ફિલ્મ-રિવ્યુ : રૉકી હૅન્ડસમ

લોહિયાળ બોરડમ :બજરંગી ભાઈજાનમાંથી નિર્દોષતા કાઢીને એમાં લોહિયાળ હિંસા ભરી દીધી હોત તો આ રૉકી હૅન્ડસમ જેવું જ કંઈક બન્યું હોત

Rocky Handsome


જયેશ અધ્યારુ

ભારતની સરખામણીએ દક્ષિણ કોરિયા સાવ અંગૂઠા જેવડો દેશ છે, પરંતુ એ એકદમ લલ્લનટોપ ફિલ્મો બનાવે છે. ત્યાંની ઍક્શન-થિþલર ફિલ્મો એવી ખોફનાક હિંસા બતાવે છે કે જોઈને આપણને સાગમટે હાયકારો નીકળી જાય. બ્લડ-બૅન્કમાં પણ ન હોય એટલું બધું લોહી વહાવતી એક ફિલ્મ ૨૦૧૦માં આવેલી, ધ મૅન ફ્રૉમ નોવ્હેર. એ ફિલ્મને આપણા જૉન એબ્રાહમ સાથે હવે ‘રૉકી હૅન્ડસમ’ તરીકે હિન્દીમાં ફ્રેમ-બાય-ફ્રેમ છાપવામાં આવી છે. આ ફિલ્મનું પૂરેપૂરું ફોકસ એની ચીરફાડથી ભરચક ઍક્શન સીક્વન્સિસ પર જ છે, એમાં જ બાકીની ફિલ્મ અત્યંત બોરિંગ બની ગઈ છે.

યે બજરંગી જરા દુજે કિસમ કે હૈ

ગોવામાં રહેતો કબીર અહલાવત ઉર્ફ રૉકી હૅન્ડસમ (જૉન એબ્રાહમ) કોઈ જૂના દદર્‍થી પીડાય છે. એટલે જ તે કશું બોલ્યા વિના સતત તોબરો ચડાવીને ફર્યા કરે છે. ત્યાં તેના પાડોશમાં રહેતી નાઓમી (દિયા ચલવાડ) નામની સાતેક વર્ષની ટેણી સાથે તેને જબરી દોસ્તી જામી ગઈ છે (એ ટેણી માટે જ ‘કિક’માં સલમાનભાઈએ આખું પોલૅન્ડ માથે લીધેલું). પરંતુ ડેવિલનું કરવું ને એ ટેણી ડ્રગ માફિયાઓ અને હ્યુમન ઑર્ગન ટ્રાફિકર્સની ચુંગાલમાં ફસાઈ જાય છે. પોતાની નજર સામે જ એ માસૂમને કિડનૅપ થતી જોઈને જૉન ચહેરા પર એકેય એક્સપ્રેશન લાવ્યા વિના પણ ઊકળી ઊઠે છે. પોતાની ચપ્પુ-છૂરીઓ તેજ કરીને તે વિલનલોગની ચીરફાડ કરવા નીકળી પડે છે.

બસ, મારો અને કાપો


આપણે દક્ષિણ કોરિયન સ્ટાઇલની હિંસા પર પાછા આવીએ. ત્યાંના ફિલ્મમેકર્સ કશું છુપાવવામાં માનતા જ નથી. ગળું ચીરવું હોય, માથું કાપવું હોય, આંગળીઓને મૂળાની જેમ સમારી નાખવી હોય તો એ લોકો નિરાંતે લોહીના ફુવારા સાથે એ બધું આપણને બતાવશે. ઍક્ટર-પ્રોડ્યુસર જૉન એબ્રાહમ અને ડિરેક્ટર નિશિકાન્ત કામત એ કોરિયન ઍક્શનથી જ પ્રભાવિત થયા હોય એ ચોખ્ખું દેખાઈ આવે છે. અત્યંત તીક્ષ્ણ ચપ્પુથી શરીર પર જાણે શૂન-ચોકડીની રમત રમતા હોય એમ ત્રણ ઠેકાણે ભોંક્યા પછી ત્રણેયને જોડતો એક લાંબો-ઊંડો સળંગ કાપો પણ પાડે. માથા પર કુહાડી ફટકારે તો કેક પર મીણબત્તી ગોઠવી હોય એમ કુહાડી માથાની વચ્ચોવચ ફિક્સ કરવામાં આવે. જો તમને આવી હાડોહાડ હિંસક ખૂનામરકી જોવામાં મજા પડતી હોય તો ખ્ સર્ટિફિકેટવાળી ‘રૉકી હૅન્ડસમ’ના સેકન્ડ હાફમાં મજા પડશે.

અત્યંત ફાસ્ટ કૅમેરાવર્ક, સરસ રીતે કોરિયોગ્રાફ થયેલી ઍક્શન સીક્વન્સિસ અને કૅમેરા સતત હવામાં તરતો હોય એવી સિનેમૅટોગ્રાફીનું શ્રેય જોકે ઓરિજિનલ ફિલ્મને આપવું પડે. જોકે ઇન્ટરવલ પહેલાં ફિલ્મમાં સ્ક્રીનને એટલોબધો લીલો-પીળો કરી દીધો છે કે સંજય ગુપ્તાની ફિલ્મ જોતા હોઈએ એવી બીક લાગવા માંડે છે. તેમ છતાં એક જ સ્ક્રીનને બે ભાગમાં વહેંચીને અલગ-અલગ ઍન્ગલથી બતાવાતાં દૃશ્યો અને અધવચ્ચે સીન કટ કરીને પાછળથી એનું સીક્રેટ છતું કરવાની સ્ટાઇલિશ પેશકશ થોડી મજા કરાવે છે.

પરંતુ આ મજા શહેરી શિયાળાની જેમ ઝાઝું ટકતી નથી અને ફિલ્મના લોચા રસ્તા પરના ખાડાઓની જેમ ઠેર-ઠેર દેખાવા લાગે છે. એક તો જેના માટે જૉન લિટરલી ખૂન કી નદિયાં બહાવી નાખે છે એ ટેણી સાથે તેનું બાપ-દીકરી જેવું ઇમોશનલ બૉન્ડિંગ દેખાતું જ નથી. એમાં સતત સનમાઇકા જેવો ચહેરો લઈને મૂંગા-મૂંગા ફર્યા કરતા જૉનનો વાંક છે. સામે પક્ષે ટેણી એટલુંબધું બોલે છે કે અમુક ઠેકાણે તો રીતસર ઓવરસ્માર્ટ લાગવા માંડે છે.

બે કલાક ઉપરની આ ફિલ્મમાં એટલા મોરચે મગજમારી ચાલે છે કે કયું લશ્કર ક્યાં લડે છે એ જ કન્ફ્યુઝન થઈ જાય છે. ડ્રગ માફિયાઓ અંદરોઅંદર ઝઘડે છે, તેમની પાછળ પોલીસ પડી છે અને એમાં પાછો જૉન તેનાં ચપ્પાં લઈને ઝુકાવે છે. જો ફિલ્મના વિલનો માપમાં રહ્યા હોત તો આ ભાંજગડ અસહ્ય ન બની હોત. ટકલુ વિલન બનતા ડિરેક્ટર નિશિકાન્ત કામત, તેનો ભાઈ બનતો (‘જબ વી મેટ’ની હોટેલ ડીસન્ટનો મૅનેજર) ટેડી મૌર્ય ને ત્રીજો એક ગુંડો, આ ત્રણેયે મળીને એ હદના ગાંડા કાઢ્યા છે કે તેમને તાત્કાલિક અસરથી ઇલેક્ટ્રિક શૉક આપવાની ઇચ્છા થઈ આવે. ઓવરઍક્ટિંગની તમામ બાઉન્ડરીઓ એ લોકોએ કુદાવી દીધી છે. મજાની વાત એ છે કે આખી ફિલ્મમાં એકેક ફ્રેમ સહિત ઓરિજિનલ કોરિયન ફિલ્મને વફાદાર રહેલા ડિરેક્ટરે આ વિલનનાં પાત્રોમાં જ ક્રીએટિવિટી વાપરી છે અને એ જ માથા પર શારડી ફરતી હોય એવો ત્રાસ આપે છે.

આગળ કહ્યું તેમ જૉને આ ફિલ્મમાં માત્ર ચપ્પુ ચલાવવા અને તોબરો ચડાવવા પર જ ધ્યાન આપ્યું છે. એટલે તેના ચહેરા કરતાં તેના હાથની ઍક્ટિંગ ક્યાંય વધુ પાવરફુલ લાગે છે. અગાઉ ‘મુંબઈ મેરી જાન’, ‘ડોમ્બિવલી ફાસ્ટ’ અને તાજેતરમાં જ ‘દૃશ્યમ્’ જેવી સરસ ફિલ્મો આપી ચૂકેલા નિશિકાન્ત કામત કાબેલ ડિરેક્ટર છે. ઈવન ઍક્ટિંગમાં પણ તેમને ધોનીના સ્ટમ્પિંગ જેવી હથોટી છે, પણ પછી વધુ પડતું ડહાપણ કરવામાં જ વટાણા વેરાઈ જાય છે. માનો કે ન માનો, અમુક સીનમાં શરદ કેલકરને પણ જોવાની મજા પડે છે. બાકી તો આ ફિલ્મમાં શ્રુતિ હાસન અને સુહાસિની મૂળે જેવી અદાકારાઓને તો માત્ર હાજરી પૂરવા જ હાજર રખાઈ છે.

રાહત ફતેહ અલી ખાને ગાયેલું અય ખુદા ગીત વાગતું હોય તો સાંભળવાની મજા પડે એવું બન્યું છે, પરંતુ ખરું પૂછો તો વણજોઈતાં ગીતોએ આ ફિલ્મની ગતિમાં પણ ખંજર ભોંક્યાં છે. આ ફિલ્મમાં એક નાનકડું સસ્પેન્સ પણ છે, પણ એ ઉકેલવાની રીત અને સીક્રેટ જાણ્યા પછી તમે કહેશો, ચલ ચલ, હવા આને દે.

વાયલન્સપ્રેમીઓ માટે

હીરો બે માળ ઉપરથી કૂદે અને કૅમેરા પણ તેની સાથે જમ્પ મારે એ દૃશ્ય સહિત કેટલીય સીક્વન્સ મૂળ કોરિયન ફિલ્મમાં અફલાતૂન રીતે ઝિલાઈ છે. આ ‘રૉકી હૅન્ડસમ’માં છે એવી સાઇકોગીરી ટાઇપની નૌટંકી એમાં નથી. ઈવન આપણા રૉકી કરતાં કોરિયન ફિલ્મનો હીરો પણ વધુ હૅન્ડસમ છે. એટલે જો તમને હવામાં નૂડલ્સ તરતા હોય એવી કોરિયન ભાષાની ઍલર્જી‍ ન હોય અને ક્યાંય વધુ ગ્રાફિક છતાં ક્રીએટિવ વાયલન્સથી અરેરાટી ન થતી હોય તો યુટ્યુબ પર જઈને ઓરિજિનલ ફિલ્મ જોવી વધુ ઇચ્છનીય છે. રહી વાત આપણા રૉકીની તો માત્ર ઍક્શનના રસિયાઓએ જ એમાં તસ્દી લેવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK