ફિલ્મ-રિવ્યુ : તલવાર

ધારદાર તલવાર, દેશના સૌથી ચર્ચાસ્પદ ડબલ-મર્ડર કેસ આરુષી હત્યાકાંડ પરથી બનેલી આ ફિલ્મ મર્ડર-મિસ્ટરી ફિલ્મોમાં નવો ચીલો પાડે છે

talvar


જયેશ અધ્યારુ


કહે છે કે સત્ય કલ્પના કરતાં પણ વધારે વિચિત્ર હોય છે. વિશાલ ભારદ્વાજે લખેલી અને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરેલી ‘તલવાર’માં જે પેશ કરાયું છે એને જો સાચું માનીએ તો સત્ય માત્ર વિચિત્ર જ નહીં; બિહામણું, ઘૃણાસ્પદ, ક્રૂર અને આપણને અંદરથી ખળભળાવી મૂકે એવું પણ હોય છે. ૨૦૦૮માં નોઇડામાં થયેલા આરુષી-હેમરાજ ડબલ મર્ડર કેસમાં કલ્પનાના રંગો પૂરીને ડિરેક્ટર મનીષ ગુપ્તાએ આ જ વર્ષે ‘રહસ્ય’ નામની અફલાતૂન સસ્પેન્સ થિþલર ફિલ્મ બનાવી હતી, પરંતુ વિશાલ ભારદ્વાજ અહીં આપણને આ હાઇપ્રોફાઇલ કેસની તપાસની પાછળની બાજુએ લઈ ગયા છે, જે અત્યંત કદરૂપી છે. અહીં જ આ ફિલ્મ હુ ડન ઇટ એટલે કે ખૂન કોણે કર્યુંના સવાલથી પણ આગળ નીકળી જાય છે અને આપણને વિચારતા કરી મૂકે છે.


એક સવાલ, જવાબમાં અનેક સવાલ


૨૦૦૮ની એક સવારે નોઇડાના ધનાઢ્ય પરિવારની ૧૪ વર્ષની દીકરી શ્રુતિ ટંડન (વાંચો આરુષી તલવાર) તેની રૂમની પથારીમાં ગળું કાપેલી હાલતમાં મળી આવે છે. થોડા સમય પછી ઘરના નેપાળી નોકર ખેમપાલ (વાંચો હેમરાજ)નો મૃતદેહ પણ અગાસીમાંથી મળી આવે છે. દોષનો ટોપલો ઢોળાય છે તબીબ માતા-પિતા નૂતન (કોંકણા સેન શર્મા) અને રમેશ ટંડન (નીરજ કબિ) (વાંચો નુપૂર અને રાજેશ તલવાર) પર. પોલીસની રેઢિયાળ કામગીરી પછી ટૉક ઑફ ધ નેશન બની ગયેલા આ કેસની તપાસ સોંપાય છે સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટિગેશન ઉર્ફ CID (વાંચો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન યાને ઘ્ગ્ત્)ના જૉઇન્ટ ડિરેક્ટર અશ્વિન કુમાર (ઇરફાન ખાન)ને. આ તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ સત્યના અનેક કદરૂપા ચહેરા સામે આવતા રહે છે.


કોનું સત્ય સાચું?


જે કેસ વિશે પાછલાં સાત વર્ષમાં મીડિયામાં ટનબંધ છપાઈ-કહેવાઈ ચૂક્યું હોય અને લોકો થોડા મહિના અગાઉ એના પરની એક ફિલ્મ પણ જોઈ ચૂક્યા હોય એ ફિલ્મ જોવા જતી વખતે કશું નવું પિરસાવાની અપેક્ષા ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ જેમ-જેમ તલવાર આગળ વધતી જાય તેમ-તેમ આપણને થાય કે ખરેખર આપણને કશી ખબર હતી જ નહીં. ‘તલવાર’ એક ટિપિકલ મર્ડર-મિસ્ટરીની જેમ શરૂ થાય છે, પરંતુ થોડી વારમાં જ ક્લિયર થઈ જાય છે કે આ કોઈ રેગ્યુલર સસ્પેન્સ ફિલ્મ નથી. અહીં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મિનિમમ છે, વાસ્તવિકતાની ફીલ લાવવા માટે હૅન્ડહેલ્ડ ટાઇપના કૅમેરા ઍન્ગલ્સ છે, લાઉડ મેલોડ્રામેટિક ઍક્ટિંગ નથી અને આખા કેસની તપાસને આપણી સમક્ષ ખુલ્લી મૂકી દીધી છે. જોકે આનાથી બે વસ્તુ થાય છે. એક તો ફિલ્મ કોઈ ડૉક્યુ-ડ્રામા જેવી લાગવા માંડે છે અને ફિલ્મની ગતિ ખાસ્સી ધીમી પડી જાય છે. પરિણામે ‘દૃશ્યમ’ ટાઇપની ક્રિસ્પ ફિલ્મની અપેક્ષાએ ગયેલા દર્શકને થોડો કંટાળો પણ આવી શકે છે. ઉપરથી ફિલ્મમાં થિþલનું તત્વ પણ ઘણે અંશે ક્યાંક ગુમ થતું હોય એવું લાગે છે. 


તેમ છતાં આ ફિલ્મ અનેક ઠેકાણે ચીલો ચાતરે છે. એક, વિશાલ ભારદ્વાજનું સુપર્બ રાઇટિંગ અને મેઘના ગુલઝારનું ડિરેક્શન. આખી ફિલ્મમાં ક્યાંય સ્પૂનફીડિંગ નથી. ફૉર એક્ઝામ્પલ, ક્રાઇમ સીન પર પાન ખાઈને થૂંકતા, ફોટો પડાવતા, પુરાવાને ઘોર બેદરકારીથી હૅન્ડલ કરતા, સતત ફોન પર મંડ્યા રહેતા, ફૉરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટને ખબર આપવાની તસ્દી ન લેતા પોલીસવાળા, પોસ્ટમૉર્ટમ રૂમ જેવી સંવેદનશીલ જગ્યા પર પણ ઝબૂક-ઝબૂક થતી ટuુબલાઇટો અને અપૂરતો પ્રકાશ, પોલીસથી લઈને મીડિયા અને પબ્લિકના પોતાના પૂવર્‍ગ્રહો, ક્રાઇમનું અત્યંત નિદર્‍યતાથી કરાતું સેન્સેશનલાઇઝેશન વગેરે બધું જ અહીં છે. છતાં એ ક્યાંક સહજતાથી તો ક્યાંક ક્રૂર હ્યુમરથી આપોઆપ કહેવાઈ ગયું છે. 


બીજી વાત જે ‘તલવાર’માંથી બહાર આવે છે એ છે ચુકાદા સંભળાવી દેવાની ઉતાવળ. પોલીસ-ઉચ્ચ તપાસ સંસ્થાઓના પણ અમુક પરિસ્થિતિમાં તો માણસ તમુક રીતે જ વર્તે એવા પૂવર્‍ગ્રહો, મીડિયા કહે એ સાચું માની લેવાની વૃત્તિ, લોકો પણ અધકચરી માહિતીમાંથી પોતાનું મનગમતું જજમેન્ટ તારવી લે.. આ પ્રકારની માનસિકતા પર ‘તલવાર’એ એક શબ્દ પણ બોલ્યા વિના પ્રહાર કર્યો છે. 


શરૂઆતમાં માઉસહન્ટ તરીકે શરૂ થયેલી આ ફિલ્મ પર એક પછી એક લેયર ચડતાં જાય છે. જો સત્ય એક હોય તો એનાં કેટલાં સ્વરૂપ હોય? ઘટનાનું પરિવારજનોનું વર્ઝન, પોલીસનું પ્રાથમિક વર્ઝન, તપાસ સંસ્થાનું વર્ઝન, તપાસ સંસ્થાનું જ બીજું વર્ઝન... એકબીજાથી તદ્દન વિરોધાભાસી એવાં આ તમામ પાસાં સામે આવતાં જાય અને કેસ લગભગ સૉલ્વ થઈ ગયો હોવા છતાં તદ્દન ગૂંચવી નાખવામાં આવે. એક જ ઘટનાનું 


અલગ-અલગ દૃãક્ટકોણથી વર્ણન કરતું આ પ્રકારનું સ્ટોરીટેલિંગ પ્રખ્યાત જૅપનીઝ ફિલ્મ ‘રશોમોન’માં, હૉલીવુડ ફિલ્મ ‘વેન્ટેજ પૉઇન્ટ’માં આવી ગયું છે. જો આવાં અઘરાં નામોની ઍલર્જી‍ હોય તો આપણે ત્યાં ‘પુલીસ પબ્લિક’, ‘તીન દીવારેં’ જેવી ફિલ્મોમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ. જ્યારે એક તબક્કે ફિલ્મ બિલકુલ ’એક રુકા હુઆ ફૈસલા’ની કૅટેગરીમાં આવી પડે છે.


‘તલવાર’ એક અનોખી ફિલ્મ છે. ફિલ્મ જોતાં-જોતાં આપણને સતત સવાલ થાય કે પોલીસ તો ઠીક, પણ દેશની સર્વોચ્ચ કહેવાતી તપાસ સંસ્થા પણ આ રીતે ઇન્વેસ્ટિગેશન કરતી હશે? પોતાના પર્સનલ ઈગો અને સ્વાર્થ ખાતર તપાસ-અધિકારીઓ આ હદે છેલ્લી પાટલીએ જઈને બેસતા હશે? પોતાનો કક્કો ખરો કરાવવા માટે ગમે તે નર્દિોષને ફ્રેમ કરી દેતાં પણ કોઈનું રૂંવાડું ફરકતું નહીં હોય? કોઈની હત્યા એ સનસનાટીમાંથી રોકડી કરવાનું એક સાધન માત્ર છે? પોલીસ, મીડિયા, પબ્લિક ક્યાંય કોઈનામાં પણ કોઈ પણ તબક્કે માનવતા જેવું નહીં હોય? 


અત્યાર સુધી આપણે ટ્રાયલ બાય મીડિયા સાંભળતા આવ્યા છીએ, પરંતુ આ ફિલ્મથી ટ્રાયલ બાય સિનેમા શબ્દ પ્રચલિત થાય તો નવાઈ નહીં. લેખક-પ્રોડ્યુસર વિશાલ ભારદ્વાજ ભલે કહે કે તેમણે નિષ્પક્ષ રહીને આ ફિલ્મની વાર્તા લખી છે, પરંતુ એમાં આરુષી તલવારનાં માતા-પિતા પ્રત્યે તેમનો સૉફ્ટ કૉર્નર ચોખ્ખો દેખાઈ આવે છે. તેઓ કહે છે કે તેમણે જાહેરમાં ઉપલબ્ધ વિગતોમાંથી આ ફિલ્મની વાર્તા લખી છે, પરંતુ તેમણે ક્યાંય કોઈ સ્રોત ટાંક્યા નથી. એટલે અત્યારે સબજુડિસ એવા આ કેસ પરની ફિલ્મમાં કેટલું અને કોનું સત્ય સાચું હશે એ પ્રશ્ન પણ ઉપસ્થિત રહે જ છે.


અત્યંત ગંભીર સ્થિતિમાં પણ આ ફિલ્મની ક્રૂર, ડાર્ક હ્યુમર તમને હસાવી જાય. પોલીસની બેવકૂફી-ઉદ્ધતાઈ, તપાસ-અધિકારીનું શુદ્ધ હિન્દી કે ઈવન સત્યના એક વર્ઝનમાં મરનારની માતા દ્વારા બોલાયેલું એક વાક્ય સાંભળીને તમે હસી પડો. પરંતુ હાસ્ય શમ્યા પછી આપણને થાય કે ખરેખર આ હસવા જેવી વાત છે કે ગુસ્સો કરવા જેવી?


‘તલવાર’ને મસ્ટ વૉચ ફિલ્મની કૅટેગરીમાં મૂકતું વધુ એક પરિબળ છે એની સુપર્બ સ્ટારકાસ્ટ અને તેમની પાસેથી લેવાયેલા લાજવાબ પર્ફોર્મન્સ. CID ઑફિસર તરીકે ઇરફાન જેટલો શાર્પ લાગે છે એટલો જ તે રમતિયાળ, ઠંડી ક્રૂરતાવાળો અને સાથોસાથ અત્યંત સંવેદનશીલ પણ લાગે છે. એક રેઢિયાળ પોલીસ-અધિકારી કેવો હોય એનું લાંબું વર્ણન કરવા કરતાં તમે આ ફિલ્મના ઍક્ટર ગજરાજ રાવને જોઈ લો એ પૂરતું છે. કોંકણા સેન શર્મા અને (શિપ ઑફ થિસિયસ તથા બ્યોમકેશ બક્ષી ફેમ) નીરજ કબિ પાસે રોનાધોના ટાઇપનો મેલોડ્રામા કરવાનો પૂરતો સ્કોપ હતો, પણ તેમની બૅલૅન્સ્ડ ઍક્ટિંગે ફિલ્મને લાઉડ બનતાં બચાવી લીધી છે. આ ઉપરાંત પ્રકાશ બેલાવાડી, સોહમ શાહ, અતુલ કુમાર, નોકર નેપાળી કમ્પાઉન્ડર કન્હૈયા બનતો સુમિત ગુલાટી બધા પર્ફેક્ટ છે. એકમાત્ર તબુ અહીં તદ્દન વેડફાઈ છે. બૅકગ્રાઉન્ડમાં બે ગીતો છે, બન્ને એકદમ હૉન્ટિંગ-ડરામણાં છે. અહીં ‘ઇજાઝત’ ફિલ્મ અને ‘મેરા કુછ સામાન..’ ગીતથી ગુલઝારને અંજલિ છે તો ચેતન ભગતનું નામ એવી રીતે છે જે સાંભળીને તે પોતેય કપાળ કૂટશે.


અબ કી બાર તલવાર


બની શકે કે આ ફિલ્મ જોયા પછી તમને એક પર્ફેક્ટ મર્ડર-મિસ્ટરી જોયાનો સંતોષ ન થાય, પરંતુ એ વિચાર તો અવશ્ય થશે જ કે સૌને હત્યા કોણે કરી એ જાણવા કરતાં કોણે કરી હોવી જોઈએ એ ઠસાવવામાં વધારે રસ હતો. કદાચ સસ્પેન્સ આપણા પર પણ છોડી દેવાયું છે. આ ફિલ્મ જોઈને આપણે વિચારતા થઈએ, સવાલો પૂછતા અને આસપાસની ઘટનાઓ વિશે વાંચતા થઈએ તથા અધકચરા ચુકાદા ફેંકતા બંધ થઈએ તો એ આ ‘તલવાર’ની સૌથી મોટી સફળતા હશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK