ફિલ્મ-રિવ્યુ : રાજા નટવરલાલ

આ ફિલ્મ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના પર્ફોર્મન્સ જેવી છે, ચપટીક સારી ને સૂંડલો ભરીને કંગાળ


યશ મહેતા

પર્ફેક્ટ કોન મૂવી (છેતરપિંડી પરની ફિલ્મ) એક મૅજિક ટ્રિક જેવી હોય છે. આખી ફિલ્મમાં આપણી સામે એવો તામઝામ ઊભો કરે કે આપણે એકધ્યાને બધું જોતા રહીએ. આખરે જ્યારે બાજી ખુલ્લી પડે ત્યારે એક ચમત્કાર જોયાની થ્રિલિંગ-ફીલિંગ અને મજા પડ્યાનો સંતોષ બન્ને એકસાથે અનુભવાય. અફસોસ કે ‘જન્નત’ ફેમ કુણાલ દેશમુખની ઇમરાન હાશ્મી, પરેશ રાવલ અને કે કે મેનન સ્ટારર ‘રાજા નટવરલાલ’માં આવી કોઈ ફીલિંગ થતી નથી. હા, ભાદરવા મહિનાનાં છૂટાંછવાયાં ઝાપટાંની જેમ અમુક સીન્સમાં મજા પડે છે, પરંતુ ઓવરઑલ તો છેતરાઈ ગયાની લાગણી જ થાય.

ચોર કે ઘર ચોરી

રાજા (ઇમરાન હાશ્મી) એક સડકછાપ ટ્રિકબાજ છે, જે ગંજીફાનો જુગાર રમાડીને લોકોને ઉલ્લુ બનાવે છે. રાજા પોતાના મુંહબોલા બડે ભૈયા રાઘવ (દીપક તિજોરી) સાથે મળીને નાના-મોટા હાથ મારતો ફરે છે, પરંતુ એક વાર તેઓ ગાડીઓની અદલબદલ કરીને ખાસ્સી મોટી એટલે કે ૮૦ લાખ રૂપિયાની ચોરી કરે છે. પછીથી ખબર પડે છે કે એ રૂપિયા તો સાઉથ આફ્રિકાના મોટા ગુંડા વર્ધા યાદવ (કે કે મેનન)ના છે. ક્રિકેટનો શોખીન કે કે મેનન પોતાના માણસોને મોકલીને પોતાના પૈસા તો પાછા ઓકાવે છે, ઉપરથી દીપક તિજોરીને પણ ક્લીન બોલ્ડ કરી નાખે છે.

આનો બદલો લેવા માટે રાજા બીજા એક મોટા કોનમૅન યોગી (પરેશ રાવલ)ને છેક ધર્મશાલા જઈને પકડે છે અને કે કે મેનનને છેતરીને લૂંટવાનો પ્લાન બનાવે છે. પ્લાન એવો કે IPLમાં હોય છે એવી એક કાલ્પનિક ટીમ અમદાવાદ ઍવેન્જર્સ ઊભી કરવાની અને એને ૧૦૦ કરોડ રૂપિયામાં વેચી મારવાની.

પ્લાન કે મુતાબિક બધું જ આગળ વધે છે ત્યાં લોચો વાગે છે. ઇમરાન હાશ્મીની માશૂકા ઝિયા (પાકિસ્તાની ઍક્ટ્રેસ હુમૈમા મલિક) જે મુંબઈમાં બાર-ડાન્સર છે તેનું નાક દબાવીને પોલીસ ઇમરાન હાશ્મી સુધી પહોંચવાના પ્રયાસમાં લાગી જાય છે. તેઓમાંના બે લંપટ પોલીસવાળાઓને એ ૧૦૦ કરોડ રૂપિયામાં રસ છે. બીજી બાજુ કૂતરા જેવું સતેજ નાક ધરાવતા વર્ધાને પણ શંકા પડે છે એટલે તે ઇમરાન હાશ્મીની પાછળ શાર્પ-શૂટર લગાડી દે છે. હવે જોવાનું એ છે કે આખરે કોણ કોની ગેમ કરે છે.

બોરિંગ ટેસ્ટ-મૅચ જેવી ઢીલી

‘રાજા નટવરલાલ’ અગાઉ આવેલી દિબાકર બૅનરજીની ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની જેમ રિવેન્જ કોનની કૅટેગરીમાં આવે છે. આવી ફિલ્મોની થીમ એ હોય છે કે ચોરને તેની જ ટ્રિક્સનો ઉપયોગ કરીને બદલો લેવો, પરંતુ એના માટે આપણા હૃદયના ધબકારા વધી જાય અને આંગળીના નખ ચાવી નાખીએ એવી ગ્રિપિંગ સ્ટોરી અને સતત જકડી રાખે એવું એનું એક્ઝિક્યુશન જોઈએ. જ્યારે આ નટવરલાલમાં તો ફિલ્મ શરૂ થયાના અડધા કલાકમાં જ આપણા માથે એક પછી એક ત્રણ ગીતો પછડાય છે. હા, શરૂઆતના સીનમાં ઇમરાન હાશ્મી લોકોને કઈ રીતે છેતરે છે એ જોવાની મજા પડે, પણ જેવી મજા આવવાની શરૂઆત થાય કે ગીત ટપકી પડે. ડિરેક્ટરથી કદાચ આપણી મજા જોવાતી નહીં હોય એટલે આખી ફિલ્મમાં દર થોડી વારે કાં તો ગીત ટપકી પડે અથવા તો હિરોઇન હુમૈમા આવીને કકળાટ શરૂ કરે કે આપણે લગ્ન ક્યારે કરીશું.

ઍક્ચ્યુઅલી છેતરપિંડીની વાર્તા ચોરના દૃષ્ટિકોણથી વિચારવી અને લખવી પડે, જેથી આખી સ્ટોરીમાં ક્યાંય છીંડાં ન રહી જાય. અહીં તો આખી પાંચ દિવસની ટેસ્ટ-મૅચ નીકળી જાય એટલાં મોટાં છીંડાં છે. જેમ કે એક તરફ એવું બતાવ્યું છે કે કે કે મેનન ક્રિકેટની મેમરેબલ ચીજો (સ્ટાર ખેલાડીઓનાં બૅટ, બૉલ, હેલ્મેટ વગેરે) હરાજીમાંથી ઊંચા દામે ખરીદવાનો શોખીન છે. એમાં તેનું નૉલેજ એટલું પાવરફુલ છે કે કોઈ તેને ઉલ્લુ ન બનાવી શકે. તો પછી ભારતીય ક્રિકેટ ર્બોડના નકલી અધિકારી બનીને કોઈ તેને કઈ રીતે ઉલ્લુ બનાવી શકે? વળી આખેઆખી ક્રિકેટ-ટીમની હરાજી જ નકલી હોય અને માફિયા પ્રકારના ડૉનને એની ગંધ સુધ્ધાં ન આવે એ ગળે ઊતરતું નથી. ઈવન ઇમરાન આણિ મંડળી તો ગૂગલને પણ ઉલ્લુ બનાવી દે છે. ઇમરાન હાશ્મી મુંબઈ અને સાઉથ આફ્રિકા વચ્ચે એ રીતે કુદાકુદ કરે છે જાણે બુલેટ ટ્રેનનો પાસ કઢાવ્યો હોય.

વળી ગીત, ગોકીરો અને ગરબડોની વચ્ચે સ્ટોરી જે રીતે રગશિયા ગાડાની જેમ આગળ વધે છે એમાં ગૂંચવાડો ઊભો થાય છે કે એક્ઝૅક્ટ્લી આ લોકો કરવા શું ધારે છે. ઈવન છેલ્લે જ્યારે આખી બાજી છતી કરવામાં આવે ત્યારે પણ આપણે માટે ઘણા પ્રશ્નો વણઊકલ્યા જ રહી જાય છે (એક સવાલ એ પણ થાય કે હમણાંથી ઘણી ફિલ્મોમાં ગુજરાતીઓને જ કૌભાંડી, ભ્રષ્ટાચારી, સેટિંગબાજ કેમ બતાવવામાં આવે છે?).

પાર્ટનર્સ ઇન ક્રાઇમ

આ ફિલ્મમાં બધાં જ પાત્રો ચોટ્ટાં છે. જોકે એક ઇમરાન હાશ્મીને બાદ કરતાં એક પણ કલાકાર તેના રોલમાં કમ્ફર્ટેબલ હોય એવું જણાતું નથી. ઇમરાન હાશ્મીનું તો જાણે સમજ્યા કે તેને ગ્રે શેડ ધરાવતા રોલ કરવાની ફાવટ આવી ગઈ છે, પરંતુ પરેશ રાવલ શાતિર દિમાગ ધરાવતા ચોરને બદલે કોઈ બીમાર આધેડ જેવા વધુ લાગે છે. આમ તો તેઓ ફિલ્મમાં ઇમરાનના ગુરુ બને છે, પરંતુ હરામ જો સમ ખાવા પૂરતી એક પણ નવી ટ્રિક શીખવતા હોય તો. જાણે લાંબો સમય કોમામાં રહ્યા પછી જાગ્યો હોય એવા દેખાતા દીપક તિજોરીને સ્ક્રીન પર જોવો ગમે છે, પણ થોડી વારમાં જ બિચારાની ગેમ ઓવર થઈ જાય છે.

ધરખમ ઍક્ટર કે કે મેનનને ૭૦ના દાયકાના કોઈ દમામદાર સ્મગલર જેવો લુક અપાયો છે, પણ અડધા પિક્ચરે જાણે તેના દિમાગની બત્તી ગુલ થઈ જાય છે એટલે તેના પાત્રનો ખોફ જ જાણે જતો રહે છે. પાકિસ્તાની ઍક્ટ્રેસ હુમૈમા મલિક અગાઉ ‘બોલ’ નામની ફિલ્મમાં દેખાયેલી, જેમાં તેનો અભિનય ખાસ્સો વખણાયેલો, પણ અહીં તેણે તેની ત્વચાના અને શરીરના વળાંકોના પ્રદર્શન સિવાય અને ફિલ્મની ગતિમાં પંક્ચર પાડવા સિવાય કશું કામ કર્યું નથી. વળી ફિલ્મમાં સારી સપોર્ટિંગ સ્ટારકાસ્ટ પણ ખૂટે છે. દિમાગની ગલીમાં કેમેય કરીને ફિટ ન થાય એવી સ્ટોરી જોઈને સહેજેય માન્યામાં ન આવે કે આ ફિલ્મની સ્ટોરી ‘ક્વીન’ના રાઇટર પરવેઝ શેખે લખેલી છે. તેમણે ફિલ્મમાં થોડાં વનલાઇનર્સ ભભરાવવાનો પ્રયાસ કર્યો છે, પણ એ ચોમાસામાં હવાઈ ગયેલા ચવાણા જેવાં વાસી લાગે છે.

એવું જ ગીતોનું છે. એકમાત્ર ‘કભી રૂહાની કભી રુમાની’ને બાદ કરતાં એક પણ ગીતમાં કશો ભલીવાર નથી. વધારે આઘાતની વાત તો એ છે કે આટલાં કંગાળ ગીતો દિગ્ગજ સંગીતકાર ઇલયારાજાના સૌથી નાના દીકરા યુવાન શંકર રાજાએ કમ્પોઝ કર્યા છે.

છેતરપિંડીનું પરિણામ

ટૂંકમાં કહીએ તો આ ફિલ્મમાં એવું કશું ફાટી નથી પડતું કે આપણે રૂપિયા ખર્ચીને ટૉકીઝે હડી કાઢીએ. ઇમરાન હાશ્મીના ફૅન્સ કદાચ થનગનતા મલ્ટિપ્લેક્સ સુધી લાંબા થશે, પરંતુ તેમને દુ:ખ થાય એવી એક વાત એ છે કે ફિલ્મમાં કાન લાલ કરી દે એવો એકેય ગરમાગરમ બેડરૂમ-સીન નથી. ભારતના ઇંગ્લૅન્ડ-પ્રવાસ જેવી પાંચ-પંદર ટકા સારી અને બાકી મોટા ભાગે કંગાળ એવી આ ફિલ્મની GVD રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવામાં જ ભલાઈ છે. ત્યાં સુધી આપણે ગણપતિબાપ્પાને વધાવીએ અને આશા રાખીએ કે આપણા પૈસા અને સમયનું પૂરેપૂરું વળતર આપે એવી દમદાર ફિલ્મો આપણને જોવા મળે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK