ફિલ્મ-રિવ્યુ : ધ શૌકીન્સ

અભી તો મૈં જવાન હૂં,બાસુ ચૅટરજીની ક્લાસિક કૉમેડી ફિલ્મની રીમેક એવી આ ટાઇમપાસ ફિલ્મને અક્ષયકુમારે હાઇજૅક કરી લીધી છેયશ મહેતા


એક જૂની કહેવત છે કે વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે. એવા ત્રણ ઘરડા વાંદરાઓ એટલે કે ત્રણ નૉટી નૉટી અંકલોનાં તોફાનોની વાર્તા કહેતી ફિલ્મ ‘શૌકીન’ ૧૯૮૨માં બાસુ ચૅટરજીએ બનાવેલી. હવે ફિલ્મમેકર તિગ્માંશુ ધુલિયાએ એ જ વાર્તાને નવેસરથી પોતાની સ્ટાઇલમાં કહેવાનું નક્કી કર્યું છે. તેમણે લખેલી અને અભિષેક શર્માએ ડિરેક્ટ કરેલી ફિલ્મને ત્રણ સિનિયર ઍક્ટર્સ માંડ ઊંચકે છે ત્યાં જ અક્ષયકુમારની એન્ટ્રી થાય છે અને આખી ફિલ્મને હિટ ઍન્ડ રનની જેમ ઊંચકીને ઢસડી જાય છે.


લાલી (અનુપમ ખેર), કે. ડી. (અન્નુ કપૂર) અને પિન્કી (પીયૂષ મિશ્રા) દિલ્હીના ત્રણ ઉમþદરાજ દોસ્તારો છે. આમ તો ત્રણેય સિનિયર સિટિઝનની કૅટેગરીમાં પ્રવેશી ગયા છે, પરંતુ જુવાનીના તળાવમાં છબછબિયાં કરવાના અભરખા હજી ત્રણેયના ઓસર્યા નથી. લાલી જૂતાંનો શોરૂમ ચલાવે છે, પણ તેની પત્ની (રતિ અિગ્નહોત્રી)ને રતિક્રીડામાં જરાય રસ નથી. તેને કામદેવ કરતાં રામનામમાં વધારે રસ છે. કે. ડી. એટલે કે અન્નુ કપૂરનું જુવાનીમાં એક પ્રેમપ્રકરણ અધૂરું રહી ગયેલું એટલે તેઓ આજીવન કુંવારા રહ્યા અને અત્યારે સ્ત્રીઓની એક સંસ્થા ચલાવે છે. જ્યારે પિન્કી અર્થાત્ પીયૂષ મિશ્રા ચાંદનીચૌકના મસાલાકિંગ છે. અત્યારે દાદા બની ગયા છે અને બિચારા વિધુર છે, પરંતુ તેમની આંખોમાં વાસનાનાં સાપોલિયાં હજી પણ કબડ્ડી રમે છે.
દિલ્હીમાં સુંવાળો સાથ મેળવવાના ભડભડિયા પૂરા ન થયા એટલે ત્રણેય જણ મૉરિશિયસની વાટ પકડે છે. ત્યાં આહ્ના (લીઝા હેડન)ના બંગલામાં થોડા દિવસ માટે ભાડે રહે છે. બિનધાસ્ત-બેધડક લીઝાના જીવનનાં ત્રણ જ લક્ષ્ય છે : વિચિત્ર પ્રકારનાં કપડાં ડિઝાઇન કરવાં, ફેસબુક પર ઢગલેબંધ લાઇક્સ-કમેન્ટ્સ મેળવવી અને પોતાના ડ્રીમ-મૅન અક્ષયકુમારને મળવું. ત્યાં ખબર પડે છે કે અક્ષયકુમાર ત્યાં જ શૂટિંગ કરવા આવ્યો છે એટલે આ ત્રણેય રસિક બુઢ્ઢાઓ વિચારે છે કે જો આ સોણી કુડીને અક્કી સાથે મેળવી આપીએ તો આપણો એ છોડી સાથે ગલીપચી કરવાનો મેળ પડી જાય. બસ, એમ વિચારીને ત્રણેય જણ કામદેવનું નામ લઈને અક્ષયકુમારની અને સરવાળે લીસી-લીસી લીઝાની પાછળ પડી જાય છે.


અક્ષયકુમારની હીરોપંતી


તિગ્માંશુ ધુલિયા અત્યંત તેજસ્વી રાઇટર-ફિલ્મમેકર છે. એવું જ ડિરેક્ટર અભિષેક શર્માનું છે. તેમણે આ પહેલાં ‘તેરે બિન લાદેન’ નામની અફલાતૂન કૉમેડી ફિલ્મ બનાવેલી, પરંતુ બાસુ ચૅટરજી જેવા દિગ્ગજ ફિલ્મમેકરના પેંગડામાં પગ નાખવો આસાન નથી. એક ઠીકઠાક ગીત અને અક્ષયકુમારના નરેશન સાથે શરૂ થતી ‘ધ શૌકીન્સ’નું સ્ટાર્ટિંગ સરસ થાય છે. દરેક સ્ત્રીને માત્ર સેક્સનાં ચશ્માંમાંથી જોતા આ ત્રણેય અંકલો કામસૂત્રવેડા કરવા માટે કેટલા ડેસ્પરેટ છે એ તો જાણે પહેલા અડધા કલાકમાં જ એસ્ટૅબ્લિશ થઈ જાય છે. એ દરમ્યાન તિગ્માંશુભાઉએ નાનાં-નાનાં ઑબ્ઝર્વેશન્સ પણ સરસ ઝીલ્યાં છે. જેમ કે આપણે ત્યાં લોકો બગીચામાં પ્રેમ કરે છે, મકબરા પર જૉગિંગ કરે છે અને ઝઘડવા માટે તો ભરચક રોડ પર જ મંડી પડે છે; ફિલોસૉફીના નામે દંભ કરવા માટે લોકો ઓશોનું ‘સંભોગ સે સમાધિ તક’ પુસ્તક વાંચે છે અને યુવતીને ગંદી નજરથી જોતા આધેડો પકડાઈ જાય ત્યારે ‘મૈં તો તુમ્હારે બાપ કી ઉમþ કા હૂં, બેટી’ કહીને ઊભા રહી જાય. અત્યારની ફેસબુકિયા જનરેશન ચાર લાઇક ઓછી મળે તો પણ દેવદાસિયા ડિપ્રેશનમાં સરી પડે.


જોકે આ ઑબ્ઝર્વેશન્સનો ઝરો ઇન્ટરવલ આવતા સુધીમાં સુકાઈ જાય છે. જાણે આપણને હસાવવા માટે હાંફી જતા હોય એમ વચ્ચે થાક ખાવા માટે દર થોડી વારે ભંગારિયાં ગીતો પણ મુકાયાં છે. છાનગપતિયાં કરવા માટે તલપાપડ બુઢ્ઢાની વાત ચ્યુઇંગ ગમની જેમ ખેંચાતી જાય છે. એ વખતે અક્ષયકુમાર મહાભારતના મૈં સમય હૂંની જેમ પ્રગટ થાય છે અને તેના નાર્સિસિઝમની બૉટલનું ઢાંકણું ખૂલી જાય છે. અક્ષયકુમારે આ ફિલ્મમાં નાળિયેરમાં વ્હિસ્કી નાખીને પીતા દારૂડિયા સુપરસ્ટારનો રોલ કર્યો છે, જે કોઈ મીનિંગફુલ ભૂમિકાની તલાશમાં છે. જોકે નાના બાળકના હાથમાંથી જેમ કાગડો ચીલઝડપે પૂરી આંચકી જાય એ રીતે અક્કી પેલા ત્રણ શૌકીન્સના હાથમાંથી આ ફિલ્મ આંચકી જાય છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ લિટરલી અક્ષયકુમારની જ બનીને રહી જાય છે. હા, એક સુપરસ્ટારનાં નખરાં, ૨૦૦ કરોડ ક્લબવાળી ફિલ્મો, સેલિબ્રિટી એન્ડૉર્સમેન્ટ્સની ઠેકડી, બૉલીવુડ-સ્ટાર્સનાં હિલેરિયસ રીઍક્શન્સ, નૅશનલ અવૉર્ડવિનર બંગાળી ફિલ્મનો ઉપહાસ, મૉરિશિયસ જેવા સ્થળે ફરતાં ભારતીય હનીમૂન કપલ્સ વગેરે મસ્ત ઝિલાયું છે; પરંતુ કામની કામનામાં નીકળેલા ત્રણ આધેડોની વાર્તા સાથે તેને કોઈ જ લેવાદેવા નથી. ઍક્ચ્યુઅલી ઇન્ટરવલ પહેલાં અને પછીની ફિલ્મ તદ્દન અલગ-અલગ છે. બન્ને સ્ટોરીની ભેળસેળ કરવાને બદલે તિગ્માંશુ ધુલિયાએ બે સેપરેટ વાર્તાઓ જ લખવા જેવી હતી. ફિલ્મ ખેંચાય છે, પણ સાથોસાથ હસાવે પણ છે.


અંદાઝ તેરા મસ્તાના


જીવનના છેલ્લા વળાંકે સ્ત્રીઓના વળાંકોમાં અટવાતા આધેડોની ઍક્ટિંગમાં ત્રણેય અદાકારો અનુપમ ખેર, અન્નુ કપૂર અને પીયૂષ મિશ્રા જામે છે; પરંતુ સેકન્ડ હાફમાં ત્રણેયના ભાગે કશું જ કરવાનું આવ્યું નથી. બલકે તિગ્માંશુએ ‘શૌકીન’ને બદલે ‘ચશ્મે બદ્દૂર’ની રીમેક બનાવી હોય એ દિશામાં સ્ટોરી દોડવા માંડે છે. અન્નુ કપૂરની બેશરમી, અનુપમ ખેરની સમાજથી ડરી-ડરીને છાનગપતિયાં કરવાની વૃત્તિ અને પીયૂષ મિશ્રાના સતત ગિલ્ટવાળા હાવભાવ આબેહૂબ ઊપસી આવે છે.ઈવન અક્ષયકુમાર પણ પોતાના રોલમાં પર્ફેક્ટ લાગે છે. રાધર તેની એન્ટ્રી થયા પછી ફિલ્મ બે વેંત ઊંચકાય પણ છે. પેલા ત્રણેય કલાકારો જેટલી હસાહસી મેળવે છે એટલી તો અક્ષય એકલો જ ઊસેટી જાય છે. સાંઠીકડા જેવી લીઝા હેડન પાસેથી ઍક્ટિંગની અપેક્ષા નથી, પણ તેણે ક્વીનની જેમ ગ્લૅમરસ દેખાવા સિવાય ખાસ કશું કર્યું નથી. ફિલ્મમાં અધવચ્ચેથી એન્ટ્રી મારતા સાયરસ ભરૂચા અને કવિન દવે પણ આપણને છૂટક હસાવે છે.આ ફિલ્મમાં ચાર સંગીતકારો છે, પણ સમ ખાવા પૂરતું એકેય ગીત સાંભળવું ગમે એવું બન્યું નથી. વળી દર થોડી વારે એક ગીત ટપકી પડે છે. અરે એક ગીત તો અનુ મલિકના અવાજમાં છે. હા, સંદીપ ચૌટાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે.


ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ન્યુ ઇઝ સિલ્વર


ન્યુઝ-ચૅનલ્સની ભાષામાં કહીએ તો તિગ્માંશુ ધુલિયાએ એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં ફિલ્મ ટાઇમપાસની કૅટેગરીથી ઉપર ઊઠતી નથી. ઓરિજિનલની તોલે તો બિલકુલ આવે એવી નથી છતાં એક ટાઇમપાસ ઍડલ્ટ મનોરંજક ફિલ્મ તરીકે ‘ધ શૌકીન્સ’ને ફુલ માક્ર્સ આપવા પડે એટલે આ ફિલ્મના વડીલો પાસેથી બાબુજી આલોકનાથ જેવા સંસ્કારોની અપેક્ષા લઈને જશો તો દુખી થશો (કેમ કે આ બાબુજીઓ સમી સાંજે શિલાજિતની શોધમાં નીકળે છે). હા, બાળકોને લઈને તો બિલકુલ જતા નહીં.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK