ફિલ્મ-રિવ્યુ : રોર - ટાઇગર્સ ઑફ ધ સુંદરબન્સ

વાઘની જેમ દબાતે પગલે આવેલી આ ફિલ્મ ખરેખર હટકે છે અને બાળકો સાથે જોવા જેવી છે

sundarbans

પશ્ચિમ બંગાળમાં અને બંગલા દેશમાં ફેલાયેલાં સુંદરવનનાં મૅન્ગ્રોવ્ઝનાં ઘટાટોપ જંગલો, માનવશરીરની શિરાઓની જેમ વચ્ચેથી નીકળતી ખારા પાણીની નહેરો અને એ બધાની વચ્ચે રોફથી ફરતા રૉયલ બૅન્ગોલ ટાઇગર્સ તથા અન્ય પ્રાણીઓ. માણસ જ્યારે પ્રાણીના ઇલાકામાં ઘૂસણખોરી કરે અને પ્રાણી જ્યારે વીફરે ત્યારે શું થાય એની વાર્તા માંડે છે આ શુક્રવારે આવેલી અનોખી ફિલ્મ, રોર : ધ ટાઇગર્સ ઑફ સુંદરબન્સ. રસપ્રદ વાત એ છે કે એક તો આ ફિલ્મમાં એકેય જાણીતો ચહેરો નથી. બીજું, આ ફિલ્મથી એક સમયનો ફ્લૉપ હીરો કમલ સદાના ડિરેક્ટરની ખુરશીમાં ગોઠવાયો છે. આને કારણે કોઈએ આ ફિલ્મને સિરિયસલી લીધી નથી, પરંતુ વન્યજીવનને ધ્યાનમાં રાખીને છેલ્લાં વર્ષોમાં બૉલીવુડમાં આવેલી સારામાં સારી ફિલ્મોમાંની આ એક છે.

વીફરેલી વાઘણ

યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઉદય (પુલકિત) સુંદરવનના ગીચ જંગલમાં ફોટોગ્રાફી કરી રહ્યો છે. ત્યાં જ તેને ખ્યાલ આવે છે શિકારીઓએ વાઘને પકડવા માટે બિછાવેલા છટકામાં સફેદ વાઘનું એક બચ્ચું સપડાઈ ગયું છે. લોહી નીંગળતા એ બચ્ચાને બચાવીને ઉદય કુતૂહલવશ પોતાની હોટેલ પર લઈ આવે છે. પરંતુ થોડી જ વારમાં ફૉરેસ્ટ -ઑફિસર (અચિંત કૌર)ની ટીમ આવીને એ બચ્ચાને લઈ જાય છે. બરાબર એ જ રાત્રે એક વાઘણ આવીને ઉદયને ફાડી ખાય છે અને તેની લાશ પણ ઉપાડી જાય છે. એ પછી રોષે ભરાયેલો તેનો ભાઈ પંડિત (અભિનવ શુક્લા) ત્યાં આવી પહોંચે છે અને ગાંઠ વાળે છે કે પોતાના ભાઈનો કોળિયો કરનારી એ માનવભક્ષી સફેદ વાઘણનો શિકાર કરીને જ છૂટકો કરશે. એટલે તે બીજા છ ટ્રેઇન્ડ લોકોની ટીમ લઈને સુંદરવનના જંગલમાં એ સફેદ વાઘણના શિકારે નીકળી પડે છે.

પરંતુ એ લોકોને ખબર નહોતી કે એક નહીં, બીજા બે વાઘ પણ એ લોકોની રાહ જોઈને બેઠા છે એટલું જ નહીં; જંગલમાં બીજાં પ્રાણીઓ તેમનું લોહિયાળ સ્વાગત કરશે એ તો અલગ! બસ, માણસ અને વાઘ વચ્ચે અરણ્યની મધ્યે ઉંદર-બિલ્લીની રમત શરૂ થાય છે. પણ બિલ્લી એટલે કે વાઘ અહીં ભારે શાણા છે અને શિકારીઓનો જ વન બાય વન શિકાર થવા લાગે છે. આ લડાઈમાં કોણ જીતશે?

મેન V/S વાઇલ્ડ

ફિલ્મના પહેલા જ દૃશ્યમાં એક કાચિંડો જીભડો લાંબો કરીને એક જંતુને પોતાના મોઢામાં પકડી લે અને કૅમેરાની ક્લિક થાય. એ જ મિનિટે ખ્યાલ આવી જાય કે આગામી બે કલાકમાં આપણને કંઈક નવું, નોખું ને નવતર જોવા મળવાનું છે. આપણને સૌને ખ્યાલ છે કે બેફામ શિકારને પગલે દેશમાં હવે માત્ર ૧૪૦૦ વાઘ જ બચ્યા છે. એ આંકડો પણ હવે કદાચ જૂનો થઈ ગયો હશે. ત્યારે વાઘનો અને એ પણ દુર્લભ એવા સફેદ વાઘનો શિકાર કરવા નીકળેલા લોકોની વાર્તા પહેલી નજરે આપણને વાંધાજનક લાગી શકે. પરંતુ થૅન્ક ગૉડ, આ ફિલ્મનો મેસેજ વાઘને મારવાનો નહીં બલકે એમને બચાવવાનો અને એમને એમનાં ઘર એવાં જંગલોમાં વિનાદખલ જીવવા દેવાનો છે.

આ ફિલ્મની તારીફમાં ઘણુંબધું કહી શકાય એમ છે. નંબર વન, એનો સબ્જેક્ટ. આપણે ત્યાં ‘લાઇફ ઑફ પાઇ’ ફિલ્મ અલમસ્ત વાઘની હાજરીને કારણે અને અફલાતૂન ૩D ફોટોગ્રાફીને કારણે ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી. પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને બનતી ફિલ્મો ખાસ કરીને બાળકોમાં લોકપ્રિય બનવાનું પૂરેપૂરું પટેન્શલ ધરાવતી હોવા છતાં બહુ ઓછા ફિલ્મ-મેકર્સ એને સ્પર્શે છે. પહેલા જ પ્રયત્નમાં કમલ સદાનાએ અને પ્રોડ્યુસર અબિસ રિઝવીએ આવો હટકે વિષય પકડ્યો એ બદલ તેમને ફુલ માક્ર્સ આપવા પડે.

બીજો પૉઇન્ટ છે સુંદરવનનાં જંગલોની પૃષ્ઠભૂ. આ ઠેકાણે અગાઉ ભાગ્યે જ કોઈ હિન્દી ફિલ્મ બની હશે. ભરબપોરે પણ તડકો માંડ જમીનને સ્પર્શે એવાં ગીચ જંગલો, સાપની જેમ ફેલાયેલી વાંકીચૂકી દરિયાઈ નહેરો અને એમાં આવતી ભરતી-ઓટ, મગર, હરણ, સાપ (હવામાં ઊડતા સાપ!), તોતિંગ મગરમચ્છ, તારામઢેલું આકાશ, અનોખા કરચલા અને પક્ષીઓ ઍન્ડ અબોવ ઑલ, ધ ગ્રેટ રૉયલ બૅન્ગોલ ટાઇગર્સ આ બધું ભારતમાં હોવા છતાં કોઈ ફિલ્મ-મેકરે એને કૅમેરામાં કેદ કર્યું નથી.

ત્રીજો પૉઇન્ટ, ફિલ્મની અફલાતૂન સિનેમૅટોગ્રાફી. પ્રખ્યાત હૉલીવુડ મૂવી ‘ધ ક્યુરિયસ કેસ ઑફ બેન્જામિન બટન’ સાથે સંકળાયેલા સિનેમૅટોગ્રાફર માઇકલ વૉટ્સને પોતાના કૅમેરામાં એટલું દિલધડક સુંદરવન ઝીલ્યું છે કે આપણે જોતા જ રહીએ. ખાસ કરીને એરિયલ ફોટોગ્રાફી તો ખરેખર કાબિલેદાદ છે.

ચોથો પૉઇન્ટ, સાચુકલા વાઘ. ‘લાઇફ ઑફ પાઇ’માં વાઘને સંપૂર્ણપણે કમ્પ્યુટરથી ક્રીએટ કરવામાં આવ્યો હતો, જ્યારે અહીં કમલભાઈએ થાઇલૅન્ડ અને લૉસ ઍન્જલસ જઈને સાચુકલા વાઘ સાથે શૂટિંગ કર્યું છે. હા, એટલું ખરું કે તેમણે ઇન્ડોરમાં વાઘ સાથેનાં દૃશ્યો શૂટ કરીને એને કમ્પ્યુટરથી જંગલમાં ગોઠવ્યાં છે. પરંતુ એનાથી આપણા રોમાંચમાં જરાય ઊણપ આવતી નથી.

પાંચમો પૉઇન્ટ, આપણે ઍનિમલ પ્લેનેટ કે ડિસ્કવરી ચૅનલની કોઈ વાઇલ્ડલાઇફ ડૉક્યુમેન્ટરી ફિલ્મ જોતા હોઈએ એવી રિયલિસ્ટિક ફીલ આપતી આ ફિલ્મમાં ખૂબીપૂર્વક એ વિસ્તારની સ્થાનિક પરંપરાઓને પણ સાંકળી લીધી છે. જેમ કે વનદેવી, ત્યાંના આદિવાસી કબીલાઓમાં મધપૂડાઓમાંથી મધ કાઢતા લોકોની જોખમી લગ્નવિધિ, વાઘ પાછળથી હુમલો ન કરે એ માટે માથાની પાછળના ભાગમાં મહોરું ચડાવીને ફરતા લોકો, પરિસ્થિતિ પ્રમાણે શરીરને રંગીને જંગલની રક્ષા કરતા ગિરગિટી કોમના લોકો વગેરે. આ બધું જ ફિલ્મની ઑથેન્ટિસિટીમાં વધારો કરે છે. અને હા, ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ રોમાંચમાં વધારે કરે એવું ઑફબીટ છે. સારી વાત એ છે કે ફિલ્મની સ્ટોરીમાં પંક્ચર પાડવા માટે એક પણ ગીત ઠપકારવામાં નથી આવ્યું.

ત્રાડનું મ્યાઉં


એવું નથી કે આ ફિલ્મ નખશિખ અફલાતૂન જ છે. ઘણા લોચાય છે. એક તો ફિલ્મની સ્પીડ અત્યંત ધીમી છે. સુંદરવનને નિરાંતે કૅપ્ચર કરવાની લાલચમાં ડિરેક્ટર કમલ સદાનાએ વાર્તાની ગતિ હલેસાંથી ચાલતી બોટની જેમ ધીમી કરી નાખી છે. વાર્તામાં દર થોડી વારે નવા ટ્વિસ્ટ્સ નાખ્યા હોત તો ‘રોર’ બૉક્સ-ઑફિસને પણ ધ્રુજાવી દેત. ફિલ્મમાં હેમંત બિરજે ટાઇપના નવોદિત કલાકારોને બદલે થોડા મંજાયેલા ઍક્ટર્સ લીધા હોત તો વાર્તાની પકડ અને એની અપીલમાં ખાસ્સો વધારો થાત.

સી ધ ફિલ્મ, સેવ ધ ટાઇગર

આ ફિલ્મનો અસલી હીરો વાઘ પોતે જ છે જેની ખરેખરી એન્ટ્રી અડધી ફિલ્મે થાય છે. પરંતુ ત્યાં સુધીમાં પણ એ પોતાની હાજરી વર્તાવતા રહે છે. પ્રાણીપ્રેમી અને કશુંક હટકે જોવા-બતાવવા માગતા લોકોએ આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ. ખાસ તો બાળકોને સાથે લઈ જઈને આ ફિલ્મ જોવાની મજા પડશે. હા, ફિલ્મ પતે કે તરત જ ભાગતા થઈ જવાને બદલે ફિલ્મને અંતે એનું મેકિંગ બતાવે છે એ પણ જોવાની ખાસ ભલામણ છે. ફિલ્મ જોયા પછી બાળકોને એટલું ખાસ શીખવશો કે વાઘ જેવાં ખૂનખાર પ્રાણીઓ પણ આપણા દોસ્ત છે અને એના કરતાં વધારે ખૂનખાર પ્રાણી તો માણસ પોતે છે જેના લીધે આ જાજરમાન પ્રાણીના અસ્તિત્વની સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK