ફિલ્મ-રિવ્યુ : પિંક

સ્ત્રી વિરુદ્ધ સમાજ - આ જબરદસ્ત ફિલ્મ આપણી પછાત પુરુષવાદી મેન્ટાલિટી અને દેશમાં સ્ત્રીઓની સ્થિતિ વિશે એકદમ બોલ્ડ સ્ટેટમેન્ટ છે


pinkજયેશ અધ્યારુ


પરંપરાગત અર્થમાં જોઈએ તો ‘પિંક’ હૉરર ફિલ્મ નથી. એમ છતાં ફિલ્મની શરૂઆતથી જ જ્યારે પણ ડોરબેલ-મોબાઇલની રિંગ વાગે છે, દૂરથી કોઈ ગાડી આવતી દેખાય છે, ફિલ્મની ત્રણ લીડિંગ લેડીઝમાંથી એક પણ છોકરીને આપણે ધોળે દહાડે પણ ક્યાંય જતી જોઈએ અને આપણને થિયેટરના સલામત વાતાવરણમાં બેઠાં-બેઠાં પણ તેમના માટે ભય લાગવા માંડે છે. ડિરેક્ટર અનિરુદ્ધ રૉય ચૌધરીએ ‘પિંક’માં એવું વાતાવરણ સરજ્યું છે જે જોઈને આપણને થાય કે આ આપણો જ દેશ છે જેના માટે આપણે છાતી ફુલાવીને ગૌરવ લઈએ છીએ?

નો કન્ટ્રી ફૉર વિમેન


ત્રણ યુવતીઓ મીનલ (તાપસી પન્નુ), ફલક (કીર્તિ કુલ્હારી) અને ઍન્ડ્રિયા (ઍન્ડ્રિયા તેરિઆંગ) દિલ્હીમાં ઘર ભાડે રાખીને એકલી રહે છે; પરંતુ તેમની સાથે કશુંક અઘટિત થયું છે અને ત્યાર પછી આ ત્રણેય યુવતીઓ ભયંકર ડરેલી છે. એક રૉક-શો પછી યુવતીઓ કેટલાક યુવાનો સાથે જમવા ગઈ અને એમાંના એક યુવાનને આમાંની એક યુવતીએ માથામાં શરાબની બૉટલ મારી દીધી. યુવક તો બચી ગયો, પરંતુ આ ત્રણેય છોકરીઓની જિંદગી હરામ થઈ ગઈ. તેમની સાથે થયેલા અન્યાયની વાત તો દૂર રહી, તેમને જ આરોપીના પાંજરામાં ખડી કરી દેવાય છે. જાહેરમાં તેમનું ચારિhય ઊછળે છે. બધું જ દૂરથી જોયા કરતા એક વયોવૃદ્ધ વકીલ દીપક સેહગલ (અમિતાભ બચ્ચન) આખરે તેમનો કેસ હાથમાં લે છે. એ કેસની દલીલોની સાથોસાથ પ્રેક્ષક તરીકે આપણને પણ એક પછી એક લપડાક પડતી જાય છે.

મિરર મિરર ઑન ધ વૉલ


એક ઘટના બને, અખબારો-ચૅનલોમાં ચર્ચાય, લોકો મીણબત્તીઓ લઈને રસ્તા પર આવે અને ધીમે-ધીમે ફરી પાછું જૈસેથે થઈ જાય. ખરેખરો પ્રૉબ્લેમ જ્યાં છે એ આપણી માનસિકતામાં તસુભાર પણ ફરક ન પડે. આપણી એ પછાત પુરુષવાદી માનસિકતા સામે આ ફિલ્મ મીઠાના પાણીમાં બોળીને બરાબરની ચાબુકો ફટકારે છે.

કોઈ જ પ્રકારના સાઉન્ડ વિના એકદમ બ્લૅક બૅકગ્રાઉન્ડ સાથે શરૂ થઈ જતી ‘પિંક’ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે આપણને સખત ડરી ગયેલી ત્રણ યુવતીઓ દેખાય છે. તેમની સાથે એક્ઝૅક્ટ્લી શું થયું છે એ આપણને કહેવામાં આવતું નથી, પરંતુ તેમની વચ્ચેની વાતો અને કોર્ટમાં પેશ કરાતી દલીલોમાંથી આપણને કંઈક અંદાજ આવે છે કે શું બન્યું હશે (અલબત્ત, એ રાત્રે એક્ઝૅક્ટ્લી શું થયેલું એ આપણને ફિલ્મ પૂરી થાય છે ત્યારે એન્ડ-ક્રેડિટ્સ દરમ્યાન બતાવવામાં આવે છે). ઉદ્દેશ એવો કે દર્શક તરીકે આપણે શરૂઆતથી જ કોઈ એક પક્ષ તરફ ઢળી ન જઈએ. ઈવન યુવતીઓને પણ બિચારી-બાપડી કે દયાની ભીખ માગતી બતાવાઈ નથી. તેઓ ઇન્ડિપેન્ડન્ટ છે, એકલી રહે છે, નોકરી કરે છે, પોતાના હક માટે લડી શકે છે; પરંતુ તેઓ જ્યારે કફોડી સ્થિતિમાં મુકાય ત્યારે આપણને ભાન થાય કે આપણા દેશમાં સ્ત્રીઓ સાથે કશું ન થાય ત્યાં સુધી જ તે સલામત છે. મતલબ કે તેમની સલામતી ભૂખ્યા વરુઓની મહેરબાની પર જ અવલંબે છે. પાવર, પૈસા કે પપ્પાના કેફમાં ભાન ભૂલેલાં એ વરુઓ ત્રાટકે ત્યારે તેમને આડકતરો સપોર્ટ આપવા માટે આપણી સિસ્ટમ અને બિચારી કહેવાતી આમ જનતાના પૂર્વગ્રહો પણ હાજર જ હોય છે.

જો નામ પરથી ધર્મ શોધવાની આપણી કુટેવને કામે લગાડીએ તો આ ત્રણેય યુવતીઓ અનુક્રમે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. મતલબ કે ધર્મ માટે દેશમાં ભલે ગમે એટલું લોહી વહે; પરંતુ સ્ત્રી એકલી હોય તો તે ગમે એ ધર્મની હોય, સરખી જ અસલામત હોય છે. એમાંય ત્રીજી છોકરી ઍન્ડ્રિયા તો નૉર્થ-ઈસ્ટની છે, જેને આપણે ભારતમાં ગણતા નથી કે ઈવન એ રાજ્યોને આપણે એકબીજાથી અલગ પણ પાડી શકતાં નથી. એમના પર થતા અટૅક માટે આપણે બહુ ઇતિહાસ ફંફોસવાની જરૂર નથી જ.

રિતેશ શાહે લખેલી આ ફિલ્મમાં આપણને વીંધી નાખે, અકળાવી મૂકે એવા સીનની ભરમાર છે. સતત હૅરૅસમેન્ટથી ત્રાસેલી યુવતીઓ જ્યારે પોલીસ-ફરિયાદ કરવા જાય; જ્યારે તેમની ધરપકડ થાય; કોર્ટમાં જ્યારે મહિલા પોલીસ-અધિકારીને, આરોપીને, સાક્ષીને પેશ કરાય એ બધાં જ દૃશ્યો લાજવાબ બન્યાં છે. ફિલ્મનું રાઇટિંગ એકદમ મૅચ્યોર છે. કેટલાંય વનલાઇનર્સ આપણને ગાલે થપ્પડની જેમ વાગે છે. જેમ કે ઘડિયાળનો કાંટો આપણે ત્યાં સ્ત્રીઓનું કૅરૅક્ટર નક્કી કરે છે; અહીં દારૂ ખરાબ ચારિhયની નિશાની છે, પણ સ્ત્રીઓ માટે; પુરુષો માટે તો એ માત્ર સ્વાસ્થ્યને હાનિકારક છે એટસેટરા.

કેટલીયે મોમેન્ટ્સ સિનેમૅટિકલી પર્ફેક્ટ છે અને કશું જ બોલ્યા વગર ઘણુંબધું કહી દે છે. જેમ કે ચાલુ કોર્ટમાં જજ બોલાવતા હોય ત્યારે પણ બચ્ચન નીચે ફરતા કૉક્રોચની સામે જોઈ રહે છે (વાંચો : આપણી જુડિશ્યલ સિસ્ટમ કેવી જરીપુરાણી થઈ ચૂકી છે). એ જજ (ફૅન્ટૅસ્ટિક ઍક્ટર ધૃતિમાન ચૅટરજી)નું નામ પણ સૂચક છે, સત્યજિત. કોર્ટકેસને કારણે અજાણી વ્યક્તિ આંગળી ચીંધે ત્યારે તાપસી પન્નુ પોતાનું મોઢું ઢાંકી લે છે અને બિગ બી તેનું માથું ખુલ્લું કરી નાખે છે (વાંચો : ખરેખર કોણે મોઢું સંતાડવાની જરૂર હોય?). બચ્ચન દિલ્હીની હવામાં બહાર ટ્રેકિંગ-માસ્ક પહેરી રાખે છે, જાણે તેઓ દિલ્હીની ગંદી હવા અંદર લેવા જ નથી માગતા. ઇલેક્ટ્રૉનિક મીડિયા અહીં માત્ર એક સીનમાં બતાવાય છે, એ પણ અવાજ વગર. અહીં પાવરનો મિસયુઝ કરતા નેતાઓને ક્યારેય સામે બતાવવામાં આવતા નથી, માત્ર તેમના જોરે ફુટકળિયાઓ નિર્દોષ લોકોને કેવા હેરાન કરી શકે એની ભયાનક ઇફેક્ટ જ બતાવાઈ છે.

આપણે ત્યાં સ્વતંત્રમિજાજી, મોડે સુધી બહાર ફરતી, એકલી રહેતી, નોકરી કરતી, હસીને વાત કરતી, વેસ્ટર્ન કપડાં પહેરતી કે પોતાના હક્કો માટે સજાગ સ્ત્રીઓનું કૅરૅક્ટર-સર્ટિફિકેટ ફાડતા લોકોની કમી નથી. એમ છતાં અહીં તેમના પણ કાન ખેંચવામાં આવ્યા જ છે. બચ્ચન કેસની બહાર જઈને પણ સ્ત્રીઓ માટે કડવી દવા લાગે તોય એક કમાન્ડમેન્ટ્સનું લિસ્ટ આપે છે એ ખરેખર યાદ રાખવા જેવું છે.

‘પિંક’નું કાસ્ટિંગ એકદમ પર્ફેક્ટ છે. તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને નવોદિત ઍન્ડ્રિયા તેરિયાંગ એકેક ઇમોશનને પર્ફેક્ટ્લી રિફ્લેક્ટ કરે છે. તેમની વચ્ચેની સ્ટ્રૉન્ગ ઇમોશનલ કૅરિંગ કેમિસ્ટ્રી આપણને સતત તેમના માટે ચિંતા કરતા કરી મૂકે છે. ફિલ્મની વાર્તા અને લાંબા કોર્ટકેસને કારણે આપણને ‘પિંક’ સહેજે ‘દામિની’ની યાદ અપાવે; પરંતુ ‘દામિની’થી વિપરીત અહીં ત્રણેય છોકરીઓની સામે જે પ્રકારની દલીલો થાય છે, તેઓ જે સ્થિતિમાં મુકાય છે એ તેમને એકદમ રિયલ બનાવી રાખે છે. તેમનાં પાત્રોમાં ભારોભાર ડ્રામા હોવા છતાં ક્યાંય ફિલ્મી કે લાઉડ લાગતાં નથી.

ઍન્ડ અમિતાભ બચ્ચન. થોડા વધુપડતા ઘોઘરા અવાજ અને ગંદી વિગ છતાં અમિતાભ આ ફિલ્મનું સુપરસ્ટ્રૉન્ગ એલિમેન્ટ છે. તેમની સતત આરપાર વીંધી નાખતી નજર, પર્સનલ ટ્રૅજેડી અને કથળેલી તબિયતને સાઇડમાં ધકેલીને પણ પૂરી મહેનતથી કેસ લડવાનો તેમનો ટેમ્પરામેન્ટ, સુપર્બ ટાઇમિંગ અને ટેક્સ્ટ-બુક સમાન લાઉડ થયા વિનાના આરોહ-અવરોહથી બોલાયેલા ડાયલૉગ્સ બધું જ એકદમ પિચ-પર્ફેક્ટ છે. વકીલ (‘દામિની’ના ચઢ્ઢા માઇનસ તેમની ઝટકાવાળી લટ)ના રોલમાં પીયૂષ મિશ્રા થોડા લાઉડ અને ઇરિટેટિંગ છે, પરંતુ તેમના કૅરૅક્ટર માટે યોગ્ય છે. બૅડ ગાય્ઝની ટોળકીમાં અંકિતનું પાત્ર ભજવતો વિજય વર્મા ખરેખર ડરામણો લાગે છે.

અલબત્ત, આ ફિલ્મ પણ પર્ફેક્ટ નથી. કેટલીયે કાનૂની દલીલો અને એના પરથી અપાતો ચુકાદો, અમિતાભનો ભૂતકાળ, અમુક ઠેકાણે તેમની સતત વીંધી નાખતી નજરો, સ્ટાર્ટિંગમાં એક વણજોઈતું આવતું ગીત વગેરે બાબતો જરાતરા ખૂંચે એવાં છે; પરંતુ આ ફિલ્મ એટલી બધી મજબૂત છે કે એ બધું જ અવગણી શકાય. આવી ફિલ્મ બને એ માટે એના મેકર્સ અભિનંદનને અધિકારી છે.

ફિલ્મ નહીં, હોમવર્ક


‘પિંક’ એના સ્ટ્રૉન્ગ રાઇટિંગ, ડિરેક્શન અને ઍક્ટિંગને લીધે ‘કાનૂન’, ‘એક રુકા હુઆ ફૈસલા’, ‘મેરી જંગ’, ‘દામિની’, ‘ઓહ માય ગૉડ’, ‘જૉલી LLB’, ‘તલવાર’ જેવી ફિલ્મોની યાદીમાં આવી શકે એવી મજબૂત છે. જોકે વાત એ છે કે અમુક ફિલ્મો માત્ર મનોરંજન માટે જ નહીં, બલ્કે હોમવર્કના ભાગરૂપે પણ જોવા જેવી હોય છે. ‘પિંક’ એમાંની જ એક છે. આ ફિલ્મ ઘરના બધા જ સભ્યોને લઈને થિયેટરમાં ફરજિયાતપણે જોવી જ જોઈએ. ઈવન સરકારોએ પણ આ ફિલ્મને ટૅક્સ-ફ્રી કરવી જોઈએ અને થિયેટરમાલિકોએ પોતાની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીના ભાગરૂપે પણ આ ફિલ્મના ટૅક્સ-ડિડક્શનનો લાભ લોકો સુધી પહોંચાડીને એને શક્ય એટલા વધુ લોકો સુધી પહોંચતી કરવી જોઈએ. આશા રાખીએ કે આવી ફિલ્મો સતત બનતી રહે, જેથી આપણા સમાજમાં એવું પરિવર્તન આવે જેનાથી આવી ફિલ્મો બનાવવાની જરૂર જ ન પડે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK