ફિલ્મ-રિવ્યુ : સાલા ખડૂસ

મદ્રાસની મૅરી કૉમ - ટિપિકલ અન્ડરડૉગની સ્ટોરી કહેતી આ ફિલ્મમાં કંઈ કહેતાં કંઈ જ નવું નથી

saala khadus


જયેશ અધ્યારુ

આપણે ત્યાં સ્પોર્ટસના બૅકડ્રૉપમાં કોઈ ફિલ્મ બને એટલે એમાં સ્વાભાવિક રીતે જ અન્ડરડૉગની વાર્તા આવી જાય છે. અન્ડરડૉગ એટલે એવું પાત્ર જેના સફળ થવાની કોઈએ આશા રાખી ન હોય અને છતાં તે તમામ અવરોધોને ઓળંગીને પણ સફળ થઈને બતાવે. આંગળીને વેઢે ગણવા બેસો એટલે ધડાધડ ‘જો જીતા વોહી સિકંદર’, ‘ચક દે ઇન્ડિયા’, ‘લગાન’, ‘ઇકબાલ’, ‘હવાહવાઈ’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મૅરી કૉમ’ યાદ આવી જાય. આર. માધવન સ્ટારર ‘સાલા ખડૂસ’ પણ આ જ કૅટેગરીની ફિલ્મ છે. લોચો એ છે કે ડિરેક્ટર સુધા કોંગરાએ જાણે ‘મૅરી કૉમ’ની રીમેક બનાવી હોય એમ એમાં કશું જ નવું કરવાનો પ્રયાસ કર્યો નથી.

કડવા લીમડે વઘારેલું કારેલું

એક છે અદી તોમર (આર. માધવન). વીતેલાં વર્ષોનો બૉક્સર અને અત્યારનો કોચ. તેની કરીઅરમાં દેવ ખત્રી (ઝાકિર હુસેન) નામના બીજા એક ખેલાડીએ એવી ફાચર મારી કે અદી હંમેશ માટે ઇત્યાદિ થઈ ગયો. ત્યારથી તે કાયમ આકરે પાણીએ જ રહે છે. ઈવન તેની પત્ની પણ તેને છોડીને જતી રહી છે. ફિલ્મી પડદાનો ઝાકિર માધવન પર તબલાની એવી થાપ મારે છે કે માધવન બિચારો હરિયાણાથી સીધો ચેન્નઈ જઈને પડે છે. પરંતુ ત્યાં તેને પોતાની જ ફોટોકૉપી જેવી એક ટૅલન્ટેડ છોકરી દેખાય છે. એ છોકરી એટલે મદી (રિતિકા સિંહ). તેની મોટી બહેન લક્ષ્મી (મુમતાઝ સરકાર, જાદુગર પી. સી. સરકારની દીકરી) બૉક્સિંગ શીખે અને મદી માછલી વેચે. મદીનો મિજાજ પણ લાલ મરચા જેવો. તેના મુક્કાનો પ્રહાર જોઈને અદી-ઇત્યાદિને લાગ્યું કે આ છોકરીમાં દમ છે. બસ, બૉક્સિંગનાં ગ્લવ્ઝ પહેરીને અશક્યને શક્ય બનાવવાની જદ્દોજહદ શરૂ. પણ ફિલ્મના વિલન એમ કંઈ મંજીરાંની જોડ લઈને થોડા બેસી રહે?

નયા ક્યા હૈ, બાંગડુ?

આ ફિલ્મની ડિરેક્ટર સુધા કોંગરાએ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ૨૦૦૬માં જ્યારે ભારતની ટીમ વલ્ર્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ સહિત આઠ મેડલ જીતી ત્યારથી આ વાર્તા તેમના મગજમાં ચામાચીડિયાની જેમ ઘૂમરાતી હતી. ફાઇન, પરંતુ લોચો એ છે કે એ પછી તો પ્રિયંકા ચોપડાએ પણ બૉક્સિંગ-ગ્લવ્ઝ પહેરીને ‘મૅરી કૉમ’ બનીને મુક્કાબાજી કરી લીધી. એના માંડ દોઢ વર્ષ પછી જ તમે ફરી પાછી બૉક્સિંગ પર જ અન્ડરડૉગ ફિલ્મ બનાવો અને એમાં કશું જ નવું ન હોય તો તમારો પ્રયાસ ગમે તેટલો પ્રામાણિક હોય, વેજિટેરિયન લોકોય તમારા પર માછલાં જ ધુએ. આર. માધવને આ ફિલ્મ માટે બૉડી બનાવવામાં જેટલો પરસેવો પાડ્યો છે એટલો જો સુધાબહેને વાર્તા પાછળ પાડ્યો હોત તો આ ફિલ્મ એકદમ નૉકઆઉટ પન્ચવાળી બની શકી હોત.

હા, એક વાત બન્ને કાનની બૂટ પકડીને સ્વીકારવી પડે કે આ ફિલ્મનો આત્મા એની જગ્યાએ યથાવત્ છે. એટલે જ કોચ માધવન હોય કે તેની શિષ્યા રિતિકા હોય, બધાં જ પાત્રો આપણને ફિલ્મી નહીં બલકે વાસ્તવિક લાગે છે. ઈવન ફિલ્મમાં ‘મૅરી કૉમ’ જેવો લાર્જર ધૅન લાઇફ બનવાનો ભાર પણ વર્તાતો નથી. લાંબા વાળ-દાઢી અને ગઠ્ઠેદાર બૉડીવાળા માધવનનો ક્યુટનેસ-ક્વૉશન્ટ દિવસે ને દિવસે વધતો જાય છે. પ્રૉબ્લેમ માત્ર એટલો જ છે કે માધવન જ્યારે ગુસ્સામાં આવીને ધાણીફૂટ હિન્દી બોલે છે ત્યારે કેટલાય સંવાદો કાગળના વિમાનની જેમ ઉપરથી જતા રહે છે.

ફિલ્મમાં મદી બનતી રિતિકા સિંહને ભલે માધવને ફિલ્મમાં શોધી કાઢી હોય, પણ તે રિયલ ટૅલન્ટ છે. એક તો રિતિકા મિક્સ્ડ માર્શલ આર્ટસની સાચકલી ખેલાડી છે એટલે તે જ્યારે દોડે છે, પન્ચ મારે છે ત્યારે તે એકદમ જેન્યુઇન લાગે છે. ફિલ્મમાં તેનો બિન્દાસ ઍટિટ્યુડ પણ જોવો ગમે છે. આ છોકરીમાં એક રૉ સેક્સઅપીલ છે. આ કૉમ્બિનેશન તેને ઍક્શનપૅક્ડ રોલ માટે પર્ફેક્ટ કૅન્ડિડેટ બનાવી દે છે, બશર્તે તેને કોઈ સારો રોલ ઑફર થાય.

ફિલ્મની મોટા ભાગની સ્ટોરી એના ટ્રેલરમાં જ બતાવી દેવાનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં ખૂટતી કડીઓ સ્માર્ટ દર્શકો જાતે જ જોડી લે છે અને મેકર્સે પછી એમાં કંઈક નવું આપવું અનિવાર્ય બની જાય છે. અનફૉર્ચ્યુનેટલી ‘ચક દે ઇન્ડિયા’ અને ‘મૅરી કૉમ’એ જે લીટી તાણી છે એનાથી બહારનું અનએક્સપેક્ટેડ કશું જ આ ફિલ્મ આપતી નથી. માત્ર બે બહેનો વચ્ચેનો સિબલિંગ રાઇવલરીનો એકમાત્ર ટ્વિસ્ટ અહીં નવો છે (જે અગેઇન આપણે ‘બ્રધર્સ’માં જોયેલો). ઈવન જેમણે બૉક્સિંગ પર જ બનેલી હૉલીવુડની ‘મિલ્યન ડૉલર બેબી’ ફિલ્મ જોઈ હશે તેમને અહીં ‘સાલા ખડૂસ’માં માધવન-રિતિકાના આલિંગનના સીનમાં પણ એની છાયા દેખાશે.

રાજકુમાર હીરાણી અને આર. માધવને મળીને પ્રોડ્યુસ કરેલી ‘સાલા ખડૂસ’ એક અંગ્રેજી ફિલ્મને પણ લઘુતાગ્રંથિ લાવી દે એવી માત્ર ૧૦૯ મિનિટની જ છે. એનો ફાયદો એ થયો છે કે આપણે કંટાળીએ ત્યાં તો ફિલ્મ પૂરી થયેલી જાહેર કરી દેવાય છે. વળી ક્લાઇમૅક્સમાં શું થવાનું છે એ વિશે પણ ઝાઝું વિચારવાને અવકાશ રહેતો નથી (અગેઇન, પ્રિડિક્ટેબલ). હા, અહીં દર બીજી-ત્રીજી ફિલ્મોમાં જોવા મળતાં ટિપિકલ લોકેશનોને બદલે ચેન્નઈના દરિયાકિનારે આવેલી મચ્છી માર્કેટ, હિમાચલના ધરમશાલાનાં લોકેશન જોવાં ગમે ખરાં.

‘સાલા ખડૂસ’ એકસાથે તામિલ અને હિન્દીમાં બનાવવામાં આવી છે. એટલે જ એમાં નાસિર જેવા દક્ષિણના સિનિયર કૅરૅક્ટર ઍક્ટર દેખાયા છે. ફિલ્મમાં ઝાકિર હુસેન, એમ. કે. રૈના જેવા મંજાયેલા અને સ્વાનંદ કિરકિરે જેવા શૌકિયા અભિનેતાઓ છે; પરંતુ ફિલ્મ જોઈને જેના નામે પાર્ટી આપી શકાય એવો પર્ફોર્મન્સ એકેયનો નથી. એક તો આ ફિલ્મ એક્સાઇટમેન્ટના લેવલે સરેરાશથી ઉપર જઈ શકતી નથી ત્યાં ગ્રહણ ટાણે સાપ કાઢતા હોય એમ દલા તરવાડી સ્ટાઇલમાં એક પછી એક પાંચેક ગીતો ઠપકારી દીધાં છે. એને કારણે ફિલ્મ સાવ શિયાળાના પાણી જેવી થઈ જાય છે.

ફાઇનલ પન્ચ


કહે છે કે દરેક વ્યક્તિની અંદર એક અન્ડરડૉગ પડેલો જ હોય છે. એટલે જ આવી લાખ અવરોધોને પાર કરીને સફળ થવાની વાર્તા કહેતી ફિલ્મ નસ-નસમાં પ્રેરણાનાં ઇન્જેક્શન આપે એવી હોવી જોઈએ. અફસોસ કે આવું કોઈ પ્રોત્સાહન કે રોમાંચ આ ફિલ્મ આપી શકી નથી. ફિલ્મના ટ્રેલરમાં સ્પોર્ટસમાંથી પૉલિટિક્સ હટાવવાની જે વાત કરેલી એને પણ માત્ર અડકીને ભૂલી જવામાં આવી છે. આખી ફિલ્મના બે જબ્બર પ્લસ-પૉઇન્ટ હોય તો એ છે માધવન અને રિતિકાના પર્ફોર્મન્સ. જોકે એના માટે કંઈ થિયેટર સુધી લાંબા ન થઈએ તો ચાલે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK