ફિલ્મ-રિવ્યુ : શરાફત ગઈ તેલ લેને

એન્ટરટેઇનમેન્ટ ગયા તેલ લેને, એક મસ્તીભરી તોફાની સ્ટોરી અહીં બોરિંગ રાઇટિંગ, શીખાઉ ઍક્ટિંગ અને સત્વ વિનાની ટ્રીટમેન્ટ નીચે ચગદાઈ ગઈ છે


sharafat

જયેશ અધ્યારુ


ટ્રેલર નામના શોકેસમાં કૉમેડીની આશાનાં તોરણો બંધાવ્યાં હોય અને શૉપની અંદર પ્રવેશ્યા પછી હસવું જ ન આવે તો ગ્રાહક સુરક્ષામાં કેસ કરી શકાય ખરો? જો આ સવાલનો જવાબ હા હોય તો આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘શરાફત ગઈ તેલ લેને’ના બનાવનારાઓ સામે આ કેસ માંડવા જેવો છે.

ભાઈ કા ફોન આયા

કોઈ સવારે તમારા ખાતામાં એકસાથે સો કરોડ રૂપિયા જમા થઈ જાય તો? આવું કેમ બન્યું એની ગડ હજી મગજમાં ન બેઠી હોય ત્યાં દુબઈથી દાઉદભાઈનો ફોન આવે કે આમાંથી હું કહું એટલા રૂપિયા અમુક લોકોને આપતા જવાના છે નહીંતર તમારું ઢીંચક્યાઉં! આવું થયું ચંબુછાપ કંજૂસ પણ સીધાસાદા નોકરિયાત પૃથ્વી ખુરાના (ઝાયેદ ખાન) સાથે. કુંવારો પૃથ્વી પોતાના રખડેલ રૂમ-પાર્ટનર સૅમ (રણવિજય સિંહ) સાથે રહે છે અને બહુ થોડા સમયમાં જ પોતાની ચુલબુલી પ્રેમિકા મેઘા (ટીના દેસાઈ) સાથે લગ્ન પણ કરવાનો છે. ત્યાં જ આ ભાઈનો ફોન તેની લાઇફમાં પંક્ચર પાડી દે છે. આ ફોન શું કામ આવ્યો, એમાંથી તે કેવી રીતે બચશે અથવા તો બચશે કે નહીં એ બધા જ સવાલોના જવાબો તમારે તમારા હિસાબે ને જોખમે આ ફિલ્મમાંથી શોધવાના છે.

મા મને થિયેટરમાંથી કાઢ

આ ફિલ્મના ડિરેક્ટર ગયા વર્ષે ડિમ્પલ કાપડિયા સ્ટારર ઠીકઠાક મનોરંજક ફિલ્મ ‘વૉટ ધ ફિશ’ બનાવી ચૂક્યા છે. પરંતુ શરૂઆતમાં કહ્યું એમ ટ્રેલર જોઈને આપણને આશાઓ બંધાવી હોય કે આ ફિલ્મ તો હસાવી-હસાવીને આપણા ગાભા કાઢી નાખશે, પરંતુ એવું કશું બનતું નથી. આખી ફિલ્મમાં સમ ખાવા પૂરતા એક પણ વખત આપણે પેટ પકડીને હસી શકતા નથી. ઇન ફૅક્ટ, એક નાનું અમથું રાઈના દાણા જેવડું સ્મિત શોધવામાં પણ આપણને ફાંફાં પડી જાય છે. એક તો ફિલ્મ જેના ખભે છે તેવો ઝાયેદ ખાન તો ઑલરેડી પુરવાર કરી ચૂક્યો છે કે તેને ને ઍક્ટિંગને બાપે માર્યાં વેર છે. સારી યાદશક્તિ ધરાવતા લોકો પણ અત્યારે માથું ખંજવાળતા હશે કે આ નમૂનાને ક્યાંક જોયો હોય એવું તો લાગે છે!

ઝાયેદનો રૂમ-પાર્ટનર બનતો રોડીઝ ફેમ રણવિજય સિંહ હજી તેના રોડીઝ વખતનાં એક્સપ્રેશન્સ જ આપ્યા કરે છે. આમેય વાંઢાવિલાસ જેવા ઘરમાં મગરમચ્છની જેમ પડ્યા રહેતા રૂમ-પાર્ટનરોવાળા અફલાતૂન રીતે ફિલ્માવાયેલા ટ્રૅક આપણે જૂની ‘ચશ્મે બદ્દૂરથી લઈને ‘દેહલી બેલી’ સુધીની ફિલ્મોમાં જોતા આવ્યા છીએ. આ ફિલ્મના બનાવનારાઓએ એમાંથી કોઈ ધડો લીધો હોય એવું દેખાતું નથી.

ફિલ્મના લેખકો ગુરમીત સિંહ અને રાજેશ ચાવલાને એવું હશે કે બબૂચક હીરો, દોઢડાહ્યો દોસ્તાર અને ફટાકડી હિરોઇન નાખી દઈએ એટલે લોકો લાફિંગ ગૅસ છોડ્યો હોય એમ અમથા- અમથા હસવા માંડશે. કેમ કે એ બન્નેએ આખી ફિલ્મમાં એક પણ ઠેકાણે શાર્પ વનલાઇનર નાખ્યા નથી કે જેને ખરેખર કૉમિક કહી શકાય એવી કોઈ સિચુએશન પણ નથી. આ ડૂબી રહેલી ફિલ્મને બચાવવા માટે લાઇફ જૅકેટ લઈને પીઢ અભિનેતા અનુપમ ખેર પાણીમાં ઊતરે છે, પણ તેય થોડી વારમાં પોતાનાં હથિયાર હેઠાં મૂકી દે છે. જાણે પાણીમાં કાગળની હોડી તરવા મૂકી હોય એ રીતે ફિલ્મ પ્રેક્ષકોની પરવા કર્યા વિના એની એકધારી ગતિએ ચાલ્યા કરે છે અને પોણાબે કલાકમાં પૂરી જાહેર થઈ જાય છે. ઈવન ક્લાઇમૅક્સ પહોંચતાં સુધીમાં તો સ્ટોરી પતંગના દોરાની જેમ એવી ગૂંચવાઈ જાય છે કે છેક સુધી ઊકલતી જ નથી.

યે ફિલ્મ ભી ગઈ તેલ લેને

થોડી માનવતા દાખવવા માટે એવું કહી શકાય કે આ ફિલ્મ સાફસૂથરી છે અને ક્યાંય કોઈ ગંદા-ગલીચ જોક કે ઇશારા નથી. અડધી ગુજરાતણ એવી મીઠડી હિરોઇન ટીના દેસાઈ પણ તેના નૂડલ્સ જેવા વાળ સાથે જોવી ગમે છે. પરંતુ જેમ ફિલ્મનું ટાઇટલ કહે છે તેમ યે શરારત ભી ગઈ તેલ લેને. આપણે આ ફિલ્મની પાછળ કાણી પાઈ પણ ખરચવા જેવી નથી. ભવિષ્યમાં ક્યારેક ટીવી પર આવે તો જોવાનો પ્રયત્ન કરજો. હા, રિમોટ કન્ટ્રોલ હાથવગું રાખજો!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK