જાણો કેવી છે ફિલ્મ રમન રાઘવ ૨.૦

રાવણ આપણે સૌ, અફલાતૂન પર્ફોર્મન્સ, બેફામ હિંસા, ગાળો, સ્લો પેસ ને છતાં નવીનતાની ગેરહાજરીનો સરવાળો એટલે અનુરાગ કશ્યપની આ લેટેસ્ટ ફિલ્મ

raman raghav


જયેશ અધ્યારુ


ફિલ્મ-રિવ્યુ : રમન રાઘવ ૨.૦


કોઈ નાના બચ્ચાને પૂછો કે બેટા, વિવિધ રંગોનાં નામ કહે જોઈએ. એટલે બચ્ચું (જો ગુજરાતી મીડિયમનું હોય તો) બોલવા માંડે - લાલ, પીળો ને વાદળી મૂળભૂત રંગો કહેવાય; બાકીના મેળવણીથી બને. પરંતુ અનુરાગ કશ્યપને આ સવાલ પૂછો તો તે આખું આકાશ બીજિંગ જેવું ધુમ્મસી થઈ જાય એટલો ધુમાડો છોડીને કહેશે, દુનિયામાં રંગ માત્ર એક જ છે - ગ્રે. બાકી બધા એના શેડ્સ છે. ડાર્ક ગ્રે, લાઇટ ગ્રે, સ્મોક ગ્રે, ઍશ ગ્રે, ક્લાઉડ ગ્રે, સડી ગયેલી લાશનો ગ્રે, ગટરના પાણીનો ગ્રે, લોખંડના સળિયાનો ગ્રે. દુનિયામાં બધા લોકો પણ આ ગ્રે શેડના જ છે. ચામડી ભલે ગમે તેવી હોય, લોહી ભલે લાલ હોય; પણ મૂળ કલર તો એક જ ગ્રે. ધારો કે અનુરાગ કશ્યપને રામાયણ લખવા બેસાડ્યો હોય તોય જ્યારે તે લખીને ઊઠે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે ભાઈ, એક્ઝૅક્ટ્લી આમાં રામ કોણ છે અને રાવણ કોણ છે? એવું જ કામકાજ તેની લેટેસ્ટ ફિલ્મ ‘રમન રાઘવ ૨.૦’નું છે.

માણસ ગંધાય માણસ ખાઉં

૨૦૧૫ની વાત છે. રમન્ના કે સિંધી દલવાઈ (નવાઝુદ્દીન સિદ્દીકી) જેવાં નામ લઈને રખડતો એક ભેજાગેપ માણસ લોકોનાં ખૂન કરતો ફરે છે. તેનું દિમાગ છટકે એટલે તે ગમે તેના માથા પર હથોડી, સળિયો ફટકારીને પૂરું કરી નાખે. આ કેસની તપાસ કરતો અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ રાઘવેન્દ્ર સિંહ (વિકી કૌશલ) એ સિરિયલ-કિલરની પાછળ પડ્યો છે. લેકિન પ્રૉબ્લેમ એ છે કે આ પોલીસમૅન પોતે જ ડ્રગ-ઍડિક્ટ છે. રાત્રે ઉજાગરા કરવા, નાઇટક્લબોમાં ફરવું, દારૂ પીવો, ડ્રગ્સના નશામાં યુવતીઓ સાથે બળજબરી કરવી અને ગમે ત્યારે બંદૂકડીના ભડાકા કરી લેવા એ બધું તેના માટે જરાય નવું નથી. પેલો સિરિયલ-કિલર લોકોને મારતો ફરે, પછી સામે ચાલીને પોલીસ પાસે જાય તોય પોલીસ તેને સાચવી ન શકે. આ પકડદાવ ધીમે-ધીમે એવો ડાર્ક રંગ પકડે કે આપણને ખ્યાલ જ ન આવે કે ભઈ, એક્ઝૅક્ટ્લી આમાં સિરિયલ-કિલર કોણ છે? રાધર, એમ કહો કે કોણ નથી?

ડાર્ક ખરું, નવું નહીં

‘રમન રાઘવ ૨.૦’ શરૂ થાય એટલે સૌથી પહેલું ધ્યાન તેની વાર્તા કહેવાની સ્ટાઇલ પર ચોંટે. અનુરાગ કશ્યપે હૉલીવુડના મશહૂર ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોની સ્ટાઇલમાં આખી ફિલ્મને અલગ-અલગ ચૅપ્ટરમાં વહેંચી નાખી છે અને દરેક ચૅપ્ટરને નામ પણ આપ્યાં છે. ફિલ્મરસિયાઓ આ જોઈને અડધો ડઝન સ્માઇલી વેરતાં થાકે નહીં. વધુપડતી ફિલ્મો જોનારાઓ એવું પણ માર્ક કરશે કે ફિલ્મની ટાઇટલ ક્રેડિટમાં આવતાં નામ જે સ્ટાઇલમાં લખાયેલાં છે એ હૉલીવુડની ડાર્ક ક્રાઇમ-થ્રિલર ફિલ્મ ‘સિન સિટી’ જેવાં જ છે.

ઝાઝું ફુટેજ ખાધા વિના આ ફિલ્મ ધડ દઈને માથામાં હથોડી ફટકારી દે અને આપણને પોતાના વિશ્વની અંદર ખેંચી લે. અનુરાગ કશ્યપે સર્જેલું એ વિશ્વ એટલે કેવું? ગંદકી, ઝૂંપડપટ્ટીઓથી ફાટ-ફાટ થતું ચીંથરેહાલ મુંબઈ; જેમાં બે જ પ્રકારના લોકો રહેતા હોય એવું લાગે. એક તો ગંદવાડમાં ખદબદતા અને બીજા પાર્ટીઓમાં ડ્રગ્સ-દારૂનો નશો કરીને ગંદું-ગોબરું કરતા લોકો.

આ ફિલ્મ જોયા પછી આપણને ઘરનો દરવાજો ખોલતાં કે રાત્રે શાંતિથી સૂતાં પણ બીક લાગવા માંડે કે ક્યાંકથી કોઈ આવીને આપણી ખોપરીની પાંઉભાજી ન બનાવી દે. એનું કારણ છે નવાઝુદ્દીન સિદ્દીકી. જે ઠંડકથી તે અહીં લોકોનાં માથાં પર હથોડી-પાઇપો ફટકારે છે એ જોઈને આ માણસનું બૅકગ્રાઉન્ડ ચેક કરવાની ઇચ્છા થઈ આવે. જે નિયમિતતાથી આપણે ત્યાં ઘરે બટાકાનું શાક બનતું હોય એવા રૂટીનથી તે લોકોનું ઢીમ ઢાળતો ફરે છે. નવાઝુદ્દીન આપણી પાસે રહેલા અત્યારના શ્રેષ્ઠ ઍક્ટરોમાંનો એક છે એ વાત તે અહીં એકેએક સીનમાં સાબિત કરતો રહે છે. તે માત્ર પોતાના હાવભાવ બદલીને, કશું જ બોલ્યા વિના જોવા માત્રથી, શાંતિથી ડાયલૉગ બોલીને, ડુંગળી સમારીને, ખોફનાક હસીને કે પછી જમીન પર સળિયો ઘસડીને પણ ખોફ પેદા કરી દે છે. સામે પક્ષે ડ્રગ-ઍડિક્ટ પોલીસના રોલમાં (‘મસાન’ ફેમ) વિકી કૌશલ પોતાના ચહેરા પર ઝાઝા હાવભાવ લાવવાની તસ્દી નથી લેતો. જોકે અડધો ચહેરો તો તે ગૉગલ્સથી ઢાંકી રાખે છે.

નિઓ નુઆર તરીકે ઓળખાતી ડાર્ક ક્રાઇમ-થ્રિલર તરીકે બરાબર છે, પરંતુ આપણેય નવાઝુદ્દીનની જેમ આંખો પર આંગળીઓ લગાડીને ફોકસ કરીએ ત્યારે ઘણાબધા પ્રશ્નો દેખાવા લાગે છે. એક તો એ કે આમાં નવું શું છે? માથા પર બોથડ પદાર્થ મારીને હત્યાઓ કરતા સિરિયલ-કિલરની મસ્ત સસ્પેન્સ ફિલ્મ આપણે સ્ટોનમૅન મર્ડર્સમાં જોઈ ચૂક્યા છીએ. એક તબક્કે સામાન્ય માણસમાં અને રીઢા ગુનેગારમાં કોઈ ફરક ન રહે એ વાત આપણને શ્રીરામ રાઘવને બદલાપુરમાં આ જ નવાઝુદ્દીનને લઈને સમજાવેલી. હા, અરીસામાં આપણું જ વિકરાળ પ્રતિબિંબ બતાવવા બદલ અનુરાગ કશ્યપને ફુલ માર્ક આપવા પડે. એક તબક્કે સિરિયલ-કિલર આપણને કહે છે, હું તો સ્વીકારું છું કે હું લોકોની હત્યાઓ કરું છું, પણ તમે તો ભગવાન-ધર્મના નામે, વિચારધારાના નામે નિર્દોષોની હત્યાઓ નથી કરતા? રમખાણોમાં હત્યાઓ કરીને ઈશ્વરની પાછળ નથી છુપાઈ જતા? રસ્તા પર જાણે ઈશ્વરનો મેળો ભર્યો હોય એમ લોકો પોતાનું શક્તિપ્રદર્શન કરતા ઊમટી પડે છે. ઈવન ગર્ભપાત-ભ્રૂણહત્યા કરાવતા લોકોને પણ અનુરાગે સિરિયલ-કિલરમાં જ ખપાવી દીધા છે.

પરંતુ આટલી વાત કહેવા માટે અનુરાગે અંકે ૧૪૦ મિનિટ લીધી છે. એટલે જ ફિલ્મ ખાસ્સી લાંબી અને સ્લો લાગે છે. ટેરેન્ટિનોની સ્ટાઇલ મારવામાં ફિલ્મમાં કોઈ થ્રિલ ફીલ થતી જ નથી. ઘણાં દૃશ્યો એવાં છે જ્યાં કશું બનતું નથી. કારણ વગર થતી હિંસા તો થોડા જ સમયમાં આપણને સ્પર્શતી બંધ થઈ જાય છે. કેટલાય સવાલો વણઊકલ્યા રહે છે તો કેટલીય બાબતો લૉજિકની બાઉન્ડરીની બહાર જ રહે છે. અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટર પાસેથી આપણને એવી આશા હોય કે તે સિરિયલ-કિલરની સાઇકીની અંદર લઈ જશે, પરંતુ તેને એવું કરવા કરતાં આપણી સામે અરીસો ધરવામાં વધારે રસ છે.

નવાઝુદ્દીન સિદ્દીકી ગ્રેટ ઍક્ટર છે, પરંતુ હવે ધીમે-ધીમે તે ટાઇપકાસ્ટ થતો જાય છે. ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ હોય કે પછી ‘કિક’ કે ‘બદલાપુર’ હોય, તેનાં પાત્રોમાં લગભગ એક જ પ્રકારની સાઇકોગીરી દેખાતી રહે છે. એટલે ઍક્ટિંગ પાવરફુલ હોવા છતાં રિપીટ થતી હોય એવું લાગે છે.

‘ઉડતા પંજાબ’માં આટલા તાયફા કર્યા પછી અનુરાગ કશ્યપની જ આ ફિલ્મમાં રહેલી ગંદી ગાળો, હિંસા, ડ્રગ્સ, સેક્સ-સીન વગેરેમાં સેન્સરને કોઈ વાંધો ન દેખાયો? ભાઈ-બહેન વચ્ચેનો ભલભલા લોકો ઊકળી ઊઠે એવો એક સીન જોઈને પણ સેન્સર બોર્ડને કશું વાંધાજનક ન દેખાયું એ આશ્ચર્યજનક છે. સેન્સર બોર્ડે હથિયાર હેઠાં મૂકી દીધાં છે કે પછી ફિલ્મો પ્રમાણે અલગ-અલગ કાટલાં હોય છે?

આપ કે અનુરાગ પે

‘રમન રાઘવ ૨.૦’ અનુરાગના નામે કે નવાઝુદ્દીનના નામે એક વાર જોઈ શકાય, પરંતુ મનોરંજનના ભોગે દુનિયા આખી ડાર્ક છે અને આપણે સૌ પણ કદરૂપો ચહેરો જ ધરાવીએ છીએ એવો જ મેસેજ આપ્યા કરવાનો કોઈ અર્થ ખરો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK