ફિલ્મ રિવ્યુ : તીન

બિગ બચ્ચન સ્મૉલ સીક્રેટ : ઠંડું સસ્પેન્સ અને ધીમી ગતિ છતાં સુપર્બ અભિનયને કારણે વન ટાઇમ વૉચ તો બની જ રહે છે આ ફિલ્મક્યારેક એવું બને કે સામેવાળા વડીલ આપણને લાંબી લાંબી વાતો કરીને બોર કરતા હોય, આપણને બગાસાંનો અટૅક આવી રહ્યો હોય, પરંતુ વડીલનું માન જાળવીને આપણે તેમની વાતમાં રસ લેતા રહીએ. બસ, એવું જ કંઈક અમિતાભ બચ્ચન સ્ટારર ‘તીન’માં બને છે. એક પણ તબક્કે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવી ઉત્તેજના અનુભવાતી નથી. અંતે તમે એવું કહીને બહાર નીકળો કે સસ્પેન્સ તો સમજ્યા, પણ બચ્ચન સાહેબ માટે તો એક વાર જોવી જ પડે.

અવિરત પ્રતીક્ષા

આઠ વર્ષ પહેલાં કલકત્તામાં રહેતા જૉન બિસ્વાસ (અમિતાભ બચ્ચન)ની પૌત્રી કિડનૅપ થઈ ગયેલી. એમાં જ પૌત્રીનો જીવ ગયો, પરંતુ કિડનૅપર કોણ હતો એ ક્યારેય ખબર પડી નહીં. એ પછી જૉન બિસ્વાસની જિંદગી એ જ ક્ષણ પર અટકી ગઈ. રોજ રાત્રે જાગતા રહે, રડતા રહે અને પૌત્રીના કિડનૅપરને શોધવા પોલીસ-સ્ટેશનના આંટાફેરા માર્યા કરે. એ કેસની તપાસ કરતો ઇન્સ્પેક્ટર માર્ટિન દાસ (નવાઝુદ્દીન સિદ્દીકી) પણ આજે પાદરી બની ગયો છે. આઠ વર્ષ પછી એ જ કલકત્તામાં એવો જ કિડનૅપિંગનો કેસ બન્યો. કેસની તપાસ કરતાં પોલીસ-અધિકારી સરિતા સરકાર (વિદ્યા બાલન)ને લાગ્યું કે આ બન્ને કેસ વચ્ચે કોઈ સામ્ય છે. બસ, એક બાજુ જૉન પોતાની પૌત્રીના કિડનૅપરના સગડ મેળવવા દોડાદોડ કરે, જ્યારે બીજી બાજુ અત્યારે કિડનૅપ થયેલા બાળકને છોડાવવા માટે પોલીસ ઉધામા કરે. કોણ હતું આખરે એ ગુનાઓની પાછળ?

એકલા ચાલો રે

દક્ષિણ કોરિયન ફિલ્મ ‘મોન્ટાજ’ની રીમેક એવી ડિરેક્ટર રિભુ દાસગુપ્તાની આ ફિલ્મ ‘તીન’નાં બે સૌથી સ્ટ્રૉન્ગ પાસાં છે. એક તો ખુદ બચ્ચનની ઇમોશનલી ચાજ્ડર્‍ ઍક્ટિંગ અને બીજું છે સિનેમૅટોગ્રાફર તુષાર કાન્તિ રેના કૅમેરામાં ઝિલાયેલું એકદમ ઑથેન્ટિક કલકત્તા. પહેલાં વાત બચ્ચન મોશાયની.

‘પીકૂ’ પછી ફરી પાછા અમિતાભ કલકત્તાના બૅકગ્રાઉન્ડમાં દેખાયા છે. પરંતુ તેઓ આ શહેર સાથે એવા ભળી ગયેલા દેખાય છે કે અલગ પાડવા શક્ય નથી. વેદના, વિરહ નીતરતી તેમની ભાવવાહી આંખો, પૌત્રી ગુમાવ્યાનું દુ:ખ, તેને સાચવી ન શક્યાનું ગિલ્ટ, એક કૉમનમૅન તરીકેની તેમની નિ:સહાયતા, સિસ્ટમ સામેનો તેમનો શાંત સંઘર્ષ, છતાં એક ડ્યુટીફુલ હસબન્ડ આ બધા જ મનોભાવો... આ બધું જ તેમના ચહેરા અને બૉડી-લૅન્ગ્વેજ પરથી દેખાઈ આવે છે. તેમની ટ્રિમ થયેલી અત્યંત આછી દાઢી, ખોખલા અડધી બાંયના શર્ટમાંથી તેમનું જે કૃષકાય શરીર દેખાય છે એ તેમની જદ્દોજહદની ચાડી ખાય છે. ઈવન કોઈ ડાયલૉગ ન હોય ત્યારે માત્ર શૂન્યતામાં તાકીને પણ એ પોતાની પીડા શારડીની જેમ તમારા હૃદયમાં ટ્રાન્સફર કરી દે છે.

આ ફિલ્મના એક પ્રોડ્યુસર ‘કહાની’વાળા સુજૉય ઘોષ છે (એ જ ફિલ્મની યાદ અપાવતાં બે સ્ટાર વિદ્યા બાલન અને નવાઝુદ્દીન પણ અહીં છે). કદાચ એટલે હોય કે ગમે તેમ, પરંતુ અહીં એક ડરામણું છતાં ઑથેન્ટિક કલકત્તા ઝિલાયું છે. ટિપિકલ સાંકડી ગલીઓ, જૂનીપુરાણી ઇમારતો, પીળી ટૅક્સીઓ, ટ્રામ, ફેરી, હુગલી નદી અને એના પરનો હાવડા બ્રિજ, દીવાલ પર લાગેલાં જાતભાતનાં પોસ્ટરો, બૅકગ્રાઉન્ડમાં સતત સંભળાતો કંઈક અનાઉન્સમેન્ટ અને લોકોના અવાજનો ઘોંઘાટ, મા દુર્ગાની મૂર્તિઓ... આમાંનું બધું જ હુગલીના શાંત પાણીની જેમ આવ્યા કરે છે. ક્યાંય પરાણે કલકત્તા ઠૂંસ્યું હોય એવું લાગતું નથી બલકે ઘણે ઠેકાણે ડરામણું ભાસતું આ શહેર ફિલ્મનું એક પાત્ર બની ગયું છે. ડિટ્ટો ફિલ્મમાં અમિતાભ બચ્ચનને જ્યાં રહેતા બતાવ્યા છે એ ઘર પણ એવું જ જરીપુરાણી વસ્તુઓથી ભરચક અને ખાસ્સું ભયાવહ લાગે છે. જોઈને ચોખ્ખી ખબર પડે કે એ ઘરમાં છેલ્લાં આઠ વર્ષથી સમય થંભી ગયો છે અને હવામાં એક પીડા તરી રહી છે. ઈવન પોલીસ-સ્ટેશન, ચર્ચ, કબ્રસ્તાન, ટેપ રેકૉર્ડર, ઑડિયો કૅસેટ્સ વગેરેનાં દૃશ્યો જાણે કોઈ અલગ જ કાળખંડની ફીલ આપે છે.

કલકત્તાની ગલીઓની જેમ જ આમથી તેમ ફરતો હોવા છતાં આ ફિલ્મનો પ્લૉટ થકવી નાખે છે. ફિલ્મ અકળાવી નાખે એવી ધીમી ગતિએ આગળ વધે છે. એક સસ્પેન્સ થ્રિલરમાં જે ટેન્શન, સ્પીડ અને ભય હોવાં જોઈએ એ અહીં ક્યાંય વર્તાતાં જ નથી. કિડનૅપ થયેલું બાળક કઈ સ્થિતિમાં હશે, તેને છોડાવવા રેસ અગેઇન્સ્ટ ટાઇમ વગેરેનું ટેન્શન પણ આપણા સુધી પહોંચતું નથી. ફિલ્મમાં ભાગ્યે જ કોઈ કૉમિક રિલીફ છે. ગીતો સાંભળવાં ગમે એવાં છે, પરંતુ એ બૅકગ્રાઉન્ડમાં વાગ્યાં કરે છે. આ બધાના સરવાળારૂપે ફિલ્મની સવાબે કલાકની લંબાઈ ખાસ્સી વધારે લાગે છે.

હૂ ડન ઇટ પ્રકારની સસ્પેન્સ-મિસ્ટરી ફિલ્મોમાં ફિલ્મનાં પાત્રોની સાથોસાથ આપણું દિમાગ પણ સતત અટકળો કર્યા કરે છે, પરંતુ આ ફિલ્મનું કદાચ સૌથી નબળું કે જોખમી પાસું એ છે કે સીક્રેટ છતું થયા પછી આપણે જે અટકળો કરી હોય એમાંથી જ એકાદા ખાનામાં જઈને પડે છે. એવું થાય ત્યારે આપણને આઘાત કે આશ્ચર્યની લાગણી થતી જ નથી. ઈવન જે રીતે વાર્તા પૂરી કરાઈ છે એ પણ ખાસ કન્વિન્સિંગ નથી.

કૅચી વનલાઇનરો કે ધારદાર ડાયલૉગ્સના અભાવ છતાં ‘તીન’ એની સ્ટારકાસ્ટના જોર પર ઘણે અંશે આપણો રસ ટકાવી રાખે છે. નવાઝુદ્દીન અને વિદ્યા બાલન પોતાના ફુલ ફૉર્મમાં તો નથી છતાં બન્નેની કેમિસ્ટ્રી રસપ્રદ છે. એક તો તેમનાં પાત્રોની ફરતે અમુક રહસ્યનાં વલય ફરતાં રહે છે. બીજી બાજુ જે રીતે વિદ્યા ફાધર પર ભાર મૂકીને નવાઝુદ્દીનને સંબોધે છે ત્યારે આપણને તેમના ભૂતકાળ વિશે પ્રfનો થાય છે. લેકિન ડિરેક્ટરે એમાં ઊંડાણમાં જવાનું મુનાસિબ લાગ્યું નથી. અન્ય સ્ટારકાસ્ટમાં પણ સબ્યસાચી ચક્રવર્તી જેવાં દમદાર નામ છે એટલે પર્ફોર્મન્સની બાબતમાં જરાય કહેવાપણું નથી.

સિર્ફ નામ હી કાફી હૈ

એક પર્ફેક્ટ સસ્પેન્સ-થ્રિલર તરીકે આ ઢીલીઢાલી ફિલ્મ નિરાશ કરી શકે, પરંતુ ઍક્ટિંગના મામલે ફુલ માક્સર્‍ છે. એટલે એક વાર જોવા માટે આ ફિલ્મ પાસે પૂરતાં કારણો છે. આ ફિલ્મ જોયા પછી તમને પાછલા નવ મહિનામાં આવેલી આવી જ બે ફિલ્મો પણ યાદ આવી જાય એવી પૂરી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK