ફિલ્મ-રિવ્યુ - ઓકે જાનૂ

નૉટ ઓકે, મણિસર, તામિલમાંથી હિન્દીમાં આવતા સુધીમાં આ ફિલ્મમાં રહેલો મણિરત્નમ અને એ. આર. રહમાનનો મૅજિકલ ટચ ક્યાંય ખોવાઈ ગયો છે

ok jaanu


જયેશ અધ્યારુ


ડિયર મણિસર,

ભારતમાં ફિલ્મ જોનારાઓની એક આખી પેઢીની જેમ અમે પણ તમારી ફિલ્મો જોઈ- જોઈને મોટા થયા છીએ. જે રીતે તમે અઘરામાં અઘરી વાતને પણ હળવાશથી કહી દો છો, જે રીતે ૨૪ ફિલ્મો બનાવ્યા પછીયે તમને ક્રીએટિવ ફટીગ નથી લાગ્યો, જેવું પૅશન તમારી એકેક ફિલ્મમાં દેખાય છે એ જોતાં તમને ભારતીય સિનેમાની જીવતીજાગતી ઇન્સ્ટિટ્યુશન કહેવામાં એક ટકોય અતિશયોક્તિ નથી. પરંતુ તમે જ્યારે તમારી પોતાની ફિલ્મને હિન્દીમાં બીજા કોઈ ડિરેક્ટરને બનાવવા સોંપી દો ત્યારે અમને જોનારાઓને તો સગી માએ પોતાનું સંતાન બીજા કોઈને દત્તક આપી દીધું હોય એવું દુ:ખ થાય. એવું દુ:ખ અમને શાદ અલીએ તમારી ‘અલાઈપાયુથે’ને સાથિયા’ના નામે બનાવેલી ત્યારે થયેલું. હવે એ જ દુ:ખનું રિપીટેશન બે વર્ષ પહેલાં તમે જ તામિલમાં બનાવેલી ‘ઓ. કે. કન્મની’ની હિન્દી રીમેક ‘ઓકે જાનૂ’ જોઈને અત્યારે થઈ રહ્યું છે. એટલે જ તમને આ ઓપન લેટર લખવાની નોબત આવી છે.

તમારી ઘણી ફિલ્મોમાં અમે જોયું છે કે હીરો-હિરોઇનને તમે શરૂઆતમાં જ પરણાવી દો. પરંતુ ‘ઓ.કે. કન્મની’ની વાત અલગ હતી. અમને યાદ છે, એની રિલીઝ વખતે તમે કહેલું કે એ ફિલ્મમાં તમે એવું બતાવવા માગતા હતા કે અત્યારના યુવાનો બહારથી ભલે મૉડર્ન થયા હોય, પરંતુ અંદરથી તો હજીયે એવા જ ટ્રેડિશનલ છે. એમાં તમે મલયાલમ સુપરસ્ટાર મમુટીના હોનહાર દીકરા દુલ્કર સલમાન અને નમણી નિત્યા મેનનની એકદમ ફ્રેશ જોડીને કાસ્ટ કરેલી. સ્ક્રીન પર તે બન્ને મેડ ફૉર ઈચ અધર લાગતાં હતાં. તે બન્ને ઉપરાંત પોતાની ઑલ્ઝાઇમર્સ ડિસીઝથી પીડાતી પત્નીની કાળજી લેતા પ્રકાશ રાજ અને યાદદાસ્ત ગુમાવી રહેલાં, પરંતુ પ્રેમ અકબંધ રાખીને રહેતાં તેમનાં પત્ની તરીકે લીલા સૅમસનની જોડીમાં પણ એવી જ ઉષ્મા દેખાતી હતી.

અફર્કોસ, ‘ઓકે જાનૂ’ પણ રીમેક છે એટલે ફ્રેમ-બાય-ફ્રેમ સરખી છે. અમેરિકા જવાનું સપનું લઈને મુંબઈ આવેલો વિડિયો-ગેમ ડિઝાઇનર યુવાન આદિત્ય (આદિત્ય રૉય કપૂર) પૅરિસ જઈને આર્કિટેક્ચર ભણવાનું સપનું લઈને ફરતી યુવતી તારા (શ્રદ્ધા કપૂર)ને મળે. બન્નેની કેમિસ્ટ્રી ક્લિક થાય, એકબીજા સાથે ફરે-હરે, ગીતો ગાય અને પ્રેમમાં પડે. લગ્ન અને બાળકોની બબાલમાં ન માનતાં આ બન્ને છૂટાં પડતાં પહેલાં સાથે રહેવા માટે લિવ-ઇનમાં રહે અને ત્યાં જ નસીરુદ્દીન શાહ-લીલા સૅમસનનો સંબંધ જોઈને સાથે રહેવાના અને એકબીજાની જવાબદારી ઉપાડવાના પાઠ શીખે. ફાઇન. વાત સરસ છે, પરંતુ હિન્દી અવતરણની પ્રક્રિયામાં એ મૂળ મૅજિક ક્યાંક વરાળ થઈને ઊડી ગયો છે.

તામિલ વર્ઝનનું નામ તમે કેવું મસ્ત રાખેલું, ‘ઓ કાધલ કન્મની’ એટલે કે ઓ પ્રિયે, આંખ જેવી અણમોલ. જ્યારે હિન્દીમાં એના જેવું જ નામ રાખવાની લાલચમાં ‘ઓકે જાનૂ’ જેવું તદ્દન ફિલ્મી મીનિંગલેસ ટાઇટલ આપી દેવાયું. એ રીતે તો ઓકે ટા-ટા બાય-બાય રાખ્યું હોત તોય શું ફરક પડવાનો હતો?

‘આશિકી ૨’ની હિટ જોડી આદિત્ય રૉય કપૂર-શ્રદ્ધા કપૂરને રિપીટ કરવાનો આઇડિયા માર્કેટિંગની રીતે પર્ફેક્ટ છે, પરંતુ ‘આશિકી ૨’ની સફળતામાં એ બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી કરતાં એના જબરદસ્ત સંગીતનો ફાળો વધારે હતો. અહીં આ જોડી પોતાનું એ જૂનું બૅગેજ સાથે લઈને આવે છે અને એટલે જ પબ્લિકમાંથી હજીયે આરોહીના નામની બૂમો પડે છે. શ્રદ્ધા કપૂર ઍક્ટિંગ કરતાં પોતાની ક્યુટનેસ જ વટાવતી હોય એવું વધારે લાગે છે. ગેમર લખેલું મોબાઇલનું કવર અને લૅપટૉપની સ્ટારવૉર્સની સ્ક્રીનને બાદ કરતાં આદિત્ય રૉય કપૂર એકેય ઍન્ગલથી વિડિયો-ગેમ ડિઝાઇનર લાગતો નથી. ફિલ્મમાં તેનો મુંબઈ ૨.૦ ગેમનો કન્સેપ્ટ પણ તદ્દન ડમ્બ ડાઉન થઈ ગયો છે. ઓરિજિનલ વર્ઝનમાં તમે એસ્ટૅબ્લિશ કરેલું કે એક ઝાકઝમાળ, ગ્લૅમરથી ભરેલું અપર મુંબઈ હોય અને કૉન્ટ્રૅક્ટ કિલર્સ, ડ્રગ્સ, હવાલા, બ્લૅક મનીથી ભરેલું બીજું લોઅર મુંબઈ હોય. અપર મુંબઈથી શરૂ થતી ગેમ લોઅર મુંબઈમાં જાય એ કન્સેપ્ટનો છેદ જ અહીં ઊડી ગયો છે. સર, તમે હિન્દી ફિલ્મો જોતા નથી એ અમને ખબર છે, પણ જેમના માટે આ ફિલ્મ છે એ અહીંના યુવાનો દુનિયાભરની વિડિયો-ગેમ્સ રમે છે.

‘ઓ.કે. કન્મની’નું મ્યુઝિક સુપરહિટ હતું અને બે વર્ષ પછી આજેય એટલું જ ફ્રેશ લાગે છે. તમે એ.આર. રહમાન સાથે મળીને જે કમાલ કરેલી છે એ અમે છેક ‘રોજા’થી અને એમાં ગુલઝારસાહેબને ઉમેરીએ તો ‘દિલ સે’ અને ‘સાથિયા’ના જમાનાથી જોતા આવ્યા છીએ. કમનસીબે એ જાદુ અહીં દેખાતો નથી. નો ડાઉટ, ઓરિજિનલ ‘ઓ.કે. કન્મની’નાં મૂળ ગીતોનાં હિન્દી વર્ઝન (ઓકે જાનૂ, કારા ફનકારા અને જી લે) સાંભળવામાં તો મજા પડે છે, પણ એના શબ્દોમાં ઓરિજિનલમાં હતું એવું કાવ્યતત્વ ખોવાઈ ગયું છે. ઓરિજિનલમાં અફલાતૂન લવ-સૉન્ગ હોવા છતાં એને બદલે તમારા અને રહમાનના હમ્મા હમ્માનું બાદશાહને લઈને જે અત્યંત કંગાળ રીમિક્સ કર્યું છે એમાંથી માત્ર નાણાકીય હેતુસર આ રીમેક બનાવાઈ છે એની બદબૂ આવે છે. નહીંતર આ જ એ. આર. રહમાન પોતાના ઉવર્‍શી ઉવર્‍શીનું પ્વ્સ્ અનપ્લગ્ડ માટે જે રીમિક્સ બનાવે એ એટલું જ અદ્ભુત બને અને આમાં આવો દાટ વળે એ કઈ રીતે માની લઈએ? અરિજિતે ગાયેલું ઇન્ના સોણા જેવું ઠીકઠાક ગીત પણ ધીમી પડી ગયેલી ફિલ્મની ગતિને ઓર ધીમું પાડે છે.

અહીં સ્ક્રીનપ્લેમાં તમારું નામ છે, પરંતુ અમને ખબર છે કે અમારા તામિલ જેવું જ તમારું હિન્દી છે. ડાયલૉગ્સમાં ગુલઝારસાહેબનું નામ દેખાય છે. નસીરુદ્દીન શાહના મોઢે બોલાયેલા આસ્તીન ચઢા દેના ઝરા મેરી, હિમાકત-એ-નાઉમþ, મરીઝ-એ-ઇશ્ક જેવા શબ્દપ્રયોગોમાં એ દેખાઈ પણ આવે છે. પરંતુ બાલકૃષ્ણ દોશી જેવા દિગ્ગજ ગુજરાતી આર્કિટેક્ટ માટે તમારી ફિલ્મમાં ઠરકી જેવો હલકો શબ્દ વપરાય? તેમના ગેસ્ટ અપીઅરન્સમાં અમદાવાદની ગુફાની રચના વિશે બોલાતી બે લાઇન પણ મહત્વની હતી, જ્યારે એ આખો કૅમિયો અહીં માત્ર નામનો જ બનીને રહી ગયો છે. ફિલ્મમાં ઇતના તંગ આ ગએ હો તો છોડ ક્યૂં નહીં દેતે? એ લાઇન તો આ જ શાદ અલીવાળી ‘સાથિયા’માં પણ હતી. મતલબ કે ટ્રાન્સલેશન સિવાય ખાસ કોઈ ક્રીએટિવિટી ઉમેરાઈ નથી. ઉપરથી તમારો પૅશનેટ-મૅજિકલ ટચ પણ નથી. એટલે જ દુલ્કર સલમાન-નિત્યા મેનનની જેમ આદિત્ય રૉય કપૂર-શ્રદ્ધા કપૂરના પ્રેમમાં અમે પડી શકતા નથી. વળી ખોટી જગ્યાએ સ્પૉન્સરનું પ્રોડક્ટ-પ્લેસમેન્ટ મુકાયું હોઈ પૈસા કમાવા માટે આ ફિલ્મ બનાવાઈ હોવાનું વધારે સ્પક્ટ થાય.

તમારી ઓરિજિનલ ફિલ્મથી વિપરીત અહીં મુંબઈ એક પાત્ર તરીકે ઊપસતું નથી, બસ એક બૅકડ્રૉપ બનીને રહી જાય છે. ઓરિજિનલ આદિ-તારાની નિર્દોષતા પણ અહીં ગાયબ છે. મુંબઈને, અમદાવાદને, પોતાની સ્વતંત્રતાને, ખરેખરા પ્રેમને માણતાં ક્યુટ છતાં મૅચ્યોર પ્રેમીઓને બદલે અહીં એમનામાંથી વાસના ટપકતી વધારે દેખાય છે (કર્ટસી : હમ્મા હમ્મા ગીતનું પિક્ચરાઇઝેશન). શૃંગાર રસને નજાકત અને મર્યાદાથી ફિલ્માવવામાં ન આવે તો એને વાસનામાં પલટાઈ જતાં વાર નથી લાગતી એ તફાવત ઓરિજિનલ અને આ હિન્દી વર્ઝન જોતાં બરાબર સમજાઈ જાય છે.

અમને ખબર છે કે તમે હિન્દી ફિલ્મો જોતા નથી, પરંતુ જસ્ટ જણાવવાનું કે હમણાં જ અમે આદિત્ય ચોપડાની મહાકંગાળ ‘બેફિકરે’ જોઈ છે જેમાં આવી જ સ્ટોરી હતી એ આ ફિલ્મની રિલીઝનું કમનસીબ ટાઇમિંગ ગણી શકાય. લેકિન અગાઉ પણ આવી જ થીમ ધરાવતી અનેક ફિલ્મો આવી ગઈ છે. તમારો ટચ ‘ઓ.કે. કન્મની’ને એ ફિલ્મોથી અને ‘ઓકે જાનૂ’થી અલગ પાડતો હતો. એ અહીં નથી એટલે અમારા માટે તો તમારા પ્રોડક્શનની આ ફિલ્મ એક સરેરાશ માઇલ્ડ એન્ટરટેઇનિંગ ફિલ્મ બનીને રહી ગઈ છે.

એટલે પ્લીઝ, તમારી હવે પછીની અદિતી રાવ હૈદરી સ્ટારર ફિલ્મ ‘કાત્રુ વેલિયિદાઈ’ને હિન્દીમાં બનાવો તો ડિરેક્શનનું સુકાન તમારી પાસે જ રાખશો.

બસ એ જ, તમારા કરોડો ચાહકો પૈકીનો એક.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK