ફિલ્મ-રિવ્યુ : અગ્લી

કદરૂપા સંબંધો, ઍવરેજ ફિલ્મ,માણસની અંદર ધરબાયેલી લાગણીઓને આપણને અકળાવી મૂકે એવા અગ્લી પૅકેટમાં રજૂ કરતી અનુરાગ કશ્યપની આ ફિલ્મ એક પરફેક્ટ થ્રિલર બનવામાં ખાસ્સી ઊણી ઊતરે છે


જયેશ અધ્યારુ

ભારતમાં અઢળક સિનેપ્રેમીઓ એવા છે જેમને અનુરાગ કશ્યપનું નામ સાંભળીને સલમાનની જેમ કિક વાગે છે. પરંતુ અનુરાગ કશ્યપના પાછલા રેર્કોડની સરખામણીએ તેની આ ફિલ્મ એક ઍવરેજ થ્રિલર બનીને રહી જાય છે. ફિલ્મના નામ પ્રમાણે જ સતત બીભત્સ રસ ટપકાવતી આ ફિલ્મ ઘણે ઠેકાણે અવાચક કરી મૂકે છે, તો ઘણા સવાલોના જવાબો આપતી નથી અને કેટલીયે બાબતો દિમાગના દરવાજાની અંદર પ્રવેશી શકતી નથી.
યે અગ્લી અગ્લી ક્યા હૈ?

એક કડકાબાલૂસ સ્ટ્રગલિંગ ઍકટર પિતા રાહુલ (રાહુલ ભટ્ટ), ફ્રસ્ટ્રેટેડ માતા શાલિની (તેજસ્વિની કોલ્હાપુરે) અને ઓરમાન પિતા IPS ઑફિસર શૌમિક બોઝ (રોનિત રોય)ની વચ્ચે ફંગોળાતી દસ વર્ષની કલ્લી (બાળ કલાકાર અંશિકા શ્રીવાસ્તવ) ભરબજારમાંથી ગાયબ થઈ જાય છે. પછી શરૂ થાય છે અહં, દગો, લાચારી, લાલચ જેવી દરેક પાત્રમાં ધરબાયેલી લાગણીઓની સાઠમારી. કલ્લીનો બાયોલૉજિકલ ફાધર પોલીસની નિãષ્ક્રયતાથી ત્રાસીને પોતે જ કાયદો હાથમાં લઈને દીકરીને શોધવા નીકળી પડે છે. સાથોસાથ પોતાના જ ઘરમાંથી પત્નીનીની દીકરી ગાયબ થતાં શૌમિક એટલે કે રોનિત રૉય માટે નાકનો સવાલ થઈ જાય છે, એટલે તે પણ આખી પોલીસ- ર્ફોસને દોડતી કરી મૂકે છે. આ બધાની આસપાસ રહેલાં બધાં જ પાત્રો પોતપોતાના સ્વાર્થ માટે આ પરિસ્થિતિનો ભરપૂર ઉપયોગ કરવા માંડે છે. પરંતુ સવાલ એ છે કે નાનકડી કલ્લી છે ક્યાં?

અનુરાગ કશ્યપનો સિક્કો ગાયબ

ફિલ્મમાં સ્મોકિંગનાં દૃશ્યોમાં સૂચના ન મૂકવા માટે રાઇટર-ડિરેકટર અનુરાગ કશ્યપે એક વર્ષ સુધી લડત આપી અને આખરે હાર્યો. ગંદી ગાળો અને ક્રૂરતા માટે આ ફિલ્મને સેન્સરે ખ્ સર્ટિફિકેટ આપીને પાસ કરી. કશ્યપ પોતે અને ઘણા વિવેચકો ‘અગ્લી’ને તેની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ ગણાવી રહ્યા છે, પરંતુ અમુક બાબતોને બાદ કરતાં ફિલ્મ ઍવરેજ ડાર્ક ક્રાઇમ થ્રિલર બનીને રહી જાય છે. પહેલાં વાત કરીએ ફિલ્મની પૉઝિટિવ બાબતોની.

અનુરાગ કશ્યપની ટેવ એવી કે ફિલ્મને વાસ્તવિકતાની લગોલગ લાવીને મૂકી દેવી. એટલે જ ફિલ્મમાં હાલકડોલક થતા કૅમેરા હોય, ઓછામાં ઓછું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, કલાકારોએ મેકઅપ મિનિમમ કર્યો હોય, પાત્રો છૂટથી ગંદી ગાળો વેરતાં હોય, મારધાડ કરતાં હોય અને રોજબરોજની લાઇફનું એવું ચિત્રણ કર્યું હોય કે હૉરર ફિલ્મ ન હોવા છતાં આપણને બીક લાગવા માંડે કે હાઇલા, દુનિયા આટલીબધી ખરાબ છે? (આવી જ બીક રામ ગોપાલ વર્માની ફિલ્મો જોતી વખતે પણ લાગે). ‘અગ્લી’ની સ્ટોરી આમ તો સિમ્પલ છે કે ભઈ એક ગુમ થયેલી બાળકીને શોધવાની છે, પરંતુ આટલી વાતમાં અનુરાગે દરેક પાત્રની અંદર ધરબાયેલી લાગણીઓને બખૂબી વણી લીધી છે. એક બાળકીના ગુમ થવાની ઘટનાને તેની આસપાસ રહેલા લોકો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવા માંડે છે એ જોઈને એવો જ વિચાર આવે કે જરૂરિયાત એ માત્ર શોધખોળની જ નહીં, પાપની પણ જનની છે. ભાંગેલા પરિવારોમાં બાળકોની શી હાલત થતી હશે એ વાત પણ અનુરાગ જરાય ઉપદેશાત્મક થયા વિના કહી દે છે.

પરંતુ અનુરાગ કશ્યપે જેને ઇમોશનલ થ્રિલર ફિલ્મ કહી છે એના માટે આટલું પૂરતું છે? જી નહીં. પહેલી વાત તો એ કે આવી અઢળક કથાઓ આપણે સોની ટીવી પર આવતા કાર્યક્રમ ‘ક્રાઇમ પૅટ્રોલ’માં જોઈ ચૂક્યા છીએ. જાહેરખબરો તથા હોસ્ટ અનુપ સોનીને બાદ કરતાં જે અસરકારકતાથી એમાં કલાક-દોઢ કલાકમાં વાત કહેવાઈ જાય છે એ કહેવા માટે અનુરાગે બે કલાક કરતાં પણ વધારે સમય લીધો છે. વળી, બાળકીને શોધવાના હેતુસર શરૂ થયેલી ફિલ્મ એ જ મુખ્ય ટ્રૅક પર આગળ વધતી રહેવાને બદલે વિવિધ પાત્રોની પોતાની સ્ટોરીઓની ગલીઓમાં ફંટાતી રહે છે. એટલે નખ ચાવી જઈએ એવો રોમાંચ ઊભો જ નથી થતો.

વધુ પડતા રિયલિસ્ટિક બનવાની લાલચ હોય કે ગમે તે, ઘણા સીન એટલા લંબાઈ ગયા છે કે અલ્ટિમેટ્લી ગંભીર સ્થિતિમાં પણ દર્શકોને હસાવી દે છે. ઘણાં દૃશ્યોમાં એવું લાગે કે આ જ વાત ગંદી ગાળો બોલ્યા વિના પણ એટલી જ પ્રભાવક રીતે કહી જ શકાઈ હોત. એ જ રીતે ઘણા સવાલોના જવાબો આખી ફિલ્મ પતે પછીયે મળતા નથી. જેમ કે ફિલ્મમાં રોનિત રૉય પોતાની પત્નીનીનો પણ વિfવાસ ન કરે એવો ખડૂસ પોલીસવાળો છે. એક તો તે સાવ સનકી અને ફાટેલ મગજનો શા માટે છે એનું કોઈ કારણ મળતું નથી. અચ્છા, ચલો માની લઈએ કે તેના દિમાગમાં કોઈ જન્મજાત કેમિકલ લોચો છે, પરંતુ એ બહુ સ્માર્ટ પોલીસ-ઑફિસર હોવા છતાં તેના નાક નીચે ગેમ રમાતી હોય એ તેને કેમ દેખાતું નથી? અમુક પાત્રો જાણે વેકેશન ગાળવા આવતાં હોય એ રીતે જેલની અંદર-બહાર શા માટે થતાં રહે છે એનું પણ કોઈ ક્લેરિફિકેશન મળતું નથી. બધી વાતોને અનુરાગ કશ્યપના ફિલ્મમેકિંગની મહાનતા ગણીને છોડી દેવી પડે છે.

ફિલ્મની શરૂઆતમાં કશ્યપબાબુ કહે છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. પરંતુ એ ઘટના કઈ છે અને ફિલ્મમાં એમાંથી કેટલું સાચું છે અને કેટલી કલ્પના છે એની કશે ચોખવટ કરાઈ નથી. ફિલ્મને વાસ્તવિક પણ બનાવવી છે અને વિગતો પણ સંતાડવી છે એ તો છાશ લેવા જવું અને દોણી સંતાડવા જેવો ઘાટ થયો.


રોનિત રૉય : ટચાકાવાળાં ઓવારણાં

આમ જોવા જઈએ તો આ ફિલ્મમાં પણ રોનિત રૉયે ‘ઉડાન’,  ‘ટૂ સ્ટેટ્સ’, ‘બૉસ’  જેવી ફિલ્મોમાં કરેલો એવો ખડૂસ, સનકી દિમાગના પિતા-પતિ-પોલીસ-ઑફિસરનો રોલ જ રિપીટ કર્યો છે. પરંતુ આ રોલમાં તે એટલોબધો પરફેક્ટ લાગે છે કે તે સ્ક્રીન પર હોય એટલો સમય સતત એક ભયનો માહોલ હવામાં તર્યા કરે. પોતાના ફાટેલ મગજનો પરચો બતાવવા માટે તેને હાસ્યાસ્પદ ગાંડા કાઢવાની પણ જરૂર નથી, બલકે તે ચૂપ રહીને માત્ર આંખોથી પણ ફફડાટ પેદા કરી દે છે. પરંતુ એટલું ચોક્કસ કે તેણે હવે કંઈક અલગ કરવાની જરૂર છે.

‘અગ્લી’ના બીજા ચહેરા

ઘણા સમયે પડદા પર દેખાયેલી તેજસ્વિની કોલ્હાપુરેને આ ફિલ્મમાં અસરકારક અભિનય કરવા માટે મેકઅપની જરૂર પડી નથી. રાહુલ ભટ્ટ, સુરવીન ચાવલા ઓકે ઓકે છે. પણ હા, યાદ રહી જાય એવી ઍક્ટિંગ ફિલ્મમાં ચૈતન્ય બનતા વિનીત કુમાર સિંહ અને ઇન્સ્પેકટર જાધવ બનતા મરાઠી ઍકટર ગિરીશ કુલકર્ણીની છે. એમ તો માત્ર બે જ દૃશ્યોમાં દેખાવા છતાં બાળકલાકાર અંશિકા શ્રીવાસ્તવ વિશે પણ આપણને થાય કે આ બેબલી વધુ દેખાઈ હોત તો? આ ફિલ્મમાં શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત પણ છે, પરંતુ તેની ઍક્ટિંગ યાદ રહેવાને બદલે આપણને સતત એ જ સવાલ થાય છે કે તેનો અવાજ ઍકટર રાજકુમાર રાવે કેમ ડબ કર્યો હશે?

અગલી ફિલ્મ ‘અગ્લી’?

અનુરાગ કશ્યપના પંખાઓ (ફૅન્સ!) તો જાણે આ ફિલ્મ જોવા હડી કાઢવાના જ છે પરંતુ તમને જો કદરૂપી દુનિયાની એક ઝલક આપતી, જરાય હળવાશનો મોકો ન આપતી, એક ઍવરેજ ડાર્ક થ્રિલર જોવી ગમતી હોય તો ‘અગ્લી’ને એક ચાન્સ આપી શકાય. બાકી, ‘ક્રાઇમ પૅટ્રોલ’ તો દર અઠવાડિયે ટીવી પર આવે જ છે!

* ફાલતુ
** ઠીક-ઠીક
*** ટાઇમપાસ
**** પૈસા વસૂલ
***** બહુ જ ફાઇન


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK