ફિલ્મ-રિવ્યુ : તિતલી

કુછ કડવા હો જાએ, કોઈ કળણની જેમ આ અફલાતૂન ફિલ્મ તમને ખેંચી લે છે અને પછી એમાં પેશ થતી કુરૂપતા, ક્રૂરતા, કઠોરતાથી છટકવું અશક્ય બની જાય છે


titli
જયેશ અધ્યારુ


છેક કાન ફિલ્મ-ફેસ્ટિવલ સુધી ઝંડા લહેરાવી આવેલી નવોદિત ડિરેક્ટર કનુ બહલની ઑફબીટ ‘તિતલી’નું નામ ખરેખર તો અગ્લી (Ugly) હોવું જોઈતું હતું; કારણ કે અહીં સ્ક્રીન પર આપણા સમાજનું, એના અસમાન વિકાસનું, જીવતા રહેવા માટે રીતસર જંગલી પશુઓની જેમ મરણિયા થયેલા લોકોનું, તેમના સ્વાર્થનું, ગંદી માનસિકતાનું ખોફનાક વર્ણન થયું છે. આ ફિલ્મ માત્ર ૧૧૭ મિનિટની છે, પણ આપણી બોચી પકડીને એક મિનિટ માટે પણ ચસકવા દેતી નથી.

સર્વાઇવલ ઑફ ધ અગ્લીએસ્ટ

વાત છે પૂર્વ દિલ્હીમાં વસતા ત્રણ ભાઈઓ વિક્રમ (રણવીર શોરી), બાવલા (અમિત સિઆલ) અને સૌથી નાના તિતલી (શશાંક અરોરા)ની. દિવસે તો આ લોકો સિક્યૉરિટી ગાર્ડ ટાઇપની છૂટક નોકરીઓ કરે છે, પણ અંધારું થાય એટલે સૂમસામ હાઇવે પર ગશ્ત લગાવવા નીકળી પડે. રસ્તે જતી કાર રોકી ચાલકોનાં માથાં પર હથોડીઓ મારીને પૂરા કરી નાખે અને કાર-પૈસા લૂંટીને રફુચક્કર થઈ જાય. ટૂંકમાં આ લોકો કારનું હાઇજૅકિંગ કરતા કારજૅકર છે. મોટો વિક્રમ તદ્દન ફરેલી ખોપડીનો છે. તેના મગજનું બૉઇલર ક્યારે ફાટે અને તે શું કરી બેસે એ કંઈ કહેવાય નહીં. વચલો ભાઈ થોડો લાગણીશીલ છે અને પૂરી વફાદારીથી આ કામ કર્યે જાય છે, જ્યારે ત્રીજો તિતલી આ કામથી કંટાળેલો છે એટલે ચોરીછૂપી પૈસા ભેગા કરીને પોતાની માલિકીનું પેઇડ પાર્કિંગ ઊભું કરવાની વેતરણમાં છે.

આ ક્રૂર પરિવારથી ત્રાસેલી મોટા ભાઈની પત્ની દીકરીને લઈને જતી રહી છે અને હવે છૂટાછેડા લઈ રહી છે. ઘરમાં એક રિટાયર્ડ બાપા (લલિત બહલ, ડિરેક્ટર કનુ બહલના રિયલ લાઇફ પપ્પા) પણ છે. આ ખાઉધરા બાપાના સુઝાવથી તિતલીનાં ઘડિયાં લગ્ન લેવાય છે અને ઘરમાં વહુ નીલુ (સુપર્બ શિવાની રઘુવંશી)નું આગમન થાય છે. પરંતુ તેનેય પોતાનાં સપનાં છે, ભૂતકાળ છે. સૌના પોતપોતાના સ્વાર્થ છે અને એના માટે તેઓ ગમે તે હદ સુધી જતાં અચકાય તેમ નથી.

સવાર વિનાની રાત

આ ફિલ્મના લેખકો છે ખુદ કનુ બહલ અને અગાઉ ‘દમ લગા કે હઈશા’ બનાવી ચૂકેલા શરત કટારિયા. આ બન્ને જણે ફિલ્મમાં પુષ્કળ બાબતો ઠાંસી-ઠાંસીને ભરી છે, પરંતુ ક્યાંય કશું સ્પૂન-ફીડિંગ નથી. બધું આપણે જાતે જ સમજવાનું. જેમ કે પાત્રોના બૅકગ્રાઉન્ડમાં સતત બંધાઈ રહેલી હાઇરાઇઝ ઇમારતો દેખાયા કરે, જ્યારે ફિલ્મનાં પાત્રો પાઈ-પાઈ માટે મરણિયાં થયાં હોય. જાણે કહેતા હોય કે જુઓ, આ જ છે આપણા સમાજના અસંતુલિત વિકાસની વાસ્તવિકતા. સંવાદોની પાછળથી સતત રેડિયો-ટીવીના અવાજો આવ્યા કરે, એમાં તમારી અંદરનો અવાજ ક્યાંય દબાઈ જાય. માત્ર એક જ વાક્ય પરથી આપણે તાગ મેળવી લેવાનો કે વચલો ભાઈ બાવલા હોમોસેક્સ્યુઅલ છે. સસરા અચાનક નાની પુત્રવધૂ સાથે ઠાવકા થઈને વાત કરવા માંડે છે, જે જોઈને તિતલી ગિન્નાય છે. ત્યારે આપણને ઝબકારો થાય કે સસરાની આંખમાં તો સાપ રમતા હતા. દીકરો બાપનો ફોટો પાડી નાખીને માનો ફોટો મૂકે એ જોઈને ખબર પડે કે તેની મા પણ બાપની હેવાનિયતનો જ ભોગ બની હશે. દીકરાનાં લગ્ન થાય ત્યારે પહેલી રાત વખતે રૂમની સ્ટૉપર ફિટ થતી જોઈને સમજી જવાનું કે આ ઘરમાં વર્ષોથી કોઈ સ્ત્રીએ પગ મૂક્યો નથી. સાંભળીને ચીતરી ચડે પણ ચાર-પાંચ વખત પાત્રોનાં બ્રશ કરતાં, ગળફા કાઢતાં અને ઊલટી કરતાં દૃશ્યો છે; પરંતુ એ જ આ ફિલ્મની રિયલિટીની ફુટપટ્ટી છે. ફિલ્મને શક્ય એટલી રિયલ બનાવવા માટે એને મિનિમમ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે હૅન્ડ-હેલ્ડ કૅમેરાથી શૂટ કરવામાં આવી છે.

અહીં પડદા પર દેખાતા બધા જ લોકો કોઈ ને કોઈ રીતે ફસાયેલા છે, પણ પોતાનો સ્વાર્થ કાઢી લેવા માટે ગમે તે હદે જઈ શકે છે. એટલે જ અત્યંત કફોડી સ્થિતિમાં હોવા છતાંય આપણને કોઈના પ્રત્યે સહાનુભૂતિ થતી નથી. એ રીતે જોઈએ તો આ એક ડિસ્ટોપિયન, તદ્દન નરક જેવી સ્થિતિનું વર્ણન કરે છે. કુરૂપતાની કાળી રાતનો કોઈ છેડો ન જડે. તદ્દન ખાડે ગયેલો પરિવાર, ધૂળ જેવી વાતમાં પણ થતી ગાળાગાળી અને હિંસક મારામારી, દીકરાઓ એકબીજાનો જીવ લેવા પર આવી ગયા હોય અને બાપા શાંતિથી ચામાં ટોસ્ટ બોળીને ખાતા હોય, પતિની હાજરીમાં પત્ની પોતાના પ્રેમીને આલિંગન આપે, મોટાનું જોઈને નાનું બાળક પણ પિતા વિશે ગંદી ગાળ બોલે... આ બધું ભયંકર ડરામણું છે. રખેને આ ફિલ્મમાંની એકેય વાત સાથે આપણે આપણી જાતને રિલેટ કરી દઈએ તો જાત પર તિરસ્કાર છૂટી જાય.

શાબ્દિક ઉપરાંત શારીરિક હિંસા પણ અહીં કંઈ ઓછી નથી. એક હસ્તાક્ષરથી બચવા માટે હાથ પર હથોડી ફટકારી દેવી, હથોડીથી માથું ફોડી નાખવું, પત્ની પર બળજબરી કરવી અને પછી જાણે કશું બન્યું જ ન હોય એમ આગ્રહ કરી-કરીને પરોઠાં-ચિકન ખવડાવવાં. ક્રૂર પુરુષોની વચ્ચે રહીને સ્ત્રી પણ કેવી જડ થઈ જાય એય અહીં આબાદ ઝિલાયું છે.

‘તિતલી’ એવી ફિલ્મ છે જે જોયા પછી સતત તમારા મગજમાં ઘૂમરાતી રહે.

એની ઇફેક્ટ એટલી જબરદસ્ત છે કે બહાર નીકળ્યા પછી પાર્કિંગ લૉટ, અન્ડર-કન્સ્ટ્રક્શન ઇમારતો, અસ્તવ્યસ્ત ઘર, ગાડીનો શોરૂમ જોઈને પણ આપણને એક હળવી કંપારી છૂટી જાય. અહીં એકેય કલાકાર જાણે ઍક્ટિંગ નથી કરતો એટલી હદે રિયલ લાગે છે. એમાંય રણવીર શોરીનો તો આ કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ હશે. બીજું સૌથી વધુ ધ્યાન ખેંચે છે નીલુ બનતી ઍક્ટર શિવાની રઘુવંશી. પાત્રના બદલાતા શેડ્સ પ્રમાણે તેણે ટિપિકલ દિલ્હીની યુવતીની કમ્માલ ઍક્ટિંગ કરી છે. આ સૌને જોઈને એ જ વિચાર આવે કે ભગવાન આવા લોકોનો જિંદગીમાં ક્યારેય ભેટો ન કરાવે.

કુરૂપદર્શન

વિવેચકો ભલે ટચાકા ફોડીને આ ફિલ્મનાં ઓવારણાં લે, પરંતુ દરેકને માફક આવે એવી આ ફિલ્મ હરગિજ નથી. તિતલી કંઈક અંશે વિક્રમાદિત્ય મોટવાણીની ‘ઉડાન’ ફિલ્મના વધુ વિકરાળ વર્ઝન જેવી છે. આ ફિલ્મ જોયા પછી મગજ નૉર્મલ કરવા માટે ઍન્ટિડૉટ તરીકે સૂરજ બડજાત્યાની ગળચટા પરિવારોવાળી ફિલ્મ જોવાની ઇચ્છા થઈ આવે. લાખ કુરૂપતા છતાં એક આશા બતાવીને પૂરી થતી આ ફિલ્મ રિયલ સિનેમાના ચાહકોએ જરાય ચૂકવા જેવી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK