ફિલ્મ રિવ્યુ : ઉડતા પંજાબ

નસોમાં દોડતું ઝેર : આ ફિલ્મ અફલાતૂન, ડાર્ક, વિકરાળ, ક્રૂર, સુપર્બ ઍક્ટિંગ અને મ્યુઝિકથી છલોછલ છે એમાં કશો જ વિવાદ નથી


જયેશ અધ્યારુ

ડિરેક્ટર અભિષેક ચૌબેની ‘ઉડતા પંજાબ’માં એક દૃશ્ય છે. ડ્રગ્સના બંધાણી રૉકસ્ટાર શાહિદ કપૂરને પોલીસે જેલમાં ઠૂંસ્યો છે. એ જ કોટડીમાં પુરાયેલા કેદીઓમાં બે ટીનેજરો પણ છે. પોતાના ફેવરિટ સ્ટારને જેલમાં જોઈને એ છોકરાંવ એનું જ ગીત ગાય છે અને કહે છે કે તમારાં ગીતો સાંભળીને જ તો અમે ડ્રગ્સના શૉટ મારતાં શીખ્યા છીએ. પછી જ્યારે તેમનો ગુનો સાંભળે છે ત્યારે રૉકસ્ટારની આંખો ફાટી જાય છે. નશાની ઉન્માદી દુનિયામાંથી તે સીધો જ વાસ્તવિકતાની ધરતી પર ઊંધે કાંધ પટકાય છે. પહેલી વાર તેને ભાન થાય છે કે તેણે પોતાનું તો ઠીક, એક આખી પેઢીનું કેટલું મોટું નખ્ખોદ વાળ્યું છે.

ભલું થજો હાઈ કોર્ટનું કે આપણને એક નાનકડા કટ અને ત્રણ ડિસ્ક્લેમરને બાદ કરતાં આખી અકબંધ ફિલ્મ જોવા મળી. પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે આ ફિલ્મને આપણા સુધી પેટીપૅક પહોંચાડવા માટે જે ધમપછાડા કર્યા એ હવે દુનિયા જાણે છે. ફિલ્મ જોયા પછી ખબર પડે કે એ તમામ ધમપછાડા યોગ્ય જ હતા. આ ફિલ્મથી સૌથી સારી વાત એ થઈ કે પંજાબમાં ડ્રગ્સનો આટલો મોટો દાનવ ફૂંફાડા મારે છે એની આખા દેશને ખબર પડી.

નશા નશા, નશે મેં હમ


એક તરફ છે ટૉમી સિંહ ઉર્ફે ગબરુ (શાહિદ કપૂર). પંજાબનો રૉકસ્ટાર. નસકોરામાં ડ્રગ્સની ભૂકી જાય પછી જ તેને સ્ટેજ પર જઈને તરખાટ મચાવવાનું ઝનૂન ચડે. બીજી બાજુ છે, પંજાબમાં ખેતમજૂરી કરતી એક બિહારી છોકરી (આલિયા ભટ્ટ). પાકિસ્તાન બૉર્ડર પાસેથી તેના હાથમાં ત્રણ કિલો હેરોઇનનું પૅકેટ આવી ચડ્યું. એ જોઈને લાલચ થઈ કે આ પૅકેટ વેચી મારુંં તો બધાં દુ:ખોનો એકઝાટકે અંત આવી જાય. ત્રીજા મોરચે છે કરપ્ટ અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સરતાજ સિંહ (દિલજિત દોસાંજ). પોતાનો ૧૦,૦૦૦ રૂપિયાનો કટ લઈને ગમે એવી ડ્રગ્સ ભરેલી ટ્રકને જવા દે.

આ ડ્રગ્સ જ ત્રણેયની લાઇફની વાટ લગાડે છે. પોલીસનો પોલાદી પંજો પડ્યો કે ગબરુની આબરૂનો ભાજીપાલો થઈ ગયો. ભાગવા માટે તેને પંજાબ નાનું થઈ પડ્યું. ડ્રગ્સનો સોદો કરવા જતાં બિહારી બાળા ડ્રગ્સનાં ગીધડાંની અડફેટમાં આવી ગઈ. ડ્રગ્સ ભરેલી જે ટ્રકોને સરતાજ જવા દેતો તેનો નાનો ભાઈ એ જ ડ્રગ્સનો બંધાણી બની ગયો. ભલું થજો ડૉ. પ્રીત સાહની (કરીના કપૂર)નું કે તેના ભાઈનો જીવ જતાં સહેજમાં અટક્યો. કોણ છે આ ડ્રગ્સના કારોબારની પાછળ? ડ્રગ્સના દલદલમાં ફસાયેલાં આ પાત્રો સાંગોપાંગ એમાંથી નીકળી શકશે ખરાં?

નશાની પાંખો, પતનનું પાતાળ


પંજાબ કઈ હદ સુધી નશાની ચુંગાલમાં છે એ બતાવતી એક અફલાતૂન ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘ગ્લટ’ પાંચ વર્ષ પહેલાં આવેલી. એમાં હતી એ તમામ વાતો કાબેલ ડિરેક્ટર અભિષેક ચૌબે અહીં માત્ર એક જ ગીતમાં બતાવી દે છે. કેવી રીતે પાકિસ્તાનથી બૉર્ડર કુદાવીને ડ્રગ્સનાં પૅકેટ ભારતમાં ફેંકાય છે, કૅરિયર તરીકે ઓળખાતા માણસો એને લઈને આગળ વહેતું કરે છે એ ડ્રગ્સ પંજાબના યુવાનોની નસોમાં પહોંચે છે. રાજ્યના ખૂણેખાંચરે લોકો એના નશામાં પડ્યા રહે છે. પોલીસ, ઇન્ટેલિજન્સ, રાજકારણીઓની આમાં મિલીભગત છે અને આ જ ડ્રગ્સ ચૂંટણી જીતવાનું એક હથિયાર બની રહ્યું છે. 

ઠેર-ઠેર ગેરકાયદે ફાર્મસીઓમાં પ્રતિબંધિત દવાઓ વેચાય છે, તો બીજી બાજુ રીહૅબિલિટેશન સેન્ટરોમાં બંધાણીઓ જાત સામેનો જંગ લડે છે. ચાર મિનિટના ગીતમાં એકેય શબ્દ બોલ્યા વિના આ બધું જ આપણને ધડાધડ સમજાઈ જાય છે.

આ ફિલ્મમેકિંગનો જ કમાલ છે કે એકસાથે ત્રણ સ્ટોરી પૅરૅલલ ચાલતી હોવા છતાં ક્યાંય કોઈ કન્ફ્યુઝન અનુભવાતું નથી. ડિરેક્ટરે આપણને યશ ચોપડાની ફિલ્મો જેવું રોમૅન્ટિક પંજાબ બતાવવાને બદલે એનો એકદમ રિયલિસ્ટિક અને ક્રૂર ચહેરો બતાવ્યો છે. લોકો ઇન્જેક્શનથી પોતાની નસોમાં ઝેર ભરતા હોય, રાજકારણીઓ આ નશાનો પોતાની સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે ઉપયોગ કરતા હોય, પોલીસને પણ માત્ર પોતાની કટકીમાં જ રસ હોય, સ્ત્રીનું બેફામ શોષણ થતું હોય, ખુલ્લેઆમ દારૂ પીવાતો હોય... આ ફિલ્મ તમને ક્યાંય ગુડી-ગુડી રાહત આપવાનો પ્રયાસ કરતી નથી. ક્યાંક અત્યંત ક્રૂર હિંસા, ક્યાંક માત્ર શર્ટ ઉતારવાના દૃશ્યથી સ્ત્રીના શોષણની વાત, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વગર ચાલતો ખૂની ખેલ, ચૂંટણીની સભાઓમાં ચાલતું નાચ-ગાનનું સરકસ અને ડ્રગ્સનાબૂદીની ખોખલી વાતો, આવા તો કેટલાય સીન છે જ્યાં કૅમેરા ફરે અને આંખ સામે આવતી રિયલિટી જોઈને અકળામણ થવા માંડે. ડ્રગ્સ લોહીમાં ભળે અને પછી જે માનસિક સ્થિતિ થાય અથવા તો ડ્રગ્સના અભાવે વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સ આવે એ પણ આબેહૂબ ઝિલાયું છે. 

‘ઉડતા પંજાબ’નું સૌથી સ્ટ્રૉન્ગ પાસું છે એના કલાકારોની પાવરપૅક્ડ ઍક્ટિંગ. સતત ડ્રગ્સના નશામાં ચૂર રહેતા શાહિદને જોઈને એક સેકન્ડ માટે પણ તે સોબર હોય એવું લાગે નહીં. તેનું અચાનક હાઇપર થઈ જવું, આંખો પહોળી કરીને જોવું, લવારીએ ચડી જવું, નશામાં સ્ટેજ પર પર્ફોર્મ કરવું, મોનોલોગ બોલવો... ‘હૈદર’ પછીની આ શાહિદની બેસ્ટ ઍક્ટિંગ છે. શાહિદ કરતાંય પાંચ માર્ક વધારે આપવા પડે આલિયા ભટ્ટને. એક તો જે પ્રકારનો ડીગ્લૅમરસ અને પોતાના પર થતા અબ્યુઝવાળો રોલ તેણે સ્વીકાર્યો છે એટલા ખાતર જ તેની હિંમતને દાદ દેવી પડે. બધા જ સીનમાં આલિયા અફલાતૂન રહી છે. ડિરેક્ટરે માત્ર કૅમેરાના એક જ ઍન્ગલથી આલિયાના ભૂતકાળની જે હિન્ટ આપી છે એ માર્ક કરવા જેવું છે. ફિલ્મમાં ક્યાંય આલિયા પાત્રનું નામ ખોંખારીને બોલાતું નથી. છેલ્લે એ હસીને કહે છે, મેરી જેન, જે ગાંજા માટે વપરાય છે. પંજાબી ઍક્ટર દિલજિત દોસાંજ માટે હિન્દી ફિલ્મમાં ભલે ઇન્ટ્રોડ્યુસિંગ લખાયું હોય, પણ પંજાબમાં એ સુપરસ્ટાર ઍક્ટર-સિંગર છે. આ વાત તેની કૉન્ફિડન્ટ ઍક્ટિંગ પરથી કળી શકાય છે. કરીનાના ભાગે ફિલ્મમાં ગુડી-ગુડી રોલ જ આવ્યો છે, પણ ક્યાંય તેની સિન્સિયરિટીમાં ઓટ દેખાતી નથી.

‘સ્લમડૉગ મિલ્યનેર’વાળા ડૅની બોયલે ૧૯૯૬માં ડ્રગ-અબ્યુઝ પર જ ‘ટ્રેન સ્પૉટિંગ’ નામની ડાર્ક કૉમેડી ફિલ્મ બનાવેલી એને અંજલિ આપતા ટૉઇલેટવાળા એક સીન સાથેની ‘ઉડતા પંજાબ’માં ઠેકઠેકાણે બ્લૅક કૉમેડી વેરાયેલી છે. પાત્રોની વાટ લાગેલી હોય અને છતાં આપણને હસવું આવે એવાં એ દૃશ્યોની મજા ફિલ્મમાં અચાનક જોઈએ એમાં જ છે. વિરાટ કોહલીની જેમ અમિત ત્રિવેદી પણ ફુલ ફૉર્મમાં છે. તેના મિડાસ ટચવાળાં સુપર્બ ગીતોમાં અભિષેક ચૌબેએ વાર્તાને સરસ રીતે પરોવી લીધી છે જેથી તમને ગીત દરમ્યાન પણ આઘાપાછા થવાની ઇચ્છા ન થાય.

પરંતુ ફિલ્મની બહાર જેટલા પ્રૉબ્લેમ થયેલા એના કરતાં થોડા ઓછા, પણ પ્રૉબ્લેમ તો આ ફિલ્મની અંદર પણ છે. આટલાંબધાં પાત્રોમાં પથરાયેલી હોવા છતાં અઢી કલાકની આ ફિલ્મ ખાસ્સી લાંબી લાગે છે. ઘણે ઠેકાણે લાઉડ તો ક્યાંક સીન ખેંચાતા લાગે છે. શરૂઆતની રિયલિટી ઇન્ટરવલ પછી ફિલ્મી રોમૅન્સમાં ખોવાવા લાગે છે અને ફિલ્મ પંજાબના ડ્રગ્સ કાર્ટેલમાંથી ચાર પાત્રો પર જ ફોકસ થઈ જાય છે. જાણે એકાદ સંસદસભ્ય-ધારાસભ્યને પકડાવવાથી આખો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જવાનો હોય એમ આખી વાર્તા સિãમ્પ્લફાય થઈ જાય છે. ઈવન ફિલ્મને કોઈ કારણ વગર અચાનક પૂરી કરીને ઓપન-એન્ડેડ રખાઈ છે, જે જોઈને મોટા ભાગના દર્શકો કકળાટ કરી મૂકશે. આખી ફિલ્મ સતત ડ્રગ્સવિરોધી મેસેજ આપતી હોવા છતાં આનો ઉકેલ શું એની ખાસ કશી ચર્ચા કરવાનું રાઇટર-ડિરેક્ટરે મુનાસિબ માન્યું નથી.

આ ફિલ્મમાં ગાડું ભરીને ગંદી ગાળો છે એ તો સેન્સરકૃપાથી આપણને ખબર છે, પરંતુ આ ફિલ્મના અઢળક સંવાદો પંજાબીમાં છે. એટલું ખરું કે એ પંજાબી ક્યાંય કૃત્રિમ કે ફિલ્મી લાગતું નથી, પરંતુ દર્શકોનો પ્રૉબ્લેમ હળવો કરવા માટે આખી ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ્સ સાથે છે. એ વાંચવાની તૈયારી રાખવી.

દૌડતા ઑડિયન્સ


અત્યંત ડાર્ક અને ક્રૂર હોવા છતાં ‘ઉડતા પંજાબ’ સતત ડ્રગ્સથી છૂટવાનો અને પૉઝિટિવિટીનો મેસેજ આપતી રહે છે. તમામ મુખ્ય પાત્રોને ડ્રગ્સની ભયાનકતા પામીને એનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરતાં બતાવાયાં છે. ઈવન પંજાબને આ દૈત્યમાંથી છોડાવવા માટે કશું જ ન કરતા રાજકારણીઓ સામે પણ આ ફિલ્મ સજ્જડ સવાલ ઊભો કરે છે. અફસોસની વાત છે કે સેન્સર બોર્ડને આ ફિલ્મની પૉઝિટિવિટી નહીં, બલકે એમાં રહેલી ગાળો અને નૉન-ઇશ્યુ મુદ્દા જ દેખાયા. સારી ફિલ્મો જોવા માગતા અને વયથી જ નહીં, બલકે દિમાગથી પણ પુખ્ત લોકોએ અવશ્ય જોવા જેવી ફિલ્મ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK