ફિલ્મ-રિવ્યુ - શિવાય

કમ્પ્લીટ સર્વનાશ, ભગવાન શિવ પણ જો પોતાના નામે બનાવાયેલી આ ફિલ્મ જોઈ લે તો પોતાનું ત્રીજું નેત્ર ખોલીને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને ભસ્મીભૂત કરી નાખે
જયેશ અધ્યારુ‘શિવાય’ની શરૂઆતમાં અજય દેવગન કોઈ બર્ફીલા પહાડની ટોચ પર ઊંધા કાંધે સૂતેલો દેખાય છે. તેના ડાબા હાથમાં ગાંજાની ચિલમ સળગી રહી છે. થોડી વારે તે લાંબો કશ ખેંચે છે અને અચાનક સ્પાઇડરમૅન જેવી સ્ફૂર્તિથી પ્રચંડ ઊંચા બર્ફીલા પહાડ પરથી કૂદતો-કૂદતો નીચે આવી જાય છે. પછીની આખી ફિલ્મ જે રીતે આગળ વધે છે એ જોતાં પાકી ખાતરી થઈ જાય કે આ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ આવા જ કોઈ માદક પદાર્થની અસર હેઠળ કામ કર્યું હોવું જોઈએ, નહીંતર આટલી હદે ત્રાસદાયક ફિલ્મ ન બને.

પરદેસિયોં સે ના અખિયાં મિલાના શિવાય (અજય દેવગન) હિમાલય પર વસેલા કોઈક ગામનો કાબેલ પવર્‍તારોહક ગાઇડ છે. એક દિવસ તેની પાસે બલ્ગેરિયન યુવતી ઓલ્ગા (એરિકા કાર) સાથેની જુવાનિયાઓની ટીમ આવે છે. સૌ એક ડેન્જરસ પહાડ પર ચડે છે. હિમાલયના એ પહાડ પર એવું તોફાન આવે છે કે એની અસર ૯ મહિના પછી તેમની દીકરી ગૌરા (એબિગૈલ એમ્સ) તરીકે દેખાય છે. દીકરીને જન્મ આપીને મા બલ્ગેરિયા ભેગી થઈ જાય છે અને આ બાજુ બાપ-દીકરી સુખેથી રહેવા માંડે છે. ૮ વર્ષ પછી દીકરી પોતાની મમ્મીને મળવાની જીદ પકડે છે અને સ્ટોરી બલ્ગેરિયા શિફ્ટ થાય છે. બલ્ગેરિયાની માલીપા બોલી ન શકતી એ દીકરી કિડનૅપ થઈ જાય છે અને શિવાય આખું બલ્ગેરિયા ઊંધુંચત્તું થઈ જાય એવું તાંડવ ખેલી નાખે છે.

ચલા બજરંગી દેઓલ બનને ધારો કે ‘બજરંગી ભાઈજાન’માં ‘ગદર’ના સની દેઓલનો આત્મા પ્રવેશી જાય અને તે પાકિસ્તાનને બદલે બલ્ગેરિયામાં રોહિત શેટ્ટીછાપ ધબાધબી બોલાવી દે તો જે અંધાધૂંધી સર્જા‍ય એને આ ‘શિવાય’ નામ આપી શકાય (બસ, બલ્ગેરિયામાં એકેય ડંકી ન મળી, નહીંતર આ શિવાયબાબુ એને પણ ઉખાડી લાવત).

‘શિવાય’ના સ્ટોરી દાતા, પ્રોડ્યુસર, ડિરેક્ટર ખુદ અજય દેવગન પોતે જ છે. તેણે કંઈક બહુ ખર્ચો કરીને અને વાસ્કો ડ ગામાની જેમ અડધી દુનિયા ખૂંદીને બલ્ગેરિયાનાં ઠંડાગાર લોકેશન્સ શોધી કાઢ્યાં છે. ઍર-કન્ડિશનર વગરના થિયેટરમાં જોઈએ તો પણ ધાબળો ઓઢવાની ઇચ્છા થઈ આવે એવા જબરદસ્ત બર્ફીલા પહાડો પર તેણે શૂટિંગ કર્યું છે. એ પહાડો પર અને દર થોડી વારે આવતી દિલધડક ચેઝ સીક્વન્સિસ વખતે સિનેમૅટોગ્રાફર અસીમ બજાજના કૅમેરા જે રીતે ફરે છે એ આ ફિલ્મનું સૌથી સ્ટ્રૉન્ગ પાસું છે. ઍક્ચ્યુઅલી, લોકેશન્સ, કૅમેરાવર્ક અને કંઈક અંશે મ્યુઝિક આ ફિલ્મનાં ઓન્લી સ્ટ્રૉન્ગ પાસાં છે. એ સિવાયની આખી ફિલ્મ કોઈ વિશાળ સવર્‍નાશથી કમ નથી.

પહેલી વાત તો એ કે આ ફિલ્મની સ્ટોરી અને એનું પ્રોગ્રેશન એટલુંબધું તર્કહીન છે કે (જો જાગતા હોઈએ તો) હસી-હસીને બેવડ વળી જઈએ. થોડાં સ્પોઇલર્સના જોખમે પણ એટલી ચર્ચા કરી શકાય કે શા માટે એક બાળકીને માતા વગર ઉછેરવાની સ્થિતિ સરજવી પડે? શા માટે પીડોફાઇલ્સને અજાણ્યા દેશમાં સામે ચાલીને હીરોગીરી કરીને પડકારવા જોઈએ? પોતાની દીકરીની મમ્મી ક્યાં રહે છે એ જાણ્યા વિના બિસ્તરા બાંધીને જવાનો શો અર્થ? બીજા દેશમાં પોલીસની કે હાઈ કમિશનની મદદ લીધા વિના કામ ન થઈ શકે? એમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાની અને પ્રૉપર્ટીનો ખુડદો બોલાવવાની ક્યાં જરૂર પડે? પોતાની દીકરીને શોધવા નીકળ્યો હોય તો વચ્ચે અન્ય ગણિકાઓને છોડાવવાનું સળગતું ઉપાડવાની જરૂર ક્યાં આવે? લેકિન નો, એક વાર તમે મગજ ચલાવ્યું તો ગયા કામથી. એટલે એ મગજને પણ તમારે બલ્ગેરિયાના બર્ફીલા પહાડોમાં ફ્રીઝ કરી દેવું પડે.

અજય દેવગને બધાં પાત્રોને જાણે પરાણે ઍક્ટિંગ કરાવી હોય એમ લગભગ બધા જ કલાકારો કારણ વગર સતત એકબીજાને વડચકાં ભર્યા કરે છે. એમાં તે પોતે તો ખાસ. તે સતત પોતાના ત્રીજા નેત્રમાંથી જ દુનિયાને જોતો હોય એમ ગમે તેનું બાવડું ઝાલે, ભયજનક રીતે ગાડી ચલાવતો ફરે, ગમે તેને ઊંધા હાથની અડબોથ ઝીંકી દે, ટેબલો ઉલાળે, ગાડી ફંગોળે, કટપ્પા અને બાહુબલીને પણ સાગમટે કૉમ્પ્લેક્સ થઈ જાય એવા ડેન્જરસ કૂદકા મારે (છતાં તેને કશું જ ન થાય). આવું બધું તેના રોજના ક્રમમાં સામેલ છે. બાકીના લોકો પણ ગમે ત્યારે ગ્લાસ પછાડે, ચીસો પાડે, બીજાને ટોણા મારે, ડોળા કાઢે... જાણે આખી દુનિયામાં હૈડહૈડ કરવાનો કોઈ વિચિત્ર રોગચાળો ફેલાયો હોય એવું લાગે.


બલ્ગેરિયામાં ભલે અફલાતૂન બર્ફીલા પહાડો હોય, પણ આ ફિલ્મ જોઈને એવું જ થાય કે ત્યાં તો ગુનાખોરી, હ્યુમન ટ્રાફિકિંગ સિવાય કશું જ નહીં હોય. વિદેશી વ્યક્તિઓ પ્રત્યેના ભય ઝેનોફોબિયાથી આ ફિલ્મ ભયંકર હદે પીડાય છે.

સામાન્ય રીતે મોટા બજેટની અને ‘એ’ ગ્રેડના સ્ટારની ફિલ્મોમાં ટેક્નિકલ લોચા ન હોય, પરંતુ અહીં એડિટિંગમાં જે હદે લોચા છે એવું તો કોઈ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમાં પણ ન હોય. કેટલાય સીન એવા છે જે ગમે ત્યાં કટ થઈ જાય છે અને કશું વિચારીએ એ પહેલાં જ બીજા સીન ચાલુ થઈ જાય. કદાચ એડિટરે પણ એ જ ચિલમમાંથી થોડા કશ માર્યા હોય તો કહેવાય નહીં.

એક ટિપિકલ બૉલીવુડ પૉટબોઇલરની જેમ અહીં હીરો બધું જ કરી શકે છે. જથ્થાબંધ ગોળીઓમાંથી તેને એકેય ન લાગે, લાગે તોય કશું ન થાય. તે ગમે તે સ્થિતિમાંથી પણ બચી જાય, ઈવન વિદેશના કાયદા પણ એક બાપનાં ઇમોશન્સમાં આઇફોનની જેમ બૅન્ડ થઈ જાય. લેકિન એક મિનિટ કે લિએ ભી નહીં. અચ્છા, મિનિટ પરથી યાદ આવ્યું, દિવાળીના પાતળા મઠિયા જેવી સ્લિમ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ પૂરી ૧૭૩ મિનિટ લાંબી છે. જો ઇન્ટરવલ ઉમેરો તો પૂરા ત્રણ કલાક. ઈવન ક્લાઇમૅક્સ પતી જાય, ભરતમિલાપ પતી જાય, પરંતુ ફિલ્મ પતવાનું નામ ન લે. ઉપરથી કારણ વિનાનાં પાત્રોની માનસિક સ્થિતિ વર્ણવતાં ગીતો આવતાં રહે.

અજય દેવગનની આ ફિલ્મ ગિરીશ કર્નાડ, વીર દાસ, સૌરભ શુક્લા જેવા અભિનેતાઓનો ક્રિમિનલ વેસ્ટેજ છે અને નવોદિતા સાયેશાનું કંઈક વિચિત્ર ડેબ્યુ છે. એકમાત્ર ક્યુટ ટેણી એબિગૈલને જોવાની મજા પડે છે, પરંતુ તેની પાસે પણ વિચિત્ર ગુસ્સો શા માટે કરાવ્યો છે (અથવા તો તે શા માટે બોલી શકતી નથી) એની કોઈ ચોખવટ નથી. ઈવન બાપ-દીકરીની કોઈ કેમિસ્ટ્રી પણ દેખાતી નથી.

‘શિવાય’માં નો જવાય

આ દિવાળીએ કરણ જોહરની ચીલાચાલુ ટાઇમપાસ ફિલ્મ જોવા જાઓ કે ન જાઓ એ તમારા પર ડિપેન્ડ કરે છે, પરંતુ અજય દેવગનની ‘શિવાય’ તો ભૂલચૂકેય જોવા જવા જેવું નથી. એને બદલે મમ્મી-પપ્પા સાથે આખું ફૅમિલી કોઈ નજીકના શિવમંદિરે દર્શન કરી આવશો તો આખું વર્ષ શિવજીની કૃપા વરસતી રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK