ફિલ્મ-રિવ્યુ - મિર્ઝિયા

હૈ યે વો આતિશ ગાલિબ, સ્ટાઇલ, સંગીત, સિનેમૅટોગ્રાફી સુપર્બ; પણ સરવાળે સ્ટારક્રૉસ્ડ લવર્સની એ જ સદીઓ જૂની સૅડ સ્ટોરી

mirzya


જયેશ અધ્યારુ


જનાબ મિર્ઝા ગાલિબે ઇશ્કને આતિશ એટલે કે આગ કહેલો. કોઈ કાળે આપણી પૃથ્વી આગના દરિયા જેવા સૂર્યના પ્રેમમાં પડેલી, પણ બન્ને પ્રેમીઓએ અલગ થવું પડ્યું. આજે પણ ધરતી પોતાના પેટાળમાં સૂર્યના ઇશ્કનો આતિશ ધરબીને એ જ સૂર્યની આસપાસ ફર્યા કરે છે... આટલું વાંચીને બે પ્રકારનાં રીઍક્શન આવી શકે. એક તો શું વેવલી લવારી માંડી છે, યાર? ફિલ્મની વાત કરોને અથવા તો વાહ, કવિએ જમાવટ કરી છે, પણ ઍક્ચ્યુઅલી કવિ કહેવા શું માગે છે? બસ, રાકેશ ઓમપ્રકાશ મહેરાની મિર્ઝિયા જોઈને ડિટ્ટો આવાં જ રીઍક્શન આવે છે. પંજાબમાં થઈ ગયેલાં મિર્ઝા-સાહિબાંની રોમિયો-જુલિયટ જેવી લવ-સ્ટોરીનું એકદમ સ્ટાઇલિશ-મ્યુઝિકલ રીટેલિંગ એટલે આ મિર્ઝિયા, પરંતુ પ્રેમીઓની એ દાસ્તાન આપણા દિલ સુધી પહોંચતાં પહેલાં જ ક્યાંક ડિસકનેક્ટ થઈ જાય છે.

મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ


સદીઓ પહેલાં પણ એવું જ થયેલું અને આજે પણ એવું જ થઈ રહ્યું છે. આદિલ મિર્ઝા (હર્ષવર્ધન કપૂર) અને સુચિત્રા (સૈયામી ખેર) ચાઇલ્ડહૂડ લવર્સ છે. એકને ઘા વાગે તો બીજાને દર્દ થાય એવાં પાક્કા પ્રેમીઓ, પરંતુ વક્ત ને કિયા સિતમ અને બન્ને વચ્ચે હજારો કિલોમીટરોનો ફાસલો. વર્ષો પછી જ્યારે બન્ને જવાનીની દહેલીઝ પર કદમ રાખે છે ત્યારે સુચિત્રા રાજસ્થાનના કોઈ યુવરાજ સાથે પરણવાની તૈયારીમાં છે અને મિર્ઝિયા ત્યાં ઘોડા સાચવવાનું કામ કરે છે, પરંતુ બન્ને વચ્ચેના પ્રેમના આતિશ પર જે સમયની રાખ ચડી ગયેલી અચાનક એને નિકટતાની હવા મળે છે અને ભડકો થાય છે. આ ભડકામાં કોણ દાઝશે?

આત્મા વિનાનું ખોળિયું


દૂર-દૂર સુધી ફેલાયેલી હિમાલયની પવર્‍તમાળાની વચ્ચે જાંબાઝ ઘોડેસવારો એક રાજકુમારીને મેળવવા માટે જીવસટોસટની બાજી લગાવી રહ્યા છે. સ્લો મોશનમાં ઘોડા દોડે છે, તીર છૂટે છે, આકાશમાંથી આગના ગોળા વરસે છે અને ગ્રીક સુંદરી જેવી લાગતી સૈયામી ખેર યાનિ કિ સાહિબાં પોતાના મિર્ઝિયાના સાહસને ગૌરવભરી આંખે નિહાળતી રહે છે. છેક સુધી આપણને ખ્યાલ ન આવે કે એ કથા કયા કાળખંડમાં ચાલી રહી છે. લદ્દાખના કોઈ પ્રાચીન આદિવાસી કબીલાઓની સાઠમારી છે કે પછી મૉન્ગોલ પ્રજાતિના લોકો વચ્ચે કશુંક ચાલી રહ્યું છે કે પછી દેશી-વિદેશી લડવૈયા એક યુવતી માટે જીવ દાવ પર લગાવી રહ્યા છે, પણ જોવાની ભરપૂર મજા આવે. દરઅસલ ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ‘રંગ દે બસંતી’માં ઇતિહાસ અને વર્તમાન બન્નેની સ્ટોરી સમાંતરે ચાલતી હોય એવો પ્રયોગ કરેલો. લોકો એ પ્રયોગ પર આફરીન થઈ ગયા એટલે આ વખતે ફરીથી એ જ સ્ટાઇલમાં તેમણે મિર્ઝા-સાહિબાંની વાર્તા માંડી છે. એક તરફ સંવાદો વિનાની એ પ્રાચીન લવ-સ્ટોરી ચાલે અને બીજી બાજુ વર્તમાનમાં એનું રીટેલિંગ ચાલે. બન્નેના બૅકગ્રાઉન્ડમાં દલેર મેહંદીનો ગગનભેદી અવાજ ગુંજ્યા કરે.

રાકેશ મહેરાએ જાણે ગુલઝારસાહેબની સંગતમાં પોએટ્રી અને પીળા પદાર્થની સંગાથે ઉત્તેજિત થઈને બનાવી નાખી હોય એવી આ ફિલ્મ છે. જાણે આપણી સામે પડદા પર ફિલ્મ નહીં, બલકે સ્ટેજ પર મ્યુઝિકલ નાટક ભજવાતું હોય એ રીતે એક પછી એક ગીતો આવ્યાં કરે. શંકર-એહસાન-લૉયે ગીતો એવી લિજ્જતથી કમ્પોઝ કર્યા છે કે એક વખત એ ગીતોનો કેફ ચડે કે ઊતરવાનું નામ ન લે. મ્યુઝિક આપણા કાનનો કબજો લે, તો બીજી બાજુ સુપર્બ સિનેમૅટોગ્રાફી આપણી આંખોને બાંધી રાખે. પોલૅન્ડના સિનેમૅટોગ્રાફર પોવેલ ડાયલસે કૅમેરા જાણે વાદળ પર બેસાડીને ફિલ્મ શૂટ કરી હોય એ રીતે કૅમેરા સતત અહીંથી તહીં ઊડતો રહે છે.

જરા ચૂંચવી આંખ કરીને વાંચ્યું હોય તો આંખો પહોળી થઈ જાય એવી એક માહિતી સામે આવે કે આ ફિલ્મ તો જનાબ ગુલઝારસાહેબે લખી છે. એટલે થાય કે ચાલો, આપણે સારા માણસોની સંગતમાં છીએ, ફિલ્મમાં જામો પડવાનો છે.

ધીમે-ધીમે તમને સીટ પર કીડીઓ ચટકા ભરતી હોય એવી ફીલિંગ થવા માંડે અને અંદરથી કમર્શિયલ બ્રેકની જેમ સવાલો પૉપ-અપ થવા માંડે કે બરાબર છે, ફિલ્મ જોરદાર લાગી રહી છે, પણ એક્ઝૅક્ટ્લી તમે કહેવા શું માગો છો, કવિરાજ? ત્યારે રાકેશ મહેરા પોતાની દાઢી ખંજવાળીને કહી દે કે બસ, એ જ કે બાળપણના પ્રેમીઓને આ જાલિમ જમાનો-બેદર્દ દુનિયા એક થવા નથી દેતી. ત્યારે તમને ડાબા પગનું ખાસડું કાઢીને છુટ્ટé મારવાની ઇચ્છા થઈ આવે કે આ તો શેક્સપિયરનાં રોમિયો-જુલિયટની સ્ટારક્રૉસ્ડ લવર્સ ટાઇપની સ્ટોરી છે. આ જ સ્ટોરી પર આપણા ફિલ્મમેકરોએ મુગલ-એ-આઝમ, દેવદાસ, બૉબી, એક દૂજે કે લિએથી લઈને કયામત સે કયામત તક, ઇશકઝાદે, રામલીલા, બાજીરાવ-મસ્તાની જેવી ફિલ્મો છાપ-છાપ કરી છે. ઇસ મેં નયા ક્યા હૈ? તો જવાબ મળે, કંઈ કહેતા કંઈ જ નહીં.

પ્રૉબ્લેમ એ છે કે રાકેશ મહેરા પાસે કહેવા માટે સ્ટાઇલિશ પ્રેઝન્ટેશન સિવાય કશું જ નવું નથી. ફિલ્મનાં પાત્રો પણ જાણે કંટાળી ગયાં હોય એમ ઝાઝી કશી વાત કર્યા વગર, વિચાર્યા વગર બેવકૂફની જેમ ભાગાભાગી કરી મૂકે છે.

મિર્ઝા-સાહિબાંની જોડી એકબીજાના તો ગળાડૂબ પ્રેમમાં બતાવાઈ છે, પણ એ પ્રેમ ભંગાર ટેલિકૉમ નેટવર્કની જેમ આપણા હૃદય સુધી કનેક્ટ થતો જ નથી. તેમની કોઈ જ આગવી પર્સનાલિટી આપણી સામે નથી આવતી. શેક્સપિયરને અંજલિ આપવા માટે ગુલઝારસાહેબે યુ ટૂ, બ્રૂટસ? જેવા સાહિત્યિક સંવાદો મૂક્યા છે, પણ વાર્તાને આગળ વધારે અને યાદ રહી જાય એવા ચોટદાર સંવાદો લદ્દાખના પહાડોમાં જ ક્યાંક ખોવાઈ ગયા છે. સ્ટાર્ટ ટુ ફિનિશ આખી ફિલ્મ એ હદે પ્રિડિક્ટેબલ છે કે તમે પહેલી પાંચ મિનિટમાં જ એનો અંત કળી શકો.

એટલું માનવું પડે કે અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર એકદમ કૉન્ફિડન્ટ લાગે છે. જોકે ચહેરા પર ઊગેલી કેશવાળીમાં તેના ચહેરા પરના હાવભાવ ઓછા દેખાય છે. બીજા સારા રોલમાં તેનો આવો જ કૉન્ફિડન્સ દેખાય તો ખબર પડે કે એ લાંબી રેસનો ઘોડો છે કે કેમ. સૈયામી ખેર પણ ફિલ્મની સિનેમૅટોગ્રાફીની જેમ એકદમ ગૉર્જિયસ દેખાય છે. જોકે સૈયામી ખેર કરતાં પણ આપણું ધ્યાન ખેંચે એવી એક યુવતી અંજલિ પાટીલ આ ફિલ્મમાં ઝીનતના પાત્રમાં છે. પોતાની અંદરની પીડા બખૂબી વ્યક્ત કરી શકતી એ છોકરી આ ફિલ્મની સાચી ડિસ્કવરી છે. રજવાડી ઠાઠમાં ફરતા કે. કે. રૈના, અર્ત મલિક, જમ્પ મારીને ઘોડા પર ચડી જતો અનુજ ચૌધરી વગેરે પણ આ ફિલ્મમાં છે; પરંતુ એ લોકો ઍક્ટર કરતાં માન્યવરના મૉડલ વધારે લાગે છે. ઓમ પુરીએ આ ફિલ્મમાં પડદા પાછળથી કૉમેન્ટરી કરી છે અને પડદા પર હથોડા ફટકાર્યા છે (કેમ કે ફિલ્મમાં તે લુહાર છે).

ઝિંદગી ગુલઝાર હૈ


સીધી ને સટ વાત છે, મ્યુઝિકલ ફિલ્મો પચાવી ન શકતા લોકો માટે આ ફિલ્મ નથી. જબરદસ્ત સિનેમૅટોગ્રાફી અને ગુલઝારે લખેલાં તથા આર્ટિસ્ટિક રીતે ફિલ્માવાયેલાં એક ડઝન કરતાં પણ વધુ ગીતો માણવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ માટે લાંબા થઈ શકાય. નહીંતર, આ ફિલ્મ કરતાં નવરાત્રિના પાસનો બંદોબસ્ત કરશો તો તમારી લવ-સ્ટોરીને વધુ ફાયદો થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK