સાહસ ને સિદ્ધિની સર્વોચ્ચ સફર

ચાર દાયકા પહેલાં એક માણસે વલ્ર્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ વચ્ચે દોરડા પર ચાલી બતાવ્યું હતું. આ જીવસટોસટના પરાક્રમની દિલધડક દાસ્તાન એટલે ધ વૉક ફિલ્મ

the walk

વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સની વચ્ચે દોરડું બાંધીને એના પર ચાલી બતાવનારો ફ્રેન્ચ સાહસિક ફિલિપ પેતી.


 

સ્પેશ્યલ સ્ટોરી -  જયેશ અધ્યારુ

 

૧૯૭૪ની ૭ ઑગસ્ટની વહેલી સવારે એ વખતે વિશ્વની સૌથી ઊંચી ઇમારત એવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નીચે સેંકડો લોકોનાં ટોળાં જામ્યાં હતાં. સૌની નજર આકાશ તરફ મંડાયેલી હતી અને એકશ્વાસે ઉપર આકાર લઈ રહેલી અભૂતપૂર્વ ઘટના ફાટી આંખે નિહાળી રહ્યા હતા. જમીનથી ૧૩૬૨ ફીટ ઊંચે, ૧૧૦ માળ ઊંચા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સની અગાસીઓની વચ્ચે ધાતુના દોરડા પર એક જાંબાઝ ચાલી રહ્યો હતો. જી હા, કોઈ પણ જાતની સલામતીની વ્યવસ્થા કર્યા વિના હાથમાં ૨૬ ફીટ લાંબી અને ૨૫ કિલોગ્રામ વજનની પાઇપ રાખીને માત્ર દોઢ-બે ઇંચ પહોળા દોરડા પર બૅલૅન્સ રાખીને એ જાંબાઝે ટ્વિન ટાવર વચ્ચેના બસો ફીટના અંતર પર ચાલી બતાવ્યું. એ પણ એક વાર નહીં, ચચ્ચાર વાર. સતત ૪૫ મિનિટ સુધી. ગાંડપણની ચરમસીમા જેવું એ પરાક્રમ કરનારો ફરેલ ખોપડી શખ્સ હતો ફ્રાન્સનો પચીસ વર્ષનો જુવાનિયો ફિલિપ પેતી (Philippe Petit).


ફિલિપના આ કલ્પનાતીત પરાક્રમ પરથી હૉલીવુડના નામીચા ફિલ્મમેકર રૉબર્ટ ઝેમેકિસે ધ વૉકનામે ફિલ્મ બનાવી છે, જે ૯ ઑક્ટોબરે આપણે ત્યાં રિલીઝ થઈ છે. આ રૉબર્ટ ઝેમેકિસ એટલે અગાઉ બૅક ટુ ધ ફ્યુચર’ (ત્રણ ભાગ), ‘કાસ્ટ અવે’, ‘ફૉરેસ્ટ ગમ્પજેવી સદાબહાર ફિલ્મોના ડિરેક્ટર. અગાઉ ૨૦૦૮માં ફિલિપ પેતીના આ સાહસ પર મૅન ઑન વાયરનામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચૂકી છે, જે ઑસ્કર અવૉર્ડ જીતી લાવી હતી. હવે ડિરેક્ટર રૉબર્ટ ઝેમેકિસે ફિલિપ પેતીના પુસ્તક ટુ રીચ ધ ક્લાઉડ્સપુસ્તકને આધારે બનાવેલી આ ધ વૉકસારી ફિલ્મો જોવાના શોખીનોએ જરાય ચૂકવા જેવી નથી. ફિલ્મ અને ફિલિપ પેતી બન્નેની સ્ટોરી સાથોસાથ ચાલે છે.


બૅલૅન્સનો ખેલ


આર્મીના પાઇલટ-કમ-લેખક પિતાના ઘરે જન્મેલા ફિલિપે નાનપણમાં એકવાર સર્કસના ખેલ જોયા અને દિમાગમાં ટાઇટ-રોપનું વૉકિંગ ઘર કરી ગયું. ઘરના બગીચામાં બે ઝાડ વચ્ચે દોરડા બાંધીને એના પર ચાલવાની પ્રૅક્ટિસ શરૂ થઈ. ૧૬ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો ફિલિપ પેતી (ફિલ્મમાં ઍક્ટર જોસેફ ગૉર્ડન લેવિટ)ને આ બૅલૅન્સિંગ ઍક્ટમાં એવી મહારત આવી ગયેલી કે દોરડા પર આગળ-પાછળ ચાલવા ઉપરાંત તે ગોઠીમડાં ખાઈ શકતો, દોરડા પર બેસી શકતો અને ઈવન જમ્પ પણ કરી શકતો, એક અને બે પૈડાંવાળી સાઇકલ ચલાવી શકતો. આ કળામાં વધારે મહારત હાંસલ કરવામાં ફિલિપને સાથ મYયો એ સમયના મહાન


the walk

રૉબર્ટ ઝેમેકિસે બનાવેલી ધ વૉકફિલ્મનું પોસ્ટર.


ટાઇટ-રોપ-વૉકર એવા રુડોલ્ફ ઓમન્કોવ્સ્કી (ઍક્ટર બેન કિંગ્સલી)નો. રુડોલ્ફ સર્કસ ચલાવતા હતા. ફિલિપ તેમના માટે પર્ફેક્ટ હતો, કેમ કે ફિલિપ ટાઇટ રોપ-વૉકિંગ ઉપરાંત યુનિ (એક પૈડાવાળી) સાઇકલ, જગલિંગ, જાદુગરી જેવાં તમામ કરતબો જાણતો હતો. ફિલિપ માટે રુડોલ્ફ પાપા રુડી બન્યા, પણ ફિલિપનાં સપનાં સર્કસમાં કામ કરવાથી ક્યાંય ઊંચાં હતાં. એક દિવસ ફિલિપની નજર પડી અમેરિકામાં બંધાઈ રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જાહેરખબર પર. આ ટ્વિન ટાવર્સમાં તેને પોતાના માટે વિશ્વનું સૌથી મોટું સ્ટેજ દેખાઈ ગયું. એટલે પોતાની ફ્રેન્ચ ગર્લફ્રેન્ડ સાથે તેણે સીધી અમેરિકાની વાટ પકડી. ત્યાં મહિનાઓ સુધી પ્લાનિંગ કર્યું. સેંકડો વાર ફાઇનલ ટચ અપાઈ રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સની મુલાકાતો લીધી, એનાં મૉડલ્સ અને પ્લાન બનાવ્યાં, પાર વિનાની ગણતરીઓ કરી. તેમ છતાં એકલે હાથે આ સાહસ થાય નહીં. એટલે ફિલિપે પોતાના જેવા ચાર-પાંચ ધૂની સાહસિકો શોધ્યા. જાણે કોઈ બૅન્ક લૂંટવાનો પ્લાન બનતો હોય એમ દોરડાં, વાયર, પાઇપો જેવો સામાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અગાસીએ પહોંચ્યો. બસ, સાતમી ઑગસ્ટની સવારે દુનિયાભરનાં અખબારો અને ટેલિવિઝન પર બસ ફિલિપ પેતીનો જ ચહેરો દેખાવાનો હતો.


આગળ સિદ્ધિ, નીચે મોત


જો તમને ઊંચાઈનો ડર લાગતો હોય, વર્ટિગો જેવી તકલીફ હોય તો-તો આ ફિલ્મ તમારાં હાજાં ગગડાવી નાખશે. કેમ કે આ ફિલ્મની સુપર્બ સિનેમૅટોગ્રાફી અને અફલાતૂન ૩D ઇફેક્ટ્સ પેટમાં થિþલનાં પતંગિયાં ઊડાઊડ કરી મૂકે એવી અસર પેદા કરે છે. ખાસ કરીને ફિલિપ પેતી ટ્વિન ટાવર્સ વચ્ચે ચાલવાનું શરૂ કરે છે એ દૃશ્યો તો ભલભલા લોકો ખુરશીનાં હૅન્ડલ પકડી લે એવાં બન્યાં છે.ધ વૉકફિલ્મમાં એકસાથે ઘણીબધી બાબતો સ્પર્શી જાય એવી છે. એક તો ટ્વિન ટાવર્સની વચ્ચે ટાઇટ-રોપ-વૉક કરવાનું ફિલિપ પેતીનું પૅશન, જે આખી ફિલ્મમાં સતત દેખાતું રહે છે. સાથોસાથ એક સરસ ક્વિક લવ-સ્ટોરી પણ છે. એ લવ-સ્ટોરીમાં આપણને લટ્ટé કરી દે છે મારકણી આંખોવાળી ફ્રેન્ચ-કૅનેડિયન અભિનેત્રી શાર્લોટ લે બોં, જે પહેલેથી છેલ્લે સુધી ફિલિપના આ આત્મઘાતી સાહસને સર્પોટ કરે છે. અહીં આપણા સંજય ગુપ્તા જેવા બૉલીવુડિયા ડિરેક્ટર હોત તો મૈં તુમ્હેં અપની ઝિંદગી કે સાથ ખિલવાડ કરને નહીં દૂંગી, તુમ્હેં અગર કુછ હો ગયા તો મેરા ક્યા હોગા? ટાઇપનો મેલોડ્રામા ઘુસાડી શક્યા હોત. પરંતુ આ ફિલ્મ એક પણ તબક્કે પોતાની હળવાશ અને થિþલ ગુમાવતી નથી.


આ ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી ઑથેન્ટિક લાગે છે. એનું એક મહત્વૌનું કારણ એ છે કે ફિલ્મમાં ફિલિપ પેતીનો રોલ કરનારા ઍક્ટર જોસેફ ગૉર્ડન-લેવિટને ખુદ ફિલિપ પેતીએ આઠ દિવસમાં ટાઇટ-રોપ-વૉકિંગ શીખવાડી દીધું હતું. એટલે ક્યાંય કશું ફેક-નકલી લાગતું નથી. આ રીતે બિલ્ડિંગ પર ચડીને દોરડું બાંધીને ચાલવું એ ગેરકાયદે કૃત્ય છે. એટલી ઊંચાઈએથી એક નાનકડી હથોડી નીચે કોઈ માણસ પર પડે તોય તેની ખોપરી ફાટી જાય. એ ઊંચાઈએથી પડનારો માણસ તો મરે જ, પરંતુ તેના હાથમાંથી ૨૫ કિલોગ્રામની લાકડી કે બસો કિલોગ્રામનો વાયર પડે તો શી હાલત થાય? એટલે સત્તાધીશોથી છુપાઈને આખું પરાક્રમ પાર પાડવાની પ્રોસેસમાં પાર વિનાનો રોમાંચ છે. આ રોમાંચમાં વધારો કરે છે સતત કાળજું હલાવી દે એવી ઊંચાઈનો આભાસ કરાવતું કૅમેરાવર્ક. કૅમેરા સતત કોઈ પંખીની જેમ ઊડતો જ રહે છે. સાથોસાથ ડ્રમથી લઈને વાયોલિન અને પિયાનો સુધીનાં વાજિંત્રો અને લેટિન મ્યુઝિકથી ભરચક એવું સાહસની છડી પોકારતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. ફિલિપ વાદળોની વચ્ચેથી ટ્વિન ટાવર્સ પર ચાલે છે, એટલી ઊંચાઈએ તાર પર સૂઈ જાય છે, બેસે છે, ઘૂંટણિયે પડે છે, આ બધું લગભગ અલૌકિક અને કોઈ બૅલે નૃત્ય જેવું લાગે છે. આ વાત કહેવા માટે જ ડિરેક્ટરે બૅકગ્રાઉન્ડમાં મોઝાર્ટની સિમ્ફની પણ મૂકી છે.


આ ફિલ્મ અત્યારે ઇતિહાસનું એક પ્રકરણ બની ગયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સની એક ટાઇમ-ટ્રાવેલ પણ છે. કમ્પ્યુટર ગ્રાફિક્સ અને ભવ્ય સેટની મદદથી બહુ જતનપૂવર્‍ક એને રીક્રીએટ કરવામાં આવ્યા છે. ઈવન છેક છેલ્લા દૃશ્ય સુધી સ્ક્રીન પર માત્ર આ ટ્વિન ટાવર્સની તસવીર જ તરવરતી રહે છે. ડિરેક્ટર રૉબર્ટ ઝેમેકિસે માત્ર ફિલિપ પેતીને જ નહીં, આ ટ્વિન ટાવર્સને પણ પ્રેમપૂવર્‍ક અંજલિ આપી છે. જે રીતે ટ્વિન ટાવર્સનું ગગનચુંબી કદ પેશ કરાય છે એ સ્પક્ટ કહી આપે છે કે આ માનવીય સાહસનું એવરેસ્ટ શિખર છે. તેમ છતાં ઘણા લોકોને ધ વૉકનો ફસ્ર્ટ હાફ ખાસ્સો ધીમો લાગશે. દર થોડી વારે ખુદ ફિલિપ પેતી ડૉક્યુમેન્ટરી સ્ટાઇલમાં પોતાની વાત કહ્યા કરે છે એ ખાસ્સું ઇરિટેટિંગ લાગે છે (જોકે તે ક્યાં ઊભો છે એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડે). આખા પડદાની વચ્ચે મોટા અક્ષરે લખાઈને આવતી સ્મોકિંગ કિલ્સની સૂચના પણ એટલી જ ઇરિટેટ કરે છે. અંગ્રેજીમાં જોનારા ઘણા લોકોને હીરો જોસેફ ગૉર્ડન લેવિટની નકલી ફ્રેન્ચ બોલી પણ અકળાવી મૂકે છે. પરંતુ સૌથી મોટી કમી એ સાલી કે આ આખી ફિલ્મમાં ક્યાંય સાચા ફિલિપ પેતીનો ચહેરો બતાવ્યો નથી કે ઈવન તેની સાચુકલી વૉકનો એકેય વિડિયો દર્શાવાયો નથી. એના માટે તમારે મૅન ઑન વાયરડૉક્યુમેન્ટરી જ જોવી પડે.


સો વાતની એક વાત... ભલે ધીમી લાગે; પરંતુ આ ફિલ્મ થિયેટરમાં અને એ પણ ૩Dમાં જોવાનું ચૂકવા જેવું નથી. જો ખર્ચો કરવો પોસાતો હોય તો આઇમૅક્સ થિયટરમાં જ એની સાચેસાચી થિþલ મહેસૂસ થશે. ફિલ્મમાં ફિલિપ પેતીના આ પરાક્રમ પછી મીડિયા તેને પૂછે છે કે ભઈ તેં આવું ગાંડપણ શું કામ કર્યું? તો જવાબમાં ફિલિપ કહે છે, એના સિવાય કોઈ છૂટકો જ નહોતો. બસ, આ ફિલ્મ જોવાનું પણ એવું જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK