ફિલ્મ રિવ્યુ : ધ જંગલ બુક

ચડ્ડી પહન કે બ્યુટિફુલ ખિલા હૈ : મોટા પડદે ફરી વાર સજીવન થયેલી મોગલી અને તેના દોસ્તારોની આ કથા કોઈ કિંમતે ચૂકવા જેવી નથી

The Jungle Book


જયેશ અધ્યારુ

આપણા મનમાં દરેક યાદગીરી એની સાથે અમુક તસવીરો, સુગંધ અને અવાજ લઈને જોડાયેલી હોય છે. જેમ કે નેવુંના દાયકામાં મોટા થયેલા લોકોના મનમાં રવિવારની યાદ એટલે ઈ. સ. 1993માં દૂરદર્શન પર આવેલી ઍનિમેટેડ ટીવી-સિરીઝ ધ જંગલ બુકનું ટાઇટલ-સૉગ અને મોગલીની તેના દોસ્તારો સાથેની ઊછળકૂદ. આવી જ યાદ સાથે જોડાયેલી કોઈ ફિલ્મ-સિરિયલ વગેરેની રીમેક બને એટલે પહેલો ધ્રાસકો એ પડે કે આપણા મનના ખૂણે સંઘરાયેલી એ યાદગીરીનો ભાંગીને ભૂકો ન થઈ જાય. પરંતુ ‘આયર્નમૅન’ ફેમ ડિરેક્ટર જૉન ફેવરોને બે હાથે સલામ કરવી પડે કે જૂની યાદોને તેણે અફલાતૂન રીતે સજીવન કરી છે. આ ફિલ્મના પ્રેમમાં પડવું મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ.

યારી-દોસ્તી મોગલી સ્ટાઇલ

આમ તો મોગલીની વાર્તા કહીએ તો ટાબરિયાં પણ અંકલ કા ટીવી ડબ્બા હૈ જેવો ડાન્સ કરીને આપણી મજાક ઉડાવે. છતાં શૉર્ટકટ મેં જાણી લઈએ કે મામલા ક્યા હૈ. માનવબાળ મોગલી મધ્ય પ્રદેશના સિઓનીના જંગલમાં ભૂલું પડી ગયું છે. વરુઓનું એક ટોળું અને એક બ્લૅક પૅન્થર બગિરા તેનું બેબી-સીટિંગ કરીને મોગલીને મોટો કરે છે. અમેરિકામાં જન્મીને મોટાં થતાં આપણાં દેશી બાળકોની જેમ હવે મોગલી પણ હ્યુમન બૉર્ન કન્ફ્યુઝ્ડ વુલ્ફ છે. તેને બનવું છે સાચું વરુ, પણ છે તો તે માણસ. આ કશમકશમાં ફરતા મોગલી પર વર્ષોથી જંગલના ગબ્બર સિંહ એવા શેરખાન-ધ ટાઇગરનો ડોળો છે. બસ, એક તરફ મોગલી પર્ફેક્ટ વરુ બનવા ટ્રાય કરે છે તો બીજી તરફ શેરખાન મોગલીની ગેમ ઓવર કરવા માટે ઉધામા મચાવી રહ્યો છે. પણ વેઇટ, મોગલી માથે બીજું પણ એક જાયન્ટ સાઇઝનું જોખમ છે. એ તો હવે તમે જુઓ ત્યારે ખબર પડે.

જંગલ કે કાયદે પ્લસ કાનૂન


ટકાટક ટેક્નૉલૉજી, અફલાતૂન ઇમૅજિનેશન અને સુપર્બ સ્ટોરી-ટેલિંગની મદદથી એક ક્લાસિક વાર્તાને કેવી રસાળ રીતે કહી શકાય એનું આ ધ જંગલ બુક પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. એક બાજુ જરાય બાલિશ થયા વિના હૉલીવુડવાલે બાબુ બાળકોની બેમિસાલ ફિલ્મો બનાવ્યે જાય છે અને બીજી બાજુ આપણું પ્રાગૈતિહાસિક યુગનું સેન્સર ર્બોડ હાસ્યાસ્પદ નિર્ણયોની પરંપરા સજ્ર્યે જાય છે. આ ફિલ્મને પણ તેણે શ્/ખ્ સર્ટિફિકેટ આપ્યું છે. મતલબ કે ટાબરિયાંવની સાથે તેનાં મમ્મી-પપ્પાએ પણ ફિલ્મ જોવી પડશે. આ નિર્ણયને પૉઝિટિવલી લઈને કહી શકાય કે સેન્સર ર્બોડ ન કહે તોય પેરન્ટલોગે પોતાના બાળપણમાં ટાઇમટ્રાવેલ કરવા માટે આ ફિલ્મ જોવી જ જોઈએ. બીજું, આ ફિલ્મ માત્ર ટાઇમપાસ મનોરંજન નથી બલકે એક સરસ એજ્યુકેશનલ અનુભવ પણ છે.

‘ધ જંગલ બુક’નાં લિટરલી સ્ટાર અટ્રૅક્શન છે તેનાં પાત્રો પાછળ રહેલાં ડબિંગ સ્ટાર્સ. હિન્દી વર્ઝનમાં ઓરિજિનલ શેરખાન નાના પાટેકર ઉપરાંત ઓમ પુરી, ઇરફાન ખાન, પ્રિયંકા ચોપડા અને ઇંગ્લિશ વર્ઝનમાં બેન કિંગ્સ્લી, બિલ મરી અને સ્કાર્લેટ યોહાનસન. એટલે હિન્દી વર્ઝન જોવું કે અંગ્રેજી એ ગળકુડી મૂંઝવણ થવાની છે. શોખીનો તો દૂધ-દહીં બન્નેમાં પગ રાખશે.

લાઇવ ઍક્શન મોશન કૅપ્ચર ટેક્નિકથી શૂટ થયેલી જંગલ બુક એવી ઝીણવટથી સર્જવામાં આવી છે કે આ બધું કમ્પ્યુટરથી ક્રીએટ થયું છે એવી ઇત્તુ સી શંકા ન થાય. પ્રાણીઓ, જંગલ, વૃક્ષો-પાંદડાં, નદી, ખંડેર ઈવન મધમાખી સુધ્ધાંનું બારીક નકશીકામની અદાથી ધ્યાન રખાયું છે. ઍનિમેટેડ હોવા છતાં પ્રાણીઓના હાવભાવ, એમની મૂવમેન્ટ્સમાં પણ ક્યાંય કચાશ રખાઈ નથી. ઉપરથી ૩Dનો ટેસ્ટી વઘાર.

આખી જંગલ બુકનું સેન્ટ્રલ કૅરૅક્ટર એટલે અફર્કોસ મોગલી. અહીં મોગલી બનતો NRI નીલ સેઠી જાણે આપણી ઇમૅજિનેશનમાંથી જ ડાઉનલોડ કર્યો હોય એવો નૅચરલ લાગે છે. તે અંગૂઠા જેવડો છે; પણ તેના ચહેરા પર તમે ગુસ્સો, દુ:ખ, રાહત, પ્રેમ, ડર, ફ્રસ્ટ્રેશન જેવાં તમામ એક્સપ્રેશન્સની રેન્જ જોઈ શકો. તેની ક્યુટનેસ જોઈને આપણને ઇચ્છા થઈ આવે કે જમ્પ મારીને શેરખાનની આગળ જઈને ઊભા રહી જઈએ અને ડાયલૉગ ફટકારી દઈએ કે મોગલી તક પહૂંચને સે પહલે તુમ્હે મેરી લાશ પર સે ગુઝરના હોગા. બસ, અહીં મોગલીના ફેવરિટ હથિયાર બૂમરૅન્ગની ખોટ વર્તાય છે.

આ ફિલ્મ જંગલનો અને એના પરથી લાઇફ લેસન્સ શીખવાનો ગોલ્ડન ચાન્સ પણ છે. મમ્મી-પપ્પા સાથે હોય તો બાળકોને વરુ, વાઘ, બ્લૅક પૅન્થર, રીંછ, વાંદરાં, અજગરથી લઈને શાહુડી, આર્મડિલો, ફ્લાઇંગ ãસ્ક્વરલ, મીરકેટ જેવાં પ્રાણીઓનો પણ પરિચય કરાવી શકે (જો પેરન્ટ્સને ખબર હોય તો).

હસતાં-હસાવતાં આ ફિલ્મ એવા મસ્ત મેસેજિસ આપી જાય છે જે કદાચ દળદાર પુસ્તકો વાંચવાથી પણ ન મળે. જેમ કે પ્રાણી જીવતા રહેવા માટે શિકાર કરે એ સ્વીકાર્ય છે, પણ શેરખાનની જેમ માત્ર આનંદ ખાતર કે પોતાનો પાવર બતાવવા ખાતર શિકાર કરવો એ તદ્દન ખોટું છે. મતલબ કે સ્પાઇડરમૅન કહી ગયો છે તેમ મહાન શક્તિની સાથે જવાબદારી પણ આવે. એવું જ અગ્નિનું છે. અગ્નિ એટલે કે ટેક્નૉલૉજી કે પછી કોઈ પણ આવડત તમને ટોચે પહોંચાડી શકે, પણ એનો બેજવાબદારીથી ઉપયોગ કરો તો આખું જંગલ ખાખ થઈ જતાં વાર ન લાગે. જાઇજેન્ટોપિથેકસ પ્રકારનો પ્રચંડ વાનર અન્ડરવર્લ્ડના માફિયાની જેમ એ અગ્નિને જંગલમાં લાવવા મોગલીને લાલચ આપે છે, પણ મોગલી જાણે છે કે એક વખતનું લાલચ આખું જંગલ તબાહ કરી શકે છે. કશું જ બોલ્યા વિના મહેનતથી જંગલ સંભાળતા હાથીઓ એટલે કે સમાજના મહેનતકશ લોકોને પૂરેપૂરું માન આપવું જોઈએ. કટોકટી વખતે કોને સાથ આપવો એ પણ માણસને ખબર પડવી જોઈએ. જ્યારે સવાલ અસ્તિત્વનો હોય ત્યારે સૌએ દુશ્મની ભૂલી જઈને પણ જંગલને (વાંચો, પૃથ્વીને) બચાવવાને પ્રાયોરિટી આપવી જોઈએ. કોઈએ બીજા જેવા બનવાને બદલે પોતાની આવડતો શોધીને એ વિકસાવવી જોઈએ. અહીં શેરખાન માત્ર ખૂનખાર જ નથી બલકે બ્રેઇનવૉશિંગ કરતો આતંકવાદી જેવો ખતરનાક વિલન છે. બાળકોને એ પણ શીખવવું પડે કે હકીકતમાં વાઘ આપણા મિત્રો છે, પણ બૅડ પીપલ ક્યારેય જીતે નહીં. આ બધી વાતો ભલે કિન્ડરગાર્ટન છાપ સિમ્પલ લાગે, પરંતુ મોટેરાંએ પણ શીખવા માટે જરાય મોડું થયું નથી.

સેન્સિટિવ રાયનો, પાણીથી અકળાઈ જતાં દેડકાં કે પોતાના જ કાંટા સંભાળી ન શકતી શાહુડી જેવી એકદમ હાર્ટવૉર્મિંગ કૉમિક સિચુએશન્સ આ ફિલ્મમાં સતત આવતી રહે છે. આપણી ઉંમર ભલે ગમે તે હોય, પણ લાઇફમાં મોજીલા બલુ અને બગિરા જેવા ફ્રેન્ડ- ફિલોસૉફર ઍન્ડ ગાઇડની જરૂર તો હંમેશાં રહેવાની. હા, અહીં અજગર એવા કાનું જાતિપરિવર્તન કરીને તેને સ્ત્રી શા માટે બનાવી દેવાયો છે અને તેને માત્ર એક જ સીન શા માટે અપાયો છે એ સમજાયું નહીં. ઈવન ફિલ્મના પ્રમોશનમાં વપરાયેલું આઇકૉનિક જંગલ જંગલ બાત ચલી હૈ ગીત પણ ફિલ્મમાં નથી. અફસોસ.

ચલો જંગલ


જંગલ બુકની ટીવી-સિરીઝે આપણે ત્યાં સાબિત કરેલું કે ઍનિમેટેડ કાર્યક્રમ એટલે માત્ર બાળકોનું જ મનોરંજન નહીં. હવે આ નવી ‘ધ જંગલ બુક’એ ફરી વાર મત્તું માર્યું છે કે એ પર્ફેક્ટ ફૅમિલી વેકેશન એન્ટરટેઇનર છે. એ જોયા પછી તમને વાંદરાની કે પછી ખુદ માણસોની બીક લાગવા માંડે તો નવાઈ નહીં. તેમ છતાં મોગલીની જેમ તમને આ જંગલ છોડીને જવાની ઇચ્છા નહીં થાય. હવે આશા રાખીએ કે ડિઝની મોગલીની આખી સિરીઝ ચલાવે અને આમ જ જલસો કરાવતા રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK