ફિલ્મ રિવ્યુ : સરબજિત

ટ્રૅજિક કહાની, ફિલ્મી ઝુબાની  :  ફિલ્મી રોનાધોના, ડાયલૉગબાજી અને ગીતોના ભાર હેઠળ અસલી સરબજિત સિંહની ટ્રૅજિક વાતની ઇમ્પૅક્ટ દબાઈ ગઈ છે


randeep hooda


જયેશ અધ્યારુ

કોઈ મુદ્દો મીડિયામાં અતિશય ચર્ચાયેલો હોય છતાં એના પરથી ફિલ્મ બનાવવાનું સળગતું હાથમાં લો ત્યારે દર્શક તરીકે આપણી અપેક્ષા હોય કે ચાલો કંઈક નવી વાત જાણવા મળશે, ક્યાંય ચર્ચાયા નથી એવા સવાલોના જવાબ મળશે. પરંતુ ઓમંગ કુમારની ‘સરબજિત’ ફિલ્મને આવા એકેય સવાલોના જવાબો શોધવામાં નહીં બલકે આપણને બાલટી ભરીને રડાવવામાં જ રસ છે. જાણે સરબજિત સિંહનું વિકીપીડિયા પેજ વાંચીને બનાવી નાખી હોય એમ આ ફિલ્મ એકેય નવી વાત કહેતી નથી. ઉપરથી છેક ફિલ્મના પહેલા સીનથી લઈને છેલ્લા સીન સુધી બધે જ ઠેકાણે સરબજિતની બહેન દલબીર કૌર જ છવાયેલી છે. એ હિસાબે તો ફિલ્મનું નામ ‘દલબીર’ જ રાખ્યું હોત તોય ચાલી જાત.

પિંજરની આરપાર


બે દીકરીઓનો બાપ, ભાઈ અને ગરીબ ખેડૂત સરબજિત સિંહ (રણદીપ હૂડા) ઈ. સ. ૧૯૯૦ની એક રાતે દારૂના નશામાં બૉર્ડર ક્રૉસ કરીને પાકિસ્તાન પહોંચી જાય છે. ત્યાં તેને કોઈ ભળતા જ નામે પકડીને બૉમ્બ-બ્લાસ્ટનો આરોપી તથા ભારતીય જાસૂસ બનાવી દેવાય છે. આ બાજુ સરબજિતને શોધવા માટે તેની બહેન દલબીર (ઐશ્વર્યા રાય), પત્ની સુખપ્રીત (રિચા ચઢ્ઢા) અને ગામલોકો આકાશ-પાતાળ એક કરી નાખે છે. મહિનાઓ પછી ખબર પડે છે કે તે તો પાકિસ્તાની જેલમાં છે. ત્યારથી તેને છોડાવવા માટે દલબીર માંઝી જેવું જ ભગીરથ કામ હાથમાં લે છે. ફાંસીની સજા પામેલો સરબજિત દુનિયાભરમાં ચર્ચાય છે. બહેન દલબીર પરિવાર સાથે ભાઈ સુધી પહોંચે છે, પણ...

ઝરા આંખ મેં ભર લો પાની


લુચ્ચા પાકિસ્તાને સરબજિતને પકડીને તેના પર અત્યંત ગંભીર આરોપો લગાવેલા. એ વાતમાં હકીકત કેટલી હતી તે ક્યારેય બહાર આવવાનું નથી, પરંતુ બીજી માનવીય હકીકત એ છે કે તેણે પોતાની જિંદગીના અઢી દાયકા અમાનુષી ત્રાસની વચ્ચે પાકિસ્તાની જેલમાં કાઢી નાખ્યા અને એવા જ કરુણ મોતે મર્યો. એ સ્ટોરી ગ્લિસરિનની બૉટલની મદદ વગર પણ રડવું આવે એવી ટ્રૅજિક છે. પરંતુ અગાઉ ફિલ્મી મૅરી કૉમ બનાવી ચૂકેલા ઓમંગ કુમારને આપણી સંવેદનશીલતા પર કદાચ ભરોસો નહીં હોય એટલે એક તો તેમણે પર્પલ હોઠવાળી ઐશ્વર્યાને કાસ્ટ કરી અને તેની લાલ આંખો કરીને તેને પંજાબની પાંચેય નદીઓમાં પૂર આવી જાય એટલી રડાવી. ઐશ્વર્યાનો પ્રૉબ્લેમ એ છે કે તે હવે સતત તાર સપ્તકમાં જ બોલે છે. ડિરેક્ટર ઓમંગ કુમારે તેને બૉર્ડર પરથી ચીસો પડાવીને છેક કોટ લખપત જેલ સુધી તેનો અવાજ ન પહોંચાડ્યો એ જ ગનીમત છે. અભિષેક બચ્ચનની જેમ હવે ઐશ્વર્યાની દર બીજી ફિલ્મ પણ કમબૅક ફિલ્મ જ ગણાય છે. એ કારણ હોય કે ગમે તે, પણ અહીં દિલ્હીથી લાહોર વાયા પંજાબ બધે ઐશ્વર્યા જ છવાયેલી છે. સરબજિતને શોધવાનું કામ પણ પિતા તેને જ સોંપે, ટપાલો પણ તે જ લખે, દિલ્હીની હડિયાપટ્ટી અને આંદોલનો પણ તે જ કરે. એ તો ઠીક, પણ જાણે દુ:ખ પણ તેને એકલીને જ થાય. આ હરિકેન ઐશ્વર્યામાં રિચા ચઢ્ઢા જેવી પાવરફુલ ઍક્ટર રીતસર પરાણે દબાયેલી લાગે છે. તેનું પાત્ર શું કામ દબાયેલું રહે છે એવી કોઈ ચોખવટ નથી. ઐશ્વર્યાનો કલબલાટ જોઈને આપણને સતત એવી બીક લાગ્યા કરે કે હમણાં રિચા ચઢ્ઢાનું મગજ જશે અને તે ઐશ્વર્યા કરતાંય મોટા અવાજે બૂમાબૂમ કરી મૂકશે. સૌથી ખરાબ બાબત એ છે કે આટલી રડારોળ છતાં, ધોળા વાળ-ચશ્માંના મેકઅપ છતાં, અવાજના ટોનમાં બદલાવ છતાં ઐશ્વર્યાની ઍક્ટિંગ-પીડા નૅચરલ લાગતી નથી. ઊડીને સીધી આંખમાં ખૂંચી જાય એવી વાત એ છે કે ઉંમર ખાલી ઐશ્વર્યાની જ દેખાય છે, રિચા ચઢ્ઢા તો જાણે પતંજલિની પ્રોડક્ટ વાપરતી હોય એમ ગોરી ચિટ્ટી જ રહે છે. કદાચ મેકઅપનું ફોકસ પણ ઍશ જ રહી છે.

પણ બૉસ, રણદીપ હૂડા અત્યારે કોહલી જેવા સુપર ફૉર્મમાં છે. અહીં એક સેકન્ડ માટે પણ તે સરબજિતના કૅરૅક્ટરમાંથી બહાર નીકળતો નથી. જેલમાં તેના પર થતું ખોફનાક ટૉર્ચર, વર્ષોની યાતના પછી તેનાં શરીર, અવાજ અને બૉડી-લૅન્ગ્વેજમાં આવતું પરિવર્તન એ બધું જ જેન્યુઇન લાગે છે. સરબજિતનો પરિવાર જ્યારે તેને વર્ષો પછી પહેલી વાર જેલમાં મળવા આવે છે એ આખી ફિલ્મનો બેસ્ટ સીન છે. પરિવાર આવે એ પહેલાંની તેની તૈયારીઓ, એ મેળાપ વખતના સંવાદો બધું જ (ઐશ્વર્યાની હાજરી છતાં) હચમચાવી મૂકે એવું છે. એ સીનમાં સરબજિતની પત્ની અને બન્ને દીકરીઓ પણ હાજર છે, છતાં કેન્દ્રમાં તો ઍશ જ રહે છે. ઈવન સીટિંગ-અરેન્જમેન્ટ પણ એવી જ છે.

આપણા ફિલ્મકારો કદાચ એવું માને છે કે લાગણીઓને ગીતમાં રજૂ નહીં કરીએ તો આ દેશના પાષાણહૃદયી લોકો કદાચ સમજશે જ નહીં. એટલે જ જન્મ, લગ્ન, પીડા, એકલતા, વિરહ, દુવા બધા માટે એકેક ગીત ઠાલવ્યું છે. એને કારણે આપણનેય આ ફિલ્મ સરબજિતની સજા જેવી જ લાંબી લાગવા માંડે છે.

આ ફિલ્મનું ફલક અઢી દાયકામાં પથરાયેલું છે. એટલે વીતતો સમય તથા એની સાથે ઘટતી ઘટનાઓ સરબજિતના કેસ પર કેવી અસર પાડે છે એ માટે પોખરણનાં પરમાણુ-પરીક્ષણ, સંસદ પરનો તથા ૨૬/૧૧નો તાજ પરનો હુમલો, કસબ-અફઝલ ગુરુની ફાંસી વગેરેના ન્યુઝ બતાવાય છે. આપણને મોટી સ્ક્રીન પર દૂરદર્શનનાં શમ્મી નારંગ અને કાવેરી મુખરજી જેવાં વીતેલા યુગનાં ન્યુઝરીડરને જોઈને ઑથેન્ટિક હરખ પણ થાય, પરંતુ ટાઇમલાઇનની જેમ ફટાફટ બનતી એ ઘટનાઓ વીતતાં વર્ષોનો આભાસ કરાવતી નથી. જાણે વિકીપીડિયા પેજમાં હોય એટલે નેતા, ઍક્ટિવિસ્ટો, વકીલનાં પાત્રો અચાનક ફૂટી નીકળે. ફૉર એક્ઝામ્પલ, અગાઉ ‘મૅરી કૉમ’ અને ‘ફ્ણ્૧૦’ માં દેખાયેલો દર્શન કુમાર અહીં સરબજિતના પાકિસ્તાની વકીલ અવૈસ શેખના રોલમાં છે. દેશવાસીઓનો વિરોધ વેઠીને પણ તે સરબજિત માટે લડે છે. શા માટે એ આ ફિલ્મ કહેતી નથી. હા, આ ફિલ્મના પ્રમાણમાં ક્યાંય સારો એવો તેનો એક સુપર સટાયરિકલ સીન છે જેમાં તે પોતાનું જ પૂતળું બાળે છે. આખી ફિલ્મમાં એવી સ્માર્ટનેસ ક્યાંય નથી.

ભાઈને બચાવવા નીકળેલી ઐશ્વર્યા અચાનક કૅરિકેચરિશ મીડિયાની સામે બે દેશની એકતાની વાતો કરવા માંડે અને અચાનક ત્યાંના સિક્યૉરિટી ગાર્ડને પણ ‘ગદર’ના સની દેઓલની સ્ટાઇલમાં હાકલી નાખે ત્યારે થાય કે અમાં યાર, યે કુછ ઝ્યાદા હો ગયા!

ફેંસલો તમારો


માત્ર રણદીપ હૂડાની ઍક્ટિંગ અને અમુક દૃશ્યોને બાદ કરતાં બાકીની ફિલ્મ વેઠવા માટે તમારે રૂનાં બે પૂમડાં અને એક સારામાંના રૂમાલની જરૂર પડશે. ફિલ્મને અંતે વાસ્તવિક સ્થિતિ બયાન કરતી કેટલીક ફૅક્ટની સાથોસાથ મહાનતાથી છલકાતો ડિરેક્ટરનો ક્વોટ પણ ડિસ્પ્લે થશે જેના પર વિશ્વાસ કરવા માટે તમારાં આંસુડાંથી ભીનો થયેલો રૂમાલ કામમાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK