ફિલ્મ રિવ્યુ : ટ્રાફિક

થ્રિલ રાઇડ : આ ઇમોશનલ-થ્રિલર નખ ચાવતા રહીએ એવો રોમાંચ અને આંખના ખૂણા પલાળી દે એવી સંવેદનશીલ સ્ટોરીનું મસ્ત કૉમ્બિનેશન છે

trafficજયેશ અધ્યારુ

ધારો કે આપણે બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક જૅમમાં ફસાયેલા છીએ. ગાડીઓના એ થપ્પાની પાછળ સાઇરનો વગાડતી કોઈ ઍમ્બ્યુલન્સ આવે છે, પરંતુ એ જરાય આગળ જઈ શકે એવી સ્થિતિ નથી. ત્યારે આપણને એ ઍમ્બ્યુલન્સની દીવાલો વચ્ચે રહેલા દરદીની કે તેના પરિવારજનોની હાલતનો વિચાર આવે છે ખરો? મલયાલમ ફિલ્મોના ડિરેક્ટર (અને હવે સ્વર્ગસ્થ) રાજેશ પિલ્લેની ફિલ્મ ‘ટ્રાફિક’ એક તો આપણને આ પ્રશ્ન પૂછે છે અને સાથોસાથ ઘડિયાળના કાંટે દોડતી જીવન-મરણ વચ્ચેની અત્યંત રોમાંચક રેસ અગેઇન્સ્ટ ટાઇમ પર લઈ જાય છે.

દિલ ધડકને દો

મુંબઈમાં એક યુવાનનો રોડ-ઍક્સિડન્ટ થાય છે અને ડૉક્ટરો તેને બ્રેઇનડેડ જાહેર કરી દે છે. બીજી તરફ પુણેમાં એક ટીનેજર છોકરીને જો સાંજ સુધીમાં પ્રત્યારોપણ માટે નવું હૃદય ન મળે તો તેના બચવાના કોઈ ચાન્સ નથી. હૃદયના દાતા તૈયાર છે, છોકરીનાં માતાપિતા (દિવ્યા દત્તા અને પ્રોસેનજિત ચૅટરજી) પણ રાહ જોઈ રહ્યાં છે. ત્યાં ઈશ્વર કસોટી કરે છે, પ્રચંડ વરસાદમાં પ્લેન કે હેલિકૉપ્ટર ઊડી શકે એમ નથી. હવે એક જ રસ્તો છે, મુંબઈથી પુણેનું ૧૬૦ કિલોમીટરનું અંતર અઢી કલાકમાં કાપવાનું. ટ્રાફિક જૉઇન્ટ કમિશનર (જિમી શેરગિલ) આખા રસ્તે ટ્રાફિક બ્લૉક કરાવે છે, જ્યારે માનવહૃદય લઈને ટ્રાફિક-કૉન્સ્ટેબલ રામદાસ ગોડબોલે (મનોજ બાજપાઈ) પુરપાટ સ્પીડે ગાડી મારી મૂકે છે. કામ અશક્યવત્ છે, પરંતુ એમાં જોડાયેલી દરેક વ્યક્તિ એને પૂરું કરવા કટિબદ્ધ છે.

હામ, હૈયું અને હાઇવે


૨૦૦૮માં સાચેસાચ બનેલું કે એક યુવાનનો અકસ્માત થયો અને તેને બ્રેઇનડેડ ઘોષિત કરવામાં આવ્યો. માતાપિતાએ ભારે હૈયે દીકરાનાં આંખો, કિડની અને હૃદયનું દાન કરવાનું નક્કી કર્યું. તે હૉસ્પિટલથી ૩૦ કિલોમીટર છેટે બીજી એક હૉસ્પિટલમાં નવ વર્ષની બાળકી તંદુરસ્ત હૃદય માટે તરસી રહી હતી. કાર્ડિઍક સજ્ર્યન પોતાના હાથમાં આઇસ-બૉક્સમાં હૃદય મૂકીને દોડતા નીકળ્યા. રસ્તે આવતાં તમામ સિગ્નલો પર ટ્રાફિક થંભાવી દેવાયેલો. આખરે ૩૦ કિલોમીટરનું અંતર ૧૫ મિનિટમાં કાપીને તે બાળકની જિંદગી બચાવી લેવાઈ. આ સત્યઘટના પરથી ડિરેક્ટર રાજેશ પિલ્લેએ ૨૦૧૧માં ‘ટ્રાફિક’ નામની સુપરહિટ મલયાલમ ફિલ્મ બનાવેલી. એની તામિલ અને કન્નડ આવૃત્તિ પછી હવે હિન્દીનો વારો આવ્યો છે. કલાકારોનો જબરદસ્ત કાફલો ધરાવતી આ ફિલ્મના બે સ્પક્ટ ભાગ પડે છે, માનવીય સંવેદનશીલ પાસું અને સીટનો ટેકો છોડીને ટટ્ટાર થઈ જઈએ એવી જબરદસ્ત થ્રિલ.

ફિલ્મ શરૂ થાય કે તરત જ ATMમાંથી પૈસા બહાર આવતા હોય એ સ્પીડે ધડાધડ નવાં-નવાં પાત્રો ઇન્ટ્રોડ્યુસ થવા માંડે. એકસાથે પાંચેક મોરચે અલગ-અલગ વાર્તાઓ સમાંતરે ચાલતી રહે. એમાંથી કોઈને એકબીજા સાથે દેખીતો સંબંધ હોય એવું ન લાગે. જેવું આપણે માથું ખંજવાળવાનું સ્ટાર્ટ કરીએ કે તરત જ વાર્તા ફટ્ દઈને હાઇવે પર ચડી જાય. કન્ફ્યુઝન દૂર કરવા માટે અંગ્રેજી

ટીવી-સિરિયલ ૨૪ની જેમ બધાં દૃશ્યોને એકસાથે સ્ક્રીન પર મૂકી દેવામાં આવે. ત્યારે ખબર પડે કે આ વાર્તાઓ એકબીજા સાથે કયા તાંતણે જોડાયેલી છે. સરી જતી એક-એક સેકન્ડ કીમતી છે એ દર્શાવતી ઘડિયાળ પણ સાથોસાથ ટિક-ટિક કરતી રહે.

મિનિમમ સમયમાં મૅક્સિમમ અંતર કાપીને અને મુંબઈનો ઍનાકોન્ડાછાપ ટ્રાફિક ચીરીને હૃદય પહોંચાડવાનું છે એ ટાસ્ક પોતે જ આપણું બ્લડ-પ્રેશર ઊંચું કરી દેવા માટે પૂરતું છે. ફટાફટ દોડતો કૅમેરા, એરિયલ શૉટ્સ, રોકી રખાયેલા લોકોનો વધતો ગુસ્સો, રસ્તામાં આવતી અણધારી મુશ્કેલીઓ અને ઉપરથી વરસતા વરસાદનું વિઘ્ન. ૧૦૦ મિનિટની આ ફિલ્મનો અડધોઅડધ હિસ્સો આવી જ પ્યૉર થ્રિલથી ભરચક છે.

પરંતુ રાઇટર-ડિરેક્ટર માત્ર એક થ્રિલર ફિલ્મ બનાવીને અટકી ગયા નથી. તેમણે દરેક પાત્રને એક આગવો હ્યુમન ઍન્ગલ આપ્યો છે. ફિલ્મનું એકેએક પાત્ર સખત માનસિક સંઘર્ષ કરી રહ્યું છે. એક માતાપિતા પર પોતાના એકના એક દીકરાના જીવન પર પૂર્ણવિરામ મૂકીને કોઈકની જિંદગી બચાવવાનું દબાણ છે, એક હવાલદાર પોતાના પર લાગેલું ભ્રક્ટાચારનું કલંક દૂર કરવા અને દીકરીની નજરમાં ફરીથી માનભર્યું સ્થાન મેળવવા મથી રહ્યો છે, એક સ્ત્રી પોતાનું પ્રિયપાત્ર ગુમાવી રહી છે, એક પુરુષ પોતાના લગ્નજીવનના ઝંઝાવાત સામે ઝઝૂમી રહ્યો છે, એક પોલીસ-કમિશનર પ્રૅક્ટિકલ થવું કે ઇમોશનલ એ દુવિધામાં છે તો એક પિતા પોતાની દીકરીને પૂરતો સમય ન આપી શક્યાના ગિલ્ટમાં છે. દરેક દ્વંદ્વને અંતે માણસાઈનો વિજય થાય છે. લેખકોએ એવી ખૂબીથી વાર્તાને વળાંક આપ્યા છે કે લોકો ધર્મ-રાજકીય સ્વાર્થને બાજુએ મૂકીને માત્ર કોઈને જિવાડવાના હેતુથી માણસ તરીકેની પોતાની ફરજ બજાવવા માટે નીકળી પડે છે.

તમામ મોરચે ચાલતા આ સંઘર્ષોને જોવાની મજામાં ઉમેરો કરે છે ફિલ્મની ધરખમ અને સુરતી માંજા જેવી ધારદાર કાસ્ટ. મનોજ બાજપાઈ તો કૅમેરા સામે કાન ખોતરે તોય જોવો ગમે એવો દમદાર ઍક્ટર છે એ આપણને ખબર છે જ. ‘અ વેન્સ્ડે’ના અનુપમ ખેરની સ્ટાઇલમાં કન્ટ્રોલ-રૂમમાંથી રુઆબભેર હુકમો છોડતો જિમી શેરગિલ પણ આફુસ કેરી જેવો સ્વીટ લાગે છે. પરંતુ એ ઉપરાંત કિટુ ગિડવાણી, સચિન ખેડેકર, વિક્રમ ગોખલે, પરમબ્રત ચૅટરજી, પ્રોસેનજિત ચૅટરજી, દિવ્યા દત્તા સરીખા અદાકારોની ઍક્ટિંગમાંથી પણ પ્રામાણિકતા ટપકે છે. સંવેદના અને રોમાંચના તાણાવાણા ડિરેક્ટર રાજેશ પિલ્લેએ માત્ર ૧૦૦ મિનિટમાં જ ગૂંથી લીધા છે. એટલે ફિલ્મમાં ક્યાંય ખોટી ચરબી દેખાતી નથી. ઈવન સાવ સિંગલ લાઇનની લાગતી સ્ટોરીમાં પણ વચ્ચે અણધાર્યા ટ્વિસ્ટ નાખીને રોમાંચ વધારી દીધો છે.

જોકે ઘણાં દૃશ્યોમાં પ્રોડક્શન-ક્વૉલિટી ખાસ્સી નબળી લાગે છે. આપણે ફિલ્મનાં પાત્રો સાથે ઇમોશનલી જોડાઈએ તેમ છતાં ઘણાંબધાં રડારોળનાં દૃશ્યો ફિલ્મને લાઉડ મેલોડ્રામાની બાઉન્ડરી તરફ ધકેલતાં હોય એવું ફીલ થઈ આવે છે. થોડું એવું થાય કે જો બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને એડિટિંગને થોડાં વધારે પૉલિશ કર્યા હોત તો ફિલ્મ ઓર નિખરી આવત. ઘણા ફિલ્મરસિયાઓ કહે છે કે આ હિન્દી વર્ઝન કરતાં ઓરિજિનલ મલયાલમ ફિલ્મ ક્યાંય વધુ સારી રીતે બની હતી. જો ખરેખર ફિલ્મો જોવાનો શોખ હોય તો મલયાલમને પહેલી પસંદગી આપી શકાય.

થોભો, જુઓ, જાઓ

દુ:ખની વાત એ છે કે ડિરેક્ટર રાજેશ પિલ્લે પોતાની આ ફિલ્મની રિલીઝ જોઈ શક્યા નહીં. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ લિવરની બીમારીને કારણે ૪૧ વર્ષની ભરયુવાન વયે ગુજરી ગયા. તમને ઇમોશનલ-થ્રિલર ફિલ્મો ગમતી હોય કે નહીં, પરંતુ રિયલ લાઇફમાંથી આવી સરસ વાર્તા શોધીને પ્રામાણિકતાથી પેશ કરવા માટે ડિરેક્ટરને અંજલિરૂપે પણ આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મ જોયા પછી ક્યારેય કોઈ ઍમ્બ્યુલન્સનો રસ્તો રોકતાં જીવ નહીં ચાલે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK