ફિલ્મ-રિવ્યુ : NH 10

અહીંથી જવાય નરક તરફ, આપણા સમાજનો કદરૂપો ચહેરો બતાવતી આ ધીમી, પ્રિડિક્ટેબલ ડાર્ક થ્રિલર મુઠ્ઠીભર વિવેચકોને વધુ પસંદ આવશે

જયેશ અધ્યારુ

આપણો દેશ વિરોધાભાસોથી ભરચક છે. હાઇરાઇઝ બિલ્ડિંગોની આસપાસ ઝૂંપડપટ્ટીઓ ઊભરાતી હોય છે અને આધુનિકતાની ચાડી ખાતા ચકાચક શૉપિંગ મૉલની ચમકદમક પૂરી થાય ત્યાં આઝાદ ભારતનું એક પછાત કાયદાવિહોણું જંગલ ખદબદતું હોય છે. આપણી આ સામાજિક કુરૂપતા બતાવતી ક્રૂર ડાર્ક થ્રિલર ફિલ્મ ‘NH 10’ (નૅશનલ હાઇવે નંબર ૧૦)થી અભિનેત્રી અનુષ્કા શર્મા પ્રોડ્યુસર બની છે. ડિરેક્ટર નવદીપ સિંહ આપણને હરિયાણાના એવા પુરુષ-આધિપત્ય ધરાવતા વિસ્તારમાં લઈ જાય છે જ્યાં સ્ત્રીઓને એક વસ્તુથી વિશેષ નથી સમજવામાં આવતી. આ વાત આપણને અત્યંત ઘાતકી રીતે બતાવવામાં આવે છે. પરંતુ આ વાસ્તવિકતાના નામે અત્યંત ધીમી ગતિએ લગભગ આખી ફિલ્મમાં જે કંઈ બને છે એ આપણે અગાઉ અનેક ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ.

ડેડ એન્ડ

મીરા (અનુષ્કા શર્મા) અને અર્જુન (નીલ ભૂપાલમ) દિલ્હી-ગુડગાંવનું અર્બન કપલ છે. બન્ને નોકરી કરે છે અને ચિક્કાર કમાય છે. દિલ્હીની વરવી વાસ્તવિકતાના એક ખરાબ અનુભવ પછી બન્ને નક્કી કરે છે કે શહેરથી દૂર એક રિસૉર્ટમાં જઈને થોડા ફ્રેશ થઈ આવવું, પરંતુ હરિયાણામાંથી પસાર થતા નૅશનલ હાઇવે નંબર ૧૦ પર તેઓ જુએ છે કે એક ભાગી છૂટેલા કપલની પાછળ તેનો ભાઈ (‘મૅરી કૉમ’વાળો દર્શન કુમાર) અને તેના ગુંડાઓ પડ્યા છે. એ ઝઘડામાં વચ્ચે પડવાનું એવું કરુણ પરિણામ આવે છે કે મીરા અને અર્જુનની જિંદગીની આ સૌથી ગોઝારી રાત થઈ પડે છે.

હાઇવે ટુ હેલ

ડિરેક્ટર નવદીપ સિંહે ૨૦૦૭માં ‘મનોરમા સિક્સ ફીટ અન્ડર’ જેવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવેલી. એ ફિલ્મમાં નવદીપે રાજસ્થાનનો આબેહૂબ ખરબચડો માહોલ ખડો કરેલો. અહીં તેમણે સ્ત્રીઓ માટે અંધારિયા ખંડ જેવા હરિયાણાનો ઘાતકી ચહેરો બતાવ્યો છે. સામાન્ય રીતે થ્રિલર ફિલ્મમાં એક પછી એક ઘટનાઓ એટલી ઝડપથી બનતી રહેતી હોય છે કે આપણને વિચારવાનો મોકો જ ન મળે; જ્યારે અહીં ફિલ્મનાં પાત્રો ગાડીઓમાં ફરે છે, પણ સ્ટોરી બળદગાડાની રફ્તારથી આગળ વધે છે. જાણે કે ફિલ્મ રિયલ ટાઇમમાં આગળ વધતી હોય એમ રાત પૂરી થવાનું નામ જ લેતી નથી. વધારે અકળામણ ત્યારે થાય જ્યારે ખાસ કશું બન્યા વગર બસ પકડદાવ જ ચાલ્યા કરે. ઈવન છેક સુધી કોઈ મોટા ટ્વિસ્ટ આવતા નથી કે છાપ છોડી જાય એવાં કોઈ પાત્રો પણ ઇન્ટ્રોડ્યુસ થતાં નથી. યાદ રહી જાય એવા કોઈ ચોટદાર ડાયલૉગ પણ આપણને સાંભળવા મળતા નથી.

કદાચ ફિલ્મમેકરે નક્કી કર્યું હશે કે આપણે એકદમ ડાર્ક થ્રિલર ફિલ્મ જ બનાવવી છે. એટલે એક પ્રેક્ષક તરીકે દિમાગની નસો ખેંચાઈ જાય પણ આપણને રાહત મળે એવું કશું જ ન બને. ઊલટું, પરિસ્થિતિ વધુ ને વધુ બદતર થતી જાય. પરંતુ એમાંય લોચો એ છે કે ફિલ્મની મુખ્ય વાર્તા જ્યારે શરૂ થાય ત્યારે આપણા મગજના કોઈ ખૂણે અંદેશો આવી જાય કે ખરાબમાં ખરાબ સ્થિતિમાં કંઈક આવું બનશે. અને ડિટ્ટો એવું જ થાય. એટલે આખી ફિલ્મને રિયલિસ્ટિક ટચ આપ્યા પછીયે અંતે તો આખી વાર્તા પ્રિડિક્ટેબલ ફિલ્મના ખાનામાં જ જઈને પડે છે. ઓછામાં ઓછા ડાયલૉગ, મિનિમમ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને અજાણ્યા લોકોના ચહેરાના ક્લોઝ અપ ભયનું વાતાવરણ જરૂર ખડું કરી દે છે, પરંતુ એનું વારંવારનું રિપીટેશન અકળાવવા લાગે છે.

તેમ છતાં ૧૧૩ મિનિટની આ ફિલ્મ પર વિવેચકો અને સમાજનો વિચારતો વર્ગ ઓવારી જાય એવું પાસું છે એમાં ઉઠાવાયેલા મુદ્દા. સૌથી ક્રૂર મુદ્દો છે ઓનર કિલિંગનો, જેના માટે હરિયાણા દેશભરમાં કુખ્યાત છે. એ સિવાય ધ્યાનથી જુઓ તો તમને અમીર-ગરીબ, શહેર-ગામડા વચ્ચે વધતી ખાઈ, અમીરો પ્રત્યેની ઘૃણા, સ્ત્રીઓને એક વસ્તુ અને સેક્સ-સિમ્બોલ ગણી લેવાની આપણી માનસિકતા, નોકરી કરતી-સિગારેટ પીતી-સ્વતંત્ર રીતે નિર્ણયો લેતી સ્ત્રીઓને ચારિhયહીન ગણી લેવાની આપણી હલકી વૃત્તિ, ડોમેસ્ટિક વાયલન્સ અને વારસામાં ઊતરતા એના સંસ્કારો, જીવ કરતાં પણ જાત-બિરાદરી-કોમને વધારે મહત્વ આપતા લોકો, પ્રાંતવાદ અને બીજા રાજ્યમાંથી આવેલા લોકો પ્રત્યે ડોકાતો અણગમો... આ બધું પણ રાઇટર સુદીપ શર્મા અને ડિરેક્ટર નવદીપ સિંહે બખૂબી વાર્તામાં વણી લીધું છે.

પરંતુ આટલાબધા ઇશ્યુ એકસાથે ઉઠાવવાની લાલચમાં ફિલ્મનાં બધાં જ પાત્રો બ્લૅક એન્ડ વાઇટ બની ગયાં છે. પોલીસ અને ગુંડા વચ્ચે કોઈ જ ફરક ન હોય, ગામડાંના લોકો તો શહેરીઓને એલિયન સમજીને કોઈ મદદ જ ન કરે, રિયલ ઇન્ડિયામાં તો જંગલરાજ જ ચાલે છે, સ્ત્રી ભલે સરપંચ હોય પણ તેય તે જાત-પાતથી દૂર ન રહી શકે વગેરે.

હા, પ્રોડ્યુસર તરીકે પહેલી જ ફિલ્મ હોવા છતાં અનુષ્કા શર્માએ કમાણી કરી આપતી પૉપ્યુલર ફિલ્મ બનાવવાને બદલે આવી અઘરી ફિલ્મ પસંદ કરી એ બદલ તેને દાદ દેવી પડે. ઈવન તેણે ઍક્ટિંગમાં પણ મહેનત કરેલી દેખાય છે. ‘મૅરી કૉમ’માં પ્રિયંકા ચોપડાના આદર્શ પતિદેવ તરીકે મીઠડી ભૂમિકા ભજવનારા દર્શન કુમારે એવા કદરૂપા શેડનું પાત્ર બખૂબી નિભાવ્યું છે કે તે વિલન તરીકે એસ્ટૅબ્લિશ થઈ જાય તોય નવાઈ નહીં. અન્ય જાણીતા કલાકારમાં માત્ર દીપ્તિ નવલ છે, જેમને આવા રોલમાં જોઈને તેમના ચાહકોને હળવો કરન્ટ લાગે તો નવાઈ નહીં.

એક વાત આપણા સેન્સર ર્બોડ વિશે પણ. અઢાર વર્ષથી ઉપરના લોકો માટેનું ખ્ સર્ટિફિકેટ આપ્યું હોવા છતાં આ ફિલ્મમાં બધી ગાળો મ્યુટ કરી દેવાઈ છે. ઘણે ઠેકાણે શબ્દો પણ બદલી નખાયા છે. પરંતુ આ જ બધી વસ્તુઓ ટ્રેલરમાં છૂટથી બતાવાતી હતી. અને મ્યુટ કરાયેલા અમુક શબ્દો પાછા ફિલ્મમાં લખેલા દેખાય. આ પ્રકારની ડબલ સ્ટાન્ડર્ડવાળી અને તર્કહીન સેન્સરશિપનો કોઈ અર્થ ખરો? 

ટોલ-ટૅક્સ ભરવો કે નહીં?

આ ફિલ્મ માત્ર એવા લોકોને જ ગમશે જેમને કોઈ રાહત વિનાની ડાર્ક ફિલ્મો ગમતી હોય. અહીં હસવા માટેનો કોઈ સ્કોપ નથી, એકાદ-બે ગીત છે જે પરાણે ઘુસાડેલાં લાગે છે. આ ફિલ્મ જોવા જવાની ઇચ્છા ન થાય એનું સૌથી મોટું કારણ એ છે કે આખી ફિલ્મ એક નકારાત્મક, વિષાદમય નોટ પર પૂરી થાય છે. અડધો ડઝન મુદ્દા ઉઠાવ્યા પછીયે ‘NH 10’ સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે કોઈ આશાનું કિરણ દેખાય એવી વાત કરતી નથી. ઊલટું એવો પણ વિચાર આવે કે કાયદો તો સ્ત્રીઓ માટે કશું કરી શકવાનો નથી, સ્ત્રીએ જ પોતાના હાથમાં બંદૂક કે લોખંડનો સળિયો ઉઠાવવો પડશે. હવે તમે જ નક્કી કરો કે થિયેટર સુધી લાંબા થવું કે નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK