ફિલ્મ-રિવ્યુ : મર્દાની

ખૂબ લડી મર્દાની વો તો મુખરજીવાલી રાની થી!


યશ મહેતા


સિંઘમ જેવી જ સ્ટાઇલિશ, CIDના દયા જેવી ફિટ અને અબ તક છપ્પનના નાના પાટેકર જેવી ઠંડકથી એન્કાઉન્ટર કરતી રાની મુખરજી બૉલીવુડની ફિલ્મોમાં આવેલી અત્યાર સુધીની બેસ્ટ પુલીસવાલી છે એક સારી ફિલ્મ કેવી હોય? જેમાં એક છેડેથી બીજા છેડે ફટાફટ વહી જતી વાર્તા હોય, એ વાર્તાને આગળ ધપાવતાં એકદમ વાસ્તવિક લાગે એવાં પાત્રો હોય, આપણને જાણે હિપ્નોટાઇઝ કર્યા હોય એવું જકડી રાખનારું સ્ટોરી-ટેલિંગ હોય અને અંતે વિચારતા કરી મૂકે એવો કોઈ મુદ્દો હોય. આ અઠવાડિયે રિલીઝ થયેલી રાની મુખરજીને ક્રાઇમ બ્રાન્ચની એક કડક પુલીસવાલીના રોલમાં પેશ કરતી ફિલ્મ ‘મર્દાની’ આવી જ ફિલ્મ છે. ‘પરિણીતા’ પછી ‘લાગા ચુનરી મેં દાગ’ અને ‘લફંગે પરિંદે’ જેવી કંગાળ ફિલ્મો આપ્યા પછી ડિરેક્ટર પ્રદીપ સરકાર આ વખતે ખૂબ ખીલ્યા છે.

એક ક્રાઇમ અને ચોર-પોલીસનો ખેલ

શિવાની શિવાજી રૉય (રાની મુખરજી) મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સિનિયર ઇન્સ્પેક્ટર છે. નખશિખ પ્રામાણિક અને સહેજ પણ અન્યાય ન સાંખી લેતી શિવાની પોતાના પતિ ડૉ. બિક્રમ રૉય (બંગાળી ઍક્ટર જિશુ સેનગુપ્તા) અને ટીનેજર ભાણેજ સાથે મુંબઈમાં રહે છે. ચિલ્ડ્રન્સ શેલ્ટર હોમમાં રહેતી અને દિવસે રસ્તા પર ફૂલોના ગજરા વેચતી અગિયાર વર્ષની બીજી એક બાળકી પ્યારી રાનીને દીકરી જેવી વહાલી છે.

પરંતુ એક દિવસ પ્યારી ગાયબ થઈ જાય છે. તેની તલાશના અંકોડા મેળવતાં રાનીને ખબર પડે છે કે તેની પ્યારી તો વેશ્યાવૃત્તિ માટે બાળકોને ઉઠાવી જતા બહુ મોટા રૅકેટનો ભોગ બની ગઈ છે. વળી આ હાઈ-પ્રોફાઇલ સેક્સ-ટ્રાફિકિંગનું જાળું એટલું ગૂંચવણભરેલું છે તથા એટલુંબધું ફેલાયેલું છે કે એને ઊકેલવું આસાન નથી. વળી એના અસલી સૂત્રધાર કોણ છે એ પણ કોઈ જાણતું નથી, પરંતુ રાની પીછો નથી છોડતી. ચોર-પોલીસની આ રેસમાં ખુદ રાની અને તેનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એક તબક્કે રાની અને સેક્સ-રૅકેટનો સૂત્રધાર બન્ને સામસામાં આવી જાય છે. પણ પછી? રાનીને પ્યારી મળે છે, પણ કેવા સંજોગોમાં? વેલ, એ માટે ઓવર ટુ ‘મર્દાની’ ધ ફિલ્મ.

માતાજીને પૂજતા દેશની વરવી વાસ્તવિકતા

માત્ર ૧૧૩ મિનિટ્સની લંબાઈ ધરાવતી ‘મર્દાની’ પર્ફે‍ક્ટ થિલર ફિલ્મ છે. ગોપી પુત્રન દ્વારા ખૂબ જ સારી રીતે લખાયેલી અને મંજાયેલા ફિલ્મમેકર પ્રદીપ સરકાર દ્વારા સારી રીતે ડિરેક્ટ થયેલી ફિલ્મ. મજાની વાત એ છે કે સમગ્ર ફિલ્મ મૂળ વાર્તાને વફાદાર રહીને એની જ આસપાસ ફરે છે. કોઈ પણ જાતની ખોટી ચરબી જેવી કે આઇટમ-સૉન્ગ, લવ-સ્ટોરી વગેરે ઉમેરવામાં નથી આવી. ઍક્ચ્યુઅલી આ ફિલ્મને એકથી વધુ ઍન્ગલ્સથી તપાસવા જેવી છે.

પહેલી વાત ક્રાઇમ બ્રાન્ચની સિનિયર ઇન્સ્પેક્ટર શિવાની રૉયના પાત્રની. સાદી સમજ માટે એવું કહી શકાય કે શિવાની સિંઘમનો ફીમેલ અવતાર છે, પરંતુ તે સિંઘમની જેમ વારે-વારે ઇમોશનલ થઈને ડંડા નથી ઉપાડી લેતી. તે ઠંડા કલેજે કામ કરે છે. તેનો એક પરિવાર પણ છે, પરંતુ તે ગુનાખોરીની દુનિયાનું ટેન્શન ઘરમાં નથી લાવતી. તેના કામના કલાકો  છે, પણ સામે પક્ષે તેનો પરિવાર પણ સમજુ છે. બર્થ-ડેના દિવસે પણ ઘરે આવતાં મોડું થઈ જાય તો મોઢું ચડાવવાને બદલે જે ક્ષણો મળે છે એને માણી લેવામાં માને છે. એટલે જ તે વાસ્તવિકતાની વધારે નજીક લાગે છે. એક પોલીસ-અધિકારીનું નાટuાત્મકતા વિનાનું માનવીય પાસું પ્રદીપ સરકારે બખૂબી ઝીલ્યું છે. પતિ કાબેલ ડૉક્ટર છે, પરંતુ ઘરની નેમપ્લેટ પર પત્ની શિવાનીનું નામ પહેલાં લખાયેલું દેખાય છે.

ફિલ્મ શરૂઆતમાં જ કહે છે કે એમાં આકાર લેતી બધી જ ઘટનાઓ વાસ્તવિકતા પરથી પ્રેરિત છે. એટલે જ પોલીસ કોઈ કેસ પર કેવી રીતે કામ કરે, કેવી રીતે આરોપીને ટૉર્ચર કરે, કેવી રીતે બાતમી ઓકાવે, કેવી રીતે આખું ઑપરેશન પાર પાડે એ બધું જ એકદમ રિયલ લાગે છે; પરંતુ સૌથી વધુ રિયલ લાગે છે ખુદ રાની મુખરજી. સૌ જાણે છે એમ રાનીએ આ ફિલ્મમાં બૉડી-ડબલની મદદ વિના બધા જ સ્ટન્ટ જાતે કર્યા છે.

‘મર્દાની’માં દર્શાવવામાં આવેલો વાસ્તવિકતાનો બીજો અને વરવો આયામ એટલે સેક્સ-ટ્રાફિકિંગ. એ હકીકત છે કે આપણા દેશમાંથી રોજના હિસાબે બાળકીઓ ગાયબ થાય છે, જેમાંથી મોટા ભાગની બાળકીઓની કોઈ જ ભાળ નથી મળતી. ફિલ્મ પોતે યુનાઇટેડ નેશન્સના આંકડા ટાંકીને આ વાત કહે છે. એ બાળકીઓને અત્યંત ખરાબ રીતે અપમાનિત કરીને અતિઘૃણાસ્પદ એવા વેશ્યાવૃત્તિના ધંધામાં દુનિયાભરમાં ધકેલી દેવાય છે, પરંતુ અફસોસ કે એ અખબારોના કોઈ ખૂણે સમાચારો બનીને રહી જાય છે. હચમચાવી મૂકે એવું આ વિષચક્ર પ્રદીપ સરકારે એવી રીતે ઝીલ્યું છે કે આપણે ધþૂજી ઊઠીએ.

ઑલ ઇઝ નૉટ વેલ


થોડી હજી વધારે સારી રીતે લખાઈ હોત તો આ ફિલ્મ એક અફલાતૂન ફિલ્મ બની શકી હોત, પરંતુ મેસેજના મામલે એનો માર્ક કાપી લેવો પડે એવું છે. ‘સિંઘમ’ની જેમ ‘મર્દાની’ પણ એવો ખોટો મેસેજ આપે છે કે આપણા દેશમાં ન્યાયતંત્રના નામનું નાહી નાખવાનું જ છે અને જો સ્ત્રીઓએ આ દેશમાં સુરક્ષિત જીવવું હશે તો કાયદો હાથમાં લીધા વિના નહીં ચાલે. એન્કાઉન્ટર અને માર બૂંધું ને કર સીધું ટાઇપનો આ અપ્રોચ સમાજમાં અત્યંત ખોટો મેસેજ પાસ કરે છે. વળી એ આ જ ખોટા મેસેજની લાકડીએ લોકપાલ બિલને પણ હાંકી લે છે જે તદ્દન અયોગ્ય છે. ખરેખર તો ન્યાયતંત્ર પણ મામલાની ગંભીરતા સમજીને ગુનાખોરોને તેમના અંજામ સુધી પહોંચાડે એ આ ફિલ્મનો યોગ્ય અંત હોવો જોઈતો હતો. હા, ફિલ્મની એટલી વાત સાચી કે સ્ત્રીઓની સામે ગંભીર અપરાધ થઈ જાય પછી હાથમાં મીણબત્તી લઈને નીકળવા કરતાં પહેલેથી જ આવું ન થાય એની તકેદારી રાખવામાં આવે તો?

ટીમ-મેમ્બર્સ

આગળ કહ્યું એમ રાની મુખરજી પોલીસ-ઑફિસરના રોલમાં એકદમ પર્ફે‍ક્ટ છે. ‘નો વન કિલ્ડ જેસિકા’ પછી આ તેનો બીજો દમદાર પર્ફોર્મન્સ છે. તેના પતિ બનતા બંગાળી અદાકાર જિશુ સેનગુપ્તાનું ખાસ કશું કામ નથી, પરંતુ રાની પછી ધ્યાન ખેંચવામાં જે સૌથી વધારે સફળ થાય છે તે છે ફિલ્મનો વિલન વૉલ્ટ બનતો યુવા ઍક્ટર તાહિર રાજ ભસીન. અગાઉ ‘વન બાય ટૂ’ ફિલ્મમાં જરાતરા દેખાયેલો તાહિર આમ જોવા જાઓ તો ખાસ કશું કરતો જ નથી. બસ તે બર્ગર ખાય છે, સૉફ્ટ ડ્રિન્ક પીએ છે, વિડિયોગેમ રમે છે અને મોબાઇલમાં વાતો કરે છે; પરંતુ આ બધું કરતાં-કરતાં જે ઠંડક અને ક્રૂરતાથી આખો ધંધો હૅન્ડલ કરે છે એ ખોફનાક છે. આપણાં રૂંવેરૂંવે નફરતની ઝાળ લગાડી દેવામાં તે પૂરેપૂરો સફળ જાય છે. નાના પડદે વિલનનો રોલ કરનારી અભિનેત્રી મોના આંબેગાવકરનો નાનકડો પણ રાઈના દાણા જેવો દમદાર રોલ છે. હા, ‘સરફરોશ’ કે ‘સિંઘમ’ની જેમ રાની મુખરજીના સાથીદારો તરીકે સપોર્ટિંગ કાસ્ટને વ્યવસ્થિત રીતે લેવામાં આવી હોત તો રાની ફિલ્મમાં દેખાય છે એમ સાવ એકલી-એકલી ન લાગત.

ગો ફૉર ‘મર્દાની’

આપણે ત્યાં આખા વર્ષમાં માંડ બે-ત્રણ ફિલ્મો એવી આવે છે જેમાં સ્ત્રીઓની ભૂમિકા અને તેના પ્રશ્નો કેન્દ્રમાં હોય, જેમાં હિરોઇન જ હીરો હોય. ‘મર્દાની’ એમાંની એક છે; પરંતુ હા, ખરબચડી ભાષા અને કંપારી છૂટી જાય એવા દેહવિક્રયના વ્યવસાયનાં અમુક દૃશ્યોને કારણે આ ફિલ્મને સેન્સરનું ઍડલ્ટ માટેનું ‘એ’ સર્ટિફિકેટ મળેલું છે, એટલે અઢાર વર્ષથી નીચેના લોકો તો થિયેટરમાં જઈ નહીં શકે, પરંતુ બાકીના લોકો માટે આ ફિલ્મ બેશક જોવા જેવી અને ઠંડા કલેજે વિચારવા જેવી છે. બાય ધ વે, આ ફિલ્મ ખરેખરી સીક્વલને લાયક છે.

ફાલતું *

ઠીક-ઠીક **

ટાઈમપાસ ***

પૈસા વસૂલ ****

બહુ જ ફાઈન *****


 


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK