ફિલ્મ-રિવ્યુ : શાનદાર

શાનદાર હથોડો - શાહિદ-આલિયાની ક્યુટનેસને બાદ કરી નાખો તો આ ફિલ્મ એક ભયંકર ઍબ્સર્ડ અનુભવથી વિશેષ કશું જ નથી

shaandaar


જયેશ અધ્યારુ

શુદ્ધ સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીના વાડકામાં બે ચમચી પાંઉભાજી, ચાર ચમચી શ્રીખંડ, એક ટેબલસ્પૂન ખાટું અથાણું, સાડાચાર ટીપાં કઢી નાખીને એને બરાબર મિક્સ કરો અને એના પર કોથમીર, ચાંદીના વરખ અને ડુંગળીની કતરણથી ગાર્નિશ કરો તો કેવી ડિશ બને? ઍબ્સર્ડ, વિચિત્ર ખરુંને? છેલ્લે કંગનાવાળી ‘ક્વીન’થી છવાઈ ગયેલા વિકાસ બહલની લેટેસ્ટ ફિલ્મ ‘શાનદાર’નું પણ એવું જ છે. અહીં એકસાથે એટલુંબધું ઠપકાર્યું છે કે કંસાર કે થૂલું બેમાંથી કશું જ બન્યું નથી.

પરીકથાની પિપૂડી

બિપિનભાઈ (પંકજ કપૂર) ક્યાંકથી એક અનાથ છોકરી આલિયા (આલિયા ભટ્ટ)ને પોતાના મહેલ જેવા ઘરમાં લઈ આવે છે, જ્યાં દાદી (સુષમા શેઠ)ની દાદાગીરી ચાલે છે. સુપરક્યુટ હોવા છતાં આલિયાને સૌ હડે-હડે કર્યા કરે છે. એમાં જ બિચારી મુંબઈ શહેર જેવી થઈ ગઈ છે, તે ક્યારેય સૂતી જ નથી. બિપિનભાઈની પોતાની એક ગોળમટોળ છોકરી ઈશા (સાના કપૂર) પણ છે, પરંતુ ખાનદાનને રોડ પર આવી જતું બચાવવા માટે તેઓ ઈશાને એક ચક્રમ સિંધી કરોડપતિ ફંડવાણી (સંજય કપૂર)ના ચક્રમ પાર્ટ ટૂ ભાઈ સાથે પરણાવી રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઇંગ્લૅન્ડ બાજુનો કોઈ બંગલો પસંદ કરાય છે. ત્યાં એન્ટ્રી થાય છે ડૅશિંગ વેડિંગ-પ્લાનર જગજિન્દર જોગિન્દર (શાહિદ કપૂર)ની. ઈશાનાં લગનની સાથોસાથ આલિયા-જગજિન્દરની લવ-સ્ટોરી સ્ટાર્ટ થઈ જાય છે. જાણે ગાંડપણનો વાઇરસ ફેલાયો હોય એમ સતત ચક્રમવેડા ચાલુ રહે છે અને ખીચડીમાં ઘી ઢોળાશે એવી આશામાં ફિલ્મ પૂરી થાય છે.

ભેળસેળિયા લવ-સ્ટોરી


દિવાળીની વાનગીઓમાં પણ જેટલી ભેળસેળ નહીં હોય એટલીબધી ભેળસેળ આ ફિલ્મની સ્ટોરીમાં છે. એક તો ફિલ્મ છે વિકાસ બહલની, પરંતુ પહેલા જ સીનથી આપણે ડિઝનીની સિન્ડ્રેલા ટાઇપની પરીકથા જોતા હોઈએ એવી ફીલ આવે છે. અહીં પણ એક અનાથ બાળકી છે, તેને બધા ધિક્કારે છે, એક ક્રૂર મમ્મી છે, કારણ વગર સ્ક્રીન પર આવતી ટ્વિન્સ છે, મહેલ છે, એક રાજકુમાર છે અને એની સાથે નાચગાના પણ છે. પરંતુ આ પરીકથામાં ફ્રૉગ પ્રિન્સેસવાળી બાળવાર્તાની ભેળસેળ છે. પ્રિન્સેસ એક દેડકાને પપ્પી કરે તો એમાંથી રાજકુમાર બની જાય એ વાર્તાની જેમ અહીં આલિયાબેબી એક અશોક નામના ઍનિમેટેડ દેડકાને લઈને ફર્યા કરે છે. માત્ર દેડકો જ નહીં, ડિઝનીની ફિલ્મ હોય એવું સરસ ઍનિમેશન પણ અહીં છે. સ્ટાઇલ મારવા માટે આખેઆખો ફ્લૅશબૅક ઍનિમેશનમાં જ બતાવાયો છે. એ ઍનિમેશનમાં પાછી કૉમેન્ટેટર તરીકે નસીરુદ્દીન શાહના અવાજની ભેળસેળ છે.

ટ્રેલર પરથી લાગતું હતું કે આ એક સરસ રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ હશે, પરંતુ રોમૅન્સ કે કૉમેડી બેમાંથી એકેય શરૂ થાય એ પહેલાં ઓવરઍક્ટિંગની દુકાન લઈને સંજય કપૂરની પધરામણી થાય છે અને ફિલ્મ તરત જ ફારસ બની જાય છે. હાથમાં જેમ્સ બૉન્ડના વિલન જેવી ગોલ્ડન ગન લઈને ફરતા સિંધી બિઝનેસ-ટાઇકૂનનું પાત્ર ભજવતા સંજય કપૂરને લિમોઝિનથી લઈને અંદરની ચડ્ડી સુધીનું બધું જ ગોલ્ડન અપાયું છે. પરંતુ સંજય કપૂરના ગેટઅપમાં લિબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના લુકની ભેળસેળ છે.

અડધો-પોણો ડઝન લોકોના ગાંડાવેડા ઓછા ન હોય એમ ફિલ્મમાં અધવચ્ચે કરણ જોહરની એન્ટ્રી થાય છે અને સૌ કૉફી વિથ કરણ રમવા માંડે છે. ગુજરાતી સંગીતકાર અમિત ત્રિવેદીના એક સારા ગીતની સામે ચાર નબળાં ગીતોની ભેળસેળ છે. તો સ્ટોરીની વચ્ચે અચાનક નીંદ ના મુઝકો આએ અને ઇના મીના ડીકા જેવાં જૂનાં ગીતો ક્યાંકથી ટપકી પડે છે. એ ગીતમાં હૉલીવુડની સ્ટાર વૉર્સ સ્ટાઇલની લાઇટવાળી તલવારબાજી પણ છે. આજ તો જાણે ઍબ્સર્ડિટીના ગરબા જ ગાવા છે એવું નક્કી કર્યું હોય એમ ઑપેરાના ઑડિટોરિયમમાં કવ્વાલી ગવાય છે અને એ કવ્વાલીમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે.

લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં વધુ એક ટ્વિસ્ટ એક મૃત્યુ સાથે આવે છે, પરંતુ એ ડેડબૉડી જોઈને સૌ દુ:ખી થવાને બદલે ખિખિયાટા કરીને હસવા માંડે છે. હજી એ ડેડબૉડીની આગળ જાને ભી દો યારો પ્રકારની જે હાલત થાય છે એની સામે તો દશેરાના રાવણની સ્થિતિ પણ સારી હોય. એક તરફ દીકરીઓની સંવેદનશીલ વાતો અને બીજી બાજુ મોત પર ખિખિયાટા?

ક્યુટનેસ ઓવરલોડેડ


આ ફિલ્મ પર કરણ જોહરનો હાથ ફર્યો છે એટલે એમાં ક્યુટનેસની કોઈ કમી નથી. દાઢીવાળો શાહિદ ક્યુટ છે. બિકિનીવાળી આલિયા સુપરક્યુટ છે. આલિયાના પપ્પા બનતા શાહિદના પપ્પા એવા પંકજ કપૂર પણ ક્યુટ પપ્પા છે, જે દીકરીને રોજ એક ક્યુટ સપનું આપે છે. શાહિદ કપૂરની રિયલ લાઇફ બહેન એવી સાના કપૂરની આ ફિલ્મથી એન્ટ્રી થઈ છે. તે પણ બહુ ક્યુટ છે. ‘હમલોગ’ અને ‘દેખ ભાઈ દેખ’નાં ક્યુટ દાદી સુષમા શેઠ બહુ લાંબા ટાઇમે સ્ક્રીન પર દેખાયાં છે. આ ઉંમરે પણ તેમનો ઠસ્સો એવો જ બરકરાર છે. ઈવન એક ક્યુટ અને ગે ફૅશન-ડિઝાઇનર પણ છે (કરણ જોહર ઇફેક્ટ?). એક સમયે માધુરી દીક્ષિતની ડુપ્લિકેટ કહેવાતી નિકી અનેજા અને બીજી એક ક્યુટ અદાકારા અંજના સુખાણી પણ અહીં છે. જાણે ફર્નિચર હોય એમ આ બન્નેને જરાય સ્ક્રીનસ્પેસ મળી નથી. એમાંય અંજના સુખાણી પાસે એકાદું વાક્ય બોલાવવાની વાત તો દૂર રહી, તેનો ચહેરો પણ સરખો બતાવાયો નથી. આ ક્યુટનેસના કાર્નિવલમાં નથી કોઈ પાત્ર પ્રૉપર્લી લખાયું કે નથી એમાં કોઈ યાદગાર ડાયલૉગ.

દશેરાએ ભલે આ ફિલ્મનું ઘોડું દોડ્યું ન હોય, પરંતુ આપણે બૂરાઈને બદલે થોડી અચ્છાઈ પર ફોકસ કરીએ. શાહિદ-આલિયાની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રી મસ્ત લાગે છે. એક બાપ અને બે દીકરીઓ વચ્ચેની સ્ટોરી ઘણે અંશે હૈયે થપ્પો કરી જાય છે. કંઈક વિચિત્ર ટેસ્ટની હોવા છતાં કેટલેક ઠેકાણે આ ફિલ્મની કૉમેડી હસાવી પણ જાય છે. લૉજિક સાથે છેડા અડતા નથી, પણ અહીં સ્ત્રી કોઈ કૉમોડિટી નથી કે તે તેના બાહ્ય દેખાવની પણ મોહતાજ નથી એવો મેસેજ અપાયો છે એનો અડધો માર્ક મળી શકે.

શાનદાર મેસેજ, ઊંઘી જજો

‘શાનદાર’ ફિલ્મમાં શાહિદ અને આલિયા બન્નેને ઊંઘ ન આવવાની બીમારી છે અને તોય બન્ને આખી ફિલ્મમાં શાંતિથી ઊંઘતાં રહે છે. આ બન્ને સ્ટાર્સના ફૅન હો અથવા તો તહેવારમાં બચ્ચાંપાર્ટી સાથે આ ફિલ્મ જોવા જઈ ચડો તો તમારા માટે પણ આ જ ક્યુટ મેસેજ છે, મસ્ત ઊંઘ ખેંચી લેજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK