જાણો કેવી છે ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’

હાસ્યના હિલોળામાં પૅક્ડ રિયલ મર્દાનગીનો મેસેજ, મૅચ્યૉર અને કંઈક અલગ જોવા ટેવાયેલા દર્શકો આ ફિલ્મ ન ચૂકેફિલ્મ-રિવ્યુ - શુભ મંગલ સાવધાન

પાર્થ દવે


૨૦૧૫માં આવેલી ‘દમ લગા કે હઈશા’ની રેસ પૂરી થાય છે. આયુષમાન ખુરાના અને ભૂમિ પેડણેકર સુખરૂપ જીવનની શરૂઆત કરે છે. આ ફિલ્મ જ્યાંથી પૂરી થાય છે ત્યાંથી જ જાણે ‘શુભ મંગલ સાવધાન’ની શરૂઆત થાય છે, બેઉનાં લગ્નથી. પણ ના, થોડું ફ્લૅશબૅક છે. દિલ્હીમાં રહેતા એક મિડલ-ક્લાસ પરિવારનો છોકરો નામે મુદિત (આયુષમાન ખુરાના) અને બીજા એવા જ મિડલ-ક્લાસ પરિવારની છોકરી નામે સુગંધા (ભૂમિ પેડણેકર) વચ્ચે થોડો-થોડો પ્રેમ થાય છે. પ્રેમનાં બીજ ફૂટ્યાં જ હતાં ત્યાં મુદિત સુગંધાના ઘરે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ઑનલાઇન પ્રસ્તાવ મૂકી દે છે. બે પરિવારો વેબ-કૅમ ઑન કરીને સામસામે બેસીને રિશ્તા પક્કા કરે છે, પણ સુગંધાને તો હિન્દી ફિલ્મોની વાર્તાની જેમ કહાની મેં ટ્વિસ્ટ જોઈતો હતો. આટલી નૉર્મલ સ્ટોરી હોય?

છુપાઈ-છુપાઈને મળવાનું ક્યારે? પ્રેમ ક્યારે કરવાનો? વાર્તામાં કોઈ વિલન ન હોય, અવરોધ ન હોય તો મજા કેમની આવે?! પછી તો નીરસ અને કંટાળાજનક જિંદગી જ થઈ જવાની! માટે સુગંધા આ લવમાંથી અરેન્જ્ડ-મૅરેજમાં પલટાયેલા સંબંધને પાછો લવમાં બદલાવે છે. બેઉ મળવાનું ચાલુ કરે છે. હરેફરે છે. સગાઈ થાય છે. એમાં એક દિવસ સુગંધાના ઘરે કોઈ નથી હોતું ત્યારે બન્ને નજીક આવે છે, વધુ નજીક આવે છે અને... કહાની મેં ટ્વિસ્ટ!

વિલન કી એન્ટ્રી!

શૂજિત સરકારની ‘પીકૂ’ અને એનાં ત્રણ વર્ષ પહેલાં આવેલી ‘વિકી ડોનર’ બેઉ ફિલ્મ કૉન્સ્ટિપેશન અને સ્પર્મ-ડોનેશન જેવી અનયુઝ્વલ થીમ પર આધારિત હતી. ‘પીકૂ’માં વિલન હતી બચ્ચનની પેટની તકલીફ, ‘વિકી ડોનર’માં વિકી ર્વીયદાન કરે છે એ વાતથી તેની વાઇફ ખફા થઈ જાય છે અને ‘શુભ મંગલ સાવધાન’માં વિકીમાંથી મુદિત બનેલા આયુષમાનને તેની એકદમ ઊલટી તકલીફ છે : ઇરેક્ટાઇલ ડિસફંક્શનની. ‘વિકી ડોનર’ના ઓવર-ફર્ટાઇલમાંથી બંજર જમીન બનેલા મુદિતને થયેલો જેન્ટ્સ પ્રૉબ્લેમ આ ફિલ્મનો મુખ્ય વિલન છે, જેની એન્ટ્રી સુગંધાના ઘરે પ્રથમ વખત થાય છે અને શરૂઆત થાય છે એક અનએન્ડિંગ લાફઆઉટ લાઉડ રાઇડની. પણ એક સેકન્ડ માટે પણ ફિલ્મ ચીપ કે વલ્ગર નથી બનતી. સખત બોલ્ડ અને બૉલીવુડ માટે અનટચ્ડ સબ્જેક્ટ હોવા છતાં ફિલ્મ એટલી સાફસૂથરી બની છે કે પહલાજ નિહલાણી સેન્સર બોર્ડમાં હોત તો પણ એકેય કટ વિના પાસ થઈ જાત. અને એ માટે ડિરેક્ટર આર. એસ. પ્રસન્નાને ફુલ માક્ર્સ આપવા પડે. તેમની ૨૦૧૩માં આવેલી તામિલ ફિલ્મ ‘કલ્યાણ સમાયલ સાધમ’ની આ ઑફિશ્યલ રીમેક છે. તામિલ ફિલ્મ આવી એના ૨૦ દિવસની અંદર જ આનંલ એલ. રાય તરફથી તેમને હિન્દીમાં બનાવવા માટેની ઑફર મળી ચૂકી હતી, પરંતુ બેઉ બિઝી હતા એટલે ૨૦૧૫માં ફિલ્મ ચેન્નઈમાંથી દિલ્હીના બૅકડ્રૉપમાં ઢાળવાની શરૂઆત થઈ. ફિલ્મને સાઉથમાંથી નૉર્થ ઇન્ડિયન ફૅમિલી અને દિલ્હીમાં બખૂબી રીતે કન્વર્ટ કરનાર છે સ્ક્રિપ્ટ ઍન્ડ ડાયલૉગ-રાઇટર હિતેશ કેવલ્ય. પ્રસન્ના અને હિતેશે એટલી સૂક્ષ્મતાથી આ બૉલીવુડના ફસ્ર્ટ વિલનને ફિલ્મમાં રજૂ કર્યો છે કે તમને આખી ફિલ્મ દરમ્યાન એક વાર પણ શરમ કે ગિલ્ટી ફીલ નથી થતું, બલકે બહાર નીકળતી વખતે કશુંક માણ્યા અને શીખ્યાનો આનંદ અનુભવાય છે.

રાઇટર-ડિરેક્ટર કી શુભ જોડી

ફિલ્મની સ્ટોરીલાઇન તો એક લીટીમાં જ પૂરી થઈ જાય છે; પણ નાયકને જે તકલીફ, રાધર સમસ્યા છે એ દર્શાવવી કઈ રીતે? એ પણ ફિલ્મ છાપામાં આવતી શિશ્ન-ઉત્થાનની સમસ્યા કે ઍનૅટૉમીનું લેસન ન બની જાય અને લોકોને ફુલ ટુ એન્ટરટેઇનમેન્ટ કરતાં-કરતાં કંઈક કહી જાય એ રીતે. અહીં જરાસરખીયે રાઇટિંગ કે નરેશનમાં ચૂક થાય તો ફિલ્મને ડબલ મીનિંગ જોક્સથી ખીચોખચ અને ફૂવડ બનતાં વાર નથી લાગતી. રાઇટર હિતેશ કેવલ્યએ હાસ્યનાં પડીકાં વાળીને સમજણના પાઠ ફેંક્યા છે.

અહીં સ્માટ્ર્‍લી હાસ્ય નીપજાવતા ક્રૅકિંગ સીન્સ બંચમાં છે. જ્યારે પહેલી વાર મુદિત અને સુગંધા ઇન્ટિમેટ થાય છે ત્યારે દિલ્હીના DDA ફ્લૅટ્સમાં શોરબકોર બહુ થાય છે એમ કહીને સુગંધા જગ્યા ચેન્જ કરે છે એ, મુદિત બેઠો છે ત્યાંથી ટાઇગર બામની શીશી જડવી, પહેલી વાર મુદિત સુગંધાને પોતાની સમસ્યાની વાત નરમ થઈને પડી જતા બિસ્કિટ- થ્રૂ કહે છે - એ તમામ સિચુએશન અફલાતૂન રીતે ફિલ્માવાઈ છે. બિસ્કિટવાળી વાત સુગંધા પોતાની ફ્રેન્ડને કહે છે અને ફ્રેન્ડ સામે કહે છે : લાઇફ મેં કભી બિસ્કિટ નહીં ખા પાઉંગી. ઍક્ચ્યુઅલી આ પ્રકારના ડાયલૉગ્સની તો ભરમાર છે. મુદિતના પપ્પા સુગંધાના ઘરે જ્યારે લગ્નના દિવસની વાત કરવા જાય છે ત્યારે કહે છે, ‘હમ ઇતના ચાહતે હૈં કિ આપ બારાતિયોં કા સ્વાગત પાન-પરાગ સે કરેં! યસ, રાઇટર-ડિરેક્ટરે વર્ષો પહેલાં આવતી શમ્મી કપૂર અને અશોકકુમારની પાન-પરાગની ફેમસ ઍડ્વર્ટાઇઝમેન્ટ રીકૉલ કરી છે. ફિલ્મોમાં સામાન્ય રીતે પિતા-પુત્ર વચ્ચે બિન્દાસ બોલ્ડ વાતો થતી દર્શાવાય છે. અહીં એ નિયમ તૂટ્યો છે, અહીં મા-બેટી આઉટ ઑફ ધ બૉર્ડર વાતો કરે છે. સુગંધાની મમ્મી (સુપર્બલી ટૅલન્ટેડ ઍક્ટર સીમા પાહવા) તેને અરેબિયન  લોકવાર્તા અલીબાબા અને ચાલીસ ચોરની વાત કરીને સેક્સ વિશે સમજાવવાની ટ્રાય કરે છે. આ મલ્ટિલેયર્ડ સીન ટોટલ હિલેરિયસની સાથે હાર્ટવૉર્મિંગ છે. તમે જુઓ છો કે દીકરીની સામે વાત કરતાં મા  અચકાઈ રહી છે, પણ પ્રામાણિક છે. શીખવવું જરૂરી છે એમ વિચારીને તેની સામે પોતે વર્ષો પહેલાં લખેલી સૉફ્ટ પૉર્ન સ્ટોરીઝ વાંચે છે. આ સીનમાં રાઇટર-ડિરેક્ટરની કૉમેડી અને સિન્સિયરિટીને બૅલૅન્સ કરવાની ક્ષમતા દેખાય છે, કેમ કે આ સીનમાં હસી લીધા બાદ તમને વાહ કહેવાનું મન થઈ જશે.       

મુદિતના જેન્ટ્સ પ્રૉબ્લેમને કારણે સતત અસ્વસ્થ અને ઉચાટભર્યા રહ્યા કરવું, સુગંધાની તેના અને પોતાના ભવિષ્ય માટે ચિંતા થયા કરવી, મિત્રો પાસે મુદિતની પોતાની તકલીફની વાત માંડવી, પહેલી વખત સસરાને એ વિશે ખબર પડવી અને થનારા જમાઈને ડૉક્ટર પાસે લઈ જવો જેવા તમામ સીન્સ અફલાતૂન અને સુપર્બ ફિલ્માવાયા છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં જોવાનું એ છે કે મુદિતને જે પ્રૉબ્લેમ છે એ માટે લોકો તેની મજાક, અપમાન કે ટીકા કઈ રીતે કરે છે.

રાઇટર-ડિરેક્ટરની જોડી એ લિટમસ-ટેસ્ટમાં પણ ફુલ્લી પાસ થઈ છે.

ઍક્ટિંગ : સબ મંગલ હૈ

આયુષમાન ખુરાના ‘બરેલી કી બર્ફી’માંથી અને ભૂમિ પેડણેકર ‘ટૉઇલેટ : એક પ્રેમકથા’માંથી સીધાં જ કૂદીને અહીં આવ્યાં હોય એવું લાગે છે. બેઉએ શાનદાર અને જાનદાર અભિનય કર્યો છે. આયુષમાન પંજાબી મુંડા પ્રકારના રોલમાં ખૂબ ખીલે છે એ તેણે ‘વિકી ડોનર’થી જ સાબિત કરી દીધું હતું. ક્લાઇમૅક્સની મર્દાનગીની વ્યાખ્યા આપતી સ્મૉલ સિરિયસ સ્પીચમાં પણ તેનું કૅરૅક્ટર બ્રેક નથી થતું. ભૂમિ હવે આ ગાંવ કી છોરીના રોલમાં ટાઇપકાસ્ટ ન થઈ જાય તો સારું. સૌથી મહત્વની વાત એ છે કે સુગંધાનાં મમ્મી-પપ્પા, કાકા-કાકી અને મુદિતનાં મમ્મી-પપ્પા ઉપરાંતનાં અમુક પાત્રોમાંનું એકેય પાત્ર નેગેટિવ નથી લાગતું. તેમનો સ્વભાવ, વાત કરવાની શૈલી બધું જ પોતીકું લાગે છે. સુગંધાના કાકા (અદ્ભુત ઍક્ટર બિજેન્દ્ર કાલા) છે જે સતત તેના પપ્પા (નીરજ સૂદ) સાથે સરખામણી જ કર્યા કરે, તેની મમ્મી (સીમા પાહવા) અને કાકી એકમેક સાથે લડ્યા જ કરે, મુદિતનાં મમ્મી-પપ્પા સતત બોલબોલ કરે છતાં એક પણ પાત્ર લાઉડ કે ઓવર-રીઍક્ટર નથી લાગતું. બલકે આ પાત્રો ફિલ્મની થોડીઘણી જે સમસ્યા છે એમાં પણ શિલાજિતરૂપ સાબિત થાય છે. જોકે તમામ સાઇડ કૅરૅક્ટર્સના રોલ લિટરલી ‘બરેલી કી બર્ફી’ ફેમ ટૅલન્ટેડ ઍક્ટ્રેસ સીમા પાહવા ખાઈ ગયાં છે. જે સ્વાભાવિકતાથી અને ઇન્સ્ટન્ટલી તેઓ જવાબ આપે છે : માય ગૉડ, જબરદસ્ત. ઍક્ચ્યુઅલી આખી ફિલ્મના આ તમામ કલાકારોને જોઈને લાગતું જ નથી કે તેઓ ઍક્ટિંગ કરે છે. 

subh mangal


સાવધાન

‘શુભ મંગલ સાવધાન’નાં બધાં ગીતો સાંભળવાં ગમે છે અને ફિલ્મમાં પર્ફેક્ટ્લી ફિટ થઈ જાય છે. વાર્તાને નડતાં નથી, બલકે વાર્તાને ગમાડે છે. ફિલ્મ ૧૦૨ મિનિટની છે જે વિષય અનુરૂપ એકદમ ઓકે છે. નહીંતર લાંબી અને બોરિંગ લાગે. આખી ફિલ્મ ફુલ ટુ એન્ટરટેઇનમેન્ટ છે, પણ... અચાનક ધડામ દઈને દરવાજો બંધ થઈ જાય એમ ફિલ્મ પૂરી થઈ જાય છે. નાયકને જે સમસ્યા હતી અને જેના માટે આખી ફિલ્મમાં રઝળપાટ કરી એનો હલ પણ આપોઆપ આવી જાય છે અને ઘીના ઠામમાં ઘી ભળી જાય છે, આઇ મીન ગુફામાં અલીબાબા પેસી જાય છે. ક્લાઇમૅક્સ પણ જે રીતે આખી ફિલ્મ વાસ્તવિકતાને અડીને બનાવાઈ છે એ મુજબ સેટ નથી થતો. ફેક લાગે છે. અંત નરમ થયેલા બિસ્કિટની જેમ લથડી પડે છે.

જોવી કે?...

આખી ફિલ્મનો ટોન એવો રખાયો છે કે તમને અનુભવાતું રહે કે પુરુષોને થતી આ રાઈ જેવડી સમસ્યાને પહાડનું રૂપ ન આપવું. અસલી મદર્‍ એ નથી જેને દદર્‍ ન થાય અને જે બાળકો પેદા કરી શકે, બલકે અસલી મદર્‍ એ છે જે બીજાને દદર્‍ ન પહોંચાડે અને રક્ષણ કરે. વીક ક્લાઇમૅક્સ છતાં હટકે અને બોલ્ડ સબ્જેક્ટ પર આટલી ફ્રેશ, સરળ અને ક્રીએટિવ રીતે બનાવાયેલી ફિલ્મ અવશ્ય વૉચેબેલ છે. તમને કંઈક અલગ અને મૅચ્યૉર સબ્જેક્ટ જોવો હોય, દમ ‘લગા કે હઈશા’ પસંદ પડી હોય તથા સ્થૂળ અને સૂક્ષ્મ હાસ્ય વચ્ચેની પાતળી ભેદરેખા આંકીને ફિલ્મ એન્જૉય કરી શકતા હો તો હાસ્યના હિલોળા ઉડાડતી આ ફિલ્મ તમારા માટે જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK