પ્રાચીન બાટલીમાં ઐતિહાસિક મદિરા : સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આશુતોષ ગોવારીકર બસ એક રસપ્રદ સ્ટોરી શોધતાં જ ભૂલી ગયા છે
જયેશ અધ્યારુ
સ્કૂલ-કૉલેજકાળમાં અમુક પ્રોફેસરોના પિરિયડ ક્યારેય પૂરા થવાનું નામ જ નથી લેતા. આશુતોષ ગોવારીકરની ફિલ્મો પણ લગભગ એવી જ સમયની ગતિને પડકારે એવી હોય છે. આ વખતે તો તેઓ ઇતિહાસના વિષયમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને જેમાં (અલબત્ત, બોરિંગ શિક્ષકો અને પાઠuપુસ્તકોના પાપે) ઝોકાં આવતાં હતાં એ મોહેંજો દારોની આખેઆખી ફિલ્મનું ઉત્ખનન કરી લાવ્યા છે. તેમણે ચાર હજાર વર્ષ પહેલાંનું નગર બેઠું કર્યું છે. જોકે એની સાથોસાથ નવી વાર્તા પણ શોધી લાવ્યા હોત તો આ પિરિયડ વધુ રસપ્રદ થઈ શક્યો હોત.
વાર્તા રે વાર્તા
અત્યારે જે વિસ્તાર પાકિસ્તાનમાં પડે છે ત્યાં આજથી ચાર હજાર વર્ષ પહેલાં સિંધુ નદીને કાંઠે મોહેંજો દારોની સંસ્કૃતિ પાંગરી હતી. ત્યાંના આમરી ગામમાં ગળી પકવતા ખેડૂત દુર્જન (નીતીશ ભારદ્વાજ)નો ભત્રીજો સરમન (હૃતિક રોશન)ને નાનપણથી જ એ મોહેંજો દારો નગર જવાનાં સપનાં આવતાં. એક વખત ગાડું લઈને ત્યાં ગળી વેચવા ગયો પણ ખરો. ત્યાંની મોહમયી નગરીની માયામાં તેને રૂપસુંદરી ચાની (પૂજા હેગડે) સાથે પ્રાગઐતિહાસિક પ્રેમ થઈ ગયો, પરંતુ એ પ્રેમને આડે એ વખતના પ્રેમ ચોપડા જેવો ક્રૂર રાજા મહમ (કબીર બેદી) અને તેમનો દીકરો મુંજા (અરુણોદય સિંહ) ઊભા છે. હવે સરમન સામે બે ટાસ્ક છે- એક તો ચાનીને પોતાની બનાવવી અને ક્રૂર બાપ-બેટાની ગેમ ઓવર કરીને ગામલોકોને છોડાવવા. આ બે ટાસ્ક પૂરા થાય ત્યાં ત્રીજો એક જાયન્ટ ટાસ્ક પણ તેની સામે આવીને ઊભો રહે છે. એ વિશે વધુ જાણવા માટે તમારે આખી ફિલ્મનું ઉત્ખનન કરવું પડે.
ઇતિહાસ કો બદલ ડાલો
શરૂઆતની અડધા કલાકની ફિલ્મમાં જ ક્લિયર થઈ જાય કે આ ‘મોહેંજો દારો’ ‘બાહુબલી’ના રિપીટ ટેલિકાસ્ટ જેવી જ છે. તમે બન્ને ફિલ્મોનાં એકસરખાં પાત્રો અને સ્ટોરી પ્રોગ્રેશન કળી શકો એટલીબધી સામ્યતા એમાં છે. એટલે દર્શક તરીકે આપણા માટે ઝાઝું કશું વિચારવાનું નથી રહેતું, છતાં તમે થોડું વિચારવાનું કક્ટ લો તો તમને અમીષ ત્રિપાઠીની સુપરહિટ નવલકથા ‘ધી ઇમ્મૉર્ટલ્સ ઑફ મેલૂહા’થી લઈને આપણી ‘શોલે’, ‘દીવાર’ અને ખુદ આશુતોષની જ ‘લગાન’ અને છેલ્લે ‘સ્વદેસ’ યાદ આવ્યા વિના નથી રહેતી.
આ ફિલ્મ એક ચીકણા પ્રોફેસર જેવા આશુતોષ ગોવારીકરની છે. એટલે તેમણે સિંધુ ખીણની એ સંસ્કૃતિ પડદા પર સરસ દેખાય એનું સારુંએવું ધ્યાન રાખ્યું છે. શરૂઆતમાં જ જ્યારે સ્ક્રીન પર વાર્તાનો સમયગાળો દર્શાવતી સાલ ૨૦૧૬ દેખાય અને પછી હળવેકથી એની પાછળ ગ્ઘ્ યાનિ કિ બિફોર ક્રાઇસ્ટ, ગુજરાતીમાં બોલે તો ઈસવી સન પૂર્વે લખાયેલું આવે એટલે આપણા હોઠના ખૂણેથી હળવા સ્મિત સાથે બહોત અચ્છે નીકળી જાય. હૃતિક રોશનનું પાત્ર કેવું બહાદુર છે એવું સ્થાપિત કરતી મગરમચ્છ સાથેની દિલધડક ફાઇટથી શરૂ કરીને આપણા આર્યનો અને પ્રોફેસર ગોવારીકરની ચીકાશનો સિલસિલો ચાલુ રહે છે. શરૂઆતમાં એ અરસાના ગામલોકો કોઈ અજાણી પ્રાચીન ભાષામાં બોલે છે, પણ હળવેકથી હોઠ પર કૅમેરા ફોકસ કરીને આપણને સમજાય એવી ભાષા પ્લે કરી દે છે. અગેઇન ગુડ. આપણે માત્ર ઇતિહાસનાં પાઠuપુસ્તકોમાં બ્લૅક ઍન્ડ વાઇટ ઇમેજ તરીકે જ જોયું હોય એવા નગરમાં ભારે ઝીણવટથી જીવ ફૂંકવામાં આવ્યો છે. એકદમ ડીટેલમાં કરવામાં આવેલી નગરરચના, ઈંટોનું ચણતર, પૈસાદારોનું અપર સિટી-ગરીબોનું લોઅર સિટી, ચકમકના પથ્થર અફળાવીને પ્રગટાવવામાં આવતો અગ્નિ, વેપાર માટેની બાર્ટર સિસ્ટમ, નગારું વગાડીને પ્રહર બદલાયાની કરવામાં આવતી જાહેરાત, એ વખતનાં ચિહ્નો, મુદ્રાઓ, બજારમાં વેચાતાં શિંગડાં, દંતશૂળ, હાર્પ, માટીનાં રમકડાં, ત્યારની સમકાલીન સંસ્કૃતિઓ જેવી કે હડપ્પા, આપણે ત્યાંની ધોળાવીરા, લોથલ વગેરેના ઉલ્લેખો વગેરે બધું જ મળીને આપણને જાણે અંકે ૪૦૩૨ વર્ષ પહેલાંના ટાઇમ-ટ્રાવેલ પર લઈ જાય છે.
આમ તો ફિલ્મની શરૂઆતમાં જ જવાબદારીમાંથી હાથ ખંખેરવા માટે એક ડિસ્ક્લેમર મૂકી દેવામાં આવ્યું છે, પરંતુ હિસ્ટોરિકલ ઍક્યુરસીને મામલે આ ફિલ્મ કેટલાય સવાલો ઊભા કરી દે છે. જેમ કે સિંધી નામ મોહેંજો દારો (અર્થાત્ મરેલાનો ટેકરો) તો આ આખી સંસ્કૃતિને મળેલું મૉડર્ન નામ છે. જ્ઞાનકોશના કહેવા પ્રમાણે ત્યારે એ નામ હતું જ નહીં. વળી કોઈ નગર પોતાને આવા અશુભ નામે શા માટે ઓળખાવે? ફિલ્મમાં પાંચેક ઇતિહાસકારોને ક્રેડિટ આપવામાં આવી છે, પરંતુ ફિલ્મ મોહેંજો દારોના વિકીપીડિયા પેજથી આગળ વધી હોય એવું લાગતું નથી. દાખલા તરીકે માથે ભેંસ જેવાં શિંગડાંનો મુગટ શિવ પશુપતિ સીલમાંથી લઈને વિલન કબીર બેદીના માથે પહેરાવી દેવામાં આવ્યો છે. ડાન્સિંગ ગર્લની કાંસાની મૂર્તિને સિંધુમાતા બનાવી દેવામાં આવી છે. જે બુખારા નગરનો ફિલ્મમાં ઉલ્લેખ છે એનો પહેલો ઉલ્લેખ જ ફિલ્મની વાર્તાના ૧૫૦૦ વર્ષ પછી મળે છે. જો શરૂઆતમાં બતાવ્યા પ્રમાણે ફિલ્મની બોલી અત્યારના સમયની કરી નાખી હોય તો વચ્ચે સપિના, લાજવરત, લખ લખ થુરા જેવા શબ્દપ્રયોગો કરવાની શી જરૂર? ધારો કે મોહેંજો દારોવાસીઓ સિંધુમાતાને પૂજતા હોય તો તે કોઈ ઇન્ડોર સ્વિમિંગ-પૂલની શું કામ પૂજા કરે, બાજુમાં જ વહેતી વિશાળ નદીની પૂજા ન કરે? સિંધુ નદી પોતાનું વહેણ બદલે એટલા માત્રથી એ ગંગા થઈ જાય? એ પણ સિંધ પ્રાંતમાં? ટૂંકમાં આ આશુભાઈનું મોહેંજો દારો છે.
પૂરી ૧૫૫ મિનિટ લાંબી આ ફિલ્મને અત્યંત ક્રૂરતાથી એકલા હૃતિકના ખભા પર નાખી દેવામાં આવી છે, કેમ કે વિલન કબીર બોટોક્સ બેદી લોચાવાળી પ્લાસ્ટિક સર્જરીના અને અરુણોદય સિંહ કાટૂર્ન નેટવર્કના પ્રમોશન જેવો જ લાગે છે (હીરોનું નામ સરમન અને વિલનનું નામ મુંજા ગુજરાતીઓના પૉઇન્ટ ઑફ વ્યુથી બહુ સારું ન કહેવાય). બન્ને વિલન હીરોની સામે ચૅલેન્જ ઊભી કરે એવા ખોફનાક નથી લાગતા. ફિલ્મમાં સુહાસિની મૂળે, શરદ કેળકર, મનીષ ચૌધરી અને મહાભારતના શ્રીકૃષ્ણ એવા નીતીશ ભારદ્વાજ છે, લેકિન કમ્પ્લીટ વેસ્ટ. હા, ગ્રીક ગૉડ જેવો હૃતિક અને ઇજિપ્શ્યન ગૉડેસ જેવી પૂજા હેગડે, બન્નેને જોવાની મજા પડે છે. બન્નેની ક્યુટ લવસ્ટોરીને પણ આશુભાઈએ ઝાઝી ખીલવા નથી દીધી. નબળી સ્પેશ્યલ ઇફેક્ટ્સવાળી હૃતિક રોશનની મગરમચ્છ સાથેની, બે માનવભક્ષીઓ સાથેની ફાઇટ, તોફાની ઘોડાઓને વશમાં કરવાની કાબેલિયત કે ગોવર્ધનધારી શ્રીકૃષ્ણની જેમ લોકોને બચાવવાની ક્વાયત બધું જ એક લાર્જર ધૅન લાઇફ હીરો બતાવવાની મહેનત છે એ ચોખ્ખું દેખાઈ આવે છે.
આપણી જેમ એ. આર. રહમાનને પણ ઇતિહાસના પિરિયડમાં કંટાળો આવતો હશે કે કેમ, પરંતુ તેમનો એ કંટાળો આ ફિલ્મના મ્યુઝિકમાં ચોખ્ખો દેખાય છે. માત્ર એક જ ગીત ‘તૂ હૈ’ તેમણે દિલથી બનાવ્યું છે. એ ગીતની શરૂઆતમાં આવતી સાઉન્ડ ઇફેક્ટમાં પણ એ વખતનો પડઘો સંભળાય છે.
પિરિયડ ભરવો કે કેમ?
બેશક. થોડો કંટાળો આવે કે બાળવાર્તા જેવી લાગે તોય આ ફિલ્મ એક વખત મોટા પડદે અવશ્ય જોવી જોઈએ. એનું કારણ છે આ ફિલ્મમાંથી મળતો મેસેજ. ‘મોહેંજો દારો’માં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે નદીના વહેણ સાથે કે ફૉર ધૅટ મૅટર પ્રકૃતિ સાથે છેડછાડ કરીએ, જંગલો કાપીએ-નદીના પટમાં બાંધકામો કરીએ અને પછી જ્યારે પ્રકૃતિ પોતાનું રૌદ્ર રૂપ બતાવે ત્યારે કેદારનાથથી કોશી સુધીના જળપ્રલય આવતાં વાર નથી લાગતી. તમે ઇચ્છો તો ફિલ્મના અપર સિટી-લોઅર સિટીમાં અત્યારની વર્ણવ્યવસ્થાનાં દર્શન પણ કરી શકો.
