ફિલ્મ-રિવ્યુ : રૉય

તમે ફ્લિપકાર્ટ પર મોબાઇલ ઑર્ડર કર્યો હોય અને બૉક્સ ખોલ્યા પછી અંદરથી ઈંટ કે મોબાઇલનો માત્ર ફોટો જ નીકળે તો? બસ, આ રૉય ફિલ્મ જોતી વખતે આવી જ છેતરાઈ ગયાની લાગણી થાયજયેશ અધ્યારુ


‘રૉય’નું ટ્રેલર જોઈને લાગતું હતું કે આ તો કોઈ ચોર-પોલીસની મજા પડે એવી ફિલ્મ લાગે છે. એમાંય સુપર સ્ટાઇલિશ રણબીર કપૂર હોય એટલે બધાએ હડી કાઢીને ફિલ્મને બમ્પર ઓપનિંગ અપાવી દીધું. પરંતુ અંદર ઘૂસ્યા પછી ખબર પડી કે ચોરની થ્રિલિંગ વાર્તાનું તો કોટિંગ માત્ર હતું, અંદર તો એક લેખકની વાર્તાસૃષ્ટ્રિની ફિલૉસૉફિકલ (વાંચો: બોરિંગ) વાતો જ હતી.

ચોર કરાયે બોર

કબીર ગ્રેવાલ (અર્જૂન રામપાલ) એક લેખક-ફિલ્મમેકર છે જેનાં જીવનમાં બે જ કામ છે - એક, દર મહિને ગર્લફ્રેન્ડ બદલવાનું અને બીજું, ટીવી પર એક રહસ્યમય ચોરના ન્યુઝ જોઈ-જોઈને તેના પરથી ફિલ્મો બનાવવાનું. આવી જ એક ફિલ્મ બનાવવા તે મલેશિયા જાય છે, ત્યારે ત્યાં તેને બીજી એક ફિલ્મમેકર આયેશા આમિર (જૅકલિન ફર્નાન્ડિસ) મળી જાય છે. તે ટેસ્ટમૅચ રમતો હોય એ રીતે નિરાંતે પ્રેમમાં પડે છે અને વાસ્તવિકતા અને કલ્પનાની ભેળપૂરી બનાવીને એક વાર્તા ઘડી કાઢે છે.

બતાઓ મત, દિખાઓ

પહેલી વાત, આ ફિલ્મ રણબીર કપૂરની છે જ નહીં. ટ્રેલરમાં ભલે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હોય, પણ રણબીરના ભાગે ગણીને વીસેક મિનિટનાં દૃશ્યો માંડ આવ્યાં છે. એમાંથી મોટા ભાગનાં તદ્દન નિસ્તેજ અને બોરિંગ છે. ‘રૉય’ ફિલ્મનો મુખ્ય હીરો અર્જૂન રામપાલ છે અને તે બડી તબિયતથી બોર કરે છે.

ફિલ્મમેકિંગનો એક શાશ્વત નિયમ છે, બોલ-બોલ ન કરો; તમારી પાસે કૅમેરા છે તો બતાવીને બતાડો. ‘રૉય’ના ફસ્ર્ટટાઇમ રાઇટર-ડિરેક્ટર વિક્રમજિત સિંહને આ વાતની ખબર જ લાગતી નથી. એટલે તેમણે જાણે કોઈ રેડિયો નાટક જોતા હોઈએ એવી બોલ-બોલ કર્યા કરતાં પાત્રોવાળી ફિલ્મ બનાવી કાઢી છે. રણબીર કપૂર આંતરરાષ્ટ્રીય ચોર છે એવું કહેવાયું છે, પણ આખી ફિલ્મમાં સમ ખાવા પૂરતું એક પાકીટ ચોરતો પણ તેને બતાવ્યો નથી. એટલે જ બિચારાએ દર બીજા સંવાદે ચોખવટ કરતા રહેવું પડે છે કે મૈં ચોર હૂં, ચોર. એક સ્માર્ટ ચોરમાં હોવી જોઈએ એવી શાર્પનેસ તેના પાત્રમાં ક્યાંય દેખાતી નથી. એને બદલે તે નોકરીની તલાશમાં રખડીને થાકેલા બેરોજગાર યુવાન જેવો વધારે લાગે છે.

ચકાચક પૉશ વસ્તુઓ બતાવવા માત્રથી જ જો સારી ફિલ્મ બની જતી હોત તો શૉપિંગ મૉલની જાહેરખબરોને જ ઑસ્કર મળતો હોત. આ ફિલ્મનાં પાત્રો પૉશ બંગલો-હોટેલમાં રહે છે, ડિઝાઇનર કપડાં પહેરે છે, લક્ઝરી કારમાં ફરે છે, મોંઘાદાટ શરાબ પીએ છે, સિગાર ફૂંકે છે. જાણે લોકલ ટ્રેનમાં ચર્ચગેટથી વિરાર અપડાઉન કરતા હોય એ રીતે ભારત-લંડન-મલેશિયા વચ્ચે ઊડાઊડ કરતાં રહે છે... પરંતુ ફિલ્મની વાર્તાને આગળ વધારવા માટે નકામી ફિલૉસૉફીઓ ફેંકવા સિવાય કશું જ કરતાં નથી.

પહેલી નજરે સ્ટાઇલિશ લાગતી આ ફિલ્મમાં એટલાબધા ચવાયેલા ક્લિશે નુસખા નાખવામાં આવ્યા છે કે ગણી-ગણીને થાકી જઈએ. લેખક ગમે તેટલો આધુનિક હોય, પણ બાબા આદમના જમાનાના ટાઇપરાઇટર પર જ લખે. અને જેટલું લખે એના કરતાં દસ ગણા વધારે કાગળના ડૂચા ચારેકોર વેરે. વળી એવો કયો ફિલ્મમેકર હશે જે કરોડો રૂપિયાનું મીટર ચડાવીને, આખી જાન જોડીને મલેશિયા શૂટિંગ માટે જાય અને ત્યાં જઈને શૂટિંગ કરવાને બદલે હજી ફિલ્મની વાર્તા લખતો હોય? ચવાઈ ગયેલો ઓવરકોટ અને હૅટ પહેરેલો ડિટેક્ટિવ ગામ વચાળે બાંકડે બેસીને બાઇનોક્યુલરમાંથી જોતો ચોરને શોધે? અને ચોર તેની બાજુમાં આવીને બેસી જાય ને ડિટેક્ટિવને ક્લાસિક સવાલ પૂછે, આપ કિસી કો ઢૂંઢ રહે હો? જૅકલિન ફિલ્મના શૂટિંગ માટે આવી હોવાનું જાણવા છતાંય અર્જૂન રામપાલ પેલીને હડપ્પીયન સંસ્કૃતિ વખતનો સવાલ કરે, ઇતને બડે એસ્ટેટ મેં અકેલી રહતી હો, આપકો ડર નહીં લગતા?

ક્યા તુમ સચ મેં વો હો જો લોગ કહતે હંૈ યા તુમ વો બનને કી કોશિશ કર રહે હો જો લોગ કહતે હૈં જેવી અટપટી અને મીનિંગલેસ ફિલૉસૉફીઓવાળા અઢળક સીન આ ફિલ્મમાં ઠેર-ઠેર વેરાયેલા પડ્યા છે. વળી એ દૃશ્યો પણ કોઈ સઢ વિનાની હોડીની જેમ ભટક્યા કરે છે અને કારણ વગર ખેંચાયા કરે છે. ફેરારી જેટલી મોંઘી ટિકિટ લઈને સાવ બળદગાડાની જેમ આગળ વધતી આ ફિલ્મ જોઈને મગજ એટલું બહેર મારી જાય છે કે ક્લોરોફૉર્મની મદદ વગર પણ આપણું ઍપેન્ડિક્સ કે હાડકાનું ઑપરેશન થઈ શકે. પાછી ફિલ્મમેકરોની હિંમત એટલી બધી છે કે આટલી હદે કંટાળાજનક ફિલ્મ બનાવ્યા પછીયે ખર્ચો કાઢવા માટે ફિલ્મની વચ્ચે વિવિધ પ્રોડક્ટ્સની જાહેરખબરો બિન્દાસ ઘુસાડી દીધી છે.

પાર્ટનર્સ ઇન ક્રાઇમ

આગળ કહ્યું એમ રણબીર કપૂરના ભાગે આ ફિલ્મમાં થાળીમાં ચટણી જેટલું જ કામ આવ્યું છે, પરંતુ એટલા ભાગમાંય તેણે સાવ પ્લાયવૂડના પાટિયા જેવો સપાટ ચહેરો જ રાખ્યો છે. જ્યારે આવો ચહેરો અર્જૂન રામપાલની તો સ્પેશ્યલિટી છે. એટલે આખી ફિલ્મ ટી-સિરીઝને બદલે કોઈ હાર્ડવેરવાળાએ સ્પૉન્સર કરી હોય એવું લાગ્યા કરે છે. હા, જૅકલિન ફર્નાન્ડિસના ચાહકોને મજા પડશે. તેણે વિચિત્ર કપડાં અને ઈયર-રિંગ્સથી માંડીને બૅલે ડાન્સ સુધીનું બધું જ પ્રદર્શિત કર્યું છે, સારી ઍક્ટિંગ સિવાય.

આ ફિલ્મની કરુણતા જુઓ કે જે અદાકારે વર્ષો પહેલાં બાસુ ચૅટરજીની વ્યોમકેશ બક્ષી સિરિયલમાં ચબરાક જાસૂસની ભૂમિકા ભજવી હતી એના ભાગે અહીં ગંદી વિગ પહેરેલા તદ્દન ડફોળ લાગતા ડિટેક્ટિવનો રોલ પ્લે કરવાનો આવ્યો છે. ફિલ્મમાં બે-ચાર સીનમાં અનુપમ ખેર પણ છે, પરંતુ પહેલા જ વાક્યમાં તેમને સ્ત્રીનાં અંત:વસ્ત્રોનો વાહિયાત જોક કરતા જોઈને આપણને અરેરાટી છૂટી જાય. ગંભીર સીનમાં પણ અજાણતાં જ લોકોને હસાવી દે એવી અનઇન્ટેન્શનલ લાફ્ટર શેરનાઝ પટેલ અને અર્જૂન રામપાલનાં દૃશ્યો જોઈને પેદા થાય છે.

અઢી કલાક લાંબી આ ફિલ્મનું જો એકમાત્ર પૉઝિટિવ પાસું હોય તો એ છે એનું એકદમ મસ્ત મ્યુઝિક, પરંતુ આખી ફિલ્મ સળંગ એટલી બોરિંગ છે કે ગીતો આવે ત્યારે સફાળા જાગી જતા ઑડિયન્સ પર ગીત પતે એટલે પાછી ઘેનની અસર થવા માંડે છે.

મરના હૈ ક્યા?

રણબીરના નામે ‘રૉય’ જોવા જનારા લોકો સૌથી વધુ દુ:ખી થશે. પરંતુ રણબીરે આ ફિલ્મ એટલા માટે કરી છે કેમ કે ડિરેક્ટર વિક્રમજિત સિંહ એનો દોસ્તાર છે. હશે, આપણો નથી. એક થ્રિલર ફિલ્મના રોમાંચનો એક છાંટોય આ ફિલ્મમાં નથી. ઈવન એક સારી લવસ્ટોરી પણ આ ફિલ્મ પીરસી શકી નથી. મસાલા ફિલ્મના પૅકિંગમાં પીરસાયેલી પકાઉ મીનિંગલેસ સ્યુડો ઇન્ટેલિજન્ટ ફિલ્મ જોવા માટે આપણે જરાય થિયેટર સુધી ધક્કો ખાવાની જરૂર નથી.

* ફાલતુ

** ઠીક-ઠીક

*** ટાઇમપાસ

**** પૈસા વસૂલ

***** બહુ જ ફાઇન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK