્તેરના નામે ચડાવ્યો છે, જ્યારે ગૂગલ એના રચયિતા તરીકે સ્કૉટિશ ક્રાઇમ રાઇટર વાલ મૅક્ડર્મિડથી લઈને અમેરિકન રાજકારણી રૉબર્ટ કૅનેડીનાં નામ આપે છે; વૉલ્તેર સિવાય. સાચું તો રામુ જાણે.

અસલી રામુ હાઝિર હો

ક્લિયર છે કે રામ ગોપાલ વર્મા હજી ફૉર્મમાં આવ્યા નથી. તેનાં નેગેટિવ પાત્રોનાં આકર્ષણના લિસ્ટમાં આ વધુ એક ઉમેરો છે એટલું જ. બાકી તેણે વીરપ્પન જેવું અફલાતૂન પાત્ર વેડફી નાખ્યું છે એ હકીકત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK