જાણો કેવી છે સલમાન-અનુષ્કાની ફિલ્મ સુલતાન

પ્રિડિક્ટેબલ દંગલ, કુછ ભી કરને કા, લેકિન સુલતાનભાઈ કા ઈગો હર્ટ નહીં કરને કા. આ ક્વોટના પાયા પર આ વનટાઇમ વૉચ ફિલ્મ ઊભી છે


sultan review


ફિલ્મ રિવ્યુ - સુલતાન


જયેશ અધ્યારુ


હવે કાયમનું થયું છે કે ઈદ-દિવાળી જેવા મોટા તહેવાર પર સલમાનની ફિલ્મ આવે, અફઘાનિસ્તાનમાં લાદેનને પકડવા માટે અમેરિકાએ કરેલું એવું જથ્થાબંધ શોઝનું આખા દેશનાં થિયેટરોમાં કાર્પેટ-બૉમ્બિંગ થાય, ટિકિટોના ભાવ કાળાબજારિયાઓને પણ આંખે અંધારાં આવી જાય એવા વધી જાય છતાં લોકો ભાઈ કી પિક્ચર જોવા માટે ધક્કામુક્કી કરી મૂકે, બે-ત્રણ દિવસમાં જ ૧૦૦ કરોડની ક્લબમાં ફિલ્મ સામેલ થઈ જાય અને એ ફિલ્મનો રિવ્યુ કરનારા પોતાનો કાન ખોતરતા એક ખૂણામાં બેસી રહે. એવી જ વધુ એક ફિલ્મ છે આ ઈદની રિલીઝ ‘સુલતાન’. સલમાન ખાનની છેલ્લી ઘણી ફિલ્મોની જેમ અહીં પણ એ જ વાત છે કે સ્વભાવે ફાઇટર એવા આ ભાઈ એકદમ બીઇંગ હ્યુમન છે અને ક્યારેક કશું ઊંધુંચત્તું કરી નાખે તો તેમને મોટું મન રાખીને માફ કરી દેવા જોઈએ.

ધોબીપછાડ

આમ તો હરિયાણાના રેવાડીમાં રહેતા સુલતાન અલી ખાન (સલમાન ખાન)ને DTH કેબલનો ધંધો, પણ જ્યારથી તેણે કુસ્તીબાજ આરફા (અનુષ્કા શર્મા)ને જોઈ ત્યારથી તેના દિમાગના સિગ્નલ ખોરવાઈ ગયા. દિલમાં બસ પ્રેમની જ ચૅનલ ચાલવા માંડી. ત્યાં જ આરફાએ પ્રેમનો પ્લગ ખેંચીને ભાઈનો ઈગો હર્ટ કરી નાખ્યો. આઇડેન્ટિટી પર સવાલ ઊઠે એટલે પછી ભાઈ બર્દાશ્ત કરે? બૉડી તો માશાઅલ્લાહ હતી જ, બસ એક જ મહિનામાં કેબલવાળામાંથી બળવાળા બાહુબલિ બનીને બતાવી દીધું અને છેક ઑલિમ્પિક્સ સુધીના મેડલ જીતી લીધા. મેડલની સાથે આરફાનું દિલ પણ જિતાઈ ગયું. લેકિન બૉડીને બદલે ભાઈના દિમાગમાં ચરબી ચડી અને કહાની મેં ટ્વિસ્ટ.

પોતે એકદમ પાકીઝા છે એવું સાબિત કરવા માટે છેક દિલ્હીથી આકાશ ઑબેરૉય (અમિત સાધ) એક ચાન્સ લઈને આવ્યો. એ ચાન્સ એટલે મિક્સ્ડ માર્શલ આર્ટ, ટૂંકમાં ઢીકાપાટું. બસ, ભાઈએ ચરબી ખંખેરી નાખી અને ફરી પાછું દે ધનાધન. ખાધું, પીધું ને... વેલ, ઓવર ટુ મૂવી.

પૈસા, ઇમોશન, એન્ટરટેઇનમેન્ટ

સલમાન ખાને આ વખતે સત્તાવાર રીતે અન્ડરવેઅર પહેરી છે, બાકી તે પોતાની દરેક ફિલ્મમાં સુપરમૅન જ હોય છે. તેની ફિલ્મ બનતી નથી. તેની ઇમેજને, તેના ફૅન્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે; જેમ કે સલમાનનો સૌથી મોટો USP છે તેનું કસાયેલું શરીર. જોકે હવે એમાં ચરબીના વાટા ચડ્યા છે, સ્પેશ્યલ ઇફેક્ટના ઉપયોગ છતાં ભાંગ્યું તોય ભરૂચના ન્યાયે બદન ગઠીલું તો છે જ. એ બદનનાં દર્શન થાય એટલે પોણા ભાગની પબ્લિક તો ત્યાં જ ધન્ય થઈ જાય. ઉપરાંત સલમાનભાઈ ચડે, પડે અને ફરી ઊભા થાય; તડકે સૂકવવા મૂકેલા ગાદલાની જેમ પહેલવાનોને ટીપી નાખે અને તોય તેમની કસાયેલી કાયામાં અંકે ૨૪ કૅરૅટનું બીઇંગ હ્યુમનવાળું હૃદય ધબકતું હોય એટલે એ હસે, રડે, ગીતો ગાય, અજાણ્યાનાં લગ્નમાં ઢેકાઉલાળ ડાન્સ કરે, જુવાનિયાંવ શરમાઈને અન્ડરગ્રાઉન્ડ થઈ જાય એવી સ્ફૂર્તિથી પાર્કર નામની અગાશીઓ પર કૂદાકૂદ કરી મૂકે, જૅક વગર આખું ટ્રૅક્ટર ઊંચકી લે, મધર ઇન્ડિયાની જેમ ખેતર ખેડે એટલે ઑડિયન્સ ખુશ. પૈસા વસૂલ. બીજું શું જોઈએ? લટકામાં થોડા પબ્લિક સર્વિસના મેસેજ પણ હોય એટલે બચેકૂચે રિવ્યુઅર્સ પણ ખુશ.

તોતિંગ ૧૭૦ મિનિટ લાંબી આ ફિલ્મ સતત સલમાનની જ પાછળ ફુદરડી ફર્યા કરે છે. તેનો પ્રેમ, તેનો ઈગો, તેની જીત, તેની હાર, તેનો સંઘર્ષ, તેની પીડા. તેના દરેક ઇમોશન માટે એકેક ગીત છે, પરંતુ હિરોઇનના ઇમોશન માટે એક પણ સોલો ગીત નથી. જોકે સલમાનની કદાવર પર્સનાલિટી તેની આ જર્નીમાં તમને થાકવા નથી દેતી. જે કંઈ થકવી દે છે એ છે ફિલ્મની લંબાઈ અને પ્રિડિક્ટેબિલિટી.

એક તો આપણે ત્યાં સ્પોટ્ર્સ પરની બધી જ ફિલ્મો અન્ડરડૉગની થીમ પર જ હોય એટલે ખબર જ હોય કે આ પ્રોટેગનિસ્ટ ભલે અત્યારે ઊંધે કાંધ પછડાતો, છેલ્લે તો ધૂળ ખંખેરીને ઊભો થવાનો જ છે. આવી ક્લિશે થઈ ગયેલી થીમમાં એક લૂઝર કોચ પણ હોય. અહીં રણદીપ હૂડા છે. સુલતાન માંડ એક-દોઢ મહિનો પ્રૅક્ટિસ કરે અને છેક ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લઈને આવે અથવા તો ઢીંકાપાટુની પાંજરા-ફાઇટમાં તરખાટ મચાવી દે. પરિણામે ફિલ્મ પ્રિડિક્ટેબલ બની જાય. ‘સુલતાન’નો પોણા ભાગનો હિસ્સો કુસ્તીબાજીએ રોક્યો છે, પરંતુ ક્યાંય કહેતાં ક્યાંય કોઈ સંઘર્ષ નથી. ઘરે નૂડલ્સ બને એટલી સરળતાથી સુલતાન હરીફોને ધૂળ ચટાડી દે. પરિણામે જે થ્રિલ અનુભવાવી જોઈએ એ અનુભવાતી નથી.

ફિલ્મ લાંબી છે અને લોકોને વારંવાર બહાર જવાની જરૂર પડે એ વિચાર્યું હોય કે ગમે તે, પણ ‘સુલતાન’માં દર થોડી વારે એક ગીત ટપકી પડે છે. વળી ‘રે સુલતાન’ અને ‘જગ ઘૂમેયા’ સિવાય બાકીનાં ગીતોમાં ખાસ કશી ભલીવાર પણ નથી.

એમ છતાં રાઇટર-ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ કંટાળો નથી આપતી. એના સિલી જોક્સ પર પણ હસવું આવે, હીરોનાં સંઘર્ષ-દુ:ખ-પ્રેમ પોતીકાં લાગે. એનું એક કારણ છે ફિલ્મની સિમ્પ્લીસિટી. કોઈ બાળફિલ્મની જેમ એકેક ઇમોશન આપણને સિમ્પ્લીફાય કરીને સમજાવવામાં આવે. જેમ કે સુલતાન કોઈ કામ માટે ફાળો એકઠો કરતો હોય તો તેણે બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવાને બદલે ઘરમાં એ નામ લખેલી પિગી બૅન્કનો કબાટ ભર્યો હોય. તે કોઈ પહેલવાનને હરાવે તો તેનો રિપ્લે પણ આવે. આવું સ્પૂનફીડિંગ આખી ફિલ્મમાં ભરચક છે. જો એને ઇગ્નોર કરો તો તમે સુખી.

ફિલ્મની વાર્તામાં જરૂર ન હોવા છતાં ‘સુલતાન’માં અત્યંત બેશરમ થઈને વિવિધ પ્રોડક્ટની જાહેરખબરો મૂકી દેવામાં આવી છે. પાઇપ, ટ્રૅક્ટર, ઑટો-કંપની, બૉલપેન, ઘી, ઘ્ઘ્વ્સ્ કૅમેરા વગેરેની ઍડ્સ છે એટલું જ નહીં, અમુક ઠેકાણે તો એનાં સ્લોગન સુધ્ધાં છે. મતલબ કે પબ્લિક-પ્રાયોજક બન્ને ઠેકાણેથી પૈસા પડાવવાના.

અમુક ઠેકાણે મેટા હ્યુમર એટલે કે રિયલ લાઇફ કનેક્શનના હળવા ચમકારા પણ છે, જેમ કે શાહરુખનું નામ લઈને સલમાન હરિયાણવી બોલીમાં કહે છે, ‘શાહરુખ કા મજાક મત ઉડાઓ, મને બહોત પસંદ હૈ.’ બીજા એક ઠેકાણે સલમાન દંગલ શબ્દ પણ બોલે છે (જે આમિરની આગામી ફિલ્મનું નામ છે).

ઘણાબધા સુંદર એરિયલ-શૉટ્સ સાથેની આ ફિલ્મ સલમાનની છે એટલે એમાં રણદીપ હૂડા, કુમુદ મિશ્રા, અમિત સાધ જેવા ઍક્ટર સ્વાભાવિક રીતે જ વેડફાયા છે. હા, કુસ્તીની કૉમેન્ટરીનાં દૃશ્યોમાં વીતેલાં વર્ષોના દૂરદર્શનના ન્યુઝરીડર શમ્મી નારંગને જોઈને હાઈ ડેફિનિશન આનંદ આવે છે. એવો જ આનંદ ફિલ્મમાં ‘બેટી બચાઓ, શૌચાલય બનાઓ’ જેવા મેસેજ જોઈને પણ આવે.

તોફાન પસાર થઈ જવા દો

આ ફિલ્મમાં એક પણ ઠેકાણે, રિપીટ, એક પણ ઠેકાણે ઍન્ટિ-સ્મોકિંગની ચેતવણી ડિસ્પ્લે થાય એવો સીન નથી. ફિલ્મ જોઈને ખુદ બાબુજી આલોકનાથ પણ કહી ઊઠે કે યાર, આટલો સંસ્કારી તો હું પણ નથી જેટલી સંસ્કારી આ ફિલ્મ છે. ઇન શૉર્ટ, પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપૂર. સરેરાશ એન્ટરટેઇનિંગ હોવા છતાં અત્યારે બૉક્સ-ઑફિસ પર જે પ્રકારનું ઊંચા ભાવનું દંગલ ચાલી રહ્યું છે એ જોતાં રાહ જોવામાં કશું ખાટુંમોળું થાય એમ નથી. વો ક્યા કહતે હૈં અંગરેજી મેં? વેઇટ ઍન્ડ વૉચ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK