ફિલ્મ-રિવ્યુ - એમ. એસ. ધોની - એક અનકહી કહાની

હેલિકૉપ્ટર શૉટ, ફૅન-ફિલ્મ, નીરજ પાંડેના ખંતીલા ડિરેક્શનથી સજેલી આ લાંબી ફિલ્મ એક બાયોપિક કરતાં ફૅન-ફિલ્મ વધારે લાગે છે

m s dhoni

જયેશ અધ્યારુ

બાયોપિક પ્રકારની ફિલ્મનું કામકાજ આત્મકથા લખવા જેવું છે. જો જરાય શેહશરમ રાખ્યા વિના ઉઘાડેછોગ બધું આત્મકથામાં લખી નાખવામાં આવે તો વિવાદના મધપૂડાને કચકચાવીને લાત મારવા જેવું થાય, પરંતુ ફિલ્મ જો મહેન્દ્ર સિંહ ધોની જેવા સેલિબ્રેટેડ અને હજીયે ઍક્ટિવ ક્રિકેટર પર બનતી હોય તો એમાં દેવો આકાશમાંથી પુષ્પવર્ષા કરે છે એટલું જ બતાવવાનું બાકી રહે. કાબેલ ડિરેક્ટર નીરજ પાંડેએ બનાવેલી ‘એમ. એસ. ધોની- એક અનકહી કહાની’ સરસ મનોરંજક ફિલ્મ હોવા છતાં એમાં ધોનીના જય જયકાર સિવાય ભાગ્યે જ કશું દેખાય છે.

સ્મૉલ ટાઉન બિગ ડ્રીમ્સ


રાંચીના ક્રિકેટ સ્ટેડિયમમાં પમ્પમૅનની નોકરી કરતા પાન સિંહ ધોની (અનુપમ ખેર)ના દીકરા મહેન્દ્ર સિંહ ધોની (સુશાંત સિંહ રાજપૂત)ને નાનપણથી જ ક્લાસરૂમ કરતાં મેદાન વધારે આકર્ષે. સ્કૂલની ફુટબૉલ-ટીમમાંથી ક્રિકેટમાં શિફ્ટ થયેલા આ છોકરાની ટૅલન્ટ અને તેનાં સપનાં ધીમે-ધીમે એવાં મોટાં થતાં ગયાં કે આખા દેશને તેણે ફરી એક વાર વલ્ર્ડ કપ જીત્યાની ખુશી અપાવી. એમ કાંઈ નૅશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું સહેલું થોડું છે? માહીએ કૅપ્ટન કૂલ બનવા માટે પોતાનાં પેપર અધૂરાં છોડવાં પડ્યાં, ખડગપુર સ્ટેશન પર ટિકિટ-કલેક્ટરની નોકરી કરવી પડી, થકવી દેનારી નોકરી પછી પણ સતત પ્રૅક્ટિસ અને મૅચો રમવી પડી અને સતત પોતાની જાતને સાબિત કરવી પડી. આ સફરમાં તેની સાથે મહાટ્રૅજિક ઘટના પણ બની. એમ છતાં ધોનીની લાઇફ-સ્ટોરી એ વાત સાબિત કરે છે કે તમારામાં ટૅલન્ટ હોય, પૂરી ધગશ અને નિષ્ઠાથી મંડ્યા રહો તો સફળતા આપોઆપ તમને શોધતી આવે.

બહેતરીન શૉટ


એક જમાનો હતો જ્યારે ‘મુગલ-એ-આઝમ’ અને ‘શોલે’ જેવી ફિલ્મો ત્રણ કલાકથી વધુ ચાલે તો લોકો ઈડરિયો ગઢ જીત્યા હોય એવી ઉપલબ્ધિની જેમ ગણાવે. જ્યારે હવે ફિલ્મ બે કલાકની ઉપર જાય તોય લોકો મોબાઇલ ખોલીને ચૅટિંગ શરૂ કરી દે. એવા ખ્Dણ્Dના આ જમાનામાં નીરજ પાંડેની આ ફિલ્મ પૂરી ૧૯૦ મિનિટ એટલે કે ૩.૧૦ કલાક લાંબી છે છતાં લોકો ભાગ્યે જ મોબાઇલ કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખે છે. એનું મુખ્ય કારણ છે નીરજ પાંડેનું સ્ટોરી-ટેલિંગ અને ડીટેલિંગ. તેમના આ ખંતને કારણે ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંનો ફર્સ્ટ-હાફ કોહલીની ફિટનેસ જેવો ચુસ્ત અને ધોનીની રનિંગ બિટ્વીન ધ વિકેટ્સ જેવો ફાસ્ટ બન્યો છે.

સૌપ્રથમ તો આ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં વર્ષો પછી ઉર્દૂમાં ફિલ્મનું ટાઇટલ જોવા મળ્યું છે. રાંચીના એક સીધાસાદા પમ્પમૅનની લાઇફ નીરજ પાંડેએ બખૂબી કૅપ્ચર કરી છે.

મોબાઇલ-ઇન્ટરનેટના આગમન પહેલાંની સિમ્પલ લાઇફ, નાનકડા સ્ટાફ-ક્વૉર્ટરમાં રહેતો મિડલ ક્લાસ પરિવાર, તેમનાં મિડલ ક્લાસ સપનાં વગેરે બધું જ ખરેખર કોઈના ઘરમાં કૅમેરા ગોઠવી દીધો હોય એટલી હદે વાસ્તવિક લાગે. ફિલ્મનું ડીટેલિંગ કેવું બારીક છે એ જુઓ : સાચુકલા ધોનીની ડાબી આંખ નીચે નાનકડો મસો છે. અહીં સ્ક્રીન પરના ધોની એવા સુશાંતના ચહેરા પર પણ એ બર્થમાર્ક દેખાય એનું ધ્યાન રખાયું છે. એ વખતનું કલકત્તાનું ડમડમ ઍરપોર્ટ, ઘરમાં રાખેલું જૂના મૉડલનું TV, ૯૦ના દાયકામાં લોકપ્રિય એવી અતારી વિડિયો-ગેમ, પેજર, ધોનીની યામાહા બાઇક અને તેની નંબર-પ્લેટ પરનું The One લખાણ, પૂર્વ ભારતમાં સમોસા માટે વપરાતો શિંગાડા શબ્દ ઍટ સેટરા. ધોનીના કોચ બંગાળી હોય તો તેના જુનવાણી સ્કૂટરનો નંબર પણ WBથી શરૂ થતો હોય. ઈવન દડાને બૅટ વડે ફટકારતી વખતે જે સાઉન્ડ આવે એ પણ એટલો જ ઑથેન્ટિક લાગે છે. કૅમેરા પણ ફિલ્મમાં ધોનીના શૉટ્સની જેમ જ હવામાં તરતો હોય એ રીતે ફરે છે, જે આપણને સીધા ધોનીની લાઇફમાં ટેલિપોર્ટ કરી આપે છે.

પાવિત્ર્ય ઔર ભક્તિરસ સે ભરપૂર


ધોનીની આ બાયોપિક એના મેકિંગ પાછળના લોકોને અંજલિ જેવી વધારે છે. તેનાં મમ્મી-પપ્પા, બહેન, તેના મિત્રો, કોચ, ટૅલન્ટ પારખીને ચાન્સ આપતા રેલવેના અને કોલ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ, સાથે નોકરી કરતા લોકો, ટીમ-મૅનેજમેન્ટ, તેનાં પ્રિય પાત્રો વગેરે બધા જ લોકો અહીં ધોનીની લાઇફમાં કશુંક કન્સ્ટ્રક્ટિવ કામ કરે છે. ધોનીને શરાબથી નફરત છે, તે નજીકના લોકોની સામે પણ પોતાનાં ઇમોશન્સ વ્યક્ત કરતો નથી, સફળતા મળ્યા છતાં તેના દિમાગમાં રાઈ ભરાઈ નથી, તેનામાં ક્વિન્ટલના હિસાબે કૉન્ફિડન્સ છે, દેશ માટે ગમે એવાં આકરાં પગલાં લેતાં પણ ખચકાતો નથી. ટૂંકમાં કહીએ તો, રાંચીમાં ધોનીનું મંદિર બનશે તો એમાં પ્રસાદ તરીકે આ ફિલ્મની DVD વહેંચાશે.

આખો દેશ જાણે છે કે ધોની સાથે ઘણાબધા વિવાદ જોડાયેલા છે, પરંતુ આ ફિલ્મમાં એ બધું જ પૉલિટિક્સ વાળીચોળીને જાજમ નીચે ધરબી દેવામાં આવ્યું છે. માત્ર એક ઠેકાણે ત્રણ સિનિયર ખેલાડીઓને ટીમની બહાર કાઢવાની વાત છે ત્યાં પણ તેમનાં નામ મ્યુટ કરી દેવામાં આવ્યાં છે. ફિલ્મમાં ધોનીની આઇડેન્ટિટી બની ગયેલો હેલિકૉપ્ટર શૉટ ક્યાંથી આવ્યો એ વાત છે, પરંતુ થપ્પડ શૉટમાંથી એ હેલિકૉપ્ટર શૉટ કેવી રીતે બન્યો એની કોઈ ચોખવટ નથી. આખી ફિલ્મમાં ધોની માત્ર બાઉન્ડરી કુદાવી દેતા શૉટ્સ મારે છે અને વિકેટકીપિંગ પણ ભાગ્યે જ કરે છે. ફિલ્મ ધોની - ધ મૅન પર એટલીબધી ફોકસ્ડ છે કે મૅચનાં ઓરિજિનલ દૃશ્યોને બાદ કરતાં તેના સિવાયના ભાગ્યે જ કોઈ ખેલાડી દેખાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલી વાર જ્યારે ધોની યુવરાજ સિંહને મળે છે એ સીક્વન્સને બાદ કરતાં ધોનીના દિમાગની અંદર પણ ભાગ્યે જ ડોકિયું કરાયું છે. અરે ધોનીના મોટા ભાઈ નરેન્દ્ર સિંહનું પાત્ર પણ ફિલ્મમાં નથી.

T20ની જેમ ભાગતો ફર્સ્ટ-હાફ ઇન્ટરવલ પછી સીધો ટેસ્ટ-મૅચમાં તબદીલ થઈ જાય છે. કેમ કે અહીં ક્રિકેટર ધોની પણ સીધો બૉલીવુડ-સ્ટાર ધોનીમાં કન્વર્ટ થઈ જાય છે. એ એકદમ ફિલ્મી સ્ટાઇલમાં પ્રેમમાં પડે, વિદેશમાં ગીતો ગાય, સાથ જીને-મરને કી કસમેં ખાય વગેરે. નો ડાઉટ, ધોનીના બન્ને લવ-ટ્રૅક ક્યુટ છે, પરંતુ એ ફિલ્મની લંબાઈમાં વધારો જ કરે છે.

મૅન-વિમેન ઑફ ધ મૅચ


આ ફિલ્મનું કાસ્ટિંગ એટલું જબરદસ્ત છે કે એમાં ક્યાં રિયલ લાઇફ પૂરી થાય અને ક્યાં રીલ લાઇફ સ્ટાર્ટ થાય એની તમને ખબર જ ન પડે. મૅચનાં દૃશ્યોમાં તો જાણે કમ્પ્યુટર-ગ્રાફિક્સથી સુશાંતનો ચહેરો સુપર-ઇમ્પોઝ કરાયો છે, પરંતુ ખુદ ધોનીથી લઈને યુવરાજ સિંહ અને જગમોહન દાલમિયા જેવાં પાત્રો માટે પણ એવાં પર્ફેક્ટ કલાકારો સિલેક્ટ કરાયાં છે કે તેઓ ઓરિજિનલ જ લાગે. ખાસ કરીને યુવીના પાત્રમાં તેનો ડુપ્લિકેટ હેરી ટાંગરી આપણા ચહેરા પર સ્માઇલ લાવી દે એટલી હદે ઓરિજિનલ લાગે છે.

ફિલ્મની કરોડરજ્જુ છે સુશાંત સિંહ રાજપૂત. અહીં એ બધી ફ્રેમમાં ધોની છે. ક્રિકેટર ધોનીની બૅટિંગ-સ્ટાઇલ, તેની બૉડી-લૅન્ગ્વેજ, ફિઝિક, ધોનીની હેલ્મેટમાંથી પરસેવો લૂછવાની કે દાંત વડે નખ કરડવાની ટેવ, ટી-શર્ટ પહેરવાની અને ચાલવાની ઢબ ડિટ્ટો ધોની. દીકરાના કરીઅર વિશે સતત ચિંતા કરતા પિતા તરીકે અનુપમ ખેર, બોલ્યા વગર જ બધું સમજી જતી બહેન તરીકે ભૂમિકા ચાવલા, પહેલા કોચ તરીકે રાજેશ શર્મા, કુમુદ મિશ્રા વગેરે બધા કલાકારો મૅચમાં કૉમેન્ટરીની જેમ પર્ફેક્ટ્લી ઓગળી ગયા છે. ધોનીની પ્રિયતમાઓ બનતી કિયારા અડવાણી અને દિશા પટણી અનબિલીવેબલી ક્યુટ લાગે છે. અરે હા, ‘ચીની કમ’ ફિલ્મની ટબૂડી સ્વિની ખારા પણ અહીં છે, ઓળખી બતાવો તો જાણીએ.

ધોની... ધોની...


દેખીતી વાત છે, આ ફિલ્મ ધોનીના ફૅન્સને ધ્યાનમાં રાખીને જ બનાવાઈ છે અને એટલે જ ધોનીને પહેલી વાર ટીમ ઇન્ડિયાની બ્લુ જર્સી મળે ત્યારથી લઈને વલ્ર્ડ કપની ફાઇનલની સિક્સ સુધી સંખ્યાબંધ ચિયરવર્ધી મોમેન્ટ્સ મુકાઈ છે. સતત ચાલતી રવિ શાસ્ત્રીની કૉમેન્ટ્રીમાં ક્યારે થિયેટરનું રૂપાંતર ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ જાય એની પણ ખબર ન પડે. ધોનીની લાઇફની ચૂંટેલી મોમેન્ટ્સને પેશ કરતી આ ફિલ્મ પર્ફેક્ટ બાયોપિક નથી જ. લેકિન અસ?ા લાંબી હોવા છતાં એ એક સરસ મનોરંજક ફિલ્મ જરૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK