ફિલ્મ-રિવ્યુ : પિઝ્ઝા 3D

3Dના ટૉપિંગ સાથે આવેલો આ મસાલેદાર પીત્ઝા જોયા પછી તમને પીત્ઝા જોઈને જ બીક લાગશે!





યશ મહેતા

હૉરર ફિલ્મોના નામે આપણે ત્યાં મોટા ભાગે એ જ ઘિસી-પિટી ફિલ્મો રજૂ થતી હોય છે. ચીતરી ચડે એવા ચહેરા ધરાવતાં ભૂતો, છુટ્ટા વાળવાળી ચૂડેલ, ભૂતબંગલો, ભેદી તાંત્રિક અને અચાનક આવીને ડરાવતી શૉકિંગ મોમેન્ટ્સ. એનાથી આગળ લગભગ હિન્દી હૉરર ફિલ્મોમાં કશું નથી હોતું. આ ઉપરાંત એક હૉરર ફિલ્મને બીજી હૉરર ફિલ્મથી જુદી પાડવા માટે એમાં દમદાર સ્ટોરી હોવી જોઈએ એવું આપણા ફિલ્મકારો ભૂલી જાય છે. આ શુક્રવારે રિલીઝ થયેલી તામિલ ફિલ્મની રીમેક એવી હૉરર ફિલ્મ ’પિઝ્ઝા’માં એ બધાં જ ટિપિકલ એલિમેન્ટ્સ હોવા ઉપરાંત એમાં એક દમદાર સસ્પેન્સફુલ સ્ટોરી પણ છે.

બોન-ચિલિંગ પીત્ઝા

કુણાલ (અક્ષય ઑબેરૉય) અને નિકિતા (પાવર્‍તી ઓમાનાકુટ્ટન) એક ક્યુટ પતિ-પત્ની છે. કુણાલ એક પિઝેરિયામાં પીત્ઝા-ડિલિવરીનું કામ કરે છે, જ્યારે નિકિતા રાઇટર છે અને ઘરે બેઠી-બેઠી હૉરર સ્ટોરીઝ લખ્યા કરે છે. એક દિવસ કુણાલને એક બંગલામાં પીત્ઝા ડિલિવર કરવા જવાનું થાય છે, પરંતુ છુટ્ટા પૈસા લેવા ગયેલી બંગલાની પ્રેગ્નન્ટ માલિકણ (દીપનિતા શર્મા)ની ઉપરના માળે

અત્યંત ભયાનક હત્યા થઈ જાય છે. અધૂરામાં પૂરું ભેદી રીતે કુણાલ પણ એ બંગલામાં લૉક થઈ જાય છે. ત્યાં જ બંગલામાં જાતભાતના અવાજો આવવા શરૂ થાય છે. એક નાની બેબીનું ભૂત પણ કુણાલને કનડવા આવી જાય છે. ત્યાં જ બહારથી બંગલાનો માલિક (અરુણોદય સિંહ) આવે છે અને બહારથી દરવાજો ખખડાવવા માંડે છે, પરંતુ થોડી વાર પછી તેની લાશ પણ એ જ બંગલાના બાથરૂમમાં મળી આવે છે. કુણાલ ઘરની બહાર નીકળી શકે એમ નથી અને ફોનનું નેટવર્ક પણ નથી મળી રહ્યું.

આખરે જેમ-તેમ કરીને તે બંગલાની બહાર નીકળે છે ત્યાં તેને ખબર પડે છે કે તેની પત્ની ગાયબ છે. ક્યાં ગઈ તેની પત્ની? એવું તે શું હતું એ બંગલામાં?

એ માટે કરોડરજ્જુમાંથી એક ધ્રુજારી પસાર થઈ જાય એવું સસ્પેન્સ સૌની રાહ જોઈને બેઠું હોય છે.

ડરના મના હૈ!

બિજૉય નામ્બિયાર અને યુટીવીએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં (‘સ્પેશ્યલ છબ્બીસ’ ફેમ) રાજેશ શર્મા અને અરુણોદય સિંહ સિવાય કોઈ જાણીતા કલાકારો નથી, પરંતુ અર્બન સેટ-અપમાં એક સરસ સ્ટોરીને હૉરરના તાંતણે કેવી રીતે બાંધી શકાય એનો આ ફિલ્મ પુરાવો છે. આમ જોવા જાઓ તો આ ફિલ્મમાં પેલી ટિપિકલ ભૂતિયા ફિલ્મોમાં હોય છે એવું બધું જ છે. અરે, અમુક સીન્સમાં તો ઝોમ્બી પણ આંટા મારી જાય છે, પરંતુ માંડ બે કલાકની આ ફિલ્મમાં આપણી આંખો સામે જે કંઈ થતું રહે છે એને કારણે આપણે છેક સુધી વિચારતા રહીએ કે આનો તોડ શું નીકળશે. પડદા પર જે કંઈ થઈ રહ્યું છે એમાં હવે આગળ શું-શું થઈ શકે એના વિકલ્પો આપણે વિચારતા જઈએ ત્યાં તો છેલ્લી વીસેક મિનિટમાં આખી ફિલ્મની સ્ટોરીનું ર્શીષાસન થઈ જાય છે. આખા હૉરર ટૉપિંગ્સવાળા પીત્ઝામાં સસ્પેન્સનું એલિમેન્ટ નીકળે અને આપણને થાય કે હાઇલા, આવો વિચાર તો આપણને આવ્યો જ નહીં! આ માટે મૂળ તામિલ ફિલ્મના લેખક-ડિરેક્ટર કાર્તિક સુબ્બારાજ અને આ હિન્દી રીમેકના ડિરેક્ટર અક્ષય અક્કીનેનીને ક્રેડિટ આપવી રહી.

મુખ્ય ભૂમિકામાં રહેલો અક્ષય ઑબેરૉય ડબ્બુ જેવો લાગે છે, પણ ફિલ્મમાં તેના આ રોલને તે પર્ફે‍ક્ટ સૂટ થાય છે. ૨૦૦૮ની મિસ ઇન્ડિયા રહી ચૂકેલી પાવર્‍તી ઓમાનાકુટ્ટન મોટા કાચવાળાં ચશ્માંમાં ક્યુટ દેખાય છે, પણ તેના ચહેરા પર એક્સપ્રેશન્સ લાવતાં તેને હજી વાર લાગશે. રાજેશ શર્મા પિઝેરિયાના માલિકના રોલમાં છે જેમણે પોતાની રૂટીન ઍક્ટિંગથી ખાસ કશું હટકે કર્યું નથી. જોકે એ આવી ઑફ-બીટ ફિલ્મો કરતા રહે છે એ મજાની વાત છે, પરંતુ આ ફિલ્મમાં સૌથી વધુ મજા કરાવે છે સતત હવામાં ઝળૂંબતો રહેતો પ્રશ્ન, હવે શું થશે? જે છેક સુધી તમારી સાથે રહે છે.

ફિલ્મમાં બેએક સૉન્ગ્સ છે, પણ થૅન્ક ગૉડ... એ ફિલ્મની ગતિને સ્પીડબ્રેકરની જેમ રૂંધી નથી નાખતાં. 3D ઇફેક્ટ્સ ઓકે-ઓકે છે. એકાદ-બે સીન્સને બાદ કરતાં ફિલ્મના પડદા પરથી ભૂતડાં આપણા પર આવી જતાં હોય એવી થ્રિલિંગ-ફીલિંગ નથી આવતી. એટલે વધારાનો ખર્ચ કર્યા વિના 2Dમાં પણ ફિલ્મ જોશો તો કંઈ ગુમાવવા જેવું નથી.

આ પીત્ઝા ઑર્ડર કરાય?

બેશક. જેમ ઇન્ડિયન ટેસ્ટના નામે આપણી એ જ રૂટીન શાકભાજીને મસ્ત ટૉપિંગ તરીકે પીત્ઝા પર ભભરાવીને આપણને પેશ કરવામાં આવે અને ખાવાની પણ મજા પડે એવું આ ફિલ્મમાં છે. હૉરરની સાથોસાથ સસ્પેન્સની પણ મજા આપતી આ ફિલ્મ આ વીક-એન્ડમાં જોવાનો પ્લાન બનાવી શકાય. પણ હા, આ ફિલ્મ જોયા પછી પીત્ઝા ખાવા તો દૂર, ડિલિવરી-બૉયને જોઈને પણ ડર લાગશે એટલું જ નહીં, ડિલિવરી-બૉય્ઝ આ ફિલ્મ જોશે તો એ લોકો તો રાજીનામાં આપી દે એવું પણ બને!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK