ફિલ્મ-રિવ્યુ : મિશન ઇમ્પૉસિબલ : રોગ નેશન

ગૅરન્ટીડ થ્રિલ, થોડાં અપ-ડાઉન છતાં પૉપ્યુલર ફિલ્મ-સિરીઝનો આ પાંચમો હપ્તો એના નીવડેલા મરી-મસાલાથી ભરપૂર અને બેશક જોવા જેવો છે

mip


mission impossibleજયેશ અધ્યારુ


જો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે તમે નિરાંતે પૉપકૉર્ન-સમોસાનાં પડીકાં લઈને ટહેલતાં-ટહેલતાં આ ફિલ્મ જોવા માટે સ્ક્રીનમાં પ્રવેશશો તો નક્કી વાત છે કે આખી ફિલ્મની સૌથી થ્રિલિંગ ઍક્શન સીક્વન્સ તમે ગુમાવી બેસવાના. રેગ્યુલર ફિલ્મોની જેમ નિરાંતે વાર્તાની માંડણી કરવાનો અહીં ટાઇમ નથી. સ્ટોરી સીધી ચોથા ગિઅરમાં જ પડે છે અને ખાસ્સી વારે તમને યાદ આવે છે કે હાયલા, આપણું મોઢું તો ક્યારનું ખુલ્લું રહી ગયું છે.

વન મૅન આર્મી

મિશન ઇમ્પૉસિબલ સિરીઝના ચાહકોને ખ્યાલ છે એમ ઈથન હન્ટ (ટૉમ ક્રૂઝ) અમેરિકાની IMF એટલે કે ઇમ્પૉસિબલ મિશન ફોર્સનો જાંબાઝ એજન્ટ છે. જીવના જોખમે તે અત્યંત ખતરનાક એવા નર્વ ગૅસનો જથ્થો પકડી પાડે છે. તેની પાસે પૂરતા સબૂત છે કે સિન્ડિકેટ નામની હાઈ પ્રોફાઇલ ત્રાસવાદી સંસ્થા કંઈક મોટી ભાંગફોડ કરવાની ફિરાકમાં છે. બીજી બાજુ અમેરિકામાં CIA યાને કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીનો ડિરેક્ટર (ઍક્ટર ઍલેક બૉલ્ડવિન) સેનેટના સભ્યોને પટાવીને IMF પર પ્રતિબંધ મુકાવી દે છે. પરંતુ IMFના બીજા વર્તમાન એજન્ટ (જેરેમી રેનર), એક ભૂતપૂર્વ એજન્ટ (વિન્ગ રેમ્સ), CIAનો કમ્પ્યુટર નિષ્ણાત (સાઇમન પેગ)ની ઈથનને મદદ મળે છે. મદદગારોના લિસ્ટમાં ઉમેરાય છે એક નમણી રહસ્યમયી નાર (અદાકારા રેબેકા ફર્ગ્યુસન). એક હાથે આ સુંદરી ઈથનને મદદ કરે છે તો બીજા હાથે તે ડબલક્રૉસ પણ કરે છે. હવે સ્થિતિ એવી છે કે એક ભયંકર ષડ્યંત્ર રચાઈ રહ્યું છે અને ઈથન હન્ટ એને રોકવા માટે મેદાને પડ્યો છે.

નેઇલ-બાઇટિંગ ઘટનાક્રમ માટે ઓવર ટુ મૂવી.


થ્રિલ રાઇડ

સ્પાય-થ્રિલર ફિલ્મોના બંધાણીઓ માટે આ ‘મિશન ઇમ્પૉસિબલ : રોગ નેશન’માં પૂરતો મસાલો છે. અગાઉ ‘યુઝ્વલ સસ્પેક્ટ્સ’ જેવી ઑસ્કરવિનર ફિલ્મ (જેના પરથી આપણે ત્યાં ‘ચૉકલેટ’ બનેલી) બનાવી ચૂકેલા ડિરેક્ટર ક્રિસ્ટોફર મૅક્વેરીએ જ આ ફિલ્મ લખી પણ છે. પરંતુ જોતી વખતે આપણને સતત કોઈ ઇન્ટરનૅશનલ સ્પાય-થ્રિલર નવલકથા વાંચતા હોઈએ એવી ફીલ આવે છે. દર થોડી વારે આવતી અફલાતૂન ચેઝ-સીક્વન્સ, સતત બદલાતા દેશો, રોમાંચથી આપણે સીટનો ટેકો છોડી દઈએ એવી થ્રિલિંગ મોમેન્ટ્સ, ટૉમ ક્રૂઝની સાથોસાથ આપણું દિમાગ પણ દોડતું રહે એવું સસ્પેન્સ અને જાદુગર જે રીતે આખો કુતુબમિનાર ગાયબ કરી દે એવું સીક્રેટ... આ બધાનું પર્ફેક્ટ કૉમ્બિનેશન અહીં છે; પરંતુ આવાં એલિમેન્ટ્સ તો દર બીજી-ત્રીજી હૉલીવુડ ફિલ્મમાં હોય છે. અહીં છે સમથિંગ એક્સ્ટ્રા.

એક તો ટૉમ ક્રૂઝનો બૉયિશ ચાર્મ, તેની મસ્ક્યુલૅરિટી અને મિનિમમ ડાયલૉગ્સ સાથે મૅક્સિમમ પર્ફોર્મન્સ. હા, અમુક સીનમાં તેની ઉંમર દેખાય છે, પરંતુ ટૉમ ક્રૂઝની ચપળતા જોઈને લાગે નહીં કે એ મહાશય ૫૩ વર્ષના છે. જેમ્સ બૉન્ડ જેવા ફીલ્ડ એજન્ટ તરીકે તે એટલોબધો પર્ફેક્ટ લાગે છે કે તેના રોલમાં બીજા કોઈને કલ્પી જ ન શકીએ. માત્ર ધબાધબી કરીને ટેન્શન ઊભું કરવાને બદલે અહીં ડાયલૉગ્સમાં સતત કૉમિક વનલાઇનર્સના ચમકારા આવ્યા કરે છે. સૅમ્પલ : સેનેટના સભ્યો IMF કે ઈથન હન્ટ વિશે કંઈ પણ પૂછે એટલે અભિનેતા જેરેમી રેનર એક જ વાક્ય ઉચ્ચારે, સૉરી સર, સેક્રેટરીની મંજૂરી વિના હું કોઈ કમેન્ટ કરી શકું નહીં. અને આખા હૉલમાં હાસ્યનું મોજું ફરી વળે.

મજા નંબર ત્રણ છે જેમ્સ બૉન્ડની ફિલ્મોને ટક્કર મારે એવાં ગૅજેટ્સ. આસપાસ ફરતા લોકોની ઓળખ આપી દેતા સ્માર્ટ ગૉગલ્સ, સામાન્ય પુસ્તકમાંથી કન્વર્ટ થઈને બની જતું લૅપટૉપ, ટ્રમ્પેટમાંથી બંદૂક, ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન સાથેના કારના કાચ, ફિંગરપ્રિન્ટ, રેટિના તથા અવાજ એમ ત્રણ લેયરમાં લૉક કરાયેલી કમ્પ્યુટર ફાઇલ વગેરે. ચોથી મજા છે ઍક્શનમાં ક્રીએટિવિટીની. બીબાંઢાળ મારધાડ હોય તો આખી વાત બોરિંગ થઈ જાય. અહીં ટૉમ ક્રૂઝ એક જાયન્ટ સાઇઝના કાર્ગો પ્લેન સાથે હવામાં લટકતો હોય, આખી કાર સુપર સ્પીડે હવામાં કૂદકો મારે; પણ રિવર્સમાં. ક્યાંક ઈથનના પાત્રના ફાળે આવેલી દિમાગી ટૅક્ટિક પણ જલસો કરાવી દે. જેમ કે એક જ સમયે અલગ-અલગ દિશામાંથી આવનારી બે આફતને રોકવાની હોય ત્યારે ઈથન શું કરે? દોસ્ત અને દુનિયા બન્નેને એકસાથે બચાવવાં હોય ત્યારે ઈથન શું કરે?

મજા નંબર પાંચ છે અભિનેત્રી રેબેકા ફર્ગ્યુસન. કિલર લુક્સ અને રબરની જેમ વળતા શરીર સાથે અત્યંત આસાનીથી ઍક્શન સીન કરતી આ સ્વીડિશ અભિનેત્રી ઘણે ઠેકાણે ટૉમ ક્રૂઝ પાસેથી સીન રીતસર પડાવી લે છે. જો સામે ટૉમ જેવો ખમતીધર હીરો ન હોત તો રેબેકા તેને ખાઈ ગઈ હોત. રેબેકાનું મિસ્ટીરિયસ પાત્ર વિશ્વાસ-શંકા, દોસ્તી-પ્રેમની વચ્ચે ઝોલાં ખાતું રહે છે. મજા નંબર સિક્સ છે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને કૅમેરાવર્ક. મિશન ઇમ્પૉસિબલ સિરીઝની સિગ્નેચર ટ્યુન તો આવી રહેલા ઍડ્વેન્ચરની છડી પોકારે જ છે, પરંતુ સમગ્ર ફિલ્મમાં થ્રિલનું પમ્પિંગ કરતું સંગીત પણ એટલું જ ઝન્નાટેદાર છે. એમાંય એક તબક્કે તો બૅકગ્રાઉન્ડમાં મ્યુઝિકલ ઑપેરા ચાલે છે અને એના પડદા પાછળ ખૂની ખેલ ચાલે છે. કહેવાય છે કે આ ઉંમરે પણ ટૉમ ક્રૂઝ પોતાના સ્ટન્ટ જાતે જ કરે છે. જે હોય તે, પરંતુ ફિલ્મને વિડિયો-ગેમ બનાવી દે એવી વધુપડતી સ્પેશ્યલ ઇફેક્ટ્સને બદલે અહીં મોટા ભાગની ઍક્શન જેન્યુઇન લાગે છે. એક સૂક્ષ્મ મજા : મિશન ઇમ્પૉસિબલ સિરીઝનો પ્રોડ્યુસર ટૉમ ક્રૂઝ પોતે છે. પરંતુ આ વખતથી એમાં પૈસા રોકનારાઓની યાદીમાં ચીનની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપની અલીબાબાનું નામ પણ ઉમેરાયું છે.

સિરીઝનો પાંચમો હપ્તો હોવા છતાં એમાં ટૉમ ક્રૂઝ (પ્લસ આ વખતે બીજા બે અદાકાર)ને બાદ કરતાં અહીં પાત્રો રિપીટ કરાતાં નથી, જેથી ફિલ્મ ખાસ્સી ફ્રેશ લાગે છે. એટલે જેમણે અગાઉનો એકેય હપ્તો ન જોયો હોય તેઓ પણ પાછલા સંદર્ભોની ચિંતા કર્યા વિના એટલા જ રસથી ફિલ્મ માણી શકે છે. ઉપરથી આ ફિલ્મ એકદમ સાફસૂથરી છે એ લટકામાં.

તો શું આ ફિલ્મ આખું હૉલીવુડ ઓવારી જઈએ એટલીબધી ગ્રેટ છે? નૉટ રિયલી. એક પછી એક થ્રિલિંગ મોમેન્ટ્સ આવતી હોવા છતાં વચ્ચે એવા બ્રેક પડે છે જ્યાં રોમાંચની રેલ થોડી મોળી પડી જાય છે. ક્યાંક થ્રિલની ચરમસીમા અગાઉથી જ કળી શકાય છે. વળી અહીં વિલન પણ એટલો દમદાર લાગતો નથી અને ફાઇનલ ઍક્શન-સીક્વન્સ થ્રિલને ઊંચે લઈ જવાને બદલે સહેલાઈથી પડીકું વળી જાય છે. ફિલ્મમાં જેરેમી રેનર અને ઍલેક બૉલ્ડવિન જેવા નીવડેલા સ્ટાર્સ હોવા છતાં તેમના ભાગે લગભગ કશું નક્કર કામ આવ્યું જ નથી અને સદંતર વેડફાયા છે.

મિશન ફિલ્મદર્શન


જુઓ, જે શોખીનો આ સિરીઝના દીવાના છે તેમને તો કોઈ રિવ્યુની જરૂર જ નથી પડવાની. મોટે ભાગે તો અત્યાર સુધીમાં તેઓ હડી કાઢીને જોઈ પણ આવ્યા હશે. પરંતુ તેલ, તેલની ધાર અને તેલની પ્રાઇસ ત્રણેય ચકાસીને જોવા જનારા પણ બેશક આ ફિલ્મ થિયેટરમાં જોવા જઈ જ શકે છે. ભલું હશે તો બહાર નીકળીને બાહુબલીની જેમ એવું પણ પૂછશે કે હવે આનો નેક્સ્ટ ભાગ ક્યારે આવી રહ્યો છે? અને હા, ભલે ઍન્ટિ-સ્મોકિંગની ઍડ જોવી પડે, પણ ટાઇમસર પહોંચી જજો ખરા; નહીંતર નુકસાન તમારું જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK