ફિલ્મ-રિવ્યુ : સિંઘ ઇઝ બ્લિંગ

આ સિંઘ બોરિંગ છે, હે પ્રભુ, હે દેવા, આવી ગાંડીઘેલી ફિલ્મોનો ત્રાસ વર્તાવવાનું બંધ કરો, ભૈસાબsingh is bling

જયેશ અધ્યારુ


કોઈ ફિલ્મના પોસ્ટરમાં અ પ્રભુદેવા ફિલ્મ લખેલું હોય એ ક્રેડિટ નથી, વૉર્નિંગ છે કે બચ્ચા, હજી સમય છે; પતલી ગલી સે નિકલ લે. એમાંય એકસાથે હોલસેલમાં ફિલ્મો કરતો અક્ષયકુમાર ફિલ્મના પોસ્ટરમાં બાપુના ત્રણ વાંદરાના પોઝમાં હોય એટલે વૉર્નિંગ કન્ફર્મ થઈ જાય કે આ ફિલ્મ પાસેથી શી અપેક્ષા રાખવાની છે. પ્રભુ દેવાના ટેસ્ટની સડકછાપ, બાલિશ કૉમેડી, પાર વિનાના વાંદરાવેડા, માથા પર ખીલા ખોડાતા હોય એવાં ગીતો અને કપડાંમાં ચોંટેલી ચ્યુઇંગ ગમ જેવા તદ્દન ચપ્પટ સેકન્ડ હાફને ભેગા કરો એટલે બને આ નવી ફિલ્મ ‘સિંઘ ઇઝ બ્લિંગ’.


પંજાબ દા પાવલી કમ પુત્તર


ટિપિકલ પંજાબી ગામડામાં રફ્તાર સિંઘ (અક્ષયકુમાર) નામનો એક ગભરુ જવાન રહે છે. તેની લાઇફમાં અમુક ગણતરીનાં જ કામ છે; બાપાનું બૅન્ક-બૅલૅન્સ ઓછું કરવું, કબડ્ડી રમવી, રંગબેરંગી પાઘડીઓ પહેરીને બલ્લે-બલ્લેવાળા ડાન્સ કરવા અને સાંજ પડ્યે બાપાના કોપથી બચવા મમ્મી (રતિ અગ્નિહોત્રી)ની પાછળ સંતાઈ જવું. આવા દીકરાથી કંટાળીને બાપા તેને ગોવાના ગજિની (પ્રદીપ રાવત) પાસે મોકલી દે છે. બીજી બાજુ રોમાનિયાથી એક મારફાડ છોકરી સારા (ઍમી જૅક્સન) એક સનકી ગુંડા માર્ક (કે. કે. મેનન)થી ત્રાસીને ગોવા આવે છે. અહીં તેના પ્રોટેક્શનનું કામ રફ્તાર સિંઘને સોંપાય છે. રફ્તારને અંગ્રેજીનો કક્કો અને સારાને હિન્દીની એબીસીડી આવડતી નથી એટલે બન્ને વચ્ચે ટ્રાન્સલેટર તરીકે એમિલી (લારા દત્તા) નામની ટ્રાન્સલેટર રખાય છે. બસ, અહીં ધમાચકડી પછી બન્ને વચ્ચે એઝ યુઝવલ પ્રેમ થાય છે. બચેલા ટાઇમમાં સારા પોતાની વિખૂટી પડી ગયેલી મમ્મીને પણ શોધે છે. છેલ્લે વિલનની એન્ટ્રી અને ફરી પાછી ધબાધબી.


એક લાફ્ટર કી કીમત તુમ ક્યા જાનો?


પ્રભુ દેવાના હ્યુમરનું સડકછાપ લેવલ અગાઉ ઘણી ફિલ્મોમાં દેશની જનતા જોઈ ચૂકી છે. અહીં તેમણે નવેસરથી એનો પરિચય આપ્યો છે. અહીં ગાયો વાતો કરે છે, પાળતુ આફ્રિકન સિંહ કારમાં સવારી કરે છે અને રૂમમાં આવે છે, લારા દત્તા ઊંઘમાં ચાલે છે અને પુરુષોને ચોક્કસ જગ્યાએ નાળિયેર ફટકારે છે. અક્ષયના પપ્પા તેને ધમકી આપે છે કે તું કામ કરવા માંડ નહીં તો તારાં લગ્ન મારા દોસ્તારની જાડીપાડી દીકરી સાથે કરાવી દઈશ. એ વિશે રફ્તાર સિંઘ કહે છે કે પપ્પાય જબરા છે, જે છોકરી સાથે કુસ્તી કરવાની હોય તેની સાથે મારાં લગ્ન કરાવે છે. અહીં લોકો પડે-આખડે છે, વાત-વાતમાં પાણીમાં કૂદી પડે છે, એકબીજાને ઢીકાપાટું મારતા રહે છે. અરે, પ્રભુદેવા ગેસ્ટ અપિયરન્સ કરે છે ત્યારે તે મુતરડીમાં ચારેકોર પોતાનું સૂ-સૂ ઉડાડે છે, તમે માનશો? અને આ બધી જ મહેનત કરાઈ છે આપણને હસાવવા માટે. હવે તમને જો આ બધામાં હસવું આવે, તો સમજવું કે કાં તો આપણો આઇક્યુ પાતાળમાં પેઠો છે અથવા તો નાનપણમાં આયોડીનયુક્ત મીઠું ખાવાનું ભુલાઈ ગયું છે. હા, નવરાબેઠા હાહા-હીહી કરવા ગયા હો, તો પછી જેવા તમારા નસીબ.


પ્રભુ દેવાને ક્લિશે એટલે કે સ્ટિરિયોટાઇપ ચિત્રણ સામે પણ કોઈ વાંધો લાગતો નથી. એટલે અહીં સરદારજીઓ જોક્સમાં આવે છે એવા જ છે. બધા સતત બૂમાબૂમ કરે છે, આખો વખત ઢોલ વગાડતાં બલ્લે-બલ્લે જ કરે છે, લસ્સીઓ પીએ, સરસોંનાં ખેતરોમાં કૂદાકૂદ કરે અને તેમના વિશેના જાણે બધા જ જોક સાચા છે. અરે, સરદારજીઓ પરના ઘણા જોક તો ફિલ્મમાં જ છે (જેમ કે, દો આદમી ઔર એક સરદાર આ રહેં હૈં).


ના, હજી કકળાટનો સ્ટૉક પત્યો નથી. અહીં ખર્ચો કાઢવા માટે જાહેરખબરો લેવાઈ છે એ તો સમજ્યા, પણ રેનૉ ડસ્ટરના પ્રોડક્ટ પ્લેસમેન્ટ માટે તો સ્પેશ્યલ ચેઝ સીક્વન્સ ડિઝાઇન કરાઈ છે. મજાની વાત એ છે કે ચેઝને અંતે કૉફી રંગની ડસ્ટર ઊંધી પડે ત્યારે એ ચમત્કારિક રીતે બ્લૅક સ્કૉર્પિયોમાં કન્વર્ટ થઈ જાય છે (ભઈ, સ્પૉન્સરની કાર થોડી ઊંધી વળાય?). ઇન્ટરવલ પછી ખબર નહીં ફિલ્મ કયા ગિયરમાં જતી રહે છે. કૉમેડી રીતસર ગાયબ અને ભયંકર બોરિંગ ફૅમિલી ડ્રામા સ્ટાર્ટ.


પરંતુ આપણે આ ફિલ્મી કાંકરામાંથી થોડા ઘઉં વીણીએ. ફિલ્મમાં અમુક-અમુક ગાંડાવેડામાં હસવું આવી પણ જાય છે. ફિલ્મના સ્ક્રીનના ખૂણા પર જ્યાં સ્મોકિંગ કિલ્સની ચેતવણી આવે છે, ત્યાં શૉટ ઇન આફ્રિકા, શૉટ ઇન ઝૂ જેવી હાસ્યાસ્પદ ચેતવણીઓ પણ તમારા હોઠ મલકાવી દે. લેકિન બૉસ, આપણી આંખો ચુંબકની જેમ ચોંટી રહે છે સુપર્બ ઍમી જૅક્સન પર. હસે કે રડે તેનો ચહેરો એકદમ સનમાઇકા જેવો સપાટ જ રહે છે, પણ તેણે હન્ટરવાલી જેવી જે ઍક્શન સીક્વન્સિસ કરી છે, એના પર તો આખેઆખી સ્વિસ બૅન્કો લૂંટાવી દેવાની ઇચ્છા થઈ આવે.


રોમાનિયા, ગોવા વગેરેનું સાઇટસીઇંગ પણ સરસ છે. એમ તો અહીં ‘દૃશ્યમ’ ફિલ્મનું શૂટિંગ જે ઘરમાં થયેલું એ ઘર પણ મહેમાન ભૂમિકામાં છે, પણ અફસોસ કે આ ફિલ્મ ‘દૃશ્યમ’ નથી. હા, ગોવાનાં દૃશ્યોમાં બૅકગ્રાઉન્ડમાં મારિયો મિરાન્ડાનાં કાટૂર્‍ન્સ પણ દેખાય છે. જો તમે પઢાકુ ટાઇપની વ્યક્તિ હો તો આ ફિલ્મમાં એટલું બધું અંગ્રેજી અને નીચે એનાં હિન્દી સબટાઇટલ્સ છે કે ફિલ્મ જોયા પછી તમે કડકડાટ અંગ્રેજીમાં એક પ્રવચન પણ આપી શકો. એક સીનમાં અક્ષયકુમાર બે છોકરીઓને તેમની છેડતી કરી રહેલા મવાલીઓને ધોકાવવાની ટ્રેનિંગ આપે છે એ અને બીજા એક સીનમાં તેઓશ્રી સવર્‍ધર્મ સમભાવનો સંદેશ આપીને આપણું ચિત્ત પાવિhય અને ભક્તરસથી તરબતર કરી દે છે. 


છૂટક રોલમાં લારા દત્તા, અનિલ માંગે, મુરલી શર્મા, રાજેશ ખેરા, મોહન કપૂર જેવા કલાકારો સ્ક્રીન પર અથડાયે રાખે છે. જોઈને જ ગલીપચી થતી હોય તો અહીં સની લીઓની પણ એક સીનમાં છે, પરંતુ સૌથી હાસ્યાસ્પદ જો કોઈ હોય તો કે. કે. મેનન. લાંબાં જટિયાં રાખીને તેણે સાઇકો-વિલન તરીકે જે ગાંડાં કાઢ્યાં છે, એ જોઈને હસવું તો નથી આવતું, રડવું જરૂર આવે છે કે આવા ઉમદા ઍક્ટરને કોણ સમ આપીને આવી ફિલ્મો કરાવતું હશે?


આ સરદારને દૂરથી જ નમસ્કાર


લગભગ અઢી કલાકની આ ફિલ્મ જો મનોરંજક લાગતી હોય તો ‘હમશકલ્સ’ને ઑસ્કરમાં મોકલવી જોઈતી હતી. હવે પ્રભુ દેવા કે અક્ષયકુમાર તો આવી બાલિશ ફિલ્મો કરવાનું બંધ નહીં કરે. એના કરતાં આપણે આપણો ટેસ્ટ થોડો ઊંચો લાવીએ એ જ બહેતર છે. બાકી પછી બાલિશ કૉમેડીમાં જ હસવું હોય તો ટૉમ ઍન્ડ જેરીનાં કાટૂર્‍ન ક્યાં નથી? નહીંતર પછી એકબીજાને જ ગલગલિયાં કરી લોને, આ ફિલ્મ કરતાં તો એમાં વધારે હસવું આવશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK