ફિલ્મ-રિવ્યુ : ટેક ઇટ ઈઝી

નવા વર્ષનો ઉમદા મેસેજ, પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરે કોઈ બાળક આત્મહત્યા કરે એ સમાચાર તમને વિચલિત કરે છે? તમારા સંતાનના બે-પાંચ ટકા માર્ક ઓછા આવે તો તમારું બ્લડ-પ્રેશર ઊંચું-નીચું થઈ જાય છે? તો સમજો કે આ ફિલ્મ તમારા માટે છે

take it easy

મહાન વિચારક ખલિલ જિબ્રાન કહી ગયેલા કે તમારા સંતાનના તમે ટ્રસ્ટી છો, માલિક નથી. પરંતુ આપણે સિફતપૂર્વક આ વાત ભૂલી જઈએ છીએ અને સંતાનો પાસેથી અધિકારપૂર્વક અવાસ્તવિક અપેક્ષાઓ રાખવા માંડીએ છીએ. ભણતરનો ભાર ઓછો ન હોય તેમ આપણે આપણી અધૂરી અપેક્ષાઓનો બોજ પણ તેમના માથે લાદી દઈએ છીએ. પરંતુ આપણા સૌની સ્થિતિ મહાભારતના દુર્યોધન જેવી છે. આપણને સુપેરે ખ્યાલ છે કે આ બધું ખોટું છે, પરંતુ બાળક પાસેથી ભણતર-સ્પોટ્ર્સ એમ બધાં જ ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મન્સનો દુરાગ્રહ છોડી શકતા નથી. બસ, આ જ વાત કરે છે આ શુક્રવારે રિલીઝ થયેલી ઓછા બજેટ અને મોટા સ્ટાર વિનાની ફિલ્મ ‘ટેક ઇટ ઈઝી.’ મગજની નસો ખેંચાઈ જાય એવા ડ્રામાથી ફાટફાટ થતી આ ફિલ્મ ઠીકઠાક છે, પણ એનો મેસેજ સો ટચના સોના જેવો શુદ્ધ છે.

ભણતર ભાર વિનાનું કે ભાન વિનાનું?

આ સ્ટોરી છે આપણા મુંબઈની એક ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતાં બે બાળકો અજય અને રઘુની. અજય એક કૉર્પોરેટ કંપનીમાં નોકરી કરતા પપ્પા (જૉય સેનગુપ્તા) અને હાઉસવાઇફ મમ્મી (દિપાન્નિતા શર્મા)નો દીકરો છે. પપ્પાજી પોતાના ચિરંજીવીને ઍસ્ટ્રોનૉટ બનાવવા માગે છે, પરંતુ દીકરાને ચાંદ-તારામાં જરાય રસ નથી. પરંતુ પપ્પા ઇચ્છે છે કે હું દીકરા પર આટલો ખર્ચો કરું છું તો દીકરો અભ્યાસ-સ્પોટ્ર્સ બધામાં પહેલો નંબર શેનો ન લઈ આવે? અજયનાં નસીબ સારાં છે કે તેના દાદા (અનંગ દેસાઈ) સમજુ છે અને બાપ-દીકરા વચ્ચે બફરનું કામ કરતા રહે છે.

ટેણિયા અજયના જ ક્લાસમાં ભણતો રઘુ એક ભૂતપૂર્વ દોડવીર પપ્પા (રાજ ઝુત્શી)નો દીકરો છે. વર્ષો પહેલાં પપ્પા ઝુત્શીનો ઑલિમ્પિક્સની એક રેસમાં એવો સ્નાયુ ખેંચાયેલો કે આજે પણ લાકડીની મદદથી ખોડંગાતા ચાલે છે. આ પપ્પા પોતાની ટૂંકી પછેડી કરતાં ક્યાંય લાંબી સોડ તાણીને પણ પોતાનાં દીકરા-દીકરીને મોંઘીદાટ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણાવે છે. તેમની એવી હિંસક ઇચ્છા છે કે હું ઑલિમ્પિક્સમાં મેડલ ન મેળવી શક્યો તો કંઈ નહીં, હવે મારો દીકરો મારી એ ઇચ્છા પૂરી કરશે.

સંતાનો પરનાં શારીરિક-માનસિક પ્રેશરથી શરૂ થયેલી આ સ્ટોરી ઘરથી આગળ વધીને સ્કૂલ સુધી પહોંચે છે. ત્યાં સત્તાના ઘમંડ અને ચૅલેન્જની એવી સાઠમારી ખેલાય છે કે એની વચ્ચે બિચારાં બાળકોનો ખો નીકળે છે.

ધ ગ્રેટ ઇન્ડિયન ડ્રામેબાજી

એક શુદ્ધ સાત્વિક વાનગીમાં ટેસ્ટ લાવવા માટે એમાં પરાણે તેલ-મસાલા નાખ્યા કરો તો એ વસ્તુમાં સરવાળે ફાયદા કરતાં નુકસાનનું પલ્લું જ ભારે થઈ જાય. લેખક-દિગ્દર્શક સુનીલ પ્રેમ વ્યાસની આ ફિલ્મમાં એવું જ થયું છે. બાળકો પાસેથી રેસના ઘોડા જેવી અપેક્ષાઓ રાખતા હેલિકૉપ્ટર પેરન્ટ્સ અને એ અપેક્ષાઓના ભાર નીચે ચગદાતાં બાળકોની શી હાલત થાય છે એ મેસેજ આપવાના ઉત્સાહમાં તેમણે ફિલ્મની સ્ટોરી પર ધ્યાન આપ્યું જ નથી. એટલે જ શરૂઆતથી અડધી ફિલ્મ બાળકો પર થતા શારીરિક-માનસિક અત્યાચારની છૂટીછવાઈ વાતોનું કલેક્શન માત્ર બની રહે છે. જ્યારે ફિલ્મમાં ઢેન્ટેણેન ટાઇપનો ડ્રામા લાવવા માટે ઇન્ટરવલ પછીના ભાગમાં બિલકુલ અવાસ્તવિક લાગે એવી ઈગો-ટસલ ઊભી કરી દેવાઈ છે. બે-પાંચ માર્ક માટે ઘરમાં કોઈનું અવસાન થયું હોય એવું વાતાવરણ સર્જી‍ દેતાં પેરન્ટ્સનું અને ઈજાગ્રસ્ત બાળકને પણ બેરહેમીથી ટીપી નાખતા આલ્કોહૉલિક પિતાનું ચિત્રણ કરવામાં પેટ ભરીને અતિશયોક્તિ કરાઈ છે. પરિણામે કંઈક આવી જ વાત કહેતી ફિલ્મો ‘તારે ઝમીં પર’ અને ‘થ્રી ઇડિયટ્સ’ જેવી અસરકારકતા અહીં ક્યાંય દેખાતી નથી.

એવું જ ઍક્ટિંગની બાબતમાં પણ છે. નાની-નાની વાતોમાં ફિલ્મનાં મોટાં પાત્રો એવી તો રાડારાડી કરી મૂકે છે કે આપણા દિમાગની નસો ખેંચાઈ જાય. સતત સિરિયસ થઈને ગાંડા કાઢતાં મમ્મી-પપ્પાઓ બાલિશ અને બાળકો મૅચ્યોર લાગે છે. દિપાન્નિતા શર્મા-જૉય સેનગુપ્તા તથા જ્યોતિ ગૌબા-રાજ ઝુત્શીએ બાળક માટે પઝેસિવ મમ્મી-પપ્પાની ટિપિકલ કૅરિકેચરિશ ઍક્ટિંગથી વિશેષ કશું જ કર્યું નથી. એમાંય સતત મગજનો પારો ઊંચો રાખીને ફરતી વ્યક્તિના રોલ રાજ ઝુત્શીએ એટલાબધા કર્યા છે કે એ તેનો સ્થાયી ભાવ હોય એવું લાગવા માંડ્યું છે. જોવાની મજા સૂધિંગ પર્સનાલિટીવાળા અનંગ દેસાઈ, વીરેન્દ્ર સક્સેના અને કેમિયો-સ્પેશ્યલિસ્ટ એવા બ્રિજેન્દ્ર કાલા ‘pk’માં આમિર ખાનને ભગવાનની મૂર્તિ વેચનારા મહાશય)ને જોઈને આવે છે. બચ્ચાંપાર્ટી એકદમ ક્યુટ છે, પણ ડ્રામાના ડોઝમાં તેમની હળવી ક્ષણો દબાઈ ગઈ છે. ‘ચિલ્લર પાર્ટી’ ફિલ્મમાં જેમ બાળકોનાં યાદ રહી જાય એવાં પાત્રો તૈયાર થયાં હતાં એવું અહીં થયું નથી. મ્યુઝિક તો સાવ કંગાળ છે.

ભાવનાઓં કો સમજો

આ ફિલ્મમાં એવું કશું જ નથી જે આપણને ખબર ન હોય. એટલે પૈસા ખર્ચીને થિયેટર સુધી લાંબા થવાની તો સલાહ અપાય જ નહીં. હા, બાળક પર ભણતરનો ભાર ન નાખીએ, તેના પર ફસ્ર્ટ નંબરે આવવાનું પ્રેશર ન લાવીએ, તેમને તેમનું બાળપણ માણવા દઈએ, આપણી અધૂરી અપેક્ષાઓ તેમના પર લાદવાને બદલે તેમને તેમનાં રસ-રુચિ પ્રમાણે આગળ વધવા દઈએ, સારા માર્ક કરતાં તેમને સારા માણસ બનાવવાની પ્રેરણા આપીએ તો નવા વર્ષની એનાથી સારી શરૂઆત બીજી એકેય નહીં હોય. Dસ્D બહાર પડે ત્યારે આ ફિલ્મ જરૂર જોજો અને શાંતિથી વિચારજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK