જાણો કેવી છે અક્ષય કુમારની ફિલ્મ ‘રૂસ્તમ’

બેદાગ હીરોપન, અક્ષયકુમારનો ડિપેન્ડેબલ પર્ફોર્મન્સ પણ આ ફિલ્મને હાસ્યાસ્પદ બનતાં રોકી શક્યો નથી

rustom

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

હમણાંથી આપણે ત્યાં રિયલ લાઇફ-સ્ટોરીમાં ફિલ્મી મસાલા ભભરાવીને એને કાલ્પનિક કથા તરીકે પધરાવી દેવાનો સીઝનલ ધંધો શરૂ થયો છે. ડર તો એ છે કે અત્યારે કોઈ ગાંધીજીની બાયોપિક બનાવે તો એનેય ફિક્શનમાં ઠઠાડી દેવામાં આવે. એવા ફિલ્મી રોગચાળામાં આવી વધુ એક ફિલ્મ ‘રુસ્તમ’ રિલીઝ થઈ છે. સોશ્યલ મીડિયાના પ્રતાપે હવે સૌ જાણે છે કે ઈ. સ. ૧૯૫૯માં ભારતીય નૌકાદળના કમાન્ડર કાવસ માણેકશા નાણાવટીની લાઇફમાં બનેલા ઘટનાક્રમ પરથી આ ફિલ્મ બની છે. અગાઉ આ જ કેસ પરથી સુનીલ દત્ત સ્ટારર ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ અને ગુલઝારની વિનોદ ખન્ના સ્ટારર ‘અચાનક’ જેવી બે ફિલ્મો બની ચૂકી છે. પરંતુ અક્ષયકુમારને લઈને આ કેસ પરથી કોઈ ફિલ્મ નહોતી બની એટલે હવે નવું વર્ઝન પેશ છે. ભારતીય ન્યાયતંત્રને હલાવી નાખનારો આ એવો કેસ હતો જેના ચુકાદા પછી ભારતમાં જ્યુરી સિસ્ટમનાં પાટિયાં પડી ગયાં.

દિલ, દગો, દેશ અને દાઝ

કમાન્ડર રુસ્તમ પાવરી (અક્ષયકુમાર) નૌકાદળનો એવો અપરાઇટ ઑફિસર છે જે ભરવરસાદમાં રેઇનકોટ પર્હેયા વગર બહાર નીકળે તોય તેની વરદી અને તેના કૅરૅક્ટર પર એકેય દાગ ન લાગે. દેશની સેવા કરવા તે થોડા મહિના દરિયો ખેડવા ગયો એમાં પાછળ તેની રૂપાળી પત્ની સિન્થિયા (ઇલિયાના ડિક્રુઝ)ને કાદવના કૉન્ટ્રૅક્ટર જેવા વિક્રમ મખીજા (અરજન બાજવા) પ્રત્યે કૂણી લાગણીઓ થઈ ગઈ. બસ, આ વાતની રુસ્તમને ખબર પડી એટલે તેણે મખીજાને ભડાકે દીધો અને પોતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. પછી શરૂ થયો કોર્ટકેસનો સિલસિલો. રુસ્તમે ખરેખર સ્વબચાવ માટે ગોળીબાર કરેલો કે પછી ઠંડા કલેજે મખીજાનું મર્ડર કરેલું? પબ્લિક અને મીડિયા ખુલ્લેઆમ રુસ્તમના સપોર્ટમાં હતાં. બીજી બાજુ રુસ્તમના કડક ચહેરા પાછળ કેટલાંય રહસ્યો છુપાયેલાં હતાં.

ફૅક્ટ, ફિક્શન, ફારસનો ફજેતફાળકો

અંકે ૧૫૦ મિનિટની આ ફિલ્મના પહેલા જ દૃશ્યમાં મનોજ બાજપાઈ અદૃશ્ય રહીને આકાશવાણી કરે છે કે અત્યારે ઈ. સ. ૧૯૫૯નું વર્ષ ચાલી રહ્યું છે. મુંબઈ-ગુજરાત અલગ નથી થયાં અને થિયેટરમાં રાજ કપૂરની ‘અનાડી’ ફિલ્મ ચાલી રહી છે. સાડાપાંચ દાયકા પહેલાંનું એ મુંબઈ જોવાની મજા પડે છે. રસ્તા ખાલી છે, ટ્રામ-ડબલડેકર બસો આમતેમ દોડી રહી છે. પરંતુ આંખ સહેજ ઝીણી કરીને જોઈએ તો ખ્યાલ આવી જાય છે કે આ તો નબળા કમ્પ્યુટર ગ્રાફિક્સથી સર્જા‍યેલું મુંબઈ છે, જે વાસ્તવિક લાગવાને બદલે કોઈ જૂના ફોટોગ્રાફમાં દેખાતું હોય એવું જ લાગે છે. એ પછી ફિલ્મમાં જ્યારે પણ મરીન ડ્રાઇવ, દિલ્હી ઍરપોર્ટ, એ વખતનું વિમાન વગેરે દૃશ્યો આવે છે ત્યારે દરેક વખતે કાચા કામના કમ્પ્યુટર કારીગરોના રફૂકામનાં થીગડાં સ્પક્ટ તરી આવે છે. જોકે આ ફિલ્મ શીખવે છે કે એ વખતના મુંબઈમાં બધું ભડક રંગનું જ હતું-એક્સ્ટ્રા ઑરેન્જ આકાશ, એક્સ્ટ્રા ગ્રીન ઘાસ, લીલા-પીળા-બ્લુ રંગની દીવાલો, સોફાસેટના કાપડમાંથી કરાવ્યાં હોય એવાં રંગ-ડિઝાઇનનાં અરજન બાજવાનાં ભડકાઉ કપડાં, લીલા રંગની કાર, ઇલિયાનાના સતત લાલ રહેતા ગાલ અને રુસ્તમ સાહેબની ટાઇડ વૉશિંગ પાઉડરની જાહેરખબર જેવી બેદાગ ગોરાપનવાળી ક્રિસ્પ વરદી.

પરંતુ આ બધું વિચારવાનો સમય તમને ઇન્ટરવલ પછી મળે છે. એ પહેલાં તો ફિલ્મ જડબેસલાક થ્રિલરની જેમ જ આગળ વધે છે. રુસ્તમની પત્ની ભલે પોતાના પતિને વફાદાર ન રહી હોય, પરંતુ ફિલ્મ થ્રિલને વફાદાર રહીને ધડાધડ ભાગતી રહે છે. ક્રાઇમનું કારણ, તૈયારી, ક્રાઇમ સીન અને તાજા શેકેલા પાપડ જેવા કડક પોલીસ-ઑફિસર પવન મલ્હોત્રા દ્વારા કરાતું ઇન્વેસ્ટિગેશન. પોલીસ-સ્ટેશનમાં પૂછપરછના એ સળંગ લાગતા સીનમાં કૅમેરા સતત આમથી તેમ ફરતો રહે અને પાત્રો બદલાતાં જાય એ જોવાની પણ મજા પડે છે. ઇન્ટરવલમાં અનિવાર્ય કામકાજ ફટાફટ પતાવીને એક રામપુરી ચપ્પુ જેવો ધારદાર કોર્ટરૂમ ડ્રામા જોવા મળશે એવી ઉત્સુકતાથી પાછા આપણી સીટ પર ગોઠવાઈ જઈએ.

ત્યારે જાણે એ જ કલાકારો સાથે ભળતી જ ફિલ્મ શરૂ થઈ ગઈ હોય એવો આઘાત લાગે. અગાઉની અત્યંત ગંભીર ફિલ્મ કોઈ ફૂવડ ફારસમાં પલટાઈ ગયેલી માલૂમ પડે. સચિન ખેડેકર, અનંગ દેસાઈ, કુમુદ મિશ્રા જેવા અત્યંત ટૅલન્ટેડ કલાકારો પાસે જાણે કોઈ ફાલતુ પ્રહસનની સ્ક્રિપ્ટ આવી ગઈ હોય એમ ફૂવડ હસાહસી શરૂ થઈ જાય છે. દર પંદરમી સેકન્ડે સચિન ખેડેકર ભારતની સાચકલી કોર્ટો કરતાં ફિલ્મી કોર્ટોમાં વધારે વાર બોલાયેલું ઑબ્જેક્શન મિલૉર્ડ બોલે અને જજ અનંગ દેસાઈ ડસ્ટર પછાડીને તેમને બેસાડી દે. આ કૉમેડી ફિલ્મના અંત સુધી ચાલુ રહે છે. ડિરેક્ટર ટીનુ દેસાઈ અને રાઇટર વિપુલ રાવલને હજી આટલેથી સંતોષ ન થયો હોય તેમ જ્યુરીને એક રૂમમાં બેસાડીને ભારતીય સિનેમાની આઇકૉનિક ફિલ્મ ‘એક રુકા હુઆ ફૈસલા’ની પૅરડી બનાવવાનું શરૂ કરી દેવાય છે.

રિયલમાં બનેલા નાણાવટી કેસમાં જ એટલો મસાલો હતો કે એના પરથી એક અફલાતૂન સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ બની શકી હોત. પરંતુ એ આંટીઘૂંટીઓ એક્સપ્લોર કરવાને બદલે અહીં રાઇટર-ડિરેક્ટર, બધાં કૅરૅક્ટર્સ સૌ રુસ્તમ ઝિન્દાબાદનું કૅમ્પેન ચલાવવા નીકળ્યા હોય એવું લાગે છે. હકીકતમાં જે રીતે પ્રચંડ પબ્લિક ઓપિનિયને જ્યુરીને ઝુકાવી દીધેલી અને લીગલ સિસ્ટમ સામે સવાલો ઊભા થયેલા એવું કશું અહીં દેખાતું નથી. ફિલ્મમાં દેખાતા પારસીઓ તદ્દન કૅરિકૅચરિશ અને કોર્ટની બહાર એકઠાં થયેલાં ટોળાં મૅનેજ કરેલાં દેખાઈ આવે છે. જે રીતે હકીકતમાં કોર્ટની બહાર નાણાવટી રિવૉલ્વર અને આહુજા ટૉવેલ વેચાતાં થયેલાં અને બ્લિટ્ઝ અખબાર આઠ ગણી કિંમતે વેચાતું હતું એ બધું અહીં પણ છે, પરંતુ તદ્દન હાસ્યાસ્પદ બની રહ્યું છે. અરે, કોર્ટમાં જે રીતે નકામી લાઇનો પર પણ તાળીઓ વાગતી અને ફાલતુ દલીલો થતી બતાવાઈ છે એ પણ ગળે ઊતરે એવું નથી. વળી એકેય ઍન્ગલથી પારસી ન લાગતા અક્ષયકુમારને હીરો બનાવવાની લાલચમાં પવન મલ્હોત્રા જેવા મહાટૅલેન્ટેડ ઍક્ટરના ભાગે બોલપેનની ટકાટકી કરવા સિવાય કશું જ કામ આવ્યું નથી. જો તમે અક્ષયકુમારની છેલ્લી થોડી ફિલ્મો ઑબ્ઝર્વ કરી હોય તો આ ફિલ્મનું સસ્પેન્સ તમે અડધી ફિલ્મે જ આબાદ કળી શકો.

સ્થાયી ભાવ

ડિરેક્ટરે બધા જ કલાકારોને તેમના પાત્રની સાથે એક સ્થાયી એક્સપ્રેશન પકડાવી દીધું છે. જેમ કે અક્ષયનો હું દેશપ્રેમી નંબર-૧ છું; મને કશો ફરક પડતો નથી લુક, ઇલિયાનાનો હવે નહીં કરું; સૉરી લુક, અરજન બાજવાનો પ્રેમ ચોપડા લુક, ઇશા ગુપ્તાનો નાદિરા લુક, તેલ નાખીને માથું ઓળેલા પવન મલ્હોત્રાનો મને આવા રોલ જ શું કામ મળે છે લુક, અનંગ દેસાઈ-સચિન ખેડેકરના ‘ખિચડી’ના બાબુજી-પ્રફુલ ટાઇપના લુક, ગંદી વિગ-ગંદા યુનિબ્રો સાથેના કુમુદ મિશ્રાનો પારસીઓ તો ડીકરા એવું જ બોલેને લુક, ઉષા નાડકર્ણીનો મારો અવાજ અર્નબ ગોસ્વામી કરતાંય મોટો છે લુક વગેરે.

વાસ્તવિકતા સ્વીકારો

એક ગંભીર સ્ટોરીને હાસ્યાસ્પદ બનાવી દેનારા ‘રુસ્તમ’ના ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈએ કહેલું છે કે આ ફિલ્મ નાણાવટી મર્ડરકેસ પરથી બનેલી નથી. અચ્છા? એટલે બન્ને કેસની વિગતો, ઘટનાક્રમ, સમયગાળો સરખાં જ છે એ યોગાનુયોગ છે? મુખ્ય પાત્ર પારસી નેવી ઑફિસર, રિયલ લાઇફની સિલ્વિયા અહીં સિન્થિયા હોય, જેની હત્યા થઈ તે સિંધી પ્રેમ આહુજા અહીં વિક્રમ મખીજા હોય, બ્લિટ્ઝના રુસી કરંજિયા અહીં એરચ બિલિમોરિયા હોય, ફિલ્મમાં ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર વિન્સેન્ટ લોબો રિયલ લાઇફના જૉન લોબો પરથી આવ્યા હોય (અને જેમને બે દિવસ પહેલાં અક્ષયકુમાર મળી પણ આવ્યો હોય), બ્લિટ્ઝની ફેમસ હેડલાઇન ‘થþી શૉટ્સ ધૅટ શૂક ધ નેશન’ આ ફિલ્મની ટૅગલાઇન હોય છતાં માત્ર ફિલ્મમાં મનગમતા મસાલાની છૂટછાટ મેળવવા તથા કાયદાકીય ગૂંચમાં ન ફસાવું પડે એટલા માત્રથી વાસ્તવિકતાનો ઇનકાર કરવાનો? આપણા ફિલ્મમેકરોએ ચપટીક તો ગંભીર થવું પડે કે નહીં?

સ્ટાર પાવર

સીધી વાત છે. ભલે જૂની, પરંતુ એક સરસ સ્ટોરીને નવેસરથી એક્સપ્લોર કરવાને બદલે તદ્દન વેડફી નાખવામાં આવી છે. માત્ર અક્ષયકુમારનો સ્ટાર પાવર આ ફિલ્મને સહ્ય બનાવે છે. સત્વહીન ટ્રીટમેન્ટ, નકામી કૉમેડી અને પરાણે ઘુસાડેલાં ગીતોને કારણે હાસ્યાસ્પદ બની રહેલી આ ઠીકઠાક ફિલ્મ થિયેટરમાં ટિકિટના ભાવ નૉર્મલ થાય પછી ગમે ત્યારે જોઈ શકાય. હા, તમે હૃદયનો એક ખૂણો અક્ષયકુમારના નામે ૯૯ વર્ષના ભાડાપટ્ટે લખી આપ્યો હોય તો વાત અલગ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK