ફિલ્મ-રિવ્યુ : મસ્તરામ

સસ્તી વાર્તાઓના શેક્સપિયરની પીડા, એંસીના દાયકાની અશ્લીલ પૉકેટબુક્સનો જમાનો ફરી જીવંત કરતી આ ફિલ્મ એક ઘોસ્ટ-રાઇટરની વેદના વ્યક્ત કરતી હોવા છતાં ઍડલ્ટ ઓન્લી જ છે


યશ મહેતા

અંગ્રેજીમાં એક જૂની કહેવત છે, સેક્સ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સેલેબલ પ્રોડક્ટ ઇન ધ વર્લ્ડ. સેક્સના પૅકેટમાં પૅક કરેલી કોઈ પણ વસ્તુ ધડાધડ વેચાઈ જાય. એંસીના દાયકાના ભારતમાં આવી જ એક પ્રોડક્ટ ભારે ચાલી હતી. ગંદાં પાનાં અને નબળા બાઇન્ડિંગ પર છપાયેલી સસ્તી પૉર્નોગ્રાફિક વાર્તાઓની ચોપડીઓ જેના પ્રકાશક કે લેખક વિશે કોઈને કશી જ ખબર ન હોય. લેખક તરીકે માત્ર મસ્તરામ એવું ભૂતિયા નામ લખેલું હોય. જાહેરમાં તો આવાં પુસ્તકો વેચવાં ગુનો કહેવાય, પણ અન્ડરગ્રાઉન્ડ માર્કેટમાં એની સખત ડિમાન્ડ રહેતી. ધારો કે કોઈ લેખકને પોતાનું ઘર ચલાવવા માટે આવી કથાઓ લખવી પડે તો? ત્યારે સર્જા‍ય ‘મસ્તરામ’ જેવી ફિલ્મ. ઍડલ્ટ કન્ટેન્ટની ડિશ તરીકે પેશ થઈ હોવા છતાં આશ્ચર્યજનક રીતે લેખકનું દદર્‍ વ્યક્ત કરતી ફિલ્મ છે.

સસ્તા સાહિત્યનો ભૂતિયા લેખક

એંસીના દાયકાના હિલ-સ્ટેશન મનાલીની વાત છે. એક સામાન્ય બૅન્ક-કારકુન રાજારામ વૈષ્ણવ (રાહુલ બગ્ગા) ખ્યાતનામ લેખક બનવાનાં સપનાં જુએ છે. આ સપનાંને વશ થઈને તે નોકરી દરમ્યાન પણ સાહિત્યનું સર્જન કરતો રહે છે. હવે તે મહાશય કંઈ ચેતન ભગત તો હતો નહીં કે બૅન્કની નોકરીમાં વાર્તા લખે અને રાતોરાત ફેમસ થઈ જાય. તેને તો બૉસ ચાર માણસની વચ્ચે ખખડાવી નાખે છે અને તેની સાહિત્યિક રચનાનો કરે છે ઘા. એ ઘા સીધો રાજારામના હૈયે વાગે છે અને તે નોકરીને લાત મારીને ઘરભેગો થઈ જાય છે. તેની પત્ની રેણુ (તારા-અલિશા બેરી) બિચારી સારી છે કે તેને તેના લેખક બનવાના સપનામાં સાથ આપે છે, પણ આ ભાઈની વેવલી સાહિત્યિક ભાષાવાળી નવલકથા છાપવામાં કોઈને રસ નથી. તો હવે કલમના ખોળે માથું રાખીને ઘર ચલાવવું કેવી રીતે?

છેવટે એક પ્રકાશક કહે છે કે તારી વાર્તામાં મસાલો ભભરાવ તો કંઈક લોકો ખરીદે. મસાલો એટલે કે સસ્તી પૉર્નોગ્રાફિક સામગ્રી એવું સમજી ગયેલો રાજારામ મસાલાની આખી બરણી જ ઠાલવી દે છે. પ્રકાશકને પણ લાગે છે કે આ વાર્તા વેચાય એવી તો છે પણ ખુલ્લેઆમ વેચીશું તો પસ્તાળ પડશે. એટલે સસ્તી પૉકેટબુક તરીકે આ વાર્તા છપાય છે અને લેખકના નામ તરીકે આવે છે, મસ્તરામ. રાજારામ પોતાની આસપાસના જ લોકોને પૉર્નોગ્રાફિક વાર્તાનાં પાત્રો તરીકે કલ્પીને અશ્લીલતાની ચરમસીમા જેવી કથાઓ ઢસડવા માંડે છે. માર્કેટમાં પણ લોકો વો વાલી કિતાબ દેના કહીને ચપોચપ ખરીદવા માંડે છે.

હવે રાજારામની સ્થિતિ એવી થાય છે કે તેનું પુસ્તક વેચાતું હોવા છતાં તે કોઈને કહી શકે એમ નથી કે આ પુસ્તકનો લેખક પોતે છે! પરંતુ એક દિવસ આવીને ઊભો રહે છે કે રાજારામ વૈષ્ણવ જ મસ્તરામ છે. હવે?

રોટી માટે બોટી વેચવાનો ખેલ

જ્યારે ઇન્ટરનેટ-મોબાઇલ ફોન નહોતાં અને પૉર્નસામગ્રી આટલી સુલભ નહોતી ત્યારે સેક્સનાં રસપ્રચુર વર્ણનો કરતી સસ્તી પૉકેટબુક્સનો જમાનો હતો (અત્યારે મસ્તરામનું સ્થાન સવિતાભાભીએ લીધું છે). ગલગલિયાં કરાવે અને જી લલચાએ રહા ન જાએ ટાઇપની આવી બુક્સ ન્યુઝ-સ્ટૅન્ડ્સ પર કાઉન્ટરની નીચેથી ચોરીછૂપે વેચાતી. હૉસ્ટેલથી લઈને આર્મીના જવાનો અને શોખીનો પોતાના બાથરૂમમાં પુરાઈને એ વાંચતા, પરંતુ આવી વાર્તા લખવા પાછળ એક લેખકને પોતાનું ઘર ચલાવવાની મજબૂરી પણ હોઈ શકે એવી કલ્પના ડિરેક્ટર અખિલેશ જયસ્વાલની ફિલ્મ ‘મસ્તરામ’માં કરવામાં આવી છે. અખિલેશ અગાઉ અનુરાગ કશ્યપની ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ માટે સંવાદો લખી ચૂક્યા છે. ‘મસ્તરામ’માં એક પણ જાણીતો કલાકાર નથી છતાં ફિલ્મનાં પાત્રો, તેમના સંવાદો અને મનાલીનાં લોકેશન્સ જબરદસ્ત વાસ્તવિક લાગે છે.

ગ્લૉસી ઝાકઝમાળવાળા માહોલમાં કોઈ યુવાનને લેખક બનવું હોય એવી વાર્તા આપણે હમણાં જ ‘૨ સ્ટેટ્સ’માં જોઈ, પરંતુ એક નાનકડા હિલ-સ્ટેશનમાં લેખક બનવાની મહત્વાકાંક્ષા સેવતા યુવાને કેવી-કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે એનું આબેહૂબ ચિત્રણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. સાથોસાથ એ કડવી વાસ્તવિકતા પણ ખરી કે યુગ કોઈ પણ હોય, લોકોને શિક્ટ કરતાં અશિક્ટ સાહિત્ય જ વધારે આકર્ષે છે.

ફિલ્મનો મોટો લોચો એ છે કે સસ્તું સાહિત્ય લખતો લેખક એક્ઝૅક્ટ્લી શું લખતો હશે એ બતાવવા માટે ફિલ્મ-મેકર પોતે જ ગલગલિયાંની ગલીમાં ઘૂસી ગયા છે. મસ્તરામની અશ્લીલ વાર્તાઓનાં પાનાં અહીં હિન્દી કૉમેન્ટ્રી સાથે સીધાં જ પડદા પર રમતાં કરી દેવામાં આવ્યાં છે. એટલે ઑડિયન્સમાંથી વલ્ગર કમેન્ટ્સનો જાણે વરસાદ થાય છે. ઉપરથી ફિલ્મ-મેકરે ફિલ્મના પોસ્ટરથી લઈને ઢગલાબંધ દૃશ્યોમાં સજેસ્ટિવ ચાળાનો સહારો લીધો છે જે જોઈને અગેઇન ઑડિયન્સમાંથી અશ્લીલતાસૂચક સીટીઓ વાગે છે. જાણે પડદા પર જ કોઈ સસ્તી પૉકેટબુક આકાર લેતી હોય એવું લાગે છે.

મસ્તરામ બનતા ઍક્ટર રાહુલ બગ્ગાના ચહેરા પર ખાસ એક્સપ્રેશન્સ નથી આવતાં, પણ નાસીપાસ લેખક તરીકે તે ઘણે અંશે કન્વિન્સિંગ લાગે છે. નવોદિત હિરોઇન તારા અલિશા બેરી ભારે ક્યુટ દેખાય છે, પણ બિચારીના ભાગે એક સ્કિન શોવાળા ગીતને બાદ કરતાં ખાસ મહેનત કરવી પડે એવું કોઈ કામ નથી, પરંતુ સૌથી વધુ જલસો કરાવે છે પ્રકાશક જીજા-સાલા બનતા બન્ને કલાકાર. તેમની ઍક્ટિંગ અને તેમના મોઢે બોલાયેલા સંવાદો આખી ફિલ્મનું સૌથી સ્ટ્રૉન્ગ પાસું છે. ડિરેક્ટર અખિલેશ જયસ્વાલ અને રાઇટર ગુંજન સક્સેનાએ સશક્ત વાર્તા સર્જી‍ હોવા છતાં એ એક નાનકડા ગામના એક લેખકની વાર્તા બનીને રહી જાય છે. આવી સસ્તી પૉકેટબુક્સના આખા ઇન્ડિયામાં ફેલાયેલા ફિનૉમિનનને સમજાવવાના સ્તર સુધી પહોંચવાનો પ્રયત્ન પણ અહીં નથી કરવામાં આવ્યો.

‘મસ્તરામ’ મસ્ટ વૉચ ખરી?

જો તમે અઢાર વર્ષથી ઉપરની ઉંમરના હો, અશ્લીલતા જોવા-સાંભળવાનો ભયંકર છોછ ન હોય અને કોઈ જમાનામાં તમે પણ કુતૂહલવશ આવી કોઈ સસ્તી પૉકેટબુક વાંચી હોય તો આ ફિલ્મ એક વાર જોવા જેવી ખરી. હા, ફૅમિલી ઑડિયન્સે તો આ ફિલ્મથી સલામત અંતર રાખવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK