કૈસન બના હૈ યે પિક્ચર PK?

પોતાના ઘરે પાછા જવાની મથામણમાં પડેલો આમિર ખાન ઉર્ફે‍ PK કેટલાક એવા પાયાના સવાલો ઊભા કરે છે જે આપણને ધર્મ અને ઈશ્વર વિશે નવેસરથી વિચારવા મજબૂર કરી દે. સોશ્યલ મેસેજ અને મનોરંજનની મસ્ત ભેળપૂરી કરવામાં માહેર એવા રાજકુમાર હીરાણીથી આ વખતે મેસેજનો મસાલો થોડો વધારે પડી ગયો છે.

pl


નબળું સંગીત, ધીમે-ધીમે આગળ વધતી પ્રિડિક્ટેબલ વાર્તા અને ઉપદેશાત્મક બની ગઈ હોવા છતાં એમાં રજૂ કરવામાં આïવેલા વિચાર માટે પણ આ ફિલ્મ પરિવાર સાથે જોવા જેવી છે. પણ હા, એ વિચાર જીવનમાં-આચરણમાં ઊતરે એ પાયાની શરત છે

ફિલ્મ-રિવ્યુ : જયેશ અધ્યારુ

ઈશ્વર કોણ છે? ક્યાં છે? ધર્મ એટલે શું? કોનો ધર્મ સાચો? ઈશ્વર ક્યારેય ડરાવે ખરો? નિર્દેષોની હત્યા કરવાની છૂટ આપે ખરો? અને આપણે કયા ઈશ્વરને માનવો; જેણે માણસને, આ પૃથ્વી-બ્રહ્માંડને બનાવ્યાં છે એને કે પછી માણસે જેને પોતાની રીતે સરજ્યો છે એવા ઈશ્વરને? અત્યારે દુનિયાને કઠી રહ્યા છે એવા આ પાયાના સવાલો પૂછે છે રાજકુમાર હીરાણી, આમિર ખાન આણી મંડળીની લેટેસ્ટ ફિલ્મ `PK’. ફિલ્મ ખાસ્સી ઢીલી છે, પ્રિડિક્ટેબલ છે, પણ એ જે વાત કહે છે એ તો કાન દઈને સાંભળવા જેવી અને શાંતિથી વિચારીને જીવનમાં ઉતારવા જેવી છે.

ઈશ્વરની શોધમાં

PK (આમિર ખાન) એક ભેદી માણસ છે, જે ક્યાંથી આવ્યો છે એની કોઈને ખબર નથી. આ દુનિયાની રીત-રસમો તેને સમજાતી નથી, પરંતુ તે જે સવાલો પૂછે છે એ આપણી સ્થાપિત વિચારસરણીના પાયામાં ઘા કરે છે. આ PK કશુંક શોધી રહ્યો છે, જે તેને તેના ઘરે પાછા જવામાં મદદ કરી શકે એમ છે. એ વસ્તુની શોધમાં તે રાજસ્થાનના ભૈરોં સિંહ (સંજય દત્ત)ને મળે છે અને પછી ટપકે છે દિલ્હીમાં. ત્યાં તેને ભેટી જાય છે જગતજનની ઉર્ફે‍ જગ્ગુ (અનુષ્કા શર્મા). જગ્ગુ એક ન્યુઝ-ચૅનલમાં પત્રકાર છે અને PKમાં તેને દેખાય છે એક મસાલેદાર સ્ટોરી. ક્ટત્ની સ્ટોરી જાણતાં-જાણતાં ખબર પડે છે કે તે જે વસ્તુ શોધી રહ્યો છે એ તપસ્વી બાબા (સૌરભ શુક્લા) નામના એક પાખંડી બાબા પાસે છે. એ તપસ્વી બાબાથી તો આ જગ્ગુ પણ પરેશાન છે. બસ, વાર્તાની ફાઇનલ ઍક્ટ એટલે PK વર્સસ તપસ્વી બાબા.

આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ

ફિલ્મમેકર કરણ જોહરે હમણાં એક ટીવી-ઇન્ટરવ્યુમાં રાજકુમાર હીરાણીને જિનીયસ, સાધુ કહેલા. જોહરની વાત ઘણે અંશે સાચી છે, કેમ કે જીવનનાં મૂળભૂત મૂલ્યોને એક મનોરંજક વાર્તામાં ભેળવીને ગરમાગરમ શીરાની જેમ ગળે ઊતરી જાય એ રીતે પીરસવાની જે આવડત હીરાણીમાં છે એ અત્યારના ભાગ્યે જ બીજા કોઈ ફિલ્મમેકર પાસે છે. મેડિકલ ફીલ્ડમાં માનવીય સ્પર્શ, અત્યારે ગાંધીવિચારની પ્રસ્તુતતા અને એજ્યુકેશનલ સિસ્ટમમાં લાગેલી ઊધઈ પર માઇક્રોસ્કોપ ધર્યા પછી હવે હીરાણીભાઈએ ધર્મના નામે ચાલતા પાખંડો પર ફોકસ કર્યું છે.ધારો કે એક માણસ એવો આવે કે જેના પર આપણે ત્યાંનાં ધર્મ, કોમ, જાત, દુનિયાદારી, લુચ્ચાઈનાં કલેવર ચડેલાં જ ન હોય, અને એ આપણને બિલકુલ પાયાના સવાલો પૂછે તો આપણે એના જવાબો આપી શકીએ ખરા? જો બધા ધર્મો એક જ વાત કહેતા હોય તો વિશ્વમાં સૌ એના નામે ઝઘડે છે કેમ? જો બધા ધર્મો ખરેખર અલગ હોત તો ઉપરવાળો બાળકને ધર્મનો સિક્કો મારીને જ દુનિયામાં ન મોકલતો હોત? ઈશ્વરના એજન્ટ બનીને બેઠેલા ધર્મગુરુઓ પાસે જો બધા જ પ્રfનોનાં સૉલ્યુશન હોય તો એ લોકો ચપટી વગાડીને બધાંનાં દુ:ખો દૂર કેમ કરી નથી નાખતા? આ જ વાતો બે વર્ષ પહેલાં ગુજરાતી સર્જક ઉમેશ શુક્લની ફિલ્મ ‘ઓહ માય ગૉડ!’માં પુછાયેલા. અહીં રાજકુમાર હીરાણી અને સહલેખક અભિજાત જોશી એ જ બધા અણિયાળા સવાલો તેમની એકદમ પારેવાની પાંખ જેવી હળવી સ્ટાઇલમાં આપણને પૂછે છે. ખાસ કરીને પેશાવરમાં જે રાક્ષસી કૃત્ય થયું એવા માહોલમાં આ સવાલોના જવાબો સ્વસ્થ મને શોધવા અત્યંત જરૂરી બની જાય છે.

આમિર ખાનનાં ભળતા-સળતા લુક અને ફિલ્મની વાર્તા શું છે એના સસ્પેન્સના કૂંડાળાની વચ્ચે રહેલી આ ફિલ્મ હીરાણીની બેસ્ટ ફિલ્મ છે? જવાબ છે, ના. ફિલ્મમાં કહેવાયેલી વાત તદ્દન સાચી છે. કહો કે સો ટચના સોના જેવી છે, પરંતુ એ વાત એટલી લંબાઈ ગઈ છે કે લગભગ શરૂઆતની અડધી ફિલ્મ ખાઈ જાય છે. એક ઉદાહરણ આપીને નિયમ સમજાઈ જતો હોય તો પછી ફરી-ફરીને નવાં-નવાં ઉદાહરણો આપ્યાં કરવાનો શો અર્થ? જ્યારે ઇન્ટરવલ પછીની ફિલ્મ આખી વાર્તાને એક લૉજિકલ એન્ડ સુધી પહોંચાડવાની મથામણમાં પૂરી થઈ જાય છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધતી જાય એમ-એમ આપણી ધારણા પ્રમાણેના જ ટિપિકલ બૉલીવુડિયન ટ્રૅક પર ફિલ્મ આગળ વધતી જાય. આખી સ્ટોરીમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન પણ જાણે જિગ્સૉ પઝલની જેમ ચિત્ર પૂરું કરવા માટે એકબીજા સાથે જોડી કાઢ્યા હોય એવા સગવડિયા છે.

૧૫૩ મિનિટની `PK’નું બીજું સૌથી નબળું પાસું છે એનું કંગાળ સંગીત. એક-બે નહીં, પણ ચાર-ચાર સંગીતકારો હોવા છતાં ફિલ્મમાં એકેય ગીત જલસો કરાવી દે એવું નથી બન્યું. ત્યારે આ ફિલ્મમાં કેટલાંક ગીતો અને ચ્યુઇંગ ગમની જેમ લંબાતાં દૃશ્યો પર કાતર ચલાવીને ફિલ્મને થોડી ક્રિસ્પ કરવાની જરૂર હતી. આ કામ ફિલ્મના ડિરેક્ટર રાજુ હીરાણી જ કરી શક્યા હોત, કેમ કે તે પોતે જ ફિલ્મના એડિટર પણ છે.

ઍક્ટિંગ-વૅક્ટિંગ

લોકોને `PK’ જોવા માટે ખેંચતું સૌથી મોટું ચુંબક હતું, આમિર ખાન. મિસ્ટર પર્ફે‍ક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર માટે કહેવાય છે કે તે તેના કૅરૅક્ટરમાં ડીપલી ઘૂસ કે ઍક્ટિંગ કરે છે. રાઇટ, પણ અહીં સતત એવું લાગ્યા કરે છે કે તેના પાત્ર પાસે વધારે શક્તિઓ હોવા છતાં આમિર ખાન જાણી જોઈને ડમ્બ-બબૂચક જેવી ઍક્ટિંગ કરે છે. આ `PK’ ફિલ્મમાં તેનું પાત્ર ૧૯૭૮માં આવેલી અમેરિકન કૉમેડી સિરિયલ ‘મૉર્ક ઍન્ડ મિન્ડી’માં રૉબિન વિલિયમ્સે ભજવેલું. એ પાત્ર આમિરના PK કરતાં ક્યાંય વધારે નૅચરલ અને જીવંત લાગતું હતું.

અનુષ્કા શર્મા તેના ટિપિકલ બબલી રોલમાં છે. આ પ્રકારનું કૅરૅક્ટર આજકાલ દર બીજી અર્બન ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મમાં આમિર પછી સૌથી વધુ ધ્યાન ખેંચે એવું પાત્ર હોય તો એ નર્મિલબાબા સ્ટાઇલની દુકાન ચલાવતા તપસ્વી બાબા બનતા સૌરભ શુક્લાનું છે, પરંતુ આવું જ પાત્ર તેમણે ‘લગે રહો મુન્નાભાઈ’માં પણ ભજવેલું. એનાથી આગળ વધીને આ પાત્રમાં કશી જ નવીનતા ઉમેરાઈ નથી. મુન્નાભાઈ સંજય દત્તની એન્ટ્રી પડે છે ત્યારે આપણો કોઈ જૂનો દોસ્તાર આવ્યો હોય એવો ઉમળકો જાગે છે, પરંતુ તેનું પાત્ર પણ ખાસ કશા શેડ બતાવ્યા વિના મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે.

હા, આ ફિલ્મમાં હીરાણી જેને લકી ચાર્મ માને છે એવો બમન ઈરાની પણ છે, પરંતુ અલપ-ઝલપ દૃશ્યોને બાદ કરતાં ફિલ્મમાં તે તદ્દન વેડફાયો છે. એવું જ સુશાંત સિંહ રાજપૂતનું છે. તે બિચારો શરૂઆતમાં એક રોમૅન્ટિક સૉન્ગ ગાયા પછી નૌ દો ગ્યારહ થાય છે એ છેક ક્લાઇમૅક્સમાં મોઢું બતાવે છે. ઓવરઑલ જોઈએ તો રાજકુમાર હીરાણી જે નાનાં-નાનાં પરંતુ યાદ રહી જાય એવાં પાત્રો સર્જવામાં માહેર છે એવાં કોઈ પાત્રો અહીં સર્જા‍તાં નથી.

ક્યા કિયા જાએ?

સાફ વાત છે, `PK’માં રાજકુમાર હીરાણીની અગાઉની ફિલ્મોની જેમ મેસેજ પ્લસ મનોરંજનનું તોફાની કૉમ્બિનેશન નથી. આ વખતે મેસેજનો મસાલો વધારે પડી ગયો છે અને ફિલ્મ ચવાયેલી રેસિપી પર આગળ વધીને પૂરી થઈ જાય છે. એમ છતાં એ મેસેજ સો ટચના સોના જેવો છે અને દરેકે શાંતિથી વિચારવા જેવો છે. આ સાફસૂથરી ફિલ્મમાં પીકે જે વાત કહેવા માગે છે એ જો વિશ્વમાં બધા સમજી જાય તો પેશાવર જેવી કોઈ ઘટના બને જ નહીં. ટિકિટોના ભાવ વધારીને રિલીઝ થયેલી આ ફિલ્મને જો એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ-ફ્રી કરી દેવામાં આવે તો એ ઔર વધારે દર્શકો સુધી પહોંચી શકે.

* ફાલતુ

** ઠીક-ઠીક

*** ટાઇમપાસ

**** પૈસા વસૂલ

***** બહુ જ ફાઇનComments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK