ફિલ્મ-રિવ્યુ : ફૅન્ટમ

દિલ કો બહલાને કા કબીર,યે ખયાલ બચકાના હૈ : આ ફિલ્મથી એક વાત સ્પક્ટ છે કે ૨૬/૧૧ના હુમલાનો બદલો ઍટ લીસ્ટ આ રીતે તો ન જ લેવાય

phantom

જયેશ અધ્યારુ

આપણાં બૅડલક જ ખરાબ છે. ઘોરખોદિયા જેવા ત્રાસવાદીઓ આપણે ત્યાં આવીને ભાંગફોડ કરી જાય અને પછી ભારતની બહાર ભાગી જઈને છછૂંદરની જેમ સંતાઈ જાય. આપણા કાનૂન કે લંબે હાથ ક્યારેય તેમના સુધી પહોંચી શકે નહીં. એટલે હવે આપણા સર્જકો ‘ધારો કે આપણે બદલો લીધો હોય તો’ ટાઇપની કાલ્પનિક વાર્તાઓ ઘડી કાઢવા માંડ્યા છે. પોતાના સૈનિકો દુશ્મનોના દાંત કેવી રીતે ખાટા કરે છે એ કહેવા માટે અમેરિકા, ઇઝરાયલ પાસે સાચકલી વાર્તાઓ છે; જ્યારે આપણે બસ, ફિક્શનનો જ સહારો લેવો પડે છે. પરંતુ આપણને કાલ્પનિક બદલો લેતાં પણ સરખી રીતે નથી આવડતું. અગાઉ ‘D-ડે’માં દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવાની વાત હતી. એ પછી નીરજ પાન્ડેની ‘બેબી’માં પણ આવી જ મનોહર કહાનિયાં હતી. આ વખતે ‘ફૅન્ટમ’માં ૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ્સને ખતમ કરવાનો ખયાલી પુલાવ છે. યકીન માનો, મોટા ભાગની ફિલ્મ લાંબી, બોરિંગ, બાલિશ અને હાસ્યાસ્પદ છે.

ખૂન કા બદલા ખૂન

૨૬/૧૧ના આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય ખુફિયા એજન્સી રૉના વડા રૉય (સબ્યસાચી ચક્રવર્તી)ને એક નવો નિશાળિયો સમિત (મોહમ્મદ ઝીશન અય્યુબ) આઇડિયા આપે છે કે આપણે આ કારમા ઘાનો જવાબ અમેરિકાની સ્ટાઇલમાં આપવો. આ હુમલાના ચારેય માસ્ટરમાઇન્ડ્સને તેમના ઠેકાણે જઈ-જઈને એવી રીતે ઠાર કરવા કે જેથી તેમનાં મોત કુદરતી લાગે. આ માટે ભારતીય આર્મીના એક બદનામ સૈનિક દાન્યાલ ખાન (સૈફ અલી ખાન)ની પસંદગી થાય છે. દાન્યાલને મદદ કરવા માટે સોશ્યલ વર્કર ટાઇપનું કંઈક કામ કરતી નવાઝ મિસ્ત્રી (કૅટરિના કૈફ)ને પણ ધંધે લગાડવામાં આવે છે. પ્લાન કે મુતાબિક અડધું ઑપરેશન પાર પડ્યા પછી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIને ગંધ આવી જાય છે. પરંતુ ફિલ્મમેકર્સને છેક ફિલ્મ રિલીઝ થયા પછીયે ગંધ આવતી નથી કે આ કંસાર કરવા જતાં થૂલું રંધાઈ ગયું છે.

ફેંકમ-FAKE

ડિરેક્ટર કબીર ખાનની ‘ફૅન્ટમ’ જેના પરથી બની છે તે ક્રાઇમ-રાઇટર એસ. હુસૈન ઝૈદીની નવલકથા ‘મુંબઈ ઍવેન્જર્સ’ વિશે લોકો એક શબ્દનો જ રિવ્યુ આપતા ફરે છે, ફિલ્મી. એ ફિલ્મી વાર્તા પરથી ખરેખર ફિલ્મ બને ત્યારે એ ફિલ્મી ન હોય તો જ નવાઈ. એક તો આ ફિલ્મની શરૂઆતમાં બોયાય નથી ને ચાયાય નથી ટાઇપનું સમજૌતા એક્સપ્રેસ જેટલું લાંબું ડેક્લેરેશન સંભળાવવામાં આવે છે. એ જોઈને જ લાગે કે બસ, આ જ કારણોસર આતંકવાદીઓ આપણા સકંજામાં નથી આવતા. રિલીઝ પહેલાં ૨૬/૧૧ના ખરેખરા માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને ધમકીઓ આપ્યા પછી ફિલ્મમાં તેનું નામ બદલીને હારિસ સઈદ કરી દેવાયું છે. આપણે તો ત્રાસવાદીઓની લાગણી ન દુભાય એનોય ખ્યાલ રાખવાનોને.

ખેર, પણ સૈફ અલી ખાન સ્ટારર ‘ફૅન્ટમ’ એક અભાવગ્રસ્ત ફિલ્મ છે. એમાં લૉજિકનો અભાવ છે, ધારદાર પંચલાઇન્સનો અભાવ છે, કલાકારોનાં એક્સપ્રેશન્સનો અભાવ છે, એડિટિંગનો અભાવ છે અને પરિણામે ફિલ્મને લોકોની ધીરજના અભાવનો સામનો કરવો પડશે એ નક્કી છે. પહેલાં વાત લૉજિકની. રૉના વડા જે વાતે કન્વિન્સ્ડ ન હોય એ મુદ્દે એક નાનકડું વછેરું લૉલીપૉપ માગતું હોય એ રીતે જીદ કરે કે હાલોને સર, આપણેય રિવેન્જ-રિવેન્જ રમીએ. આમ હુમલાખોરોને મારવાનું નક્કી થાય. પરંતુ ખુફિયા ઑપરેશન છે એટલે સૈફ માથે ગમછો બાંધીને કોને મારવા નીકળી પડ્યો છે એ આપણને મીન્સ કે પ્રેક્ષકોને એકેય તબક્કે કહેવામાં ન આવે. એટલે એ હત્યાઓ પાછળનું કનેક્શન પણ આપણને ખબર ન પડે. એક સમજુ પ્રેક્ષક તરીકે આપણે સ્વીકારી લેવાનું કે અમે જે કરીએ છીએ એ દેશના સારા માટે જ કરીએ છીએ. તમારે રોટલાથી કામ કે ટપાકાથી?

આ ફિલ્મમાં સૌથી મોટી ઊણપ વર્તાઈ સૈફના સાઇડ કિકની મતલબ કે સહયોગીની. વિદેશી ધરતી પર માણસો મૅનેજ કરવાથી લઈને મર્ડરનું પ્લાનિંગ, બૅકઅપ વગેરે બધું જ બિચારા સૈફે એકલે હાથે જ કરવું પડે. હા, તેની મદદ માટે કૅટરિના છે, પણ તે બિચારી પોતાની લિપસ્ટિક ટચઅપ કરે કે ઑપરેશન પાર પાડે? જો આખું મિશન રૉએ ડિઝાઇન કર્યું હોય તો એનું અગાઉથી ઝીણવટભર્યું પ્લાનિંગ પણ થયું જ હોવું જોઈએને? જેમ કે અહીં શરૂઆતમાં એવું નક્કી થાય છે કે બધી જ હત્યાઓ ઍક્સિડેન્ટલ ડેથ લાગવી જોઈએ, પરંતુ અડધે રસ્તેથી ટ્રૅક ચેન્જ અને જેમ બને તેમ જલદી કામ પતાવો. શું આપણું રૉ કલ્પનામાં પણ ફુલપ્રૂફ આયોજન ન કરી શકે? ભારતના લેવલેથી સૈફનો નકલી ફોટો મૅનેજ ન કરી શકવાથી લઈને પાકિસ્તાનમાંથી પોતાના એજન્ટને બહાર કાઢવા સુધીના કોઈ પણ તબક્કે પ્લાનિંગ થયેલું નથી બતાવાયું. આના કરતાં વધુ તૈયારી તો બિહારમાં બોર્ડની પરીક્ષાઓમાં ચોરી કરાવવા જતા પેરન્ટ્સલોગ કરે છે. ઈવન ફિલ્મમાં મુખ્ય આરોપીને ઉડાડવા માટે જે બ્લાસ્ટ પ્લાન થાય છે એ એટલોબધો ફુસ્સ છે કે એના કરતાં ગઈ દિવાળીના ફટાકડા વધુ જોશભેર ફૂટે.

વધુમાં આ ફિલ્મમાં કેટલીયે વિદેશી ફિલ્મોના વણજોઈતા સંદર્ભો આવે છે. એક તો આખો પ્લૉટ અને એકાદો બ્લાસ્ટ સ્ટીવન સ્પીલબર્ગની ‘મ્યુનિક’ની યાદ અપાવે છે. ઊંધા લટકેલા સૈફની એક સીક્વન્સ ટૉમ ક્રૂઝની ‘મિશન ઇમ્પૉસિબલ’ની યાદ તાજી કરી દે છે. અરે, લાદેનને પકડવાના મિશન પર બનેલી ‘ઝીરો ડાર્ક થર્ટી’થી લઈને ‘ટાઇટૅનિક’ સુધીના રેફરન્સિસ અહીં છે.

એમ છતાં ફિલ્મને ન્યાય કરવા માટે એટલું કહેવું જોઈએ કે શરૂઆતના બે આતંકીઓને જેર કરવાની સિક્વન્સિસ ખરેખર થ્રિલિંગ છે અને આપણને નખ ચાવવા પર વિવશ કરી દે છે. પરંતુ પછી જ બોરિંગ બૅક સ્ટોરીઝ, વણજોઈતાં પાત્રોની મગજમારી, નકામાં ગીતો અને કંગાળ ગતિ આ ઑપરેશન ફૅન્ટમને ફેલ કરી નાખે છે. વધુપડતા દેશો ફરવા બદલ સૈફ અલી ખાન ટ્રાવેલ-એજન્ટ વિનોદ તરીકે વગોવાયો હતો. અહીં પણ કાશ્મીરથી અમેરિકા, લંડન, બીરુત, સિરિયા, પાકિસ્તાન વાયા દિલ્હીની અઢળક કન્ડક્ટેડ ટૂર છે. એમાંય સિરિયા અને બીરુત રખડવા ન ગયા હોત તો ફિલ્મ ક્યાંય વધુ ક્રિસ્પ બની હોત.

એક થ્રિલરને ધારદાર બનાવવા એક પછી એક ફટાફટ આવતી ટેન્શનવાળી સીક્વન્સ અને કાતિલ ડાયલૉગ્સનું કિલર કૉમ્બિનેશન હોવું જોઈએ. અહીં બેમાંથી એકેય નથી. કદાચ એડિટરનું કમ્પ્યુટર હૅન્ગ થઈ ગયું હશે. સૈફનું તો સમજ્યા, પણ કૅટરિના જેવું કોઈ સાથે હોવા છતાં આટલું જોખમી ઑપરેશન પાર પડી શકે એ વિચાર જ આશાવાદની ચરમસીમા જેવો લાગે છે. બચાડી માટે એટલું કહી શકાય કે કૅટરિનાના ચહેરા કરતા એક સીનમાં તેના પેટે ઘણો સારો અભિનય કર્યો છે. ઘણે ઠેકાણે આ ફિલ્મ અનઇન્ટેન્શનલી ફની બની રહે છે. અહીં એવા તમામ સીન સાવ વેડફાઈ ગયેલા મોહમ્મદ ઝીશન અય્યુબના ફાળે આવ્યા છે. ધારદાર બંગાળી ઍક્ટર સબ્યસાચી ચક્રવર્તીનો પણ આટલો વેસ્ટેજ તો આપણું બૉલીવુડ જ કરી શકે.

બિનજરૂરી ચરબીને લીધે રોળાઈ ગયેલી આ થ્રિલર ફિલ્મમાં ખરેખર તો ગીતોની જરૂર જ નહોતી. પણ હા, અફઘાન જલેબી.. ‘એજન્ટ વિનોદ’ના પુંગી બજા કે.. જેવું લાગતું હોવા છતાં ચ્યુઇંગ-ગમ જેવું મસ્ત ચીપકુ છે.

નિષ્ફળ થ્રિલર

બે સીક્વન્સને બાદ કરતાં સાવ બોરિંગ બની ગયેલી આ ફિલ્મને ટીવી-DVD પર જ જોવાનું રાખો તો વધુ સારું. હા, અહીં જે અંગ્રેજી ફિલ્મોનાં નામ લીધાં છે એ વહેલી તકે જોઈ પાડો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK